કૈલાસના રહસ્યો : એક રોમાંચક સફર
પ્રકરણ : 14 : સંમતિ
બહાર બરફનું તોફાન તેના પૂરજોશમાં હતું. પવનના સુસવાટા લાકડાના મઠની દીવાલો સાથે અથડાઈને કોઈ રડતા બાળકની જેમ ચીસો પાડી રહ્યા હતા. પણ અંદર... અંદર ધૂણીના પ્રકાશમાં એક અલગ જ દુનિયા હતી. સાધુ મહારાજનો પ્રસ્તાવ સાંભળીને અમે બંને—હું અને વનિતા—એકદમ ટટ્ટાર થઈ ગયા. તાશીનોર્બુ પણ પોતાના હાથ ઘસતો શાંત બેઠો હતો, જાણે તે કોઈ જૂની યાદ તાજી કરી રહ્યો હોય.
"બોલો મહારાજ," મેં આતુરતાથી કહ્યું. "અમે સાંભળવા તૈયાર છીએ."
સાધુ મહારાજે તાશીનોર્બુ તરફ ઈશારો કર્યો. "પહેલાં તાશીની વાત સાંભળો. આ ભોળો પહાડી માણસ છે, એ જૂઠું બોલતા નથી શીખ્યો. એણે જે જોયું છે, તે તમારા વિજ્ઞાન માટે ભલે અંધશ્રદ્ધા હોય, પણ અમારા માટે પ્રમાણ છે."
તાશીનોર્બુ થોડો સંકોચાયો. તેણે ધૂણીમાં એક લાકડું નાખ્યું અને ઊંડો શ્વાસ લીધો. તેની આંખોમાં ભય અને આદર બંને હતા.
"સાહેબ," તાશીનોર્બુએ ધીમા અવાજે શરૂઆત કરી, જાણે તે કોઈ ગુપ્ત વાત કહી રહ્યો હોય. "તમે લોકો જેને 'યેતિ' અથવા 'હિમમાનવ' કહીને મજાક ઉડાવો છો, કે જેને શોધવા વિદેશીઓ કેમેરા લઈને આવે છે... એ કોઈ જાનવર નથી."
"તો શું છે?" વનિતાએ પૂછ્યું.
"એ 'ક્ષેત્રપાળ' છે," તાશીનોર્બુએ કહ્યું. "રક્ષક."
તેણે પોતાની વાત આગળ વધારી, "ત્રણ વર્ષ પહેલાંની વાત છે. હું ઉત્તર તરફના એક ઘાટ પર હતો, જ્યાં સામાન્ય રીતે કોઈ જતું નથી. અચાનક હવામાન બગડ્યું—બિલકુલ આજની જેમ. હું રસ્તો ભૂલી ગયો. બરફ એટલો પડતો હતો કે હાથને હાથ દેખાતો નહોતો. મને લાગ્યું કે આજે મારો અંતિમ દિવસ છે. હું એક ગુફા જેવી જગ્યાએ આશરો લઈને બેઠો અને મણિ મંત્રનો જાપ કરવા લાગ્યો."
તાશીનોર્બુની આંખો પહોળી થઈ. "ત્યારે મેં જોયું... બરફના તોફાનની વચ્ચેથી એક વિશાળ આકૃતિ આવી રહી હતી. તે દસ ફૂટથી પણ ઊંચી હતી. તેનું આખું શરીર સફેદ વાળથી ઢંકાયેલું હતું."
"શું તેણે તારા પર હુમલો કર્યો?" મેં પૂછ્યું, મારા મનમાં હોલિવૂડની ફિલ્મોના દ્રશ્યો હતા.
"ના," તાશીનોર્બુએ માથું ધુણાવ્યું. "એ જ તો વાત છે સાહેબ. જો એ જાનવર હોત તો મને મારી નાખત. પણ એ ત્યાં ઊભું રહ્યું. તેની આંખો... ઓહ! તેની આંખો જાનવરની નહોતી. તેમાં મનુષ્ય જેવી કરુણા અને એક યોગી જેવી શાંતિ હતી. તે મારી સામે જોતું રહ્યું, જાણે મારું અવલોકન કરતું હોય. મને એવું લાગ્યું કે તે મારી ’આભા' તપાસી રહ્યું છે."
"પછી શું થયું?"
"તેણે હાથ ઊંચો કર્યો અને એક દિશા તરફ ઈશારો કર્યો. અને સાહેબ, માનશો નહીં... હું જેવો એ દિશામાં ચાલ્યો, તોફાન ધીમું પડી ગયું અને મને નીચે ઉતરવાનો રસ્તો મળી ગયો. જ્યારે મેં પાછું વળીને જોયું, તો ત્યાં કોઈ નહોતું. બરફમાં પગલાં પણ નહોતા."
સાધુ મહારાજ વચ્ચે બોલ્યા, "બેટા, શાસ્ત્રો કહે છે કે કૈલાસ જેવા સિદ્ધ સ્થાનોની રક્ષા માટે કુદરતે અમુક શક્તિઓ મૂકેલી છે. યેતિ એ બીજું કશું નથી, પણ આ વિસ્તારનો 'દ્વારપાળ' છે. તે માત્ર એવા લોકોને જ દેખાય છે જેમની ઊર્જા શુદ્ધ હોય. જેઓ અહંકાર લઈને આવે છે, તેમના માટે તે રાક્ષસ છે. જેઓ શરણાગતિ લઈને આવે છે, તેમના માટે તે માર્ગદર્શક છે."
તાશીનોર્બુએ આગળ કહ્યું, "અને સાહેબ, પ્રકાશ... તેજપુંજ!"
"પ્રકાશ?" મારા કાન સરવા થયા.
"હા. ઘણીવાર અમાસની રાત્રે, જ્યારે પહાડ પર કોઈ માણસ નથી હોતો, ત્યારે મેં કૈલાસની તળેટીમાં અને માનસરોવર ઉપર પ્રકાશના દડા ઉડતા જોયા છે. તે લાલ, લીલા કે સોનેરી રંગના હોય છે. તે ઉડે છે, નાચે છે અને પછી બરફમાં સમાઈ જાય છે. અમે તેને 'દેવતાઓનું નૃત્ય' કહીએ છીએ."
મારું વૈજ્ઞાનિક મગજ તરત જ સક્રિય થયું. મેં વનિતા સામે જોયું. "વનિતા, યાદ છે? ભૌતિકશાસ્ત્રમાં આપણે 'પ્લાઝમા' અને ’ જૈવ પ્રકાશ' વિશે ભણ્યા છીએ. પણ આ... આ કદાચ એનાથી આગળનું છે."
"હા હાર્દિક," વનિતાએ ઉત્સાહથી કહ્યું. "આઈન્સ્ટાઈન કહેતા હતા કે 'ઊર્જાનું સર્જન કે વિનાશ નથી થતો, માત્ર રૂપાંતર થાય છે'. આ સિદ્ધ યોગીઓ... જેમણે પોતાના શરીરને સંપૂર્ણ ઊર્જામાં ફેરવી નાખ્યું છે... કદાચ આ એમના 'સૂક્ષ્મ શરીર' હોઈ શકે?"
