પુસ્તક: ‘બાઉલનાં ગીતો’
લેખક: ડૉ. સતીશચંદ્ર વ્યાસ ‘શબ્દ’
સમીક્ષા: મલ્લિકા મુખર્જી
બહુમુખી પ્રતિભા ધરાવતા ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત કવિ લેફ્ટેનન્ટ ડૉ. સતીશચંદ્ર વ્યાસ ‘શબ્દ’, લિખિત પુસ્તક “બાઉલના ગીતો” વિશે જાણીને મને સૌ પ્રથમ તો આશ્ચર્યની અનુભૂતિ થઈ. બંગાળના લોક સાહિત્ય પર એક ગુજરાતી સાહિત્યકાર આટલા વિશાળ ફલક પર કાર્ય કરે તો એક બંગાળી તરીકે મને અહોભાવની અનુભૂતિ થાય જ. એક પ્રાંતના સાહિત્યને બીજા પ્રાંત સુધી અનુવાદના માધ્યમથી પહોંચાડવાનું કાર્ય ખૂબ મહેનત તો માંગે જ છે પણ પહેલી શરત એ છે કે તે વિષય પ્રત્યે લેખકને વિશિષ્ટ લગાવ હોય.
બંગાળના અંતરિયાળ ગામડાઓમાં પરિભ્રમણ કરીને બાઉલ પરિવ્રાજકોની સંસ્કૃતિ, સંગીત વાદ્ય કલા અને ભક્તિરચનાઓ, તેમની પરંપરા ઉપર સંશોધનાત્મક કાર્ય કરીને, બાઉલનાં ગીતોનું સંકલન કરવું અને એ ગીતોનો ગુજરાતીમાં સમગાની અનુવાદ કરીને તથા અન્ય તત્વોનું પણ પૃથ્થકરણ કરીને ગુજરાતી સાહિત્યમાં ‘બાઉલ પંથ’ને એક દળદાર ગ્રંથ રૂપે લાવવું, એ દર્શાવે છે કે સતીશચંદ્ર જીને આ વિષય પ્રત્યે વિશિષ્ટ લગાવ છે. એટલુંજ નહીં તેમનું બંગાળી ભાષા પર સારૂ એવું પ્રભુત્વ પણ છે.
આ પુસ્તકમાં માત્ર ગીતોના સમગાની અનુવાદો જ નથી પરંતુ પુસ્તકના અંતે તેઓએ સાત પરિશિષ્ટમાં બાઉલ સાહિત્યની વિશેષ છણાવટ કરી છે. જેમાં બાઉલની બોલીઓ, બાઉલના ગીતોની ભાષા, બાઉલની બંગ ભાષાનો વિસ્તાર અને વિકાસ, મુખ્ય છે. તદુઉપરાંત, દરેક બાઉલ ગીતનાં બાઉલ ગાયકોએ ગાયેલા સાઉન્ડ ટ્રેકના Qr Code અને સાથે ગીતનાં શાસ્ત્રીય રાગ અને તાલ વિશેની વાત- એક અદભુત સુમેળ! આ ગ્રંથ ગુજરાતની જનતાને બહુમૂલ્ય ભેટ તો છે જ, તો બંગાળી સાહિત્ય જગત માટે પણ ગર્વની વાત છે.
સૌ પ્રથમ આદરણીય જૈનાચાર્ય વિજય શીલ ચંદ્ર સૂરિ મહારાજની પ્રસ્તાવના વાંચ્યા પછી કોઈ પણ વ્યક્તિ આ પુસ્તક વાંચવાની ઇચ્છા ને રોકી શકે નહીં. સાથે લેખક આદરણીય ડૉ. સતીશચંદ્ર વ્યાસ ‘શબ્દ’ ની ભૂમિકા વાંચીએ પછી તો પુસ્તક ન વાંચવાનું કોઈ કારણ ન મળે! વિષયને આત્મસાત કરીને સતીશચંદ્ર જીએ આ ગ્રંથમાં બાઉલનાં ગીતો અને બાઉલ સંપ્રદાય વિશે એટલી વિસ્તૃત જાણકારી આપી છે કે મારા માટે હવે કંઈ કહેવું એટલે સૂરજ સામે દીવો ધરવા જેવું છે. છતાં મિત્રો માટે આ પુસ્તકના સંદર્ભમાં બાઉલ સંપ્રદાય વિશે જરૂર થોડું કહીશ.
