આ વાર્તા ના બધાજ પાત્રો કાલ્પનિક છે કોઈ જીવીત કે મૃત વ્યક્તિ સાથે એનો કોઈ સંબંધ નથી ને જો આવું જણાય તો તે માત્ર એક સંયોગ હશે. આ વાર્તાના તમામ હક લેખકને આધીન છે . કોઈપણ Audio - Visual માધ્યમ માટે ઉપયોગ કરતા પહેલા લેખકની પરવાનગી લેવી જરૂરી છે.
SWA Membership No : 32928
ગોકુળ નગરની ઝૂંપડપટ્ટીમાં સવારના આઠ વાગ્યા હતા. પાણીનો સમય લોકો પાણી ભરવા માટે જાહેર નળ પાસે ભેગા થયા હતા. જાહેર નળ પાસે લોકો ભેગા થાય અને પાણીની લાઈનમાં ઊભા રહેવા જે મગજમારીઓ ચાલતી હોય છે એવી જ મગજમારી આ જાહેર નળ ઉપર પણ ચાલતી હતી. લોકો એકબીજાને ચ....ભ......મા.....ને બેનની ગાળોથી નવાજતા હતા અને એમના પ્લાસ્ટિકના ડબલા, ડોલ, માટલા એકબીજા સાથે કુસ્તી કરતા હતા. આ રોજનું જ હતું જાહેર નળ પર પાણી ભરવા કરતા કિમતી પાણીનો વ્યય વધારે થતો હતો. આવી જ પરિસ્થિતિ જાહેર શૌચાલય ઉપર પણ હતી. લોકો ડબલા લઈને લાઈનમાં ઉભા હતા એમાં એક દરવાજો કોઈ જોર જોરથી પીટી રહ્યું હતું કારણ કે અંદર જઈને બેઠેલો વ્યક્તિ સમયસર બહાર નીકળ્યો ન હોવાથી બીજા બધાને પોતાની પાટલુન ખરાબ થવાનો ભય હતો. કેટલીક માઓએ છોકરાઓને ખુલ્લામાં જ બેસાડી દીધા હતા. ગોકુળનગર માટે આ રોજનું એક રૂટીન હતું.
એક ઘર પાસે એક છોકરી કચરો વાળતી હતી ને કચરો વાળતી વખતે એ જ્યારે ઝૂકતી ત્યારે એણે પહેરેલા ઢીલા ખુલ્લા ગળાના ટીશર્ટમાંથી એના સુંદર ભરાવદાર બે સ્તનની ગોળાઈઓ બહાર દેખાઈ આવતી હતી. એ બે સ્તન ભેગા થતા જે ગલી (ક્લીવેજ) પડતી હતી ત્યાં ઘણા છોકરાઓની નજર સ્થિર થઈ જતી હતી. કચરો વાળતી એ છોકરીએ સામે ઉભેલા છોકરા સામે જોયું અને પછી એની સામે થુંકીને એ બોલી 500 રૂપિયા આપ બધું બતાવીશ મફત જોવા માટે નથી ચલ નીકળ ને પેલો છોકરો ભોંઠો પડી ગયો ને ત્યાંથી રવાના થઈ ગયો.
એક દારૂડિયો રસ્તા ઉપર પીને પડ્યો હતો સવાર સવારમાં જ કદાચ એણે મોં પણ પોટલીથી જ ધોયુ હશે. દેશી દારૂની પોટલી લગાવીને એ રોડ ઉપર પડ્યો પડ્યો લવારી કરતો હતો એને જોઈને ચાલીના બે ચાર જણા વાતો કરતા હતા. એકે કહ્યું "આનું રોજનું છે ખબર નથી પૈસા ક્યાંથી લઈ આવે છે ?" બીજા એ કહ્યું "હાળો રોજ પીને બૈરીને મારે છે". ત્રીજાએ ત્યાં એક છોકરા ને બૂમ પાડી " એ ભૂરીયા જા તારી માં ને બોલાવી લાવ આ જો તારો બાપ સવાર સવારમાં ઢીંચીને રોડ પર પડ્યો છે લઈ જાય ઘેર."
ગલ્લા નું દ્રશ્ય અલગ જ હતું.
