મારા માટે આ એકદમ નવું વાતાવરણ હતું. અહીં છોકરાઓ અને છોકરીઓ સાથે ભણતા હતા.
મારી બાજુની ઇમારતમાં રહેતો મનીષ મારો પહેલો મિત્ર બન્યો હતો.
અમારા અંગ્રેજી પ્રોફેસર ખૂબ જ સુંદર હતા. મને તેમના વિશે એક મહત્વપૂર્ણ માહિતી મળી: તે પ્રખ્યાત ચરિત્ર અભિનેતા મોતીલાલના ભત્રીજા મોતી સાગરની પત્ની હતી, અને તેમની એક પુત્રી હતી જે પ્લેબેક સિંગર હતી.
કોલેજમાં, છોકરાઓ અને છોકરીઓ સાથે બેસીને વાતો કરતા હતા. હું કેટલીક છોકરીઓ સાથે પણ પરિચિત થયો હતો. વાતચીતનો દોર પણ શરૂ થયો હતો.
અનન્યા સાથેના મારા અનુભવે મને એક વિચિત્ર આદત પાડી દીધી હતી. મને દરેક છોકરીને બહેન કહેવાની આદત લાગી ચૂકી હતી.
મારા બીજા મિત્રો પણ હતા. તેઓ મારા આવા વ્યવહાર થી આશ્ચર્ય અનુભવતા હતા.
હું અભ્યાસમાં નબળો હતો. મેં SSC પરીક્ષા 38% માર્ક્સ સાથે પાસ કરી હતી. છતાં, કેટલીક છોકરીઓ મને વિદ્વાન માનતી હતી.
આ વાત મારે ગળે ઉતરતી નહોતી.
હું પણ કોઈ છોકરીથી પ્રભાવિત થયો હતો અને આકર્ષાયો હતો, પણ હું કંઈ કરી શક્યો નહોતો.
પહેલા તો મને એક છોકરી પ્રત્યે આકર્ષણ થયું. તેનું નામ અરુણા હતું. તે બિલકુલ વહીદા રહેમાન જેવી દેખાતી હતી. હું તેની સાથે આગળ વધી શકયો હોત. પણ તે હંમેશા એક છોકરા સાથે જોવા મળતી હતી. મારો એક મિત્ર તે છોકરાને ઓળખતો હતો. તેણે મને માહિતી આપી હતી.
"તેમની સગાઈ થઈ ગઈ છે."
આ સાંભળીને, મારી ગાડી ને ચાલતા પહેલાં જ પંક્ચર થઈ ગયું હતું.
પણ ભાગ્યએ તેની સાથે ક્રૂર મજાક કરી હતી. તે છોકરો વિદ્યાર્થી સંગઠનનો પ્રમુખ હતો અને થોડા દિવસ બાદ એક સ્કૂટર અકસ્માતમાં અચાનક મૃત્યુ પામ્યો હતો. તે મારા માટે કોઈ નહોતો. છતાં, મને તેના માટે ખૂબ જ દુઃખ થયું હતું.
કોલેજ હોલમાં તેના માટે એક શોક સભા યોજાઈ હતી. તે સમયે હું એકદમ અસ્વસ્થ હતો. આ જોઈને, મારા બધા મિત્રો નવાઈ પામ્યા હતા.
તે સમયે મારા સંવેદન શીલ મનમાં એક પ્રશ્ન ઉભો થયો હતો.
"શું એ છોકરો મારા કારણે મરી ગયો?"
હું કેટલો નાજુક અને સંવેદનશીલ હતો તેનો આનાથી સારો પુરાવો કયો હોઈ શકે?!
00000000000
તે પછી, મને બીજી છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો તેનું નામ સુનિતા હતું, અને તેનો રોલ નંબર મારા પછી હતો. મારો 27 અને તેનો 28 એક સરસ સંયોજન હતું.
મને અહીં તક હતી, પણ હું કંઈ કરી શકયો નહોતો.. મેં તેના વિશે ગંભીરતાથી વિચાર્યું નહોતું. તે મારી પાછળની બેન્ચ પર બેસતી હતી.
