સ્ત્રીની સાચી સ્વતંત્રતા શું છે અને એના વિશે એને કોણ શીખવાડશે અને સમજાવશે?
ભારતમાં ટ્રાન્ઝિસ્ટર આવ્યો ત્યારે આખું ઘર રેડિયોની આસપાસ ગોઠવાઈને બેસતું હતું એમાંથી મુક્તિ મળી... મીડિયાની બાબતમાં આ પહેલી સ્વતંત્રતા હતી. દરેક માણસ પોતાનો નાનકડો રેડિયો પોતાની સાથે ફેરવી શકે, એવી સ્વતંત્રતા! એ પછી ટેલિવિઝન, સેલફોન, આઈપેડ, ટેબ્લેટ અને કિન્ડલની સ્વતંત્રતા ટેકનોલોજીના ક્ષેત્રે ઉમેરાઈ. એક વેંતના નાનકડા યંત્રમાં 2000થી વધુ પુસ્તકો સમાવી શકાય એવો વિચાર 10 વર્ષ પહેલાં કોઈને નહીં આવ્યો હોય... પાનાં ફેરવવાનો અનુભવ લઈ શકાય. ગમતો ફકરો માર્ક કરી શકાય, કોઈ એક શબ્દ પરથી આખું ચેપ્ટર કે કોઈ વિષયનું સંશોધન કરી શકાય, બે પુસ્તકોને સરખાવી શકાય... આ બધી સગવડો સાથેનું કિન્ડલ, હવે યંત્ર નહીં એપ બની ગયું છે.
એ પછી છેલ્લે, હવે સિનેમા થિયેટરમાં જવાથી મળેલી સ્વતંત્રતા લેટેસ્ટ અનુભવ છે. ઓટીટી પર રિલિઝ થઈ જતી ફિલ્મોને કારણે સિનેમા ઉદ્યોગને આર્થિક નુકસાન થયું જ છે, (પરંતુ સિનેમા રસિકને ફાયદો થયો છે). ઓનલાઈન ખરીદી, એક નવી સ્વતંત્રતા અને મુક્તિનો અનુભવ છે. દુકાને જઈને નાની નાની ગ્રોસરીની ચીજો કે મોટાંમોટાં ઈલેક્ટ્રોનિક અપ્લાયન્સિસ ખરીદવાને બદલે પ્રમાણમાં ઓછા ભાવે ઘેર બેઠા ડિલિવરી અને ઈન્સ્ટોલેશનનો આનંદ હવે ભારતનાં ‘બી’ અને ‘સી’ શહેરો સુધી પહોંચી ગયો છે.
બ્યૂટી પાર્લરમાં જવાને બદલે હવે એપ પર ઘેર વાળ કપાવી શકાય છે, બોડી મસાજ કરાવી શકાય છે, મિકેનિક બોલાવી શકાય છે... આ બધી સ્વતંત્રતા સાથે ભારતીય નારીની જવાબદારી અને મહેનત ઘટી છે.
એક નવી સ્વતંત્રતાની વ્યાખ્યા સાથે ભારતીય સ્ત્રી પાસે એના પોતાના ઉપર ખર્ચી શકે એવો સમય વધ્યો છે ત્યારે ખરેખર સ્ત્રી ખુશ રહેવી જોઈએ, એને આ નવી સ્વતંત્રતાનો આનંદ થવો જોઈએ એને બદલે ભારતીય સ્ત્રી વધુ ડિપ્રેસ્ડ અને વધુ એકલવાયી થતી જાય છે.
એક સર્વે મુજબ 2021 કરતાં 2024માં 18થી 35ની વચ્ચે સ્ત્રીના આપઘાતના કિસ્સામાં લગભગ ત્રણગણો વધારો થયો છે! મનોરોગી સ્ત્રીઓની સંખ્યામાં પણ લગભગ એટલો જ વધારો જોવા મળે છે ત્યારે સવાલ એ થાય છે કે, આ સ્વતંત્રતા સ્ત્રીને સુખ આપી શકી નથી? ...કે પછી સ્ત્રીની સ્વતંત્રતાની વ્યાખ્યા કંઈ જુદી જ છે!
