મીરા અને માનવના નિર્ણયથી બધા ખુશ હોય છે.
પછી મીરા તેના રૂમમાં જતી રહે છે. માનવની મમ્મી માનવને કહે છે, “જો, માનવ, તેં અને મીરાએ મયુરીની જવાબદારી લેવાનો નિર્ણય લીધો છે. તે બરાબર છે, પણ તેના માટે તમારે બંનેને એકબીજાને સાથ આપવો પડશે, એકબીજા પર વિશ્વાસ રાખવો પડશે અને મયુરીને માતાનો પ્રેમ આપવો પડશે. તું સમજે છે ને હું શું કહેવા માગું છું?”
માનવ શારદાબેનનો હાથ પકડીને કહે છે, “હા મમ્મી, હું સમજું છું, પણ તમે પણ અમને સમજજો. આ બધું સહેલું નથી. મીરાને હજી ડિગ્રી માટે આગળ ભણવાનું છે.”
શારદાબેન કહે છે, “તું બિલકુલ ચિંતા ન કરતો, અમે મીરાને ભણવાનો પૂરો સમય આપીશું અને ઘરના કામ માટે અમે બધા તો છીએ. બધા એકબીજાને સાથ આપીશું.”
ત્યાં જ માનવના ફોનમાં રમોલાનો ફોન આવે છે. માનવ ઊભો થઈને ઉપર સીડી ચડતા રમોલા સાથે વાત કરે છે, “રમોલા, તું મને શું કામ ફોન કરે છે? તને ના પાડી છે ને કે તું મને ફોન ન કરતી? હવે મારા લગ્ન થઈ ગયા છે. તું મને હવે પછી ફોન ન કરતી,” એમ કહીને માનવ ફોન કાપી નાખે છે. રમોલાને ખીજ ચડી જાય છે કે માનવે તેની પૂરી વાત સાંભળ્યા વગર ફોન કાપી નાખ્યો. તે ફોનનો ઘા કરીને રડવા લાગે છે. તે વિચારે છે, “માનવના બાળકની હું મા બનવાની છું, પણ માનવ મારી વાત સાંભળવા તૈયાર નથી. તે મીરાને પ્રેમ કરે છે, તે મારા બાળકને નહીં અપનાવે અને જો બાળકને અપનાવશે તો મીરાનો સાથ નહીં છોડે.”
આ બાજુ, આખા દિવસની થાકેલી મીરા નહાઈને ફ્રેશ થઈ જાય છે. માનવ બારણું ખખડાવે છે.
મીરા સોફા પર બેસીને બુક વાંચતા કહે છે, “દરવાજો ખોલો.”
માનવ અંદર જઈને અલમારીમાંથી પોતાનો નાઇટવેર લઈને બહાર જતો હોય છે, તો મીરા માનવને કહે છે, “મારે તમારી સાથે વાત કરવી છે.”
માનવ મીરાની વાત સાંભળવા ઊભો રહે છે.
મીરા કહે છે, “મયુરી માટે એક રૂમમાં એને જરૂરી હોય તે બધી વસ્તુઓ આપણે લાવીને મૂકવી પડશે. તેનું લિસ્ટ મારી પાસે છે. તે લોકો ત્રણ દિવસ પછી ઇન્સ્પેક્શન કરવા આવશે. આ લિસ્ટ છે તમારી પાસે રાખો.”
માનવ મીરાના હાથમાંથી લિસ્ટ લઈને વાંચે છે: કબાટ, પલંગ, ખુરશી, વાંચવાનું સ્ટડી ટેબલ.
માનવ કહે છે, “મીરા, મયુરીને સ્ટડી ટેબલની શું જરૂર છે? તેણે તો ભણવાનું છોડી દીધું છે.”
મીરાને માનવની વાત પર હસું આવે છે. તે પૂછે છે, “તમે કેવા ઉસ્તાદ છો કે તેને આગળ ભણવાની સલાહ પણ ન આપી.”
માનવ મીરાને કહે છે, “મેં કોશિશ કરી હતી, પણ મયુરીને ત્યાં બધા ખીજવતા હતા એટલે મેં પછી તેને ભણવા માટે ફોર્સ ન કર્યો.”