"બિલકુલ સાચું!" સાધુ મહારાજે તાળી પાડી. "તમે જેને ઉર્જા રૂપ' કહો છો, તેને અમે 'દિવ્ય દેહ' કહીએ છીએ. આ પહાડોમાં હજારો વર્ષ જૂના ઋષિઓ આજે પણ તપસ્યા કરે છે, પણ સ્થૂળ શરીરે નહીં, પ્રકાશપુંજ સ્વરૂપે. તમારી આંખો માંસ અને ચામડી જોવા ટેવાયેલી છે, એટલે તમને આ જાદુ લાગે છે."
મારા મગજમાં ઝબકારો થયો. તો શું નિકોલાઈની ડાયરીમાં જે ’ગ્લો ઇન ધ ડાર્ક' નો ઉલ્લેખ હતો તે આ જ હતું?
"મહારાજ," મેં મારી બેગ તરફ હાથ લંબાવ્યો. મારી અંદર એક ધ્રુજારી હતી. "તમે આટલું બધું જાણો છો... તો કદાચ તમે આ પણ જાણતા હશો."
મેં બેગના તળિયે સંતાડેલી, કપડામાં વીંટાળેલી પેલી કાળી, બળેલી ડાયરી બહાર કાઢી.
"આ જુઓ."
જેવી મહારાજની નજર એ ડાયરી પર પડી, તેમના ચહેરા પરના ભાવ બદલાઈ ગયા. જે શાંતિ હતી, તેની જગ્યાએ એક આઘાત અને જૂની સ્મૃતિનું મોજું ફરી વળ્યું. તેમણે ધ્રૂજતા હાથે ડાયરી લીધી. તેને ખોલ્યા વગર જ, માત્ર તેના પૂંઠા પર હાથ ફેરવીને તેમણે આંખો બંધ કરી દીધી.
"નિકોલાઈ..." મહારાજ ધીમેથી બબડ્યા. "નિકોલાઈ પેટ્રોવ."
હું અને વનિતા સ્તબ્ધ થઈ ગયા. "તમે... તમે એને ઓળખતા હતા?"
મહારાજે આંખો ખોલી. તેમાં કોઈ ભાવ દેખાતા નહોતા. "ઓળખતો હતો? બેટા, આજથી ૨૫ વર્ષ પહેલાં, બરાબર આવી જ એક તોફાની રાત્રે, નિકોલાઈ આ જ જગ્યાએ બેઠો હતો જ્યાં અત્યારે તું બેઠો છે."
અમારા રુંવાડા ઊભા થઈ ગયા. ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું હતું.
"તે રશિયાથી આવ્યો હતો," મહારાજે ભૂતકાળને યાદ કરતા કહ્યું. "તમારી જેમ જ. વિજ્ઞાનના સાધનો લઈને. તે કહેતો હતો કે તેને 'શંભલા' શોધવું છે. તે સમયે હું જુવાન હતો. મેં તેને કહ્યું હતું કે યંત્રોથી ભગવાન ન મળે. પણ તે હઠીલો હતો."
"પછી શું થયું?" વનિતાએ શ્વાસ રોકીને પૂછ્યું.
"તે આગળ વધ્યો. તે કૈલાસની દક્ષિણ દિશામાં, જ્યાં કોઈ જતું નથી—ત્યાં ગયો. મહિનાઓ સુધી તે ગાયબ રહ્યો. બધાએ માની લીધું કે તે મરી ગયો. પણ એક દિવસ... તે પાછો આવ્યો."
મહારાજનો અવાજ હવે ગંભીર થઈ ગયો. "પણ જે પાછો આવ્યો, તે નિકોલાઈ નહોતો. તેનું શરીર એ જ હતું, પણ તેની અંદર કંઈક બદલાઈ ગયું હતું. તેની ઉંમર અચાનક ૨૦ વર્ષ વધી ગઈ હોય તેમ લાગતું હતું. તેના વાળ સફેદ થઈ ગયા હતા, ચામડી લટકી ગઈ હતી. તે કંઈક બબડતો હતો... 'સમય... ત્યાં સમય નથી... ત્યાં બધું એકસાથે છે... ભૂત, ભવિષ્ય, વર્તમાન... બધું એક બિંદુ છે'."
"લોકોએ કહ્યું તે પાગલ થઈ ગયો છે," મહારાજે આગળ કહ્યું. "પણ હું જાણતો હતો કે તે પાગલ નથી. તે એક એવી 'પરિમાણ' (ડાયમેન્શન) ને સ્પર્શીને આવ્યો હતો જેને માનવ મગજ સહન નથી કરી શકતું. અમે તેને 'જ્ઞાનગંજ' અથવા 'સિદ્ધાશ્રમ' કહીએ છીએ."
"જ્ઞાનગંજ?" મેં પૂછ્યું.
"હા. એક એવી ગુપ્ત જગ્યા જે આ પૃથ્વી પર છે છતાં પૃથ્વીથી અલગ છે. ત્યાં અમર આત્માઓ રહે છે. નિકોલાઈ ત્યાં સુધી પહોંચી ગયો હતો, પણ તેની તૈયારી નહોતી. ઉચ્ચ વિદ્યુત પ્રવાહ જેમ નબળા તારને બાળી નાખે, તેમ એ ઉર્જાએ તેના મગજના ચેતાતંતુઓ બાળી નાખ્યા હતા."
મહારાજે ડાયરી મારી સામે ધરી.
"બેટા, આ ડાયરીમાં જે નકશો છે, તે એ જ રસ્તાનો છે. પણ સાવધાન રહેજે." મહારાજે ચેતવણી આપી. "આ ડાયરીમાં જે રસ્તો દોરેલો છે, તે સાચો છે, પણ અધૂરો છે."
"અધૂરો?"
"હા. નિકોલાઈ જ્યારે અહીંથી પાછો ફર્યો, ત્યારે તે થોડા દિવસ એક ગામમાં રોકાયો હતો. તેણે પોતાનું બાકીનું જ્ઞાન, જે તે લખી નહોતો શક્યો, તે એક વ્યક્તિને સોંપ્યું હતું."
"કોને?" મારી ઉત્સુકતાનો પાર નહોતો.
"એક પહાડી માણસને. જેણે તેની સેવા કરી હતી. જેનું નામ..." મહારાજ અટક્યા અને મારી આંખોમાં જોયું. "...જેનું નામ ગુરુંગ છે."
મારા અને વનિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ.
"ગુરુંગ ? ક્યારે ગામવાળા ગુરુંગ? ઝૂંપડીમાં રહે છે તે ? " વનિતા આશ્ચર્યથી બોલી.
"તો તમે ગુરુંગને જાણો છો ?“ અમારી તરફ જોઈ મહારાજ બોલ્યા.
"હા, અમે પેહલા તેમની પાસે ગયા હતા. તેઓ અમને અમારા સંકલ્પના શિખરે પહોંચાડશે, પરંતુ અમારી આ યાત્રા માટે અમારું શરીર તૈયાર નહોતું એટલે અમને તેને પાછા વાળ્યા." મેં ટૂંકમાં પતાવ્યું.
“તો હવે ફરી એ જ રસ્તે ? કે પછી નિર્ણય બદલ્યો ?“ મહારાજે અમારો આગળનો રસ્તો જાણવા પ્રયાસ કર્યો.
“ના એ જ રસ્તે,અમે ફરી ગુરુંગ પાસે જઈશું કદાચ હવે અમે શારિરીક અને માનસિક રીતે તૈયાર છીએ.હવે ગુરુંગ અમને પાછા મોકલે તો અમારી પગદંડી અમે ખુદ બનાવીશું." મક્કમતા થી મે મારો નિર્ણય જણાવ્યો.