બાઉલ બંગાળના એક વિશેષ સાધક સંપ્રદાયનું નામ છે જે બંગાળના દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. અહીંયા જયારે હું ‘બંગાળ’ કહું છું ત્યારે વિભાજન પૂર્વેના અખંડ બંગાળની વાત કરું છું. એ સમયે પૂર્વ બંગાલમાં બાઉલ સંપ્રદાય વધુ પ્રચલિત હતો, જે હાલનું બાંગ્લાદેશ છે. સતીશચંદ્ર જીએ પુસ્તકના પરિશિષ્ટમાં જે શહેરોનો ઉલ્લેખ કર્યો છે, નોઆખલી, સિલ્હટ, ચિતાગોંગ, ખુલના, મૈમનસિંહ, મુન્શીગંજ, બોરીસાલ, કુષ્ટિયા આ બધાં શહેરો અત્યારે બાંગ્લાદેશમાં છે.
આ સંપ્રદાયની સ્થાપના માટે કોઈ વ્યક્તિ વિશેષનું નામ ઉપલબ્ધ નથી કે તેની શરૂઆત માટે વિશે કોઈ આધારભૂત માહિતી મળતી નથી, પરંતુ એ જાણકારી ઉપલબ્ધ છે કે સોળમી શતાબ્દીમાં કૃષ્ણદાસ કવિરાજે ‘ચૈતન્યચરિતામૃત’ ની રચના કરી અને તેમાં સૌપ્રથમ ‘બાઉલ’ શબ્દનો પ્રયોગ થયો. શાંતિપુરના નરોત્તમદાસે સૌપ્રથમ ચૈતન્ય દેવને ‘બાઉલ’ તરીકે ઓળખાવ્યા. ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયના સંસ્થાપક આચાર્ય ચૈતન્ય દેવ પોતે પણ પોતાને બાઉલ તરીકે ઓળખાવતા. બાઉલ નો સંસ્કૃત અર્થ ‘વ્યાકુળ’ થાય છે. ‘વ્યાકુળ’ એટલે ઈશ્વર ના પ્રેમમાં પાગલ. બાઉલ સાધકો સંગીત સાધના દ્વારા આત્મતત્વની પ્રાપ્તિ ને મહત્વ આપે છે, એટલે કે સાકાર દેહમાં નિરાકાર આત્માની ઉપલબ્ધિ કરવી.
બાઉલની સાધનામાં ગુરુ-શિષ્યની પરંપરા ચાલી આવે છે. બાઉલ સાધક માટે ગુરુ શ્રેષ્ઠ છે. એમનું વાદ્યતંત્ર એકતારા છે, પણ પછીથી ડુગડુગી ખમક, ઢોલક, દોતારા જેવા વાદ્યો પણ ઉમેરાયા. લોકસંગીતમાં મુખ્યત્વે તેઓ દાદરા, કહેરવા, ઝૂમુરતાલ, જપતાલ વગેરેનો ઉપયોગ કરે છે.
