હાર્દિકે પ્રવિણના મોબાઈલમાંથી મહા મુશીબતે કુલદીપનું સોશિયલ એકાઉન્ટ શોધી કાઢ્યું. સોશિયલ એકાઉન્ટથી જાણવાં મળ્યું કે કુલદીપ અને ગીતા મુંબઈમાં સોમનાથ ડાન્સ એન્ડ દાંડિયારાસના કલાસ ચલાવી રહ્યાં હતાં.
વર્ષો પછી તેઓ બન્નેનાં અલગ લુક જોઈને પ્રવિણ અચંબિત થઈ ગયો. હરખમાં એનું નામ લઈને આંખમાંથી આસુ સારવા લાગ્યો.
"તમે એમને આટલા યાદ કરો છો તો એમને ફ્રેન્ડ રિક્વેસ્ટ તો મોકલી શકો છો."
હાર્દિકના કહેવાથી પ્રવિણે કહ્યુ : "ના, એની સાથે વાત કરવાની હિમ્મત થતી નથી. બસ એ બન્નેને એક સાથે જોઈને જ હું ખુશ છું. મારા સોમનાથ દાદા એની સાથે છે. એની પ્રોફાઈલ જોઈને લાગે છે કે એ ઘણો આધુનિક બની ગયો છે. મારા હાળાએ મુંબઈ જેવા મોટા શહેરમાં રૂપિયો સારો ભેગો કરી લીધો લાગે છે !"
"સાચી વાત છે. સોમનાથ દાદા જે કરે એ સારુ કરે છે."
હાર્દિકે કુલદીપના એકાઉન્ટ પર સરખી ઈમ્ફોરમેશન ચેક કરી તો એની અંદર એના પર્સનલ નંબર લખેલા હતા.
"પ્રવિણભાઈ, આ જુઓ. આ એમના પર્સનલ નંબર છે. તમારે રિકવેક્ટ મુકવી ના હોય તો કાંઈ નહિ, પણ એના નંબર સેવ કરી લો. ભવિષ્યમાં તમારે એમની સાથે વાત કરવી હોય તો કામ લાગશે."
પ્રવિણને હાર્દિકની વાત યોગ્ય લાગી. એણે કુલદીપના પર્સનલ નંબર સેવ કરી લીધાં. નંબર સેવ કર્યા પછી પ્રવિણે એક બગાસુ ખાઈ લીધું. એણે ઘડિયાળ તરફ જોયું તો એક વાગી ચુક્યો હતો.
"હવે ઘડિયાળમાં જોવાની ટેવ ભૂલી જાવ. તમારે સમય જોવો હોય તો મોબાઈલ પર જોઈ શકો છો."
"અરે ! આ બધું મારા માટે નવું છે. મને મોબાઈલની આદત પડતા વાર લાગશે." પ્રવિણે હાર્દિકને કહીને બીજું બગાસુ ખાઈ લીધું.
હાર્દિકને તો પૂરી રાત જાગવાની ટેવ હતી. પ્રવિણ દસના ટકોરે સૂવા વાળો માણસ હતો. પ્રવિણને સૂઈ જવું હતું એટલે બન્નેએ મોબાઈલ મૂકીને સોમનાથ દાદાનું નામ લઈને સૂઈ ગયા. મહા શિવરાત્રીની બે દિવસની થકાવટને કારણે પ્રવિણને આંખો બંધ કર્યાની સાથે ઊંઘ ચઢી ગઈ હતી.
હાર્દિઈને સૂતાની સાથે ઊંઘ ના આવી તો એ બે દિવસ પ્રવિણ સાથે રહીને દરેક ઘટનાને યાદ કરીને ફરી જીવવા લાગ્યો. એ ઘટનામાં પ્રવિણ અને રાજ સાથેનું મિલન, મહા શિવરાત્રીનું જાગરણ, ભાલ્કા તીર્થ, વેરાવળ દરિયાકિનારે નિસર્ગમાં આર્યની છબિ દેખાવી. હાર્દિક નિસર્ગના ચહેરા સાથે આર્યની યાદ આવવા લાગી. એ પથારી પરથી ઊભો થયો. એણે એના મોબાઈલની સ્ક્રીન ખોલીને આર્યનો બે વર્ષનો ફોટો જોઈને મન મનાવી લીધું. બે હાથ જોડીને એણે આર્ય માટે પ્રાર્થના કરીને સુવાની ટ્રાઈ કરી તો એને નિંદર આવી ગઈ.
