પશાકાકાનાં વરંડામાં બધા બેઠા હતા..ત્યાં પશાકાકાએ પૂછ્યું “ ધર્મેશ શું હતું? તમને કેમ બોલાવેલા
? ધર્મેશભાઈ કહે..બધાને જમીને આવવાદોને પછી શાંતિ થી વાત કરું છું.હમણાં પેલો રાજુ આવશે પમ્પ
લઈને..દવા છાંટવાનો… સરખી સેર છૂટતી નહોતી..એ નોઝલ બદલાવી લઇ આવવાનો હતો..મને પાછા વળતા
મળેલો, મને કહે તમે ઘરે પહોંચો હું જમી પરવારી ત્યાં ફળિયામાં લેતો આવીશ..એ આવતોજ હશે એ આવીને
જાય પછી બઘી વાત કરીએ..એમાં બૈરાં સાથે હોય તો સારું ..હમણાં આવશે..” પશાકાકા કહે“ એ વાત પણ સાચી છે પાછી કોઇવાત કહેવી સાંભળવી રહી જાય તો માથાકૂટ..એમને ના પહોંચી વળાય..” એમ કહી હસ્યા .. હમણાં સુધી મૌન બેઠેલા દીગુભાઈ બોલ્યા “ સાચી વાત છે એલોકોને આવી જવા દો ત્યાં સુધી આ વખતની કેરીની એના ઉતાર અંગે વાત કરીએ ને..હવે જેમ છોકરાવ મોટા થતા જાય એમની ચિંતા અને વાતો પણ હોય..”
ઘરનું કામ .રસોઈ.જમવાનું પરવારી બધી સ્ત્રીઓ પશાકાકાના ઘરે જવા નીકળી..આજે ધર્મેશભાઈના
ઘરેજ સાથે જમવાનું હતું .વીરબાળા બહેને કીધું..” ચલો યશોદા આપણે જઈએ..હવે વિશ્વા બધું કામ જોઈ લેશે
પરવારી જશે.” .એ સાંભળી વિશ્વાએ કહ્યું“ માં તું અને માસી જાવ હું બધું કરી લઈશ..”અને બેઉ બહેનપણી
એમના ઘરે જવા નીકળી..ફળિયામાં આછું અંધારું હતું આમ શાંતિ હતી..વીરબાળા અને યશોદાબહેન સંભાળીને ચાલતા વાતો કરતા નીકળ્યા..થોડું આગળ સામેજ ઘર હતું .વીરબાળાએ કહ્યું “ યશોદા..ત્યાં આજે અમે મળીને આવ્યા એજ વાતું હશે..દીગુભાઈની હાજરીમાં બધી વાત…” એમ કહી આગળના શબ્દો ગળી ગયાં.યશોદાબહેને કહ્યું“ જોયું જશે…હું છુંને બોલવાવાળી તું શું કામ ચિંતા કરે? આજેય અનાવલી નાતમાં મારું ચાલે છે કોઈ સાથે કયાંરેય બગાડ્યું નથી.. કોઈ પાસે ઘણું હોય..તો આપણે ક્યાં ઓછું છે? મારેતો પાછળ પિંડ મુકનાર પણ કોઈ નથી..” વીરબાળાબહેને કીધું“ કેમ એવું બોલો છો ? મારી વિશ્વા છેને..ભલે દીકરી છે પણ દિકરાથી પણ વિશેષ છે…” પછી ફરી બોલ્યા..મારીયે જણેલી ક્યાં છે? મારી મોટી બહેન સવીની દીકરી છે પણ..મારીજ છે..ભલે જણી નથી પણ માંથી એ વધુ હેત આપીને અમે ઉછેરી છે એનાં બાપેય કદી ઓછું નથી આવવા દીધું..”
