Life path in Gujarati Motivational Stories by Rakesh Thakkar books and stories PDF | જીવન પથ ભાગ-૪૮

Featured Books
Categories
Share

જીવન પથ ભાગ-૪૮

જીવન પથ
-રાકેશ ઠક્કર
ભાગ-૪૮

'માતૃકૃપા-પિતૃઆશિષ' ઘર ઉપર,
સહુ લખે છે એટલે લખવા પડે?
- સ્નેહી પરમાર.
 
        આ શેર આપણી આંખ ઉઘાડનારો છે. ખૂબ જ મનનીય અને સાંપ્રત સમયને આયનો બતાવતો શેર છે. સ્નેહી પરમારનો આ પ્રશ્ન આપણને આપણી દંભી માનસિકતા અને દેખાડાની દુનિયા સામે ઊભા રાખી દે છે. આજે રસ્તા પર નીકળીએ ત્યારે નવું બનેલું કોઈ એવું ઘર નહીં હોય જેના પર ‘માતૃકૃપા’ કે ‘પિતૃઆશિષ’ લખેલું ન હોય. ઘરના પ્રવેશદ્વાર પર સુંદર અક્ષરોમાં આ શબ્દો કંડારાયેલા હોય છે. પણ શું એ શબ્દો હૃદયમાંથી નીકળ્યા છે? શું એ ખરેખર કૃતજ્ઞતાનો ભાવ છે કે પછી માત્ર એક સામાજિક રિવાજ?

        આજના યુવાનો ઇન્સ્ટાગ્રામ પર ‘Love you Mom-Dad’ ના સ્ટેટસ મૂકે છે અને ઘરની બહાર મોટી તકતી લગાવે છે પણ હકીકત એ છે કે જે માતા માટે ‘માતૃકૃપા’ લખ્યું છે એ જ માતાને વોટ્સએપ પર એક મેસેજ ટાઈપ કરતા શીખવવામાં એને કંટાળો આવે છે. આધુનિક ફ્લેટ સંસ્કૃતિમાં રૂમ તો ત્રણ-ચાર હોય છે પણ માતા-પિતા માટે ઘણીવાર સ્ટોર-રૂમ જેવો નાનો ખૂણો ફાળવવામાં આવે છે. દીવાલ પર ‘પિતૃઆશિષ’ લખીને પિતાની ઈચ્છાઓનું ગળું ટૂંપી દેવામાં આવે ત્યારે એ અક્ષરો પણ બિચારા લજ્જિત થતાં હશે. જો ઘરના વડીલોના ચહેરા પર સ્મિત હોય તો ઘર પર કોઈ પાટીયું ન હોય તો પણ એ સ્વર્ગ જ છે. અને જો વડીલો દુઃખી હોય તો સોનાના અક્ષરે લખેલું ‘પિતૃઆશિષ’ પણ માત્ર એક પથ્થર સિવાય બીજું કંઈ નથી.

        આ શેરમાં કવિએ એક બહુ મોટો પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યો છે. તે આપણને આપણી ‘દેખાદેખી’ કરવાની આદત વિશે વિચારતા કરી દે છે. આપણે ઘણી વસ્તુઓ માત્ર એટલા માટે કરીએ છીએ કારણ કે ‘બધા કરે છે.’ જ્યારે નવું ઘર બને ત્યારે નામની તકતીમાં માતા-પિતાનું નામ લખવું એ હવે એક ટ્રેન્ડ બની ગયો છે. કવિ પૂછે છે કે, શું તમે ખરેખર માનો છો કે તમારા ઘર પર એમની કૃપા છે? જો હા, તો એ ભાવ તમારા વર્તનમાં દેખાવો જોઈએ માત્ર દીવાલ પર નહીં. જો અંતરમાં પ્રેમ ન હોય અને માત્ર લોકલાજે દીવાલ પર નામ લખાય તો એ ‘માતૃકૃપા’ માત્ર એક ‘અક્ષર-દેહ’ બનીને રહી જાય છે.