પરીક્ષા દરમિયાન, મેં તેને બે વાર પેપર લખવામાં મદદ કરી હતી. બસ આ ના સિવાય અમે કંઈ જ કરી શક્યા નહોતા.
કોલેજ છોડ્યા પછી, અમારો રસ્તો એક જ હતો. અમે મોટે ભાગે એકબીજાની આગળ કે પાછળ રહેતા હતા, પરંતુ અમારામાંથી કોઈએ ક્યારેય આગળ આવીને એકબીજા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો નહોતો.
હું પ્રિયંકા સાથે વાત કરતો હતો. તે મને "સ્કોલર" કહેતી હતી. પણ તે શું ઇચ્છતી હતી? મને કોઈ ખ્યાલ નહોતો. મેં તેને જાણવાનો પ્રયાસ પણ નહોતો કર્યો.
તે કદાચ મને ગમતી હતી. પણ મેં ક્યારેય તેના વિશે એવું વિચાર્યું ન હતું... તેની સાથે વાતચીત કેવળ ઔપચારિકતા હતી.
તેના સિવાય, હું બે છોકરીઓ સાથે વાતો કરતો હતો... પણ મને તેમનામાં એવો કોઈ રસ નહોતો.
મનીષ મારો નજીકનો મિત્ર બની ગયો હતો. તે બાજુની ઇમારતમાં રહેતો હતો. હું વારંવાર તેના ઘરે જતો. તેનો પરિવાર મોટો હતો. તે તેના પિતાનો એકમાત્ર પુત્ર હતો અને તેના ત્રણ પિતરાઈ ભાઈ-બહેનો હતા.
પૂજા ત્રણમાંથી મોટી હતી. તે કોલેજમાં અમારી સાથે ભણતી હતી. તે મને વિદ્વાન પણ માનતી હતી, જેનાથી મારું મનોબળ વધ્યું હતું.
અને મેં સૌથી મુશ્કેલ પરીક્ષા સેકન્ડ કલાસ માં પાસ કરી હતી. તે મારા અભ્યાસ નું તેરમું વર્ષ હતું, જે મારા માટે ભાગ્યશાળી સાબિત થયું હતું એવું લાગતું હતું. પૂજાનો મારા વિશેનો અભિપ્રાય મારા માટે સેકન્ડ ક્લાસ માં પાસ થવા માટે પ્રેરણાનો સ્ત્રોત બની ગયો હતો.
પૂજાએ પણ મારી સાથે સેકન્ડ ક્લાસ માં પાસ કર્યું હતું. આ બદલ મનીષને તેની ઈર્ષ્યા થઈ હતી.
અભ્યાસ ઉપરાંત, બંને ભાઈ-બહેનો મારી સાથે કોલેજ કેમ્પ અને અન્ય પ્રવૃત્તિઓમાં જતા હતા. આનાથી પૂજા અને હું નજીક આવ્યા હતા.
તેની સગાઈ થઈ ગઈ હતી. છતાં, અમે ખૂબ નજીક આવી ગયા હતા. અમારા વારંવારના સાથને કારણે, એક સામાન્ય સંબંધ મારા માટે ખાસ બની ગયો હતો. અચાનક, મારા હૃદયમાં પૂજા પ્રત્યે સ્નેહ સરિતા વહેવા માંડી હતી જે ખોટું હતું, પ્રેમ ક્યાં કોઈ ચીજ ને દયાન માં રાખીને થાય છે.
હું તેના પ્રેમમાં પડી ગયો હતો.
હું તેના મંગેતરને જાણતો હતો. તેના સાસરિયાના ઘરે પણ બધા મને ઓળખતા હતા.
મારે શું કરવું જોઈએ? મને કોઈ ખ્યાલ નહોતો.
એક વાર, જ્યારે હું પૂજાને રસ્તા પર મળ્યો હતો , ત્યારે મેં તેને રોકી ને પૂછ્યુ હતું.