ગલ્લા ઉપર નવરા લોકો બેસીને સરકારની, દેશ - દુનિયાની અને અત્યારે ચાલતા યુદ્ધોની વાતો કરતા હતા. મોંઘવારી અને પોતાની વ્યથાઓ ભૂલીને કેટલાક મોબાઈલમાં રિલ્સમાં આવતી ઝારખંડ, બિહાર, યુપી વગેરેની ઇન્ટિરિયર ગામડાઓની સ્ત્રીઓના લલચામણા ડાન્સ વિડિયો જોઈને આંખો શેકતાં હતા. કેટલીક સ્ત્રીઓ સવાર સવારમાં ટિફિન લઈને કડિયા કામે, ઘરકામે જવા માટે નીકળી હતી, એ પણ ગલ્લા પર રોકાતી હતી, ગુટકા,તમાકુ , કુબેર ,ગોવા એવી પડીકીઓ માંગવા. પડીકી ખરીદ કેટલીક ખોલીને ત્યાં જ મોમાં નાખતી અને પછી નીકળી જતી. કામ કરવા માટે આ એમની એક શક્તિ હતી. નાના છોકરાઓ લખોટીઓ રમતા હતા. ક્યાંક કેટલાક છોકરાઓ ભમરડા પણ રમતા હતા. હજી ચાલીમાં આ રમતનું કલ્ચર સચવાઈ રહ્યું હતું . લખોટી ભમેડા છાપો આવું કેટલાક છોકરા રમતા હતા.
એક છોકરો પૈડું ફેરવતો ફેરવતો નીકળ્યો અને ત્યાં જ સામેથી એક સાયકલ આવી અને સાયકલ સાથે અથડાતા અથડાતા રહી ગયો. સાયકલ ઉપર સવાર માણસ એને બોલ્યો " અલા એ જોઈને પૈડું ચલાય વાગી જશે તો તારી મા લડવા આવશે" અને પછી એ માણસ સાયકલ લઈને નીકળી ગયો. સાયકલ એક ઘરના દરવાજા પાસે જઈને ઉભી રહી. માણસ ફટાફટ સાયકલ પરથી ઉતર્યો, દરવાજા પાસે ગયો અને હજી દરવાજો ખોલવા જાય ત્યાં જ ધડામ દઈને દરવાજો ખુલી ગયો અને સામે ?
સામે એક સામાન્ય સાડીમાં બ્લાઉઝમાંથી બંને ઉરજો દેખાય...બંને સ્તનની ગોળાઈ દેખાય એવી રીતે સાડીનો છેડો રાખેલી, વીખરાયેલા વાળ વાળી, એક લઘર વઘર સ્ત્રી, હાથમાં ટિફિન લઈને ઊભી હતી એ સ્ત્રી એટલે જશોદા. જશોદા ગુસ્સામાં બોલી," ટિફિન ભૂલી ગયા ને ? " પેલા માણસે કહ્યું " હા ઉતાવળમાં ભૂલી ગયો." એ ટિફિન લઈને નીકળ્યો, સાયકલ પાસે પહોંચ્યો ત્યાં જશોદાએ બૂમ પાડી ઊભા રહો, જશોદા એની પાસે ગઈ અને કહ્યું "આજે થોડા પૈસા ઉપાડતા લાવજો, શેઠ પાસેથી થોડો ઉપાડ લઈ લેજો નહિતર રાત્રે પાણી પીને સૂવું પડશે " પેલો માણસ એની સામે જોતા ઉભો રહ્યો, જશોદાએ ગુસ્સામાં કહ્યું, " મો જોતા શું ઉભા છો ? જાવ નહિતર આજે પાછું મોડું થશે ને તો સાંજે શેઠ તમને ઉપાડ નહીં આપે. " પેલા માણસે કહ્યું "પણ...." જશોદાએ કહ્યું " પણ શું ? જાવ ...અને પછી એ સાયકલ લઈને પાછો નીકળી ગયો.
આ બધું પેલી જે છોકરી કચરો વાળતી હતી એ જોતી હતી. એનું નામ મોનિકા હતું. બિન્દાસ છોકરી, આખી ચાલી જાણતી હતી કે એ શું કામ કરે છે?, પણ કોઈની હિંમત નહોતી કે એને કોઈ કંઈ કહી શકે કારણકે ચાલીમાં એ મોનિકા હતી ને ચાલીની બહાર મેનકા. સ્પાને નામે ચાલતા કૂટણખાનામાં એ કામ કરતી હતી. એણે પેલા સાયકલવાળાના ગયા પછી નજીક આવીને જશોદાને કહ્યું "જશોદા તને કેટલી વાર કહ્યું ચાલ મારી સાથે તારે કોઈ દી ઉપાડ નહી લેવો પડે ને જશોદાની છાતી તરફ જોતાં સ્માઈલ સાથે કહ્યું "બધા તને ઉપાડશે અને તું બધાને ઉપાડ આપીશ. તને કેટલી વાર કહ્યું કે આવતી રે મારી સાથે." જશોદાએ એને ધમકાવતા કહ્યું "તને કેટલી વાર કહ્યું કે મારી સાથે આવી વાત નહીં કરવાની." મોનિકાએ કહ્યું , "તારે તો છોકરું પણ નથી કે તને થઈ શકવાનુંએ નથી તો આવી જા મારા ધંધામાં ટેન્શન જ નહીં બે પગ ફેલાવો એટલે ઉપાડનો વરસાદ થાય. જશોદાએ ગુસ્સામાં કહ્યું, "મારી સાથે આ પ્રકારની વાત કરતી નહીં તને છેલ્લી વાર કહું છું" અને જશોદા એના ઘરમાં જતી રહી.
