Recap : હોળીના દિવસે રંગ અને અંગ બંને મળી ગયા. ભજન દરમિયાન ગલીમાં કામિની અને નરીયો ભાન ભૂલીને મગ્ન હતા પસલો બિચારો પોતાની ઘણા દિવસોની પ્યાસ બુજાવવા માંગતો હતો પણ રસીલા આભળછેટમાં હોવાથી એ ન થઈ શક્યું , ઘરે બાબુ અને જશોદા વચ્ચે જે થયું એ માનવામાં આવે એવું નહોતું.
ગતાંક થી ચાલુ......
બીજા દિવસે - રવિવારે બાબુને રજા હતી. બાબુ, કનૈયા અને જશોદાને લઈને કાંકરિયા ફરવા ગયો. એ લોકો ખુબ ખુશ હતા. કાંકરિયામાં એ લોકોએ ટોય ટ્રેનની ટિકિટ લીધી અને ટોય ટ્રેનમાં બેસી ગયા. એમની ટોય ટ્રેન આખા કાંકરિયાનો આટો મારી અને પાછી આવી, એ લોકો ટોય ટ્રેનના સ્ટેશનમાંથી બહાર નીકળતા હતા, ત્યાં એક ભાઈ બાબુને અથડાયા, બાબુએ એમને " માફ કરજો" ને એ માણસે "સોરી" કહ્યું એણે - એ માણસે કનૈયા તરફ જોયું. કનૈયા તરફ જોતા જોતા એ માણસના હાવ ભાવ એવા હતા જાણે એ કનૈયાને ઓળખતો હોય. આ બાજુ કનૈયો બાબુ અને જશોદા ત્રણેય ટોય ટ્રેનના સ્ટેશનમાંથી બહાર નીકળી ગયા. જશોદાએ કહ્યું ચલો ભેળ પૂરી ખાઈએ, પકોડી ખાઈએ. બાબુ કનૈયો અને જશોદા એક ભેળવાળાના ત્યાં આવ્યા. કનૈયાએ ભેળનો ઓર્ડર આપ્યો, જશોદાએ પાણીપુરીનો અને બાબુએ દહીપુરીનો. ત્રણેય જણા ભેળપુરીની લારી ઉપર પોત પોતાની વસ્તુ ને એકબીજાની વાનગી ખાતા હતા, પણ આ ત્રણેય જણને એક નજર "બે આંખો" જોઈ રહી હતી. જેની આ ત્રણેયને ખબર નહોતી. ત્યાંથી ત્રણેય જણા પ્રાણી સંગ્રહાલયમાં ગયા, પ્રાણી સંગ્રહાલયમાં જાતજાતના પ્રાણીઓને જોઈને કનૈયો ખુશ થઈ ગયો,એવું લાગ્યું કે જાણે પહેલી જ વખતે આ પ્રાણી સંગ્રહાલયમાં આવ્યો હશે ,પછી એ લોકો માછલીઘરમાં ગયા. માછલીઘરમાં જાત જાતની અને ભાત ભાતની માછલીઓ અને જળચર પ્રાણીઓ જોઈ કનૈયો ગેલમાં આવી ગયો. અહીં પણ એમને પેલી "બે આંખો" જોઈ રહી હતી. એ લોકો નગીનાવાડીમાં ગયા. એ લોકો જ્યારે બોટમાં બેઠા ત્યારે પણ એ " બે આંખો " આ ત્રણ જણને જોઈ રહી હતી. એ બે આંખો એક ભાઈની હતી, એક માણસની હતી, જે માણસ બાબુને ટોય ટ્રેનના સ્ટેશનમાં અથડાયો હતો એની હતી. એ આ લોકોનો પીછો કરતો હોય એવું લાગ્યું. દૂરથી એ ત્રણેયની ગતિવિધિને જોયા કરતો ત્રણેય જણાં થાક્યા પાક્યા કાકરિયામાં મોજ મસ્તી કરીને પાછા આવ્યા. આવી અને સૂઈ ગયા. રાત્રે છતને તાકતા તાકતા કનૈયાના સુઈ ગયા પછી બાબુ બોલ્યો "કનૈયાના આવવાથી આપણા જીવનમાં ખુશીઓ આવી ગઈ છે, જશોદા. જશોદા કનૈયાને સ્કૂલે મૂકવાની વાત કરે કે આપણને બાળક નથી અને બાળક થઈ શકવાનું નથી તો આપણે કનૈયાને સરસ મજાની સ્કૂલમાં મૂકીએ જેથી એ સરસ રીતે ભણી શકે. બંને જણા કનૈયાના ભવિષ્યના સરસ સપના જોવા લાગ્યા એ સપના જોતા જોતા ક્યારે જશોદા બાબુની પાસે આવી ગઈ એની એને ખબર પણ ન પડી અને બાબુએ પ્રેમથી એના માથે હાથ ફેરવ્યો, એના ગાલ પર ફરી રહેલી લટને સરખી કરી અને એના ગળા પર એક કિસ કરી અને કિસની અસર એવી થઈ કે બંને જણા બધું જ ભૂલીને એકબીજામાં ખોવાઈ ગયા અને ઘણા દિવસો પછી બંને તૃપ્ત થયા.