પેટ્રિઆર્કલ (પૈતૃક) સોસાયટીમાં સ્ત્રીની સ્વતંત્રતાની વ્યાખ્યા આજના દિવસે ગાળો બોલવાથી, સિગારેટ કે શરાબ પીવાથી, ટૂંકા અને શરીર દેખાય તેવાં વસ્ત્રો પહેરવાથી પ્રસ્થાપિત થાય છે એવું ઘણીબધી સ્ત્રીઓ માને છે. પોતે જે કર્યું છે તે પોતાની દીકરીને ન કરવું પડે (ઘરકામથી શરૂ કરીને સંબંધમાં સમાધાન સુધી) એ જ ‘સ્વતંત્રતા’ છે એવું સમજાવતી મમ્મીઓની સંખ્યા વધવા લાગી છે. છૂટાછેડાના આંકડા વધે છે એની સાથે સાથે સિંગલ પેરેન્ટિંગની જવાબદારી સ્ત્રીની કમર તોડી રહી છે... લગ્ન નહીં કરવાનો નિર્ણય કરીને એકલી રહેવા માગતી સ્ત્રીઓ 50ની ઉંમરે જીવનસાથી શોધે છે અથવા કડવી અને ઝઘડાળુ થઈ જતી જોવા મળે છે.
હવે સવાલ એ ઊઠે છે કે, સ્ત્રીની સાચી સ્વતંત્રતા શું છે અને એના વિશે એને કોણ શીખવાડશે અને સમજાવશે? સ્ત્રી જ્યારે પુરુષ જેવી થવા જાય છે-સમોવડી બનવાનો પ્રયાસ કરે છે ત્યારે એ પૂરેપૂરી પુરુષ બની શકતી નથી, અને એનું સ્ત્રીત્વ પણ ગૂમાવી બેસે છે જેને કારણે એની ભીતર જે સંઘર્ષ સર્જાય છે એનો ઉકેલ એને પોતાને જ નથી મળતો.
આ ગૂંચવણનું કારણ કદાચ એ છે, સ્ત્રી પ્રકૃતિ એ ઈમોશનલ છે. મા બનવા માટે એના શરીરની અને મનની રચના કરવામાં આવી છે. (માતૃત્વ માત્ર સંતાનને જન્મ આપવાના સંદર્ભમાં ન જોઈએ તો પણ-સ્ત્રી સ્વભાવે ઋજુ અને સંવેદનશીલ છે જ) આ કુદરતી છે, પ્રાકૃતિક છે આને સ્ત્રી સ્વયં પણ બદલી શકે એમ નથી. રજનીશ કહે છે કે, ‘સ્ત્રીને ચાહવાની જરૂર છે સમજવાની નહીં-સ્ત્રી સાથેના સંબંધ માટેની આ સૌથી પહેલી સમજદારી છે.’ પુરુષ અને સ્ત્રી એ પ્રકૃતિએ જુદા છે, એક સર્જક છે, કલ્પનાશીલ છે, લાગણીશીલ અને ઋજુ છે. બીજો શિકારી છે, આદિમ છે, પુરુષ મૃત્યુ આપી શકે છે-સ્ત્રી જીવન સર્જી શકે છે. તમામ મહાયુદ્ધોની જવાબદારી સ્ત્રીના ખભે મૂકવામાં આવે છે, પરંતુ યુદ્ધ તો ફક્ત પુરુષ જ લડે છે. સ્ત્રી માટે લડાતા યુદ્ધમાં પણ અંતે તો વિજય કે પરાજય-પુરુષનો થાય છે અને સ્ત્રીએ એને સ્વીકારવો પડે છે! અર્થ એ થયો, કે એક સફરજન છે, બીજું નારંગી છે, એક માછલી છે, એક પક્ષી છે... આની સરખામણી શા માટે થવી જોઈએ અને આમની વચ્ચે હરીફાઈ કઈ રીતે હોઈ શકે?