"હા," મહારાજે હસીને કહ્યું. "એટલે જ કદાચ આ તોફાન, આ મુલાકાત... કશું જ આકસ્મિક નથી. તમે ગુરુંગ પાસે ગયા હતા, પણ તે તમને પાછા કાઢ્યા. કેમ? કારણ કે તમારી પાસે શરીરની તાકાત નહોતી. હવે તમારી પાસે તાકાત છે, તમારી પાસે જ્ઞાન છે, અને તમારી પાસે આ ડાયરી છે.એટલે હવે તમે મુસાફર નથી…."
" અમે હવે તૈયાર થયેલા યોદ્ધા છીએ.“ મારાથી વચ્ચે બોલી જવાયું.
મહારાજે નિષ્કર્ષ આપ્યો, "તમારી પાસે તાળું છે , અને ગુરુંગ પાસે ચાવી છે. હવે તમે તેની પાસે જશો, તો કદાચ તે તમને ના નહીં પાડે. કારણ કે નિકોલાઈએ તેને કહ્યું હતું કે—'એક દિવસ કોઈ આવશે, આ ડાયરી લઈને. ત્યારે તેને એ રસ્તે લઈ જજે જ્યાં હું અધૂરો રહ્યો હતો'."
આખી રાત તોફાન ચાલતું રહ્યું,પણ અમારા મનમાં શાંતિ હતી.અમને કડીઓ મળી ગઈ હતી.ડૉ.મુલદાસેવ,હું, અઘોરી,નિકોલાઈ,ગુરુંગ,દોર્જે,સ્વામીજી અને —આ બધા એક જ માળાના મણકા હતા અને અમે એ દોરો હતા જેમને આ બધામાંથી પસાર થવાનું હતું.
સવાર પડી ત્યારે આકાશ કાચ જેવું ચોખ્ખું હતું. તોફાન શમી ગયું હતું. બરફથી ઢંકાયેલા વૃક્ષો હીરાની જેમ ચમકતા હતા.
અમે તૈયાર થયા. તાશીનોર્બુએ અમને રસ્તો બતાવ્યો.
"સાહેબ," તાશીનોર્બુએ જતી વખતે કહ્યું. "જો તમને ક્યારેય પેલો પ્રકાશ દેખાય, તો ડરતા નહીં. બસ આંખો બંધ કરીને નમસ્કાર કરજો. તે રસ્તો બતાવશે."
અમે સ્વામીજીના ચરણસ્પર્શ કર્યા.
"જાઓ," સ્વામીજીએ આશીર્વાદ આપ્યા. "ગુરુંગને કહેજો કે 'તાતોપાનીના ફકીરે મોકલ્યા છે, વર્તુળ પૂરું થયું'. અને હા, નિકોલાઈનું કામ પૂરું કરજો."
તાતોપાનીના એ પ્રાચીન મઠના લાકડાના ઉંબરા પર અમે ઊભા હતા. પાછલી રાતે જે તોફાન આવ્યું હતું, તેણે બહારની સૃષ્ટિને ધમરોળી નાખી હતી, પણ અમારી ભીતર એક વિચિત્ર પ્રકારની સ્વચ્છતા કરી નાખી હતી. સ્વામી સત્યાનંદ અને તાશીનોર્બુ અમને વળાવવા બહાર આવ્યા હતા. સવારનો તડકો બરફ આચ્છાદિત દેવદારના વૃક્ષો પર પડી રહ્યો હતો, જેના કારણે આખું જંગલ હીરાની જેમ ઝગમગી રહ્યું હતું. પણ આ સુંદરતા હવે અમને આકર્ષતી નહોતી; અમારી નજર તો હવે પેલી અદૃશ્ય દુનિયા પર હતી જેની વાત રાત્રે થઈ હતી.
સ્વામીજીએ મારા ખભા પર હાથ મૂક્યો. તેમનો સ્પર્શ હળવો હતો, છતાં તેમાં પહાડ જેવી ગંભીરતા હતી.
"બેટા," સ્વામીજીએ મારી આંખોમાં જોઈને કહ્યું, "યાદ રાખજે, જ્ઞાન એ કોઈ મિલકત નથી જેને તિજોરીમાં ભરી શકાય. જ્ઞાન એ તો વહેતી નદી છે. નિકોલાઈની ડાયરી તારા હાથમાં છે, પણ એ ડાયરીનું સત્ય તારા લોહીમાં ઉતરવું જોઈએ. ગુરુંગ કોઈ સામાન્ય માણસ નથી. તે આ પહાડોનો અવાજ છે. તેની કઠોરતાને તેનું અભિમાન ન સમજતો, એ તેની સુરક્ષા વ્યવસ્થા છે."
મેં સ્વામીજીના ચરણસ્પર્શ કર્યા. જ્યારે હું નીચે ઝૂક્યો, ત્યારે મને લાગ્યું કે હું માત્ર એક સાધુને નહીં, પણ એક જીવંત ઈતિહાસને નમન કરી રહ્યો છું. વનિતાએ પણ આશીર્વાદ લીધા. તાશીનોર્બુએ અમને એક સાંકડી પગદંડી તરફ ઈશારો કર્યો.
"આ રસ્તો સીધો ક્યારે ગામની પાછળ નીકળે છે," તાશીનોર્બુએ ચેતવણી આપી. "પણ સંભાળજો. આ રસ્તા પર 'ભ્રમ' બહુ થાય છે. ઘણીવાર રસ્તો સીધો લાગે છે પણ ખરેખર તે ખીણમાં જતો હોય છે. તમારી નજર પગલાં પર રાખજો, ક્ષિતિજ પર નહીં."
અમે મઠમાંથી વિદાય લીધી. અમારી પીઠ પાછળ મઠનો દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો, જાણે સુરક્ષાનું એક કવચ અમારી પાછળ બંધ થઈ ગયું હોય અને હવે અમે ખુલ્લા મેદાનમાં એકલા હતા.
તાતોપાનીથી ક્યારે ગામ તરફનો રસ્તો કોઈ સામાન્ય ટ્રેકિંગ રૂટ નહોતો. અહીં પક્ષીઓનો કલરવ નહોતો, પણ પવનનું એક સતત ગુંજન હતું—એક એવો અવાજ જે સાંભળવા માટે કાન નહીં, પણ ચેતનાની જરૂર પડે. અમે ચૂપચાપ ચાલી રહ્યા હતા. અમારા બૂટ નીચે કચડાતા સુકા પાંદડા અને બરફનો 'ચરર... ચરર...' અવાજ જ માત્ર અમારા અસ્તિત્વનો પુરાવો હતો.
ચાલતા ચાલતા મારું મન રાતની ઘટનાઓને વાગોળી રહ્યું હતું. યેતિ... પ્રકાશપુંજ... અને નિકોલાઈનું પાગલપન. એક ભૂગોળના જાણકાર તરીકે મારું મગજ હજી પણ તર્ક શોધતું હતું. શું ખરેખર કોઈ બીજી દુનિયા હોઈ શકે? શું 'સમયનું વિસ્તરણ’ (ટાઈમ ડાઈલેશન ) માત્ર બ્લેક હોલ પાસે જ નહીં, પણ પૃથ્વી પર પણ શક્ય છે? આઈન્સ્ટાઈનની થીયરીઓ મારા મગજમાં ભમતી હતી, પણ અહીંનું વાતાવરણ એ થીયરીઓને તોડી રહ્યું હતું.