વર્તમાન સમયમાં આપણે સમાજને જે રીતે આપણે જાતિ અને ધર્મના યુદ્ધોમાં સંડોવાયેલાં જોઈ રહ્યા છીએ, એવા સમયે આ પુસ્તકનું મહત્વ ખૂબ જ વધી જાય છે કારણકે બાઉલ સાધક સંપ્રદાય એક એવો સંપ્રદાય છે જેમાં હિન્દુ-મુસ્લિમ બન્ને કોમના લોકો એ સ્થાન મેળવ્યું છે. હિન્દુ ‘સહજીયા’ બાઉલ અને મુસલમાન ‘સૂફી’ અથવા ‘ફકીર’ બાઉલ તરીકે ઓળખાય છે. છતાં બંને એકબીજાની સાધનાની પરિભાષા નો ઉપયોગ કરે છે. તેમની વચ્ચે ક્યારેય મતભેદ થતા નથી કારણકે બાઉલ સાધનાનો મૂળ મંત્ર છે- જાતિ, ધર્મ, વર્ણ થી ઉપર માનવ નો માનવ પ્રત્યે નો પ્રેમ. ધાર્મિક ક્રિયાકાંડ, પૂજા, વિધિઓ સાથે તેમનો કોઈ નાતો નથી. આ પ્રેમના રાગમાં હિન્દુ-મુસ્લિમ બન્નેએ તાલ મિલાવ્યા. હિન્દુ બાઉલમાં ‘વૈષ્ણવ તત્વ’ અને મુસલમાન બાઉલમાં ‘આઉલિયા તત્વ’ જોવા મળે છે. એટલે કે અલ્લાહની નજીક. બંનેની સાધના નો મૂળ ઉદ્દેશ્ય છે માનવ કલ્યાણ. તેઓ માને છે કે માણસમાં જ બ્રહ્મ છે. એમના ધ્યાન મંત્ર થી માનવ સમાજને વૈશ્વિક ભાઈચારાનો સંદેશ મળે છે.
સત્તરમી અને અઢારમી શતાબ્દીમાં વૈષ્ણવ ‘સહજીયા’ એટલે સહજ તત્વ દ્વારા બાઉલ ગીતોને પરિચય મળ્યો. અઢારમી શતાબ્દીમાં સિરાજ સાંઈના ગીતો પ્રચલિત હતાં. પરંતુ ઓગણીસમી સદીમાં લાલન ફકીરનાં બાઉલ ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા. લાલન ફકીરને બાઉલના સર્વ શ્રેષ્ઠ સાધક માનવામાં આવે છે તેમણે શ્રેષ્ઠ બાઉલ ગીતોની રચના કરી. એવો અંદાજ છે કે તેણે લગભગ બે હજાર ગીતોની રચના કરી છે. તેમના ગીતોમાં વૈષ્ણવ અને સુફીવાદ બંનેનો પ્રભાવ જોવા મળે છે. લાલન ફકીર એક દાર્શનિક, ગીતકાર, સ્વરકાર, ગાયક એવા બાઉલ સાધક હતા કે જેમણે માનવતાને સર્વોચ્ચ સ્થાન આપ્યું. તેઓ કહેતા કે દરેક માણસની ભીતર ‘મનેર માનુષ’ એટલે કે ઈશ્વરનો વાસ છે. ‘મનેર માનુષ’ ની વાત પણ આચાર્ય જીએ તેમની ભૂમિકામાં કરી છે. ‘મનનો મીત’ આ શબ્દ દ્વારા બાઉલો પરમ તત્વને સ્પર્શે છે.
લાલન ફકીર પછી, પાંડુ શાહ, દુગ્ધ શાહ, ભોલા શાહ, પાગલા કનાઈ, રાધારમણ, કંગાલ હરિનાથ મજુમદાર, નવકાંત ચટ્ટોપાધ્યાય, સરલા દેવી, ઇન્દિરા દેવી, હશન રાજા, અતુલ પ્રસાદ, વિજય સરકાર, દ્વિજદાસ, જલાલ ખાન, વકીલ મુનશી, રશિદુદ્દીન, શાહ અબ્દુલ કરીમ, રવીન્દ્રનાથ ટાગોર, કાઝી નઝરુલ ઇસ્લામ બધાએ આ પરંપરાગત લોક ગીતને વધુ સમૃદ્ધ બનાવ્યું. પૂર્ણ દાસ બાઉલ ને બાઉલ સંપ્રદાયના છેલ્લા શ્રેષ્ઠ ગાયક તરીકે ગણવામાં આવે છે તે પછી આધુનિક સમયમાં બાઉલ સાધક સંપ્રદાયથી અલગ હવે એક બાઉલ ગાયક સંપ્રદાય ઉભો થયો છે, જેઓને સાધના સાથે કોઈ નાતો નથી છતાં તેમને એ વાત માટે બિરદાવવા પડે કે તેઓ આ સંપ્રદાય ની વાત સામાન્ય પ્રજા સમક્ષ લાવી રહ્યાં છે.
