My home is my destiny. - 25 in Gujarati Motivational Stories by Dhamak books and stories PDF | મારુ ઘર, મારી નિયતિ છે - 25

The Author
Featured Books
Categories
Share

મારુ ઘર, મારી નિયતિ છે - 25

મયુરી અને તેના પપ્પાને કારણે મીરા નિરાશ થઈને પોતાના રૂમમાં રડતી હોય છે. માનવ મીરાના રૂમ પાસે પહોંચીને દરવાજો ખખડાવે છે અને પૂછે છે, "શું હું અંદર આવી શકું છું, મીરા?"

​મીરા પલંગ પરથી ઊભી થઈને થોડી સ્વસ્થ થાય છે અને કહે છે, "તમે અંદર આવી શકો છો, આ તમારો જ રૂમ છે."

​માનવ મીરા પાસે પલંગ પર બેસે છે અને તેનો હાથ પકડીને કહે છે, "નિરાશ થવાની જરૂર નથી. આપણે ફરી એકવાર કોશિશ કરીશું, મયુરીની કસ્ટડી આપણને જ મળશે. જો તું આમ હિંમત હારી જઈશ તો મયુરીને કેવી રીતે સંભાળીશ? તને તો તારા પપ્પાની આદતની ખબર જ છે. તેમના પર ગુસ્સો કરવાથી કંઈ ફાયદો નથી."

​મીરા માનવના ખભા પર માથું રાખીને રડતા રડતા સૂઈ જાય છે.

​આ બાજુ, વિજયાબેન મીરાથી નિરાશ હોવાથી ધનરાજ તે પરિસ્થિતિનો લાભ લે છે. બીજે દિવસે સવારે, બ્રેકફાસ્ટ સમયે, જ્યારે વિજયાબેન દરિયા પાસે બાલ્કનીમાં ચા પીતા હતા અને મીરા વિશે વિચારીને નિરાશા અનુભવી રહ્યા હતા, ત્યારે ધનરાજ પેપર પર સહી કરાવીને બધી પ્રોપર્ટી પોતાના નામે કરાવી લે છે.

​આ બાજુ, જ્યારે મીરા સવારે ઊઠીને જુએ છે કે તે માનવના ખભા પર માથું રાખીને આખી રાત સૂતી હતી, ત્યારે તેને ભાન થાય છે. તે તરત જ ઊભી થઈ જાય છે, કારણ કે આજે તેને ઇન્ટર્નશીપના ઇન્ટરવ્યૂ માટે એક મોટી કંપનીમાં જવાનું હતું. તે પોતાના કબાટમાંથી કપડાં લઈ વોશરૂમમાં જતી રહે છે.

​મીરા તૈયાર થઈને બહાર આવે છે તો જુએ છે કે માનવ હજી સૂતો જ છે. મીરા જુએ છે કે માનવના માથા નીચે તેનું પર્સ પડ્યું છે. મીરા ધીમેકથી પલંગ પર માનવ પાસે બેસે છે અને હળવેકથી પર્સને પોતાની તરફ ખેંચે છે. પર્સ અંદરની તરફ ફસાયેલું હોવાથી મીરા ધીમેથી તકિયો ઊંચો કરવા જાય છે. મીરાના વાળ માનવના મોં પર પડતાં માનવ તરત ઊભો થઈ જાય છે અને બોલે છે, "બચાવો, બચાવો, ચૂડેલ, ચૂડેલ, ચૂડેલ!"

​મીરા પલંગ પરથી ઊભી થઈને માનવની સામે સ્માઇલ કરતાં કહે છે, "કેટલો ખરાબ જોક છે, કોઈને હસવું પણ ન આવે."

​માનવ ઊભો થવા જાય છે પણ તેના ગળામાં દુખાવો થતો હોવાથી તેને પીડા થાય છે. મીરા આ જોઈ જાય છે. મીરા કહે છે, "માનવ, આઇ એમ સોરી. મારા લીધે તારે આખી રાત બેઠા રહેવું પડ્યું."

​માનવ કહે છે, "કંઈ વાંધો નહીં, મને તે બહાને તારી પાસે, તારી નજીક રહેવાનો મોકો મળ્યો."

​મીરા અને માનવ એકબીજાની આંખોમાં ખોવાઈ જાય તે પહેલાં નીચેથી અવાજો આવે છે.

​મીરા કહે છે, "હું નીચે જાઉં છું, શું છે તે જોઉં છું. તમે જરા ફ્રેશ થઈને આવો. મને મોડું થાય છે, મારે આજે ઇન્ટરવ્યૂ છે. ત્યારબાદ સાંજે આપણે બંને ચિલ્ડ્રન હોમ પણ જવાનું છે."