"હાર્દિક..." વનિતાએ લાંબુ મૌન તોડ્યું. તેનો અવાજ જંગલની શાંતિમાં કંપારી જેવો લાગ્યો.
"હં?" મેં પાછળ જોયા વગર જ જવાબ આપ્યો. હું આગળ ચાલીને રસ્તો સાફ કરી રહ્યો હતો.
"તમને ડર નથી લાગતો?" તેણે પૂછ્યું. "સ્વામીજીએ કહ્યું કે નિકોલાઈ પાગલ થઈ ગયો હતો. તેનું શરીર ઘરડું થઈ ગયું હતું. જો આપણી સાથે પણ એવું થયું તો? જો આપણે ત્યાં પહોંચીએ અને પાછા ફરીએ ત્યારે સુરતમાં પચાસ વર્ષ વીતી ગયા હોય તો? આપણા મા-બાપ... આપણા મિત્રો... કદાચ કોઈ જીવતું પણ નહીં હોય."
તેનો પ્રશ્ન કોઈ તીક્ષ્ણ બરફની કણીની જેમ મારા કાળજામાં ભોંકાયો. આ વિચાર મને પણ આવ્યો હતો, પણ મેં તેને દબાવી દીધો હતો. 'ઈન્ટરસ્ટેલર' મુવીની જેમ, સમયની સાપેક્ષતા એક ક્રૂર સત્ય બની શકે છે.
મેં ચાલવાનું બંધ કર્યું અને પાછળ ફર્યો. વનિતાના ચહેરા પર પરસેવો અને ચિંતા બંને હતા. તેની આંખોમાં એક ભય હતો—મૃત્યુનો નહીં, પણ વિરહનો.
"વનિતા," મેં તેની નજીક જઈને તેનો હાથ પકડ્યો. "આપણે જ્યારે સુરતથી નીકળ્યા, ત્યારે જ આપણે એક જીવન છોડી દીધું હતું. આપણે હવે સામાન્ય સમયરેખા પર નથી જીવતા. આપણે એક અલગ જ પ્રવાહમાં છીએ. અને જો સત્ય જાણવાની કિંમત 'સમય' હોય, તો આપણે તે ચૂકવવી પડશે."
"પણ આપણું અસ્તિત્વ?"
"આપણું અસ્તિત્વ હવે એકબીજામાં છે," મેં તેની આંખોમાં આંખ પરોવીને કહ્યું. "જ્યાં સુધી આપણે સાથે છીએ, ત્યાં સુધી સમય ભલે ગમે તેટલો ઝડપી કે ધીમો ચાલે, આપણી દુનિયા સલામત છે. નિકોલાઈ એકલો હતો, એટલે તે તૂટી ગયો. આપણે બે છીએ."
મારા શબ્દોથી તેને થોડી હિંમત મળી હોય તેમ લાગ્યું. અમે ફરી ચાલવાનું શરૂ કર્યું.
હાડ થીજાવે ટાઢ ભલે, રક્ત તો ધગધગે છે,
મડદું નથી ચાલતું કોઈ, આ તો ચેતના ઝળહળે છે.
મેં મને જ હિંમત આપી. રસ્તામાં એક જગ્યાએ પહાડનો ઢોળાવ એટલો સીધો હતો કે નીચે જોતા જ ચક્કર આવી જાય. હજારો ફૂટ નીચે ખીણમાં ધુમ્મસ તરતું હતું. પહેલાં હું અહીં ડરી ગયો હોત, પણ દોર્જેની તાલીમ હવે નસોમાં વહેતી હતી. મારા પગમાં એક વિચિત્ર તાકાત હતી. સ્નાયુઓ દુખતા નહોતા, શ્વાસ ચડતો નહોતો. છત્રીસ કલાકના ઉપવાસ અને ઓછા ઓક્સિજનવાળા વાતાવરણમાં શરીરને કાર્ય કરવા માટે સક્ષમ બનાવવાની તાલીમેં મારા શરીરને એક મશીન બનાવી દીધું હતું. હું અનુભવી શકતો હતો કે મારું શરીર હવે ઓક્સિજન માટે ભીખ નથી માંગતું, પણ જે મળે છે તેમાં સંતોષ માનીને બમણી ઊર્જા આપે છે.
"આપણે બદલાઈ ગયા છીએ, હાર્દિક," વનિતાએ મારી પાછળ મક્કમ ડગલાં ભરતા કહ્યું. "પહેલાં આપણે પહાડ પર ચડતા હતા, હવે લાગે છે કે પહાડ આપણને રસ્તો આપી રહ્યો છે."
બપોરના સમયે સૂર્ય માથા પર આવ્યો ત્યારે અમે ક્યારે ગામની સીમામાં પ્રવેશ્યા.ગામ એવું ને એવું જ હતું—શાંત, મધ્યાહ્નની નિદ્રાધીન અવસ્થામાં અને રહસ્યમય. લાકડાના મકાનોમાંથી નીકળતો ધુમાડો આકાશમાં ભળતો હતો. પણ આજે ગામનું દ્રશ્ય અમારી આંખોમાં અલગ હતું. જ્યારે પહેલીવાર આવ્યા ત્યારે આ ગામ અમને 'અંતિમ છેડો' લાગતું હતું, આજે આ ગામ અમને 'પ્રવેશદ્વાર' લાગતું હતું.
અમે ગેસ્ટ હાઉસ કે દુકાનો તરફ જોયું પણ નહીં. અમારું લક્ષ્ય માત્ર પેલી એકલી, અવાવરુ ઝૂંપડી હતી જે ગામના છેવાડે,બરફની ચાદરની બરાબર ધાર પર આવેલી હતી. જ્યાં ગુરુંગ રહેતો હતો.
અમે સાંજ પડતા ઝૂંપડીની નજીક પહોંચ્યા. મારા હૃદયના ધબકારા સામાન્ય હતા, પણ મગજમાં વિચારોનું વાવાઝોડું હતું. શું ગુરુંગ અમને ઓળખશે? શું તે અમને સ્વીકારશે? કે પછી ફરીથી અપમાનિત કરીને કાઢી મૂકશે? મારી બેગમાં રહેલી ડાયરી મને અત્યારે સો મણ ભારે લાગતી હતી.
ઝૂંપડીની બહારનું દ્રશ્ય એવું જ હતું જેવું અમે છોડીને ગયા હતા. ગુરુંગ ત્યાં જ, એક મોટા પથ્થર પર બેઠો હતો. તે કોઈ લાકડાના ટુકડાને પોતાના ધારદાર ખૂખરી (નેપાળી છરો) વડે છોલી રહ્યો હતો. તેના ચહેરા પરની કરચલીઓમાં બપોરનો તડકો ભરાયો હતો, પણ તેની આંખો છાયામાં હતી.
અમે નજીક ગયા. અમારા બૂટનો અવાજ આવ્યો, પણ ગુરુંગે માથું ઊંચું ન કર્યું. તે પોતાના કામમાં મશગૂલ રહ્યો. જાણે અમે અસ્તિત્વ જ ન ધરાવતા હોઈએ. આ ઉપેક્ષા અપમાનજનક હતી, પણ હું જાણતો હતો કે આ પણ એક કસોટી હોઈ શકે.