સતીશચંદ્ર જીએ દરેક ગીતના ગુજરાતી લિપ્યાન્તરણ ની સાથે તે ગીતનો અદભુત રીતે સમગાની અનુવાદ/ભાવાનુવાદ કર્યો છે. જેમાં બાંગ્લા બોલીના અનુસંધાનમાં ગુજરાતી તળપદી ભાષાના શબ્દો કે આંચલિક શબ્દોનો ઉપયોગ કર્યો છે. બાઉલ પસંદગીના વિષય વૈવિધ્ય પ્રમાણે કુલ 13 વિભાગોમાં વર્ગીકરણ પણ કર્યું છે. તેમાં ‘મનુષ્ય દેહનું આધ્યાત્મિક વિશ્લેષણ’ એ વર્ગ માં લાલન ફકીરના આ ગીતની બે પંક્તિઓ જોઈએ. (પૃષ્ઠ xx અને ૧૬૨)
ખાચાર ભીતર અચીન પાખી કેમને આસે જાય,
તારે ધરતે પારલે મન બેડી દિતામ પાખીર પાય.
પિંજરની અંદર અજાણ પંખી કેમ રે આવે જાય,
જો હું મન બેડીમાં જકડી લઉં તો પંખીડું પકડાઈ જાય!
તેજ રીતે ‘આંતર રહસ્યો ને પામવા માટે ઇંગિતાર્થો સૂચવવા’ એ વર્ગ માં (પૃષ્ઠ-xxii અને 164) એક ગીત છે. જે પાર્વતી બાઉલના સ્વરમાં યુટ્યુબમાં ઉપલબ્ધ છે.
કિછુદિન મોને મોને ઘરેર કોને
શ્યામેર પિરિત રાખ ગોપને ...
શ્યામ ની પ્રીતિ ગુપ્ત રાખો. શ્યામ પ્રીતિને ધરબી રાખો
થોડા દી’તો ઊંડે ઊંડે, હૈડાં તણાં છેક ઊંડાણે...
આ ગીતમાં શ્યામની પ્રીતને છૂપી રાખવાની વાત માટે ‘હૈડાં તણાં છેક ઊંડાણે...’ જેવાં સુંદર શબ્દો આપણને સાચે જ હૃદયના અતળ ઊંડાણમાં લઈ જાય છે. આ ગીતમાં એક અંતરો છે
(બોલી) શ્યામ-સાયરે નાઈતે જાબિ
જલકે પરશ કરબિ કેને
સાયરે સાંતાર દિયે આસબિ ફિરે
બોલી ગાયેર બસન ભિજબે કેને
શ્યામ નદીમાં તરવાની છૂટ પણ રાખવા લૂગડાંને કોરાકટ
કોરે કપડે શ્યામ સંગે જે તરી જાણે એ જ સાચું તરવું જાણે!
અહીં પણ વસ્ત્રો માટે ‘લૂગડાં’ શબ્દનો ઉપયોગ કર્યો છે. આંતર રહસ્યો ને પામવા માટે ઇંગિતાર્થ એ છે કે શ્યામ નદીમાં ન્હાતાં લૂગડાં ભીંજાવા ન જોઈએ, એટલેકે મનને ભીંજવવાની વાત છે. તો જ શ્યામને પામી શકાય.
પૃષ્ઠ 70 પર એક ગીત છે.