યશોદાબહેન કહે “મરાથી શું છૂપું છે? હું શું નથી જાણતી ? તું નાની હતી ત્યારથી હું તને ઓળખું..મારી
સહેલી છે તું ભલે હું તારાથી 10 વરસ મોટી છું પણ તારી જિંદગીમાં બનેલા દરેક પ્રસંગની સાચી સાક્ષી છું..આ દુગુના ભાઈએ..એના બાપે તને… પણ તને ધર્મેશ..માણસ સારો મળ્યો..બધું સંધુએ જાણી ને પણ બધું સ્વીકાર્યું..અપનાવ્યું..આજ સુધી તને ઓછું નથી આવવા દીધું વીરા…” વીરબાલાએ કહ્યું“ સાવ સાચું મને અને મારી દીકરી..અમને બેઉને હાથમાં ને હાથમાં રાખ્યા છે.સાચવ્યા છે ભગવાનનો માણસ છે..”ત્યાં એમનું ઘર
આવી ગયું…
—--***************-----
બધું કામ પરવારી વિશ્વા બહાર નીકળી વાડા બાજુનો દરવાજો બંધ કર્યો ..પાછળની લાઈટ બંધ કરી
આગળ આવી વરંડામાં નાની લાઈટ સળગાવી..એ ફળિયા બાજુ જોવા લાગી..સામે દિગુકાકાનું ઘર દેખાય જાળી બંધ હતી..એ કૈક વિચારતી ઝૂલા પર બેઠી..ત્યાંજ એની નજર ફળિયામાંથી ઘર તરફ જતા સોહમ પર પડી..એ સહસા ઉઠી અને સોહુ…સોહુ કરીને બૂમ પાડી..સોહમે વિશ્વાને જોઈ…થોડો વિચાર કરી.. અટકેલો આગળ વધ્યો અને વિશ્વા પાસે આવ્યો..” બોલ શું કામ છે? હું સુઈ જઉં મને નીંદર આવે છે થાક્યો છું..” વિશ્વા કહે“ હું પણ બધું કામ પતાવી થાકી છું પણ.આવને આપણે બેસીએ વાતો કરીએ..આમ પણ આજે ખાસ વાતો નથી થઇ જે થઇ એ સારી નહોતી.. આવને…” મને ખબર છે બધી…” સોહમ બોલ્યો.. અત્યાર સુધી ખબર નહોતી..બધી આજેજ ખબર પડી..” હું તો સાવ બેવકૂફ છું..” વિશ્વા આષ્ચર્યથી બોલી “ કેમ શું થયું? શેની તને આજેજ ખબર પડી ? એવું શું છે કે તું નથી જાણતો અને હું શું જાણું છું? .. “ સોહમે કીધું“ અરે તું તુ.. અહીં બધા
હમણાં પત્તા રમવા આવશે..પરાગ નિલેશ..બીજા ઘણા જેના હું નામ હું નથી જાણતો..આખી પૂનમની રાત
બેસીને પત્તા ટીચશો..પત્તામાં પાર્ટીઓ..પાર્ટનર બનશો..શું..શું..કેવી કેવી મજા કરશો..દુનિયામાં કોઈ ક્યાં કેવી રીતે જીવે છે એની દરકાર પણ નહીં લો.. તમારી વાત થાય ? સવારનો ભાઈબંધ…વાડીમાં મળતો જુદો ભાઈબંધ…અહીં ક્યાં કશી ખોટ છે???? અને બદનામ શહેરના છોકરા થાય છે…અજબ ગજબ છે બધું…આજે કોઈ ગીત ના સંભળાયું??
વિશ્વા ગુસ્સે થવાની જગ્યાએ ખડખડાટ હસી.. એણે કીધું ઓહ..દુખે પેટ ફૂટે માથું..વાહ..કેટલી ખબર રાખે
અહીંની..અહીં તો બસ આજ છે પત્તાં ટીચો અથવા ગામ પંચાત કરો..તું કહેએ સાચું છે..પણ હું નથી રમતી
હવે..પહેલાં નાની હતી ત્યારે રમતી હતી..પણ સમજણ આવી..તને ચાહ્યો..પ્રેમ કર્યો પછી બસ તુંજ જીવ મનમાં
રહે છે..તું કહેતો તારી સાથે રમું..હું કોઈ બીજા સાથે નથી રમતી…નહીં રમું..માં ને પણ ખબર છે..કોઈવાર
વાતવાતમાં એને પણ આ પૂછી લેજે..કારણકે એને પણ હું રમતી નથી તો ટોકેલી..પછી કારણ સમજતાં મને
ક્યારેય રમવા નથી કીધું…” પછી સોહમ સામે જોવા લાગી.. સોહમ બે પગલાં આગળ વધ્યો..વિશ્વાની સામે જોયું પછી બોલ્યો..અહીં નહીં મારા ઘરે અંદર હીંચકા પર બેસીએ…ચલ..બન્ને જણાં હાથ પકડી અંદર દોડી ગયા…બે આંખો એમને ઘરમાં જતી જોઈ રહી..ઈર્ષાથી આખી સળગી ગયેલી....
વધુ આવતા અંકે પ્રકરણ-37 અનોખી સફર…