મેં વનિતાને ઈશારો કર્યો. અમે બંને તેની સામે જઈને ચૂપચાપ ઊભા રહી ગયા. પાંચ મિનિટ... દસ મિનિટ... પંદર મિનિટ.
અમે કંઈ બોલ્યા નહીં. ગુરુંગ પણ કંઈ બોલ્યો નહીં. માત્ર લાકડું છોલવાનો 'ખચ... ખચ...' અવાજ આવતો હતો. આ મૌન યુદ્ધ હતું. તે અમારી ધીરજ માપી રહ્યો હતો.
આખરે, ગુરુંગે ખૂખરી નીચે મૂકી. તેણે ધીમેથી માથું ઊંચું કર્યું. તેની પથરાળ આંખો અમારી પર સ્થિર થઈ. એ નજરમાં કોઈ લાગણી નહોતી, માત્ર એક તીક્ષ્ણ અવલોકન હતું. તેણે અમારા ચહેરા પરનો સૂર્યનો તાપ, અમારા કપડાં પરની ધૂળ અને અમારી ઊભા રહેવાની રીત જોઈ.
"પાછા આવ્યા?" તેનો અવાજ કોઈ સૂકા પાંદડા જેવો ખરબચડો હતો. "મને એમ કે ડરીને, પૂંછડી દબાવીને તમારા શહેરમાં ભાગી ગયા હશો. ત્યાં તો એસી અને ગાદલાં છે ને?"
તેના અવાજમાં કટાક્ષ હતો. તે અમને ઉશ્કેરવા માંગતો હતો.
"અમે ભાગવા માટે નથી આવ્યા, ગુરુંગ," મેં અત્યંત શાંત અને સંયમિત અવાજે જવાબ આપ્યો. મારા અવાજમાં હવે પહેલા જેવી ધ્રુજારી કે વિનંતી નહોતી, પણ એક બરાબરીનો રણકો હતો. "અમે તૈયાર થવા ગયા હતા. અને હવે અમે તૈયાર છીએ."
ગુરુંગ હસ્યો. એક ટૂંકું, તિરસ્કારભર્યું હાસ્ય.
"તૈયાર? કોણ નક્કી કરશે કે તમે તૈયાર છો? તમે પોતે?" તેણે જમીન પર થૂંક્યું. "શરીર પર થોડા સ્નાયુઓ બનાવી લેવાથી કે શ્વાસ રોકતા શીખી જવાથી,કે ઠંડી સહન કરવાથી કૈલાસ નથી મળતો, પ્રોફેસર. ત્યાં જવા માટે લોખંડના પગ નહીં, લોખંડનું કાળજું જોઈએ."
"અમારી પાસે બંને છે," વનિતાએ આગળ આવીને કહ્યું. તેનો અવાજ રણકદાર હતો. "અમે નરક જેવી ટ્રેનિંગ પૂરી કરી છે. અમે ૩૬ કલાક ભૂખ્યા રહીને બરફ તોડ્યો છે. અને..." વનિતાએ થોડો વિરામ લીધો, "અમે તાતોપાનીના મઠમાં રાત વિતાવી છે."
'તાતોપાની' શબ્દ સાંભળતા જ ગુરુંગના હાથમાં રહેલું લાકડું સ્થિર થઈ ગયું. તેની આંખોમાં એક ચમક આવી ગઈ.
"તાતોપાની?" તેણે આંખો ઝીણી કરી. "તમે એ પાગલ ફકીરને મળ્યા?"
"હા," મેં કહ્યું. "અને તેમણે તમને એક સંદેશો મોકલ્યો છે."
ગુરુંગ ઊભો થયો. તે ધીમે ધીમે અમારી તરફ આવ્યો. તેની ઊંચાઈ અને તેનો પડછાયો અમારા પર પડતો હતો.
"શું સંદેશો છે?" તેણે પૂછ્યું.
"તેમણે કહ્યું છે કે—'વર્તુળ પૂરું થયું છે'," મેં સ્વામીજીના શબ્દો દોહરાવ્યા.
આ વાક્ય સાંભળતા જ ગુરુંગના ચહેરાના ભાવ બદલાઈ ગયા. કઠોરતાની જગ્યાએ એક ક્ષણિક આશ્ચર્ય અને પછી ઊંડી ગંભીરતા આવી ગઈ. તે થોડીવાર આકાશ તરફ જોઈ રહ્યો, જાણે કોઈ જૂની યાદને તાજી કરતો હોય.
"વર્તુળ પૂરું થયું..." તે બબડ્યો. "એટલે કે સમય આવી ગયો છે."
પછી તેણે મારી સામે હાથ લંબાવ્યો. "લાવો. જે આપવા આવ્યા છો તે લાવો."
હું સમજ્યો નહીં. "શું?"
"નાટક બંધ કર, છોકરા," ગુરુંગનો અવાજ ફરી કડક થઈ ગયો. "જો સ્વામીએ તને અહીં મોકલ્યો હોય, તો તારી પાસે 'તે' હોવું જ જોઈએ. જેના માટે હું ૨૫ વર્ષથી આ પથ્થર પર બેસીને રાહ જોઉં છું."
મારો હાથ આપોઆપ મારી બેગ તરફ ગયો. મેં ધ્રૂજતા હાથે ચેઈન ખોલી. અંદર સૌથી નીચે, વોટરપ્રૂફ બેગમાં અને ગરમ કપડામાં લપેટેલી નિકોલાઈની ડાયરી હતી. મેં તે બહાર કાઢી. કાળી, બળેલી કિનારીઓ અને જૂના ચામડાની વાસ.
મેં ડાયરી ગુરુંગના હાથમાં મૂકી.
એ ક્ષણે વાતાવરણ બદલાઈ ગયું. પવન પણ થંભી ગયો હોય તેમ લાગ્યું. ગુરુંગે ડાયરી હાથમાં લીધી. તેના ખરબચડા, મજબૂત હાથોમાં એ નાનકડી ડાયરી કોઈ નાજુક પક્ષી જેવી લાગતી હતી. તેણે ડાયરી પર જામેલી અદ્રશ્ય ધૂળ ખંખેરી. તેના હાથ સહેજ ધ્રૂજ્યા—જે કદાચ ઠંડીથી નહીં, પણ લાગણીના આવેગથી હતા.
મને આશા હતી કે ડાયરી જોઈને તે ભાવુક થશે, કદાચ ભેટી પડશે, અથવા અમને આવકારશે. પણ ગુરુંગ તો ગુરુંગ હતો.
તેણે ડાયરીને ઉલટાવી-સુલટાવીને જોઈ. પછી તેણે એક તિરસ્કારભર્યું સ્મિત કર્યું અને ડાયરી મારી છાતી પર ફેંકી.
"કાગળ..." ગુરુંગે અત્યંત કડવાશથી કહ્યું. "કાગળ સાચવવો સહેલો છે, પ્રોફેસર. ઉધઈ પણ કાગળ સાચવી શકે છે. લાઈબ્રેરીના કબાટમાં પણ કાગળ સચવાય છે. સવાલ એ છે કે શું તમે આ કાગળમાં લખેલા શબ્દોનો ભાર ઉપાડી શકશો?"
હું ડઘાઈ ગયો. "મતલબ?"