સવારે બાબુ અને જશોદા ચા નાસ્તો કરતા હોય છે. ઘરમાં કનૈયો છે નહીં એ બહાર રમવા ગયો છે. બંને જણા ચા પીતા પીતા કાલે રાત્રે એ બંને વચ્ચે ઘણા સમય પછી જે કંઈ પણ બન્યું એની વાતો વાગોળી રહ્યા છે, બંને જણા બહુ જ ખુશ છે અને એટલામાં જ બાબુના ઘરનો દરવાજો ખખડે છે. બાબુ દરવાજા ઉપર જઈને જુએ છે તો કોઈ ભાઈ ઊભો છે. એની આંખો એ જ આંખો છે જે બાબુ,જશોદાને અને કનૈયાને કાંકરિયામાં જોઈ રહી હતી એ ભાઈ એમને કનૈયા વિશે પૂછે છે કે આ છોકરો જે તમારી સાથે હતો એ ક્યાં ગયો? એ કોણ છે ? તમને ક્યાંથી મળ્યો? કેવી રીતે મળ્યો? આ બધા પ્રશ્નોના જવાબ આપતા પહેલા બાબુ એ ભાઈને પૂછે છે કે "તમે આ બધું કેમ પૂછી રહ્યા છો?" એ આવનાર માણસ પોતાનું નામ જણાવે છે કે "હું પરમ છું અને હું સિવિલના કેન્સર હોસ્પિટલ વોર્ડમાં વોર્ડ બોય તરીકે કામ કરું છું. આ છોકરો ત્યાંથી ભાગીને આવ્યો છે". બાબુ અને જશોદા બંને જણા શૉક થઈ જાય છે, બંને જણા માનવા તૈયાર નથી કે કનૈયો એ કેન્સર વોર્ડમાંથી ભાગીને આવેલો છોકરો છે. પરમ એમને કહે છે કે તમે સાચું ના માનતા હોવ તો હું તમને જણાવું એનું સાચું નામ છે જય. જશોદા અને બાબુ આ વાત સાચી માનવા તૈયાર નથી . પરમ એ લોકોને કહે છે કે તમે મારી સાથે ચાલો અને કેન્સર વોર્ડમાં ડોક્ટરને મળી લો. જશોદા અને બાબુ પરમને કહે છે કે એ લોકો કાલે ડોક્ટરને મળવા આવશે. પરમ ત્યાંથી ચાલ્યો જાય છે. જશોદા અને બાબુ શૉક છે. બાબુ કહે છે કે આપણે એને કેન્સર વોર્ડમાં લઈ જવો પડશે, એ ત્યાંથી કેમ ભાગ્યો હતો એ જાણવું પડશે, જો એના મા - બાપ હયાત હશે તો કનૈયાને એના મા બાપને પાછો સોંપવો પડશે . જશોદા એકદમ રડવા જેવી થઈ જાય છે અને બાબુને કહે છે કે " ના હું કનૈયાને એના મા બાપને નહીં સોંપું. કનૈયો મારો છે એના આવવાથી મારી જિંદગીમાં ખુશીઓ આવી છે હું કનૈયા ને એના મા બાપને નહીં સોંપું " બાબુ જશોદાને સમજાવતા કહે છે કે " કૃષ્ણ ભગવાન એટલે કે કનૈયાને પણ જશોદાએ એના સાચા મા બાપને એટલે કે દેવકી અને વસુદેવને સોંપી દેવો પડ્યો હતો તો આપણે તો પામર મનુષ્ય કહેવાઈએ. આપણે આ કનૈયાને એના મા-બાપને પાછો સોપવો જ જોઈએ અને સોંપવો જ પડશે. કાલે હોસ્પિટલ જઈશું એટલે આપણને બધી ખબર પડશે." જશોદા બાબુને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડે છે, કનૈયો ત્યાં આવી જાય છે કનૈયો જશોદાને રડતી જોઈ, જશોદા પાસે આવે છે અને બાબુને કહે છે કેમ રડાવી તમે એને? બાબુ કાંઈ બોલી શકતો નથી કનૈયાને શું કારણ આપે ? કનૈયો જશોદા પાસે આવી એની બંને આંખો પોતાના નાનકડા હાથથી લુછે છે અને કહે છે કે તું ચિંતા નહિ કર મા, હું તને દુઃખી નહીં થવા દઉં. તું રડીશ નહીં તું શું કામ રડે છે? અરે કનૈયો તારો દીકરો છે. તારે રડવાની કોઈ જરૂર નથી. જશોદા શું જવાબ આપે ? એ કનૈયાને પોતાની છાતી સરસો આપી દે છે અને ફરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. બાબુની આંખમાં પણ આ દ્રશ્ય જોઈને જળહળિયા આવી જાય છે.
બીજા દિવસે બાબુ અને જશોદા કનૈયાને લઈને હોસ્પિટલ જાય છે.
કનૈયાને ખબર ના પડે એટલા માટે બાબુ જશોદાને અને કનૈયાને એક ફરસાણની દુકાન પાસે બેસાડી અને કેન્સર હોસ્પિટલમાં દાખલ થાય છે. ત્યાં એને પરમ મળે છે. પરમ કેન્સર હોસ્પિટલમાં મુખ્ય ડોક્ટર પાસે બાબુને લઈ જાય છે. બાબુ ડોક્ટરની કેબિનમાં પ્રવેશે છે. ડોક્ટર એને બેસવા માટે કહે છે અને પછી ડોક્ટરે જે બાબુને કહ્યું એ સાંભળીને બાબુના પગ નીચેથી જમીન સરકી જાય છે. બાબુ અવાક થઈ જાય છે, બાબુ સ્તબ્ધ થઈ જાય છે, બાબુ કશું જ બોલી નથી શકતો, કારણ કે ડોક્ટરે કનૈયાનો ફોટો બાબુના મોબાઈલમાં જોઈને બાબુ ને કહ્યું કે..........
ક્રમશઃ
ડોક્ટરે બાબુને એવું તે શું કહ્યું ? બાબુ જશોદા અને કનૈયા પાસે પાછો ગયો પછી શું થયું ? એ જાણવા માટે વાંચતા રહો જિંદગી - એક આઈસ્ક્રીમ ભાગ 7