મીરા માનવની સામે જોઈને કહે છે, “પણ હવે આમ નહીં ચાલે. તેને ભણવું તો પડશે, ઉસ્તાદ! નહીં તો મયુરીને આ લોકો પાછા લઈ જશે.”
માનવ કહે છે, “ઠીક છે, થઈ જશે બધું. આવવા દો એ લોકોને. બધું વ્યવસ્થિત હશે. મયુરીનો રૂમ જોઈને તેમને હા જ પાડવી પડશે.”
માનવ એમ કહે છે ત્યાં હાથમાંથી લિસ્ટ પડી જાય છે. મીરા અને માનવ બંને એકસાથે લિસ્ટ ઉપાડવા જાય છે તો બંનેના માથા ભટકાય છે.
મીરાથી બોલાઈ જાય છે, “હે ભગવાન!” તો માનવ પણ બોલે છે, “હા બરાબર, હે ભગવાન!” એમ કહી બંને એકબીજાની સામે જુએ છે. મીરા પોતાના માથાને પકડીને બેસી જાય છે. માનવ મીરાનો હાથ આઘો કરીને જુએ છે, “વધારે લાગ્યું તો નથી ને?”
મીરા ઊભી થઈને કહે છે, “કંઈ થયું નથી, બરાબર છે.”
માનવ મીરાના કપાળમાં લાલ ઢીમણું જોઈને તરત જ નીચે જઈને બરફની ટ્રે લઈ આવે છે. મીરાને બરફ આપતા કહે છે, “કપાળે બરફ લગાવીશ તો મટી જશે.”
મીરા બરફ લઈને ઘસવા જાય છે, પણ દુઃખતું હોવાથી તે બરફ પાછો મૂકી દે છે. માનવ પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢીને તેમાં બરફ વીંટી મીરાને સોફા પર બેસાડીને બરફ ઘસવા જાય છે ત્યાં માનવને દિનેશનો ફોન આવે છે. એટલે માનવ ઊભો થઈને રૂમની બહાર જઈને વાત કરે છે. દિનેશ માનવને કહે છે, “માનવ, તું કાલે મને મળજે. મારે તારી સાથે જરૂરી વાત કરવી છે.”
આ બાજુ, કેસી મીરાના પપ્પાને કહે છે કે, “હવે તમે સીધા થઈ જાવ. આ દારૂની લત છોડીને કંઈક કામ-ધંધો ગોતો. તમારી દીકરીએ તમારી પાસે કંઈક આશા રાખી છે તો હવે તમારી ફરજ છે કે તમે તેના પર ખરા ઉતરો. કાલે જ એક નોકરી ગોતી લેજો. હવે રાત બહુ થઈ ગઈ. સુઈ જાવ. સવારે વહેલા ઊઠીને કામે લાગવાનું છે.”
આ બાજુ, મોડું થઈ ગયું હોવાથી પ્રમીલાબેન ચિંતામાં નીતાની વાટ જોઈને ભૂખ્યા-તરસ્યા બાલ્કનીમાં આમથી તેમ આંટા મારતા હતા અને નીતા આ બાજુ સમયનું ભાન ભૂલીને આકાશ સાથે મોટી હોટેલમાં ડિનર કરતી હતી.
આકાશ નીતાને પૂછે છે, “તું મીરાની જગ્યાએ હોત તો તું માનવ સાથે રહેવા તૈયાર થાત કે લંડન જવાનું પસંદ કરત?”
નીતા કહે છે, “જો આકાશ, હું મીરા નથી. હું મીરાની બેસ્ટ ફ્રેન્ડ છું અને તું પણ તેને હાઈસ્કૂલથી ઓળખે છે. મીરા હંમેશા બીજાનો વિચાર કરે છે. તે દિલથી વિચારે છે. તે કોઈને દુઃખી કરવા નથી માંગતી. મારી વાત અલગ છે. હું જુદી રીતે વિચારું છું. પ્લીઝ આકાશ, તું મને અને મીરાને સરખાવતો નહીં.”
આકાશ કહે છે, “ઠીક છે, નહીં સરખાવું. પણ તેણે જે મારી સાથે કર્યું તે બરોબર ન કહેવાય.”
નીતા કહે છે, “ઠીક છે, હું માનું છું, પણ હું મીરા વિશે કંઈ ખરાબ સાંભળવા માંગતી નથી.”