"મતલબ એ કે નિકોલાઈ આ ડાયરી લખી શક્યો, પણ જીવી ન શક્યો," ગુરુંગ ગર્જ્યો. "તમે આ થોથું લઈને આવ્યા છો એનો અર્થ એ નથી કે તમે તેના માલિક બની ગયા. આ જ્ઞાન નથી, આ શ્રાપ છે. શું તમે શ્રાપ ઉપાડવા તૈયાર છો?"
"અમે તૈયાર છીએ," મેં દ્રઢતાથી કહ્યું. "અમે અહીં સુધી આવ્યા છીએ તે પાછા ફરવા માટે નહીં."
ગુરુંગ મારી સાવ નજીક આવ્યો. તેની અને મારી વચ્ચે માત્ર એક વેંતનું અંતર હતું. હું તેના શ્વાસની ગંધ પણ અનુભવી શકતો હતો—તમાકુ અને દેશી દારૂની મિશ્રિત ગંધ.
"તમે તૈયાર છો?" તેણે મારી આંખોમાં જોયું. "તમે શું જોયું છે? થોડા પથ્થરો ઉંચક્યા અને ભૂખ્યા રહ્યા એટલે તમને લાગે છે કે તમે કૈલાસને લાયક થઈ ગયા? ત્યાં ઉપર, જ્યાં હવા નથી હોતી, ત્યાં તમારો આ બધો આત્મવિશ્વાસ મોઢામાંથી ફીણ બનીને નીકળી જશે."
તેણે વનિતા તરફ જોયું. "અને આ? આને તો હું ફૂંક મારું તો ઉડી જાય. તું આને લઈને ત્યાં જઈશ? તને ખબર છે, ત્યાં લાશોને બાળવા માટે લાકડા પણ નથી મળતા. આને ત્યાં જ પથ્થરો નીચે દાટવી પડશે. શું તું તારી પત્નીને ત્યાં દાટવા તૈયાર છે?"
તેના શબ્દો અત્યંત ક્રૂર હતા. વનિતાનો ચહેરો ફિક્કો પડી ગયો, પણ તે પોતાની જગ્યાએથી હલી નહીં.
"અમે મરવા માટે તૈયાર છીએ, ગુરુંગ," મેં જવાબ આપ્યો. તેનો અવાજ ભલે ધીમો હતો પણ તેમાં કંપારી નહોતી. "પણ ડરીને જીવવા તૈયાર નથી."
ગુરુંગ થોડીવાર અમને તાકી રહ્યો. પછી તેણે આકાશ તરફ જોયું. સાંજ ઢળી રહી હતી અને ઉત્તર દિશામાંથી કાળાં, ભારે વાદળો ઘેરાઈ રહ્યાં હતાં. પવનની દિશા બદલાઈ રહી હતી. બરફના તોફાનના એંધાણ હતા.
"સારું," ગુરુંગે નિર્ણય સંભળાવ્યો. "વાતો બહુ મોટી કરો છો. હવે કામ કરવાનો સમય છે."
તે ઝૂંપડીના લાકડાના દરવાજા પાસે ગયો. તેણે દરવાજો ખોલ્યો નહીં, પણ તેની સામે ઊભો રહી ગયો.
"સાંભળો," ગુરુંગે આદેશ આપ્યો. "તમે કહો છો કે તમે તૈયાર છો. તમે કહો છો કે તમારી પાસે 'આંતરિક આગ' છે. તો સાબિત કરો."
"કેવી રીતે?" મેં પૂછ્યું.
"આજે રાત્રે..." ગુરુંગે આંગળી ચીંધીને કહ્યું, "અહીં જ રોકાઈ જાઓ. આ દરવાજાની બહાર. ખુલ્લા આકાશ નીચે."
"શું?" મને મારા કાન પર વિશ્વાસ ન આવ્યો. "અહીં બહાર? ખુલ્લામાં? ગુરુંગ, રાત્રે અહીં તાપમાન માઈનસ ૨૦ ડિગ્રી જાય છે! અને તોફાન આવી રહ્યું છે!"
"મને ખબર છે," ગુરુંગનો અવાજ લાગણીશૂન્ય હતો. "અને મારી શરત સાંભળી લો. હું તમને કોઈ ટેન્ટ નહીં આપું. કોઈ સ્લીપિંગ બેગ નહીં આપું. કોઈ આગ નહીં સળગાવી આપું. માત્ર તમારા શરીર પર રહેલા કપડાં અને તમારી કહેવાતી 'તૈયારી'. જો તમે સવાર સુધી અહીં જીવતા હશો અને ભાગીને નીચે ગામમાં નહીં ગયા હોવ, તો હું માનીશ કે તમે આ કૈલાસને લાયક છો."
"આ અમાનવીય છે!" હું ગુસ્સાથી બરાડ્યો. "આ પરીક્ષા નથી, આ હત્યા છે. અમે જામી જઈશું."
"તો જાઓ!" ગુરુંગે હાથ હલાવ્યો. "રસ્તો ખુલ્લો છે. નીચે ગામમાં જાઓ, ગરમ ધાબળામાં સૂઈ જાઓ અને સવારે તમારી ડાયરી લઈને પાછા જતા રહેજો. કૈલાસ કાયરો માટે નથી."
તેણે મારી સામે જોયું. "પ્રોફેસર, ત્યાં ઉપર કૈલાસની પરિક્રમામાં કોઈ ઝૂંપડી નથી આવતી. ત્યાં કોઈ હોટલ નથી. ત્યાં તમારે ખુલ્લામાં, બરફની વચ્ચે જ રાત કાઢવી પડશે. જો તમે અહીં એક રાત નથી કાઢી શકતા, તો ત્યાં શું ખાક ટકશો?"
એટલું કહીને તેણે ઝૂંપડીનો દરવાજો ખોલ્યો, અંદર ગયો અને 'ધડ' દઈને દરવાજો બંધ કરી દીધો. અંદરથી ભારે સાંકળ ચડાવવાનો 'ખખડાટ' અવાજ આવ્યો, જાણે અમારી જિંદગીના દરવાજા બંધ થઈ ગયા હોય.
અમે બહાર ઊભા રહી ગયા. એકલા. નિરાધાર. અને ઉપરથી કાળું આકાશ અમારા પર તૂટી પડવાની તૈયારીમાં હતું.
"આ પાગલ છે," મેં વનિતાને કહ્યું. "ચાલ, આપણે નીચે જઈએ. આ માણસ આપણને મદદ નહીં કરે."
હું વનિતાનો હાથ પકડીને જવા માટે ફર્યો. પણ વનિતા હલી નહીં. તેણે મારો હાથ છોડાવ્યો.
"ના હાર્દિક," તેણે મક્કમતાથી કહ્યું. "આપણે ક્યાંય નથી જવાના."
"તને ભાન છે તું શું બોલે છે? આપણે થીજી જઈશું!"
"યાદ છે યોગશાસ્ત્ર કે જે શ્વાસની મદદથી ગરમી ઉત્પન્ન થાય છે, યાદ છે દોર્જેએ શું શીખવ્યું હતું?" વનિતાએ મને યાદ અપાવ્યું. " 'ટુમ્મો'. આંતરિક અગ્નિ. અને યાદ છે સ્વામીજીએ શું કહ્યું હતું? 'અહંકાર ઓગાળવો પડશે'. હાર્દિક, આ ગુરુંગ આપણને મારવા નથી માંગતો, તે આપણા અહંકારને મારવા માંગે છે. તે જોવા માંગે છે કે આપણું મન શરીર પર હાવી થઈ શકે છે કે નહીં. જો આપણે આજે અહીંથી ભાગ્યા, તો આપણે આપણી જાતથી હારી જઈશું."
