No smoking in Gujarati Short Stories by Mallika Mukherjee books and stories PDF | નો સ્મોકીંગ

Featured Books
Categories
Share

નો સ્મોકીંગ

આજે લગભગ બે મહિના પછી શ્રેયા, રોહનને મળવા જઈ રહી છે. અમદાવાદ સ્ટેશન પર પહોંચીને, ઝડપથી વડોદરાની ટિકિટ કઢાવી અને 8.20 વાગ્યે ઉપડતી વડોદરા લોકલના સેકન્ડ ક્લાસના કંપાર્ટમેન્ટમાં ચઢે છે. બેસવાની જગ્યા નથી. સારી એવી ભીડ છે. તે દરવાજા પાસેની ખાલી જગ્યામાં ઉભી છે. ટ્રેન ઉપડે છે, ધીમે ધીમે ગતિ પકડે છે. આકાશ વાદળોથી ઘેરાયેલું છે. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. એની નજર કંપાર્ટમેન્ટના દરવાજા પાસે નીચે બેઠેલા એક વૃદ્ધ દંપતી પર પડે છે.

વૃદ્ધ બેઠા-બેઠા માટીની નાની ચલમ ફૂંકી રહ્યા છે. હવાનો રૂખ શ્રેયા તરફ હોવાથી ચલમનો ધુમાડો એનાં મોં પર આવી રહ્યો છે. તેને ગુસ્સો આવી રહ્યો છે. મનમાં બબડે છે, 'અભણ લોકો ટ્રેનમાં ‘નો સ્મોકિંગ’ની ચેતવણી કેવી રીતે વાંચી શકે!'

થોડીવાર પછી તે વૃદ્ધ તેની બાજુમાં બેઠેલી પત્નીને ચલમ આપે છે. તેણી ચલમ ખંખેરીને પોતાની પાસે મૂકેલી એક ચીંથરેહાલ  થેલીમાં મૂકી દે છે. બંને હળવાશથી કંઈક વાત કરી રહ્યા છે પરંતુ ટ્રેનના અવાજમાં તેમના શબ્દો સ્પષ્ટ સંભળાતા નથી.

શ્રેયાનું ધ્યાન બારણાની બહારથી પસાર થતા દ્રશ્યોમાં પરોવાય છે. તેણી રોહન વિશે વિચારી રહી છે. એક આંચકા સાથે ટ્રેન ઉભી રહે છે.

' ચિયું ટેશન આયું?' વૃદ્ધ ની પત્ની શ્રેયાને પૂછે છે,

‘ગોઠાજ.’ શ્રેયા ટુંકો જવાબ આપે છે.

‘અમારે નડિયાદ જાવું સે.’ બોલતાં- બોલતાં તે ઊભી થઈને સામેના બારણા તરફ જઈને ઊભી રહે છે, કદાચ કયું સ્ટેશન છે તેની ખાતરી કરવા માટે. એ જ સમયે પેલા વૃદ્ધ આ તરફના બારણેથી નીચે ઉતરે છે.

જ્યારે ટ્રેન ઉપડે છે, ત્યારે વૃદ્ધ માણસ ઝડપથી ટ્રેનમાં ચઢી જાય છે. તેમને આ રીતે ચાલતી ટ્રેનમાં ચઢતા જોઈને વૃદ્ધની પત્ની તાડુકી ઉઠે છે, ‘ચ્યાં જતો રિયો તો? ચ્યારની તને હોધું સું.'

‘આંય જ હુતો. મી ઑમને કીધું તુ.’ કહેતો વૃદ્ધ એક ત્રીજી વ્યક્તિ તરફ ઈશારો કરે છે.

"પસી એ આંઈ ઉતરી જાય ને હું નડિયાદ પોંચી જાઉં તો ઇને ચ્યાં હોધું?" વૃદ્ધા શ્રેયા સામું જોઈને બોલી ઊઠે છે.

શ્રેયા હકારમાં માથું હલાવે છે. વૃદ્ધાના શબ્દોમાં તેણીને પતિ માટેનો નર્યો પ્રેમ દેખાય છે. થોડીવાર પછી વૃદ્ધા નીચે બેસી જાય છે અને થેલીમાંથી ચલમ અને એક ડબ્બી કાઢે છે, ડબ્બીમાંથી તમાકુ કાઢી ચલમમાં ભરે છે અને વૃદ્ધ તરફ હાથ લંબાવે છે,

‘લે.’

‘રે’વા દે, પસી લઉં સું.’

વૃદ્ધા ચલમ થેલીમાં મૂકી દે છે. શ્રેયા વિચારી રહી છે. જીવનને સરળ રીતે જીવી જવા માટેની કેવી સુંદર સમજણ અને આટલી સરળ ગોઠવણ!

આજે શ્રેયા રોહનને શક્ય તેટલી વહેલી મળવા માંગે છે. જ્યારે પણ રોહન શ્રેયા સામે સિગારેટ પીવે છે, ત્યારે તેણીનો ગુસ્સો છેવટે ઝઘડામાં પરિણમે છે. રોહન તેની સિગરેટ છોડી શકતો નથી અને શ્રેયા એની જીદ. રોહનને અનહદ પ્રેમ કરતી હોવા છતાં શ્રેયા તેની સિગારેટ પીવાની આદત બિલકુલ સહન કરી શકતી નથી. શ્રેયા વિચારે છે કે જ્યાં સાચો પ્રેમ હોય ત્યાં બીજી બાબતો ગૌણ ગણી શકાય, આવી સમજ એનામાં કેમ નહીં હોય?

તેણી મનમાં નક્કી કરે છે કે આજથી તે રોહનને ક્યારેય સિગારેટ પીવાથી નહીં રોકે. આજથી રોહનના ગમા-અણગમા બધા જ તેનાં ગમા-અણગમા બની જશે. આજે જ્યારે એ રોહનને મળશે અને એની સાથે વાત કરતાં-કરતાં રોહન સિગારેટ કેસમાંથી એક સિગારેટ કાઢીને મોંમાં મૂકશે ત્યારે તે કહેશે, ‘લાવ સળગાવી દઉં.’

રોહન આશ્ચર્યથી તેની સામે જોશે અને તે પોતાનો ચહેરો રોહનની છાતીમાં છુપાવી દેશે.

રોહન પૂછશે, 'આજે તું આમ આટલી બદલાયેલી કેમ લાગે છે?'

તેણી કહેશે, ‘બસ એમ જ.’