​માનવ કહે છે, "સારું, તું જા, હું આવું છું."

​મીરા નીચે જાય છે તો જુએ છે કે બધા ડાઇનિંગ ટેબલ પાસે ભેગા થયા હતા અને કેશી બેઠી બેઠી રડતી હતી.

​મીરા પૂછે છે, "શું વાત છે, મમ્મી? તમે કેમ રડો છો?"

​શારદાબેન જવાબ આપે છે, "તારા પપ્પા ઘર મૂકીને ચાલ્યા ગયા છે. કેશીએ તેમને કાઢી મૂક્યા છે."

​મીરા કહે છે, "તમે રૂમમાં ચાલો, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે."

​પછી કેશી અને મીરા તેના રૂમમાં જાય છે. કેશી મીરાને કહે છે, "ગઈ કાલે રાત્રે શારદાબેન મારા રૂમમાં આવ્યા હતા અને તેમણે કહ્યું કે જ્યાં સુધી આ ઘરમાં આ શરાબી રહેશે ત્યાં સુધી કોઈ શાંતિથી નહીં જીવી શકે, મયુરીની કસ્ટડી પણ નહીં મળે અને મીરા પણ શાંતિથી નહીં જીવી શકે. એટલું કહીને તે જતા રહ્યા. એટલે મને ગુસ્સો આવ્યો અને મેં ગુસ્સામાં તારા પપ્પાને ઘરની બહાર કાઢી મૂક્યા."

​મીરા તાળી પાડતા કહે છે, "વાહ, મમ્મી! આટલા વર્ષે તમને યાદ આવ્યું કે પપ્પાને ઘરની બહાર કાઢી મૂકવા જોઈએ? તે દિવસે કેમ ના કાઢી મૂક્યા, જે દિવસે મારી બહેન તેમનાથી કંટાળીને ઘર મૂકીને જતી રહી હતી? તે દિવસે કેમ ન કાઢી મૂક્યા જ્યારે મારો ભાઈ માંદગીમાં ગુજરી ગયો? તે દિવસે કેમ ન કાઢી મૂક્યા જ્યારે તમે મને મજબૂરીમાં બીજાના પાલનપોષણ માટે પૈસા ખાતર સોંપી દીધી? હવે આટલા વર્ષે તમને આ બધું કરવાનું સૂઝ્યું?"

​પછી મીરા કેશીને કહે છે, "મને મોડું થાય છે. હું કોલેજે જાઉં છું. હું સાંજે આવીશ. મારો એક ઇન્ટરવ્યૂ છે એટલે મને મોડું થઈ જશે."

​પછી મીરા ત્યાંથી નીકળી જાય છે. આ બાજુ, માનવ તૈયાર થઈને નીચે આવે છે. પછી તેને ખબર પડે છે કે મીરાના પપ્પા ઘર છોડીને જતા રહ્યા છે. માનવ શારદાબેનને કહે છે, "મીરાનો ભાઈ મારો પાક્કો દોસ્તાર હતો. તેના ગયા પછી મેં તેના મમ્મી-પપ્પાની જવાબદારી ઉપાડવાનું નક્કી કર્યું. અને મેં તે જવાબદારી નિભાવી પણ છે, અને હજી આગળ પણ નિભાવીશ."

​પણ શારદાબેન કંઈ બોલતા નથી, નીચું જોઈ જાય છે.

​માનવ કહે છે, "મારે થોડું કામ છે. હું બહાર જાઉં છું."

​માનવ ગેરેજે જાય છે, ત્યાં દિનેશ તેની રાહ જોતો હોય છે. દિનેશ માનવને ધનરાજની નવી ઓફિસનું એડ્રેસ આપે છે. માનવ ધનરાજને મળવા અને તેને સમજાવવા તેની ઓફિસ તરફ સવારે નીકળી પડે છે.

​આ બાજુ, શારદાબેન પ્રમીલાબેનને બપોરે બોલાવે છે. બધા મળીને વાતચીત કરે છે અને નક્કી કરે છે કે રમોલાને પૈસા આપીને બીજે મોકલી દઈએ. જો તે આમ જ સામે રહેશે તો મીરા અને માનવની સામે સત્ય બહાર આવી જશે અને તેમના સંબંધો પાછા ખરાબ થશે. એટલે શારદાબેન પ્રમીલાબેનને પૈસા આપે છે અને કહે છે કે તમે રમોલાને આ પૈસા આપો અને તેને સમજાવો કે તે બીજે જતી રહે.

​પ્રમીલાબેન અને સાહેબ રમોલાને પૈસા આપે છે અને બીજે જતા રહેવાનું કહે છે. રમોલાને પૈસાની જરૂર હોય છે એટલે તે પૈસા રાખી લે છે.