ગુરુંગની વાત સાંભળી મારી હિંમતના કટકા થઈ ગયા હતા.હું મારા લક્ષ્યથી પણ ભાગી રહ્યો હતો.હું પાછા ફરવા માટે પણ તૈયાર થઈ ગયો હતો, પણ વનિતા હજી પણ નિશ્ચલ હતી.થોડા કલાક પેહલા હું જેને હિંમત આપતો હતો તે અત્યારે મારી તૂટેલી હિંમતના કટકાઓ જોડતી હતી.તે જઈને ઝૂંપડીની બહારના પથ્થરના ઓટલા પર પલાંઠી વાળીને બેસી ગઈ. તેણે આંખો બંધ કરી દીધી.
"હું અહીં જ બેસીશ. સવાર સુધી. ભલે બરફ પડે કે આગ."
તેની આ મક્કમતા જોઈને મારો ગુસ્સો ઓગળી ગયો અને શરમ આવી. હું જેને બચાવવા માંગતો હતો, તે મારા કરતા વધારે બહાદુર નીકળી.
હું પણ તેની બાજુમાં જઈને બેઠો. અમે એકબીજાનો હાથ પકડ્યો. અમારો સ્પર્શ જ અમારો આધાર હતો.
રાત પડી. અંધકાર છવાયો. અને તેની સાથે બરફીલું તોફાન ત્રાટક્યું. પવનના સૂસવાટા કોઈ રાક્ષસની ચીસો જેવા હતા. બરફની ઝીણી કણીઓ ચહેરા પર વાગતી હતી. ઠંડી ચામડી ચીરીને માંસ અને હાડકાં સુધી પહોંચી રહી હતી.
પહેલો કલાક તો અમે મન મક્કમ રાખીને કાઢ્યો. પણ પછી શરીર જવાબ આપવા લાગ્યું. દાંત કખડવા લાગ્યા. હાથ-પગમાં સંવેદના ઓછી થવા લાગી.
"શ્વાસ..." વનિતા બબડી. "હાર્દિક, શ્વાસ પર ધ્યાન... નાભિમાં આગ છે... કલ્પના કરો..."
અમે યોગશાસ્ત્ર અને દોર્જેની ટેકનિક શરૂ કરી. મગજને છેતરવાની રમત. અમે ઠંડીને દુશ્મન માનવાનું બંધ કરી દીધું. અમે તેને સ્વીકારી લીધી. અમે શૂન્ય બની ગયા.
આખી રાત અમે મૂર્તિની જેમ બેઠા રહ્યા. એક સમયે મને લાગ્યું કે હું મરી રહ્યો છું. મને ગરમી લાગવા માંડી હતી—જે હાઈપોથર્મિયા કે જે એ એક ગંભીર શારીરિક સ્થિતિ છે જેમાં શરીરનું તાપમાન સામાન્ય કરતાં ખૂબ જ નીચું ઉતરી જાય છે. આ તેનું છેલ્લું સ્ટેજ હતું. પણ વનિતાના હાથે મને પકડી રાખ્યો હતો.
સવાર પડી. તોફાન શાંત થઈ ગયું હતું. સૂર્યનું પહેલું કિરણ ઝૂંપડી પર પડ્યું. અમે હજી પણ ત્યાં જ બેઠા હતા. અમારા માથા પર, ખભા પર અને વાળમાં બરફનો જાડો થર જામી ગયો હતો. અમે બરફના પૂતળા બની ગયા હતા, પણ અમારી અંદર પ્રાણ ધબકતો હતો.
’એક કર્કશ અવાજ…. ખરરર ...' અવાજ સાથે ઝૂંપડીનો દરવાજો ખૂલ્યો.
ગુરુંગ બહાર આવ્યો. તેના હાથમાં ધૂપિયું હતું. તેણે અમને જોયા. અમે જીવતા હતા. અમે ભાગ્યા નહોતા.
તે ધીમેથી અમારી પાસે આવ્યો. તેના ચહેરા પર હવે કઠોરતા નહોતી, પણ એક ઊંડો આદર હતો. તેણે પોતાના ગરમ હાથે મારા ચહેરા પરનો બરફ સાફ કર્યો.
"જાગો," તેણે ધીમેથી કહ્યું.
અમે આંખો ખોલી. શરીર જડ હતું, પણ મન શાંત હતું.
"દરવાજો..." ગુરુંગે ધીમેથી હસીને કહ્યું. "દરવાજો અંદરથી બંધ નહોતો, પ્રોફેસર. મેં ખાલી સાંકળ ખખડાવી હતી. જો તમે ધારોત, તો ધક્કો મારીને અંદર આવી શક્યા હોત અને ગરમી લઈ શક્યા હોત. મેં તમને રોક્યા નહોતા."
હું સ્તબ્ધ થઈ ગયો. "શું? ખુલ્લો હતો?"
"હા," ગુરુંગે કહ્યું. "પણ તમે અંદર ન આવ્યા. તમે કષ્ટ સહન કરવાનું પસંદ કર્યું. આ સાબિત કરે છે કે તમને તમારી સગવડ કરતા તમારા સંકલ્પ સાથે વધારે પ્રેમ છે. તમે શરીરને જીતી લીધું છે."
તેણે ઝૂંપડીનો રસ્તો કરી આપ્યો. "આવો. હવે તમે પરદેશી નથી. હવે તમે 'સાધક' છો. મારા ઘરના દરવાજા અને કૈલાસના રહસ્યો—બંને તમારા માટે ખુલ્લા છે."
અમે મુશ્કેલીથી ઊભા થયા અને અંદર ગયા. અંદરની હૂંફ કોઈ વરદાન જેવી લાગી. ગુરુંગે અમને ગરમ ચા આપી અને પછી ઝૂંપડીના ખૂણામાં લઈ ગયો. તેણે જમીન પરની ચટાઈ હટાવી.
ત્યાં એક ભોંયરું હતું.
"આવો,બેસો" ગુરુંગે કહ્યું. "હવે તમને એ બતાવું જે નિકોલાઈ જોઈ શક્યો હતો પણ સમજી નહોતો શક્યો. અસલી નકશો કાગળ પર નથી, પથ્થર પર છે."
" તો એ બતાવો અમને, આપણે આજે જે પર્વત ચડવાનું શરૂ કરી દઈએ.“
"ઉતાવળ ન કર, પ્રોફેસર," ગુરુંગનો અવાજ હવે પહાડી પથ્થર જેવો ભારે હતો. "તું હજી સમજ્યો નથી કે 'નંદી પરિક્રમા' (Inner Kora) નો અર્થ શું થાય છે. સામાન્ય યાત્રીઓ ૫૨ કિલોમીટરની બહારની પરિક્રમા કરે છે, જે કઠિન છે પણ જીવલેણ નથી. પણ આપણે જ્યાં જવાના છીએ, તે કૈલાસના ગર્ભગૃહનો રસ્તો છે. ત્યાં હવા નથી, ત્યાં માત્ર 'ઊર્જા' છે."
