હાર્દિક અને નિસર્ગ એમની મંઝીલ તરફ જવા નીકળી ગયા હતા; જ્યાં તેમને અધુરા અને ગુંચવણ સંબંધોને સુધારવાના હતા. રાજને પ્લેટફોર્મ પર એની મંઝીલે પહોચાડવા માટે ટ્રેઈન આવીને ઊભી રહી ગઈ હતી. પ્રવિણથી વિદાય લઈને રાજ ટ્રેઈનમાં ચઢી ગયો.
એના દોસ્તો એક પછી એક જતા રહ્યા. અત્યાર સુધી એમની સામે મન મજબુત રાખીને વિદાય આપ્યા પછી પ્રવિણને એકલાપણું સાલવા લાગ્યું. રાજને ટ્રેઈનમાં ચડાવીને પ્રવિણ ત્યાંથી ડાયરેક્ટ ઘાટ પર જતો રહ્યો હતો.
ઘાટ પર તડકાને કારણે પબ્લીક ઓછી દેખાય રહી હતી. અમુક યજમાન બ્રાહ્મણ પાસે પિતૃકાર્ય કરાવી રહ્યાં હતાં. અમુક લોકો સોમનથના મંદિરે દર્શન કરવા જઈ રહ્યાં હતાં. પ્રવિણે એક જગ્યા શોધીને શાંતિથી બેસી ગયો. બે દિવસની અંદર એણે ભૂતકાળની સફર કરી નાખી હતી.
પ્રવિણે એના ખિસ્સામાંથી એનો મોબાઈલ કાઢ્યો. ડેટા ઓન કરીને સોશિયલ નેટવર્કિંગ ચાલું કર્યું. ગઈ રાતના હાર્દિકે એની આઈ. ડી. બનાવેલી હતી; એમાં તેં નિરિક્ષણ કરવા લાગ્યો. સોશિયલ સાઈટ જોઈને એને અચાનકથી કાજલની યાદ આવવાં લાગી. જેનાં થકી એનો ચહેરો કદરુપો થઈ ગયો હતો, એ જ એનાં હૃદયમાં યાદ બનીને કોઈ ખુણે બેઠું હતું.
કાજલનું નામ યાદ કરતાં એને એનાં ચતુર્ભુજ દોસ્તોની કહેલી વાત યાદ આવી. એને એનાં અને કાજલ વિશે પારુલને વાત કરવાની હતી. એણે મોબાઈલમાં એનાં ઘરનો લેન્ડ લાઈન નંબર ડાયલ કર્યો. ચાર રિંગ પછી પારુલે રિસીવર ઊચકાવીને હેલો બોલી.
"હેલો પારુલ, હું પ્રવિણ બોલું છું."
"અરે, તમે તમારાં મિત્રોને હજું મૂકીને કેમ આવ્યાં નથી ? બહું મોડું થઈ ગયું છે."
"હું તો એમને ક્યારનો મૂકીને ઘાટ પર આવીને બેઠો છું. તું કામમાં પરવારી ગઈ હોય તો પંદર મિનિટ માટે મને અહીં મળવાં આવી શકે છે ?"
"તમારે મારું કોઈ કામ હોય તો તમે ઘરે આવી જાવ. તમારા ગયાં પછી હેતલ એનાં પિયર જતી રહી છે. વસુને પણ તેં અહીં મૂકીને ગઈ છે. મારે એને જમાડીને સ્કુલ મોકવાનો છે. પિતાજીનાં જમવાની થાળી તૈયાર કરવાની છે."
"કોઈ વાંધો નહીં. તું જ્યારે પણ નવરી થાય ત્યારે આવજે. તું જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી હું જમવાં નહીં આવું."
"તમે શું આજે આવી વેવલી વાતો કરો છો ? આ ઉંમરમાં આવી જીદ્દ સારી નથી લાગતી. હું નવરી થઈશ ત્યારે એક વાગી જશે. એક વાગ્યે તાપ વધુ હોય છે."
"એ જે હોય તે, તને મારી જીદ્દ લાગતી હોય કે પ્રેમ દેખાતો હોય. આજે મારે તને બહાર મળવું છે."
પ્રવિણનાં મુખેથી પ્રેમ શબ્દ સાંભળીને પારુલ આગળ બોલી ના શકી. જેમ બને તેમ એ વહેલી ફ્રી થઈને આવશે, એવું કહીને રિસીવર ફોન પર મૂકીને વત્સલને તૈયાર કરવાં લાગી.