"શું તમે કાલે સવારે મને લાઇબ્રેરીમાં મળશો?"
તે સમયે તેના બિલ્ડિંગની એક છોકરી પણ હાજર હતી.
તેણે તરત રોકડું પરખાવતા કહી દીધું હતું.
" તારે શું કામ છે? જે હોય તે અહીં વાત કર. હું લાઇબ્રેરીમાં નહીં આવું. "
મને આ વાતનો કોઈ અફસોસ નહોતો. પણ તેની આંખોમાં મારા પ્રત્યે ના અવિશ્વાસની ઝલક નિહાળી નિરાશા ની ગર્તા માં ધકેલાઈ ગયો હતો.
મને આ વાતની ખાતરી હતી. તે ચોક્કસપણે તેના ભાઈને આ વિશે કહેશે... અને તે શું વિચારશે?
આ પરિસ્થિતિમાં, મેં મનીષને બધું સ્પષ્ટ કહી દીધું હતું..
અને મારા હૃદય પરથી એક મોટો બોજ ઉતરી ગયો હતો.
બીજા જ દિવસે રક્ષાબંધનનો તહેવાર હતો . મેં તેને રાખડી બાંધી મારા જીવનમાંથી દૂર કરી દીધી હતી.
બીજું વર્ષ એમ જ પસાર થઈ ગયું હતું.
અને જૂનમાં જુનિયર બી.એ.નું પહેલું સેમેસ્ટર શરૂ થયુ હતું.
વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ હતી. મારા પિતાએ મને નવી છત્રી અપાવી હતી. પહેલા જ દિવસે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી. તેથી જ હું છત્રી લઈને ઘરેથી નીકળ્યો હતો.
ક્લાસ માં પ્રવેશતાની સાથે જ, મેં છત્રી બેન્ચ પાછળ લટકાવી દીધી હતી
રિસેસ દરમિયાન, હું છત્રી વર્ગમાં છોડીને મારા મિત્રો સાથે કેન્ટીનમાં ગયો હતો
અમે સોલ્જર સિસ્ટમમાં ચા અને નાસ્તો કરી અને વર્ગમાં પાછા ફર્યા હતા. તે સમયે, અમે જે બેન્ચ પર બેઠા હતા, તેને અમારી નહોતી. છતાં ખાલી હોવાથી ત્યાં બેઠા હતા. તે બેન્ચ છોકરીઓની હતી. તેમનો પિરિયડ નહોતો. તેથી અમે તેમની સીટ પર બેસી ગયા. બીજા પિરિયડ માં તેઓ પોતાની સીટસ પર આવી ગયા હતા.. અને અમારે પાછલી બેન્ચ પર બેસવું પડ્યું હતું.
આ સ્થિતિ માં મારી છત્રી ના જોતા હું રાડ પાડી ગયો હતો
"હે ભગવાન, મારી છત્રી ક્યાં ગઈ?"
તે વખતે આગલી બેન્ચ પર બેઠેલી છોકરીએ મારી છત્રી હાથમાં રાખી ને મને સવાલ પૂછ્યો હતો.
"શું આ તમારી છત્રી છે?" "
તેને જોઈને જાણે મારો શ્વાસ પાછો આવી ગયો હતો
"હા" અને "આભાર" કહીને, મેં તેના હાથમાંથી છત્રી લઈ લીધી હતી અને તેને બેન્ચ પાછળ લટકાવી દીધી હતી.
મેં પહેલી વાર તેનો ચહેરો જોયો હતો, જે મારા પર કામણ કરી ગયો હતો. તેનો ચહેરો જોઈને મને એક ફિલ્મી ગીત યાદ આવી ગયું.
' તેરે ચેહરે મેઁ વો જાદુ હૈ તેરી ઓર ચલા આતા હું. '
હું પહેલી નજરે જ તેના પ્રેમમાં પડી ગયો હતો.
મેં એક ક્ષણમાં જ નક્કી કરી લીધું હતું.
આ વખતે હું પાછો નહીં હઠું
0000000000 ( ક્રમશ)