ભ્રમર કોઈયો ગિયા
શ્રીકૃષ્ણ બિચ્છેદેર અનલે અંગ જાય જવ્લિયા રે
ભ્રમર કોઈયો ગિયા
ભ્રમર રે... કોઈયો કોઈયો કોઈયો રે ભ્રમર, કૃષ્ણરે બુઝાઈયા,
મુઈ રાધા મોઈરા જામું કૃષ્ણહારા હોઇયા રે...
ભ્રમર, ભ્રમર જઈને કહે રે
કાનજી વિરહ આગમાં મારું અંગ બળતું રહે રે..
ભ્રમર, ભ્રમર જઈને કહે રે
કહેજે કહેજે કહેજે ભ્રમર કહાનને મનાવીને રે
રાધા મારી જશે કાળીયાથી દૂર આવીને
અહીં કૃષ્ણ માટે ‘કાળીયો’ કે ‘કહાન’ શબ્દનો ઉપયોગ આપણને કૃષ્ણની વધુ નજીક લઈ આવે છે.
સતીશચંદ્ર જીએ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની રચના પર બાઉલ અસર વિશે પણ વિસ્તારપૂર્વક લખ્યું છે. ગુરુદેવ ટાગોરે પણ ખુલ્લા દિલથી આ વાતનો સ્વીકાર કર્યો છે. તેમના જીવનદર્શન માં, તેમની રચનાઓ પર અને સંગીત પર પણ બાઉલના ભાવ અને સૂરોની અસર સ્પષ્ટ વર્તાય છે. ટાગોરના દાદા જ્યોતીન્દ્રનાથ ટાગોરનો, લાલન ફકીર સાથે પરિચય હતો. સમયાંતરે ગુરુદેવ ટાગોરનો પરિચય લાલન ના શિષ્ય ગગન હરકરા સાથે થયો. તેઓ ગગન હરકરા ભાવગીતોથી ખૂબ પ્રભાવિત હતા શાંતિનિકેતનમાં પણ બાઉલ સાધકોને બોલાવીને તેઓ બાઉલગીતો નું આયોજન કરતા. માનવની ભીતર ઈશ્વરને ખોળવાની વાત કરતા બાઉલ ગીતોમાં તેમને ઉપનિષદના સૂર અને તત્વ દેખાયા હતા. ગગન હરકરાના ગીત ‘આમિ કોથાય પાબો તારે’ ની તરજ પર ટાગોરે ‘આમાર સોનાર બાંગ્લા’ ગીત રચ્યું જે પછી બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત બન્યું. જેનો ઉલ્લેખ આ ગ્રંથમાં પણ છે. ગુરુદેવે બાઉલ સંપ્રદાય પર ત્રણ ગ્રંથો લખ્યા છે. ‘હારામની’, ‘માનુષેર ધર્મ’ અને ‘બાઉલેર ગાન’.
વ્યક્તિગત રીતે હું માનું છું અનુસ્નાતક કક્ષાએ આ ગ્રંથને અભ્યાસક્રમમાં સમાવવો જોઈએ. ગીત-સંગીતના શોધાર્થી વિદ્યાર્થીઓ માટે પણ આ પુસ્તક ચોક્કસ ઉપયોગી થઈ શકે. સતીશચંદ્ર જી, આપને આ ગ્રંથ માટે હાર્દિક અભિનંદન. આપની પાસેથી ગુજરાતની જનતાને હજી ઘણી અપેક્ષાઓ છે.
પુસ્તકમાં સમાવિષ્ટ દરેક ગીતને અનુરૂપ અદ્ભુત રેખાચિત્ર વિખ્યાત ચિત્રકાર શ્રી અંકુર સૂચકે બનાવ્યા છે. અમદાવાદની જાણીતી વિતરણ સંસ્થા ‘જ્ઞાનની બારી’ દ્વારા વિતરિત આ પુસ્તક મુંબઈના એન.એમ. ઠક્કરની કંપની દ્વારા પ્રકાશિત થયું છે.