સવારે આઠ વાગ્યે હાર્દિક અને રાજ સોમનાથ થી ઘરે જવા માટે સામાન સાથે હોલમાં ઉપસ્થિત થઈ ગયાં હતાં. મહા શિવરાત્રીની અને પ્રવિણના ઘરની મહેમાનગતિની યાદોને પણ એમણે સામાનમાં પેક કરી લીધી હતી.
હાર્દિક અને રાજે એક સાથે દલપત દાદાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લઈ લીધા. એ સાથે પારુલ, રવિ અને હેતલ પાસે બે હાથ જોડીને વિદાય લઈ લીધી.
હાર્દિકે વત્સલ માટે કેડબરીનું એક મોટું બોક્સ લઈને આપી દીધું. વત્સલ કેડબરી જોઈને ખુશ થઈ ગયો. રાજ વત્સલ માટે ગોગ્લસની ખરીદી વેરાવળ કરી હતી; જે એણે વત્સલને ભેટ તરીકે આપી દીધી.
"આ દરેક વસ્તુઓ આપવાની કાંઇ જરૂરી હતી ! હાર્દિક ગઈ કાલે તે મોંઘો સ્માર્ટફોન ખરીદીને મને આપ્યો છે."
પ્રવિણ પાસે સ્માર્ટફોન આવી ગયો એ વાત ઘરનાં સભ્યોને જાણ થઈ ગઈ. વત્સલે ફોન જોવાની જીદ્દ પકડી લીધી. પ્રવિણે એના હાથમાં ફોન પકડાવ્યો તો એ એની અંદર ગેમ રમવાની ચાલુ કરી દીધી.
"પ્રવિણભાઈ, મેં તમને ગઈ કાલે જ કહ્યું હતું કે કોઈ વ્યક્તિ ભેટ આપે તો ભેટ નહીં, પણ એની લાગણીને જોવી જોઈએ. વત્સલ નાનો બાળક છે. એ બાળરાજાને ખુશ કરવો જોઈએ." હાર્દિકે કહ્યું.
"પ્રવિણકાકા, હવે અમારે નીકળવું જોઈએ. મંઝીલ બહુ દૂર છે અને રસ્તો હવે કાપવો લાંબો થઈ જશે. તમારી મહેમાનગતિ માણ્યાં પછી જવાની ઈચ્છા થતી નથી, પણ જાવવું પણ જરૂરી છે. સંસારનો નિયમ બદલી શકાતો નથી." બોલતાની સાથે આંખો ભરાઈ ગઈ.
પ્રવિણ હાર્દિક અને રાજને જતા જોઈને કમજોર પડી ગયો હતો. પાંત્રીસ વર્ષ પછી કોઈની સામે તેં આટલો ખીલીને રહયો હતો. દલપત દાદાએ તેઓ ત્રણેયની દોસ્તી વચ્ચેનું બોન્ડિંગનું નિરિક્ષણ કરી લીધું હતું. બે દિવસમાં દલપત દાદાને પ્રવિણની અંદર વર્ષો પહેલાના પ્રવિણની ઝલક દેખાઈ આવી હતી.
પ્રવિણ લાગણીશીલ બનીને રાજને ભેંટી પડ્યો. રાજના છુપાવેલા આંસુ આંખમાંથી ટપક દેતા બહાર નીકળી ગયા.
"પ્રવિણ કાકા, તમે મારા કાકા નહીં પણ એક મિત્ર અને શુભચિંતક બનીને મારી લાઈફમાં અચાનક આવેલા છો. તમને આપેલું પ્રોમિસ નિભાવીને જ હું ફરી તમારી સામે આવીશ." રાજ પ્રવિણથી અળગો થઈને ગાલ પર આવેલાં આંસુ લૂછતાં બોલ્યો.
લાગણીશીલ રાજને રડતા જોઈની સૌની આંખો ભરાઈ ગઈ. રાજ પછી હાર્દિક ભીની આંખે પ્રવિણને ગળે વળગ્યો.
"પ્રવિણભાઈ, મેં ગઈ રાત્રે તમને કહ્યું એ વિશે વિચાર કરી લેજો. મનની ઈચ્છા હોય એ મનમાં રાખતા નહીં. હું પ્રોમિસ નથી માંગતો પણ મારી હૃદયથી ઈચ્છા છે કે તમારા ત્રણેય દોસ્તોને એક સાથે હળીમળીને જોઈ શકું."
હાર્દિકે હળવેકથી પ્રવિણને એના મનની ઈચ્છા કાનમાં કહીને પછી એનાથી દૂર થયો. પ્રવિણે હકારમાં માથુ હલાવીને ભાવુક થઈ ગયો. એની બિલકુલ મરજી હતી નહીં કે એ બન્નેને પોતાનાથી દૂર કરે.