આ બાજુ રીક્ષાના એક વર્કશોપની બહાર જે સાયકલ ચાલીમાંથી નીકળી હતી એ પડેલી હતી. એ સાયકલ હતી બાબુની, બાબુ જશોદાનો પતિ, બાબુ ગેરેજમાં એક રીક્ષાના મિકેનિક તરીકે કામ કરતો હતો.
બાબુ એની ઓફિસે પહોંચ્યો છે અને ગેરેજમાં એનાં સાહેબની સામે ચુપચાપ નીચી મુંડી કરીને ઉભો છે.
સાહેબ એને કહી રહ્યા છે " બાબુ તને છેલ્લી વાર કહું છું દર મહિને ઉપાડ માંગવા આવીશ ને તો નોકરીમાંથી છૂટો કરવો પડશે."
બાબુએ કહ્યું, "પણ સાહેબ....
સાહેબે કહ્યું , " પણ બણ કંઈ નહીં ચૂપચાપ કામ કરો. "
બાબુ બહાર આવી જાય છે, હતાશ થઈ જાય છે.
થોડીવાર કામ કરે છે અને પછી બપોરની રિસેસ પડે છે. બધા કારીગરો ટિફિન લઈને ટોળે વળીને બેસે છે, જ્યારે બાબુ દુર જઈને એકલો બેસે છે. બધા અંદર અંદર વાતો કરતા હોય છે. સંજયે કહ્યું, "બાબુને શું થયું છે કેટલો હસમુખ હતો? પહેલા બધાની સાથે ટિફિન લઈને બેસતો. લલિતે કહ્યું "ખબર નથી શું થઈ ગયું છે?" ત્યાં કમલેશ બોલ્યો "બૈરી એ ના પાડી હશે" યાકુબે કહ્યું " ના ભાઈ ના પૈસાનું ટેન્શન હશે તો વળી પાછો સંજય બોલ્યો " પૈસાનું ટેન્શન હોય તો શું આપણને નથી? તો શું આપણે જુદા જઈને બેસીએ છીએ ?અરે કોઈની પાસે દિલ ખાલી કરીએ તો જીવાય." કમલેશે કહ્યું "આપણે મધ્યમ વર્ગના માણસો એકબીજાને સુખદુઃખની વાતો જ વહેંચી શકીએ પૈસા નહીં ". લલિતે કહ્યું એની તો બધાને મોકાણ છે ,બે વાત કરીએ તો મનનો ભાર હળવો થાય. ત્યાં વળી યાકુબ બોલ્યો અરે ભાઈ કોઈ સભામાં કે ગુરુ પાસે તો નથી ગયો ને નહીં તો કોઈએ કહ્યું હોય કે મીયાભાઈ કે સાથ મત બેઠીયો , હશે.... ચલો કામે લાગીએ, એમ કરી સૌ જમવાનું પતાવી , ટીફીન બંધ કરી, પોતપોતાના કામે લાગી ગયા.
આ બાજુ ચાલીમાં જશોદા પોતાના કામે લાગી ગઈ.
ચાલીના ખૂણાના એક ઘરમાં પ્રેમલીલા ચાલતી હતી જે ચાલીના લોકોથી અજાણ હતી.
એ પ્રેમ લીલા કોની હતી?
બાબુ કેમ બધાથી જુદો ટિફિન ખાવા બેસતો હતો? બાબુને ઉપાડ મળ્યો ? કે પછી આજે પણ એ લોકોએ પાણી પીને સુઈ જવું પડશે?
જાણવા માટે વાંચતા રહો જિંદગી એક આઈસ્ક્રીમ ભાગ-2
ક્રમશ :
- જીગર બુંદેલા