બપોરનાં એક વાગ્યે વત્સલનાં સ્કુલ ગયાં પછી પારુલે દલપત દાદાની થાળી તૈયાર કરીને એમનાં રૂમમાં દેવાં જતી રહી.
"પિતાજી, આ લ્યો તમારી જમવાની થાળી." પારુલે દલપત દાદાના હાથમાં થાળી આપીને આગળ બોલી, "પિતાજી, એક વાત પૂછું ?"
"એમાં સવાલ શું કરવાનો હોય ? તમારો હક છે પૂછવાનો."
"તમારા દીકરાને કેવાં રંગનાં કપડાં ગમે છે ?" શરમાતા બોલી.
પારુલનો સવાલ સાંભળીને દલપત દાદા મોઢાની અંદર બે ચાર રહેલા દાંત સાથે જોરથી હસવા લાગ્યા.
"એમાં હસવાની વાત કેમ આવી ?" પારુલને નવાઈ લાગી.
"તમે આટલાં વર્ષો એની સાથે એક છત નીચે રહો છો. હજું એની પસંદની ખબર ના પડી." દલપતદાદાએ હસવાનું બંધ કરતાં બોલ્યાં.
પાંત્રીસ વર્ષમાં પારુલ પ્રવિણની પસંદને સમજી શકી ન હતી. પ્રવિણે કોઈ દિવસ ખુલ્લાં મનથી એની પસંદ પારુલ સામે જાહેર કરી ન હતી. પારુલે ભોઠપ અનુભવીને દલપત દાદાને નકારમાં માથુ હલાવીને ના કરી દીધી.
"એને દરેક રંગો ગમે છે. ખાસ કરીને એને ઠંડક પ્રદાન કરતો સફેદ અને આછો ગુલાબી રંગ બહુ ગમે છે."
દલપત દાદાની વાત સાંભળીને પારુલે એમને ધન્યવાદ કહીને જણાવ્યું દીધું કે એ કોઈ કામ માટે ઘરની બહાર જઈ રહી છે. તેઓ જમીને એમની જગ્યાએ સુઈ જાય.
દલપત દાદાને એનાં પુત્રવધુનું વિચિત્ર વર્તન સમજમાં ના આવ્યું. પારુલ ફટાફટ એના રૂમમાં જઈને કબાટમાંથી આછાં ગુલાબી રંગની સાડી કાઢીને પહેરી લીધી. કામ કરી ચહેરો પ્રસ્વેદથી ચિકણો થઈ ગયો હતો. તેણીએ સાબુથી ચહેરો ધોઈને સાફ કરી નાખ્યો. હાથમાં એને ટેલ્કમ પાઉડર આવી જતાં એણે થોડોક ચહેરા પર લગાવી દીધો. વિખરાયેલાં વાળ પર કાસકેથી ચોટલો વાળીને ગૂંથી નાખ્યાં. આંખોની બે ભ્રમરોની વચ્ચે લાલ રંગની બિંદી લગાવી દીધી.
પારુલ તૈયાર થઈને ફરી એક વાર દર્પણની સામે જોઈને મનમાં બોલી ઊઠી : "એમને આજ હું પસંદ તો આવીશ ? આ હૃદયના ધબકાર આટલાં કેમ વધી રહ્યાં છે ? એ મારાંથી અજાણ્યાં તો નથી તે છતાં એવું કેમ લાગી રહ્યું છે કે હું એમને પહેલી વાર મળવાં જઈ રહી છું ? આવું તો એ મને પહેલી વાર મળવા આવ્યાં હતાં ત્યારે પણ મારી આવી હાલત ન હતી."
પારુલે એના વિચારોને દર્પણ પાસે મૂકીને ઘાટ પર જવા બાવરી બની ગઈ. ફરિયામાં આવતાં પગમાં જે ચંપલ આવ્યાં એ શોધીને પહેરી લીધાં. ઘરથી ઘાટ બહુ દૂર ન હતો પણ એનો ભરથાર સવારની એની રાહ જોઈને તડકે શેકાઈ રહ્યો હતો. એના ભરથારને વધુ એને રાહ જોવડાવી ન હતી. ગલ્લીનાં નાકેથી એણે રીક્ષા કરીને ઘાટ તરફ નીકળી ગઈ.