"તમારે બન્નેને જવું જ છે તો જાવ પણ મારી એક શરત છે."
પ્રવિણ એની આંખના ભીના ખૂણાને સાફ કરતા કહ્યું. રાજ અને હાર્દિક એક સાથે બોલી ઊઠ્યા, "કઈ શરત ?"
"એ જ કે તમે બન્ને આવતા મહા શિવરાત્રીના દિવસે અહી સોમનાથ જરૂર આવશો અને મારી ઘરે જ ઊતારો કરશો."
પ્રવિણની વાત સાંભળીને તેઓ બન્ને હસી પડ્યા. રાજે તો હકથી કહી દીધુ : "આ કોઈ કહેવાની વાત છે ? તમે અમને ઘરની અંદર આવવા નહીં દો તો પણ જબરદસ્તી અમે દરવાજો તોડીને ઘરમાં ઘુસી જશું."
રાજની નિખાલસ વાત સૌને ગમી. દલપત દાદાએ હકથી કોઈ પણ સમયે ઘરે આવવાનું નિમંત્રણ આપી દીધું.
"હવે મોબાઈલની અંદર આપણું ચતુર્ભુજનું ગ્રુપ બની ગયું છે. આપણે જ્યારે એકબીજાને લાઈવ જોવાની ઈચ્છા થશે ત્યારે વિડિયો કોલ કરી લેશું." હાર્દિકના કહેવાથી પ્રવિણે હમમ દ્રારા વાતને સ્વીકારી લીધી.
દલપત દાદાએ હાર્દિક અને રાજને આશીર્વાદ તરીકે હજાર હજાર રૂપિયા આપી દીધા. એક પિતા તરીકે એમણે તેઓ બન્નેને ભવિષ્યમાં સફળતાઓની સીડીઓ ચઢતા રહે એવા આશીર્વાદ આપી દીધા.
પ્રવિણ એક રિક્ષા કરીને તેઓ બન્નેને મુકવા જંકશન પહોચી ગયો. પ્રવિણે તેઓ બન્ને માટે થમ્સઅપની એક એક બોટલ શોપમાંથી ખરીદી કરીને હાથમાં પકડાવી દીધી.
જંકશનથી ભુજની ટ્રેઈનનો સમય દસ વાગ્યાનો હતો. રાજે ટ્રેઈન વડે ભુજ જવા માટે ટિકીટ કઢાવી લીધી. અડધી કલાકમાં પ્લેટફોર્મ પર ટ્રેઈન ભુજ જવા રવાના થવાની હતી. પાટણ જવા માટે સવારની ટ્રેઈનનું કોઈ ટાઈમ ટેબલ હતું નહીં. હાર્દિકે પ્રાઈવેટ ગાડી બુક કરીને પાટણ જવાનો વિચાર કરી લીધો.
"તું સ્પેશ્યલ ગાડી કરીને પાટણ જઈશ તો ખર્ચ વધી જશે. અત્યારે તું ટ્રેઈનની ટિકીટ કઢાવી લે. હું તને રાત્રે જંકશન મૂકવા આવીશ." પ્રવિણે હાર્દિકને સલાહ આપી.
"મારા કામો અટકેલા છે. હવે વધુ રોકાવું પોશિબલ નથી. અત્યારે નીકળી જઈશ તો રાત્રે હું મારુ પેન્ડિંગ કામ ચાલું કરી શકીશ."
હાર્દિક રોકાવા માટે તૈયાર હતો નહીં. પ્રવિણે વધુ આનાકાની કરીને મુસાફરીમાં વિઘ્ન નાખવા માંગતો ન હતો. એણે હસતે મુખે એને જવાની રજા આપી દીધી. હાર્દિકે છેલ્લી વાર રાજ અને પ્રવિણને આવજો કરીને જંકશન પર ગાડી બાંધીને પાટણ જવા બેસી ગયો.
હાર્દિકના ગયા પછી પ્રવીણે નિસર્ગને કોલ કર્યો તો જાણવા મળ્યું કે એ વહેલી સવારે પાંચ વાગ્યે વડોદરા જવા નીકળી ગયો હતો. એણે હાર્દિકને મેસેજ દ્રારા જણાવી દીધું હતું.
દસ વાગવામાં બે મિનિટની વાર હતી ત્યાં એનાઉન્સમેન્ટ થયું કે ભુજ જવા માટે ટ્રેઈન એના નિર્ધારિત પ્લેટફોર્મ પર આવવાની તૈયારીમાં છે. પ્રવિણ અને રાજ એનાઉન્સમેન્ટ સાંભળીને પ્લેટફોર્મ પર દોડીને પહોંચી ગયાં.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"