સ્ત્રીની સાચી સ્વતંત્રતા માનસિક અને ઈમોશનલ સ્વતંત્રતા છે, જેને વિશે એને કદી શીખવવામાં આવ્યું જ નથી. પોતે સ્ત્રી બનીને ગૌરવ અનુભવી શકે, જે છે તે જ હોવાનો આનંદ માણી શકે... તો જ વ્યક્તિ સ્વતંત્ર કહેવાય. સાસુ ખરાબ જ હોય, પતિની સ્ત્રી મિત્ર સાથે એનું લફરું જ હોય, વહુ આવીને દાદાગીરી કરશે, સાસુ દેરાણી કે જેઠાણીની ફેવર કરે છે, નણંદ જ્યારે આવે છે ત્યારે ઘરમાં ઝઘડા કરાવે છે... આવું બધું વિચારતી સ્ત્રી બીજું કંઈ પણ હોય, ‘સ્વતંત્ર’ તો નથી જ.
જે સ્ત્રી અન્ય સ્ત્રીને, પોતાની દુશ્મન માને છે.. અથવા બનાવે છે... અથવા બને છે... એ સ્ત્રી ‘સ્વતંત્ર’ થઈ શકતી નથી. હજી હમણા જ શરૂ થયેલી ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ ના પ્રોમોની શરૂઆત અરીસામાં જોઈ રહેલી સ્ત્રી પોતાના વૃદ્ધત્વની ફરિયાદ કરે છે,
ત્યાંથી થાય છે. સ્ત્રીએ જ આ ઘરને સંભાળ્યું છે એ કહેવા-સ્વીકારવા કે વેલિડેટ કરવા માટે એને એક પુરુષ જોઈએ છે, એ વાત જ એની સ્વતંત્રતાના પાયામાં લૂણો લગાડનારી છે!
સ્ત્રી પોતે પણ પોતાના દેખાવ થી જ પોતાની જાતને ‘જજ’ કરે છે. પોતાના રંગથી જ એ સારી કે ખરાબ છે, એવું એ પોતે જ માને છે. કયા કાર્યક્રમમાં શું પહેરશે-અને પહેલાં શું પહેરી નાખ્યું છે એ વિશે જે જેટલો સમય બગાડે છે એના કરતાં ઘણું સારું અને મહત્વનું વિચારી શકાય એ વિશે સ્ત્રી પોતે જ બેપરવાહ અને બેદરકાર છે. બાળકને જન્મ ન આપી શકતી કે ન આપવા માગતી સ્ત્રી ‘અધૂરી’ છે એવું એ પોતે જ સ્વીકારી લે છે... અહીં આપણે કઈ સ્વતંત્રતાની વાત કરીએ છીએ? સ્ત્રીની સ્વતંત્રતા એ ભીતરની ક્રાંતિ છે. ખુશ રહેવાનો, સ્વયંને સંપૂર્ણ માનવાનો અને પોતાની જ ‘બેસ્ટ ફ્રેન્ડ’ બનવાનો પ્રયાસ અને પ્રવાસ છે. આ ક્રાંતિ એણે જાતે કરવાની છે, પોતાને માટે કરવાની છે. બીજા સામે સાબિત કરવાને બદલે પોતાની સ્વતંત્રતાને પોતે અનુભવવાની અને સ્વીકારવાની છે. સ્વતંત્રતાની કિંમત ચૂકવવા તૈયાર રહેનારી દરેક સ્ત્રી આ સ્વતંત્રતાની ક્રાંતિની સેનાની છે....
Writer's Note
Accept yourself as you are and learn to be happy with yourself, not with others. That is true freedom...