પાંચ મિનિટની અંદર એ ઘાટ પહોંચી ગઈ. રીક્ષા વાળાને ભાડું ચુકતે કરીને તેણીએ ઘાટ પર આવીને ચારેય તરફ પ્રવિણને શોધવાં લાગી. પારુલે આસપાસ દોડીને ખૂણે ખાચરે જોયું પણ તેણીને પ્રવિણ નજરે દીઠ્યો નહીં.
કદાચ! એને આવવામાં મોડું થઈ ગયું હોય અને એ ઘર જવાં નીકળી ગયાં હોય એવો મનમાં વિચાર કરીને તેણીએ ઘરે જવાનું નક્કી કરી લીધું. એ ઘાટ પરથી બહાર નીકળી તો પાછળથી કોઈએ તેણીને સાદ કર્યો :
"તું મને મળવાં આવી છે તો મળ્યાં વિના જતું રહેવું છે ?"
પારુલને એ અવાજ જાણીતો લાગ્યો. તેણીએ પાછળ વળીને જોયું તો એક ઝાડની ઓથે પ્રવિણ અદબ વાળીને ઊભો હતો. પારુલ પ્રવિણને જોઈને હરખાઈ ગઈ. તેં ઊતાવળાં પગે પ્રવિણ પાસે પહોંચી ગઈ. થોડીક ઝડપી હાલવાથી તેણીને હાફ ચડી ગયો. શ્વાસની ગતિ તેણીની ઊંચી નીચે થવાં લાગી.
"રિલેક્સ ! આમ બાવરી થઈને આવવાનું મેં તને કહ્યું ન હતું. શાંતિથી તારે આવવું જોઇએ."
પ્રવિણે પારુલને છાયડે ઊભી રાખીને પોતે ખરીદેલી પાણીની બોટલથી એનાં હાથેથી તેણીને પાણી પીવડાવ્યું.
"ભગવાન એનાં ભક્તને પ્રેમથી બોલાવે તો ભક્તને દોટ મૂકીને આવવું પડે." પારુલે પ્રવિણની આંખોમાં આંખો પરોવીને કહ્યું.
"હા એટલે જ તું તારા ભગવાનને મળ્યા વિના જવાં માંગતી હતી."
પ્રવિણે મોં મચકોડીને ખોટો ગુસ્સો જાહેર કર્યો. તડકાને કારણે આજુબાજુ કોઈ પબ્લીક દેખાઈ રહી ન હતી. જે કોઈ નીકળતું એ એમની બાઈક પર બેસીને પસાર થઈ જતું હતું.
"મને માફ કરી દો. મેં તમને પૂરાં ઘાટ પર શોધી કાઢ્યા. તમે મને ક્યાંય દેખાય રહ્યાં ન હતાં. મને એમ કે તમે ઘરે જવાં નીકળી ગયાં હશો. તમે મને ત્યાં પણ નહિ જુઓ તો ચિંતામાં આવી જશો. એવું વિચારીને હું ઘરે જઈ રહી હતી."
"બસ તને તારાં ભગવાન પર આટલો જ ભરોસો હતો. મેં તને કહ્યું હતું કે તું જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી હું અહીંથી ક્યાંય જવાનો નથી."
"આથી તો મેં તમારી પહેલાં માફી માંગી લીધી. સ્ત્રીનાં હૃદયે ધરપત રહેતી નથી. ભરોસો તો મને મારા શ્વાસથી વધુ તમારા પર છે. આ શ્વાસ પૂરાં થઈ જશે પણ તમારા પર મારો ભરોસો કદી નાશ નહીં થાય."
"એટલો પણ મારા પર ભરોસો ના રાખ. કદાચ અજાણતાં હું તારો ભરોસો તોડીશ તો વધારે દુઃખ તને થશે."
"એવું કોઈ દિવસ નહીં થાય."
"કદાચ, થઈ ગયું હશે તો !"
"થઈ ગયું એ ભુતકાળ છે. ભૂતકાળ એ સંબંધનો ભરોસો તોડ્યો ના કહેવાય. તમે મારા વર્તમાન છો અને ભવિષ્યમાં પણ મારી સાથે રહેવાનાં જ છો. એ છે મારો તમારા પ્રત્યેનો ભરોસો."
પારુલને પ્રવિણ પર પૂરો વિશ્વાસ હતો. પ્રવિણ પારુલની વાતોથી એનો ભૂતકાળ કહેવા માટે વધુ મજબુત બની ગયો હતો.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"