તેણે પોતાની કમર પર બાંધેલી એક ચામડાની જૂની થેલી ખોલી. તેમાંથી તેણે એક જર્જરિત થઈ ગયેલું, પીળું ભોજપત્ર કાઢ્યું. તેના પર લાલ શાહીથી એક નકશો દોરેલો હતો, જે નિકોલાઈની ડાયરીના સ્કેચ સાથે મળતો આવતો હતો.
"આ જો," ગુરુંગે ભોજપત્ર જમીન પર પાથર્યું. "આ કૈલાસ છે. અને આ તેની સામે બેઠેલો નંદી પર્વત છે. આ બે પર્વતોની વચ્ચે એક સાંકડી ખીણ છે, જેને અમે 'સેરલુંગ' કહીએ છીએ. આપણે ત્યાંથી પસાર થવાનું છે."
તેણે નકશાના એક ચોક્કસ બિંદુ પર પોતાની ખરબચડી આંગળી મૂકી.
"અહીં... બરાબર અહીં..." ગુરુંગે મારી આંખોમાં જોયું. "અહીં 'યમદ્વાર' છે. અને તેની ઉપર એક વિશાળ, લીસી અને સીધી ચટ્ટાન છે. તિબેટીયન ગ્રંથો તેને 'મરાજનો અરીસો’ કહે છે."
"અરીસો?" વનિતાએ કુતૂહલ અને ભય મિશ્રિત અવાજે પૂછ્યું. "ત્યાં અરીસો શું કામ કરે?"
“આપણે જેને ’મિરર ઓફ ધ કિંગ ઓફ ડેથ’ ના નામથી ઓળખીએ છીએ” મેં સમજાવ્યું.
"એ કાચનો અરીસો નથી, બેટી," ગુરુંગે સમજાવ્યું. "એ પથ્થરનો એક એવો આકાર છે જે અવકાશ અને સમય ને પરાવર્તિત કરે છે. ડૉ. મુલદાસેવ અને નિકોલાઈ માનતા હતા કે આ જગ્યાએ સમયની ગતિ અસામાન્ય રીતે વધી જાય છે. જો આપણે એ અરીસાની સામે વધારે વાર ઊભા રહ્યા, તો આપણું શરીર મિનિટોમાં ઘરડું થઈ જશે. તમારા કોષો મૃત્યુ તરફ દોડવા લાગશે. ત્યાં શ્વાસ લેવો એટલે મોતને શ્વાસમાં ભરવા બરાબર છે."
મારા રુંવાડા ઊભા થઈ ગયા. આ એ જ વાત હતી જે નિકોલાઈની ડાયરીમાં લખી હતી—'Time Warp'.
"તો આપણે બચશુ કઈ રીતે?" મેં પૂછ્યું.
"ગતિ..." ગુરુંગે કહ્યું. "અને લય. આપણે ત્યાં અટકવાનું નથી. આપણે એ વિસ્તારમાંથી એવી રીતે પસાર થવું પડશે જાણે આપણે ત્યાં છીએ જ નહીં. આપણે 'શૂન્ય' બનીને ચાલવું પડશે. જો તમારા મનમાં ડર આવ્યો, તો એ 'અરીસો' તમારા ડરને પકડી લેશે અને તમને ત્યાં જ થીજવી દેશે. હજારો સાધુઓ ત્યાં સમાધિમાં બેઠા બેઠા પથ્થર બની ગયા છે."
ગુરુંગે ભોજપત્ર સંકેલી લીધું અને ફરી થેલીમાં મૂક્યું. પછી તેણે ચૂલામાંથી થોડી વિભૂતિ લીધી.
"આગળ વધતા પહેલાં એક છેલ્લી ચેતવણી," ગુરુંગે ગંભીરતાથી કહ્યું. "જ્યારે આપણે પરિક્રમા શરૂ કરીશું, ત્યારે તમને વિચિત્ર અવાજો સંભળાશે. કદાચ તમારા મરેલા સ્વજનો તમને બૂમ પાડતા સંભળાશે, અથવા તમારું પોતાનું મન તમને પાછા વળવા માટે કરગરશે. પણ યાદ રાખજો—'પાછળ ફરીને જોવું નહીં'. જેણે પાછળ જોયું, તે ત્યાં જ રહી ગયો. આ યાત્રામાં માત્ર 'આગળ' જ સત્ય છે, 'પાછળ' બધું ભ્રમ છે."
તેણે તે ગરમ વિભૂતિ મારા અને વનિતાના કપાળ પર લગાવી. તે સ્પર્શમાં એક અજબ શક્તિ હતી.
"આ રક્ષા કવચ છે," તેણે કહ્યું. "હવે સૂઈ જાઓ. અહીં જ, આ આગની પાસે. બ્રહ્મમુહૂર્તમાં આપણે નીકળીશું. તમારી ઊંઘ પણ આજે સાધનાનો એક ભાગ છે."
અમે ત્યાં જ, ઝૂંપડીની ખરબચડી જમીન પર આડા પડ્યા. બહાર પવનના સુસવાટા કોઈ રુદન જેવા લાગતા હતા, પણ અંદર ગુરુંગની હાજરી એક કિલ્લા જેવી મજબૂત હતી.
મેં વનિતાનો હાથ પકડ્યો. "વનિતા," મેં ધીમેથી કહ્યું. "આપણે કાલે સવારે જે રસ્તે જવાના છીએ, જે મારૂ લક્ષ્ય છે,મારી સાથે તું પણ આ યાત્રામાં સાથે આવી છે. જ્યારથી સાથે છીએ ત્યારથી તું પને હિંમત આપે છે પરંતુ હવે આ એક એવો પડાવ છે કે ત્યાંથી કદાચ પાછા ન પણ અવાય. તને પસ્તાવો નથી ને?"
વનિતાએ મારી સામે જોયું. આગના ઝાંખા પ્રકાશમાં તેનો ચહેરો કોઈ દેવી જેવો શાંત લાગતો હતો.
"હાર્દિક," તેણે મારો હાથ તેના ગાલ પર મૂક્યો. "પસ્તાવો તો એ વાતનો હોત જો આપણે સુરતમાં રહીને આખી જિંદગી માત્ર સપના જોયા હોત. આપણે અત્યારે જ્યાં છીએ, તે જગ્યાએ પહોંચવા માટે લાખો લોકો તડપે છે. આપણે મોતની નજીક નથી, આપણે સત્યની નજીક છીએ. અને તમારી સાથે હોઉં, તો મને 'યમરાજના અરીસા' નો પણ ડર નથી લાગતો."
તેના શબ્દોએ મારા મનમાં રહેલો છેલ્લો સંશય પણ દૂર કરી દીધો. મેં આંખો બંધ કરી. કાલની સવાર અમારા જીવનની સૌથી મોટી સવાર હશે. કાલે અમે પથ્થર અને બરફની વચ્ચે નહીં, પણ સમયની ધાર પર ચાલવાના હતા.
ઝૂંપડીમાં શાંતિ છવાઈ ગઈ. માત્ર લાકડાં બળવાનો 'તડ... તડ...' અવાજ આવતો હતો, જાણે સમયની ઘડિયાળ ટિક-ટિક કરી રહી હોય. અમે ઊંઘમાં સરી પડ્યા, પણ અમારું અર્ધજાગૃત મન તો ક્યારનુંયે કૈલાસની એ 'નંદી પરિક્રમા' શરૂ કરી ચૂક્યું હતું.
ખંડ ૧ સમાપ્ત