        ઘણીવાર ઘરની બહાર ‘માતૃકૃપા’ લખેલું હોય છે પણ એ જ ઘરની અંદર માતા ખૂણામાં બેસીને આંસુ સારતી હોય છે. બહાર ‘પિતૃઆશિષ’ નું બોર્ડ હોય છે પણ પિતાના જૂના ચશ્મા કે દવાની લાકડી માટે સંતાનો પાસે સમય નથી હોતો. કવિ અહીં કટાક્ષ કરે છે કે જો અંદર આદર નથી તો બહાર આ લખવાનો શો અર્થ? શ્રદ્ધા પથ્થર પર નહીં પણ સંબંધોની પવિત્રતામાં હોવી જોઈએ.

        એક બહુ મોટા બંગલાનું ઉદ્ઘાટન હતું. બંગલાના મુખ્ય દરવાજા પર સોનેરી અક્ષરે લખ્યું હતું ‘માતૃછાયા’ મહેમાનો બંગલો જોઈને વાહ-વાહ કરી રહ્યા હતા. ઉદ્ઘાટન સમયે ઘરના માલિકના વૃદ્ધ માતા એક બાજુ સાદા કપડામાં બેઠા હતા.

        એક મિત્રએ માલિકને પૂછ્યું, ‘તમે ઘરનું નામ ‘માતૃછાયા’ રાખ્યું એ બહુ સરસ વિચાર છે! મા પ્રત્યેનો તમારો પ્રેમ જોઈને આનંદ થયો.’

        માલિકે હસીને જવાબ આપ્યો, ‘અરે ભાઈ, અત્યારે બધા આવું જ લખાવે છે. એ તો આર્કિટેક્ટે કહ્યું કે આ નામ ટ્રેન્ડમાં છે અને લુક સારો આવશે એટલે લખાવી દીધું!’

        થોડી વાર પછી પેલા મિત્રએ જોયું કે એ વૃદ્ધ માતા તડકામાં બેસીને કંઈક શોધી રહ્યા હતા. બંગલામાં એમના માટે કોઈ ખાસ વ્યવસ્થા નહોતી અને એમના રૂમમાં પૂરતી હવા-ઉજાસ પણ નહોતી. જે દીવાલ પર ‘માતૃછાયા’ લખ્યું હતું એ દીવાલની નીચે જ માતાને ‘છાયડો’ નસીબ નહોતો.
 
        ખરેખર જો હૃદયમાં આદર નથી તો દીવાલ પરના સોનેરી અક્ષરો પણ કાળી ટીલી સમાન છે. આપણે કલાકો સુધી એ વિચારીએ છીએ કે ઘરની બહાર આ નામ સુવર્ણ અક્ષરોમાં લખાવવું કે એલ્યુમિનિયમમાં? એ રેડિયમમાં ચમકવું જોઈએ કે એલ.ઈ.ડી લાઈટમાં? કમનસીબી એ છે કે દીવાલ પરના અક્ષરો તો લાઈટથી ચમકી જાય છે પણ એ જ મા-બાપની આંખોમાં સંતાનોના પ્રેમની ચમક ગાયબ હોય છે.

        આ શેર આપણને યાદ અપાવે છે કે માતા-પિતા પ્રત્યેની કૃતજ્ઞતા એ પ્રદર્શનનો વિષય નથી, પણ પ્રતિષ્ઠાનો વિષય છે. લખવું ખોટું નથી પણ ‘સહુ લખે છે એટલે લખવું’ એ ખોટું છે. જો તમે ખરેખર એમના આશીર્વાદ અનુભવતા હોવ તો એ આશીર્વાદ તમારા ઘરના વાતાવરણમાં તમારી વાણીમાં અને તમારા વર્તનમાં દેખાવા જોઈએ. આ વખતે દીવાલ કરતાં દિલમાં વધુ સુંદર અક્ષરે ‘માતૃછાયા’ લખીએ.
 

        માતા-પિતાના આશીર્વાદ લેવા માટે ઘરની બહાર નામ લખવાની જરૂર નથી. બસ ઘરની અંદર એમનું નામ ક્યારેય નીચું ન લેવાય તેનું ધ્યાન રાખવું એ જ સાચી વંદના છે.