આકાશ કહે છે, “મીરાને ખરાબ નથી કહેતો. તે તો ખૂબ સારી છે. બધાનો વિચાર કરે એવી.” અને ઉમેરે છે, “તું મીરાથી એકદમ અલગ કેમ છે?”
નીતા કહે, “હું પહેલેથી જ એવી છું,” એટલું બોલે છે ત્યાં પ્રમીલાબેનનો ફોન આવે છે. નીતાનું ધ્યાન મોબાઈલની સ્ક્રીન પર જાય છે તો ૧૨:૦૦ વાગ્યા હોય છે. નીતા ફોન ઉપાડીને પ્રમીલાબેનને કહે છે, “હું મીરાના ઘરેથી નીકળી ગઈ છું. હમણાં જ ઘરે પહોંચું છું મમ્મી,” એમ કહીને ફોન કાપી નાખે છે.
અને મીરાને ફોન કરે છે. મીરા ફોન ઉપાડીને કહે છે, “નીતા, અત્યારે બાર વાગ્યે શું કામ છે તારે?”
નીતા કહે છે, “મમ્મીનો ફોન આવે તો કહેજે કે હું તારી સાથે હતી. બીજી બધી વાત હું તારી સાથે કાલે કરીશ. અત્યારે હું ઉતાવળમાં છું, ફોન મૂકું છું.”
બીજે દિવસે સવારે માનવ ગેરેજમાં જવા માટે નીકળે છે. તે મીરાને પૂછે છે, “તને કોલેજે મૂકી જાઉં?”
મીરા ના પાડતા માનવની સાથે ચાલવા લાગે છે. માનવ મીરાને કહે છે, “તારો વિચાર મારી સાથે ગેરેજે આવવાનો તો નથી ને?”
મીરા પાછી ના પાડે છે અને કહે છે, “હું તો પહેલા નીતાના ઘરે જાઉં છું, પછી કોલેજે જઈશ. આ તો નીતાનું ઘર આ જ રસ્તામાં આવે છે એટલે મને થયું કે આપણે થોડીક વાર સાથે ચાલતા વાત કરીએ.”
ત્યાં રસ્તામાં શાકવાળો આવે છે. માનવ ખિસ્સામાંથી એક લિસ્ટ કાઢીને શાકવાળા ભાઈને આપતા કહે છે, “આ બધું ઘરે પહોંચાડવાનું છે અને રોજની જેમ ઘરડા માસીના ઘરે થોડું શાક પહોંચાડી દેજે.”
મીરા પૂછે છે, “કોણ માસી?”
શાકવાળો છોકરો કહે છે, “ઉસ્તાદ તો બહુ દયાળુ છે, બધાનું ધ્યાન રાખે છે.”
માનવ મીરાને કહે છે, “જો, આ બાજુ શેરી છે તે સીધી નીતાના ઘરે જાય છે.”
ત્યાં માનવના ફોનમાં દિનેશનો ફોન આવે છે. દિનેશ માનવને કહે છે, “તું સીધો મેં તને એડ્રેસ મોકલ્યું છે ત્યાં આવી જા. અહીં ક્રેપમાં સારું અને સસ્તું ફર્નિચર આવી ગયું છે. બસ થોડું સમારકામ કરાવવું પડશે એટલે મયુરીનો રૂમ તૈયાર થઈ જશે.”
માનવ કહે છે કે, “હું હમણાં જ ત્યાં પહોંચું છું. તું ફર્નિચર જોઈ લે કેવું છે અને થોડોક ભાવ જાણી લે.” એમ કહી માનવ ફોન મૂકી દે છે.
માનવ મીરાને કંઈ કહે તે પહેલાં મીરા માનવને કહે છે કે, “ઠીક છે ઉસ્તાદ, હું જઈ રહી છું. તમે તમારા રસ્તે જાવ, હું મારા રસ્તે જાઉં છું. બાય બાય.” એમ કહી અને મીરા હસવા લાગે છે અને માનવ પણ હસવા લાગે છે. બંને ત્યાંથી છૂટા પડે છે. મીરા નીતાના ઘરે જાય છે.
શું મીરા અને માનવ ઘરમાં શાંતિથી રહી શકશે?............................?