ભાગ: ૧૯
નીતાને આકાશનો મેસેજ આવે છે. "હું વસ્તીની બહાર તારી રાહ જોઈશ."
નીતા મીરાને કહે છે, "મીરા, તું કોલેજ માટે નીકળ. મારે દુકાન પર થોડું કામ છે." એમ કહીને નીતા દુકાન તરફ જાય છે.
મીરાનું ધ્યાન માનવની કાર તરફ જાય છે. તેમાં માનવ સૂતો હતો. મીરા નજીક જઈને બે મિનિટ માનવને જોતી રહે છે. ત્યાં તેને ફોનમાં મેસેજ આવે છે, "ઘર જોવા માટે તું ૪:૦૦ વાગ્યે આવી જજે."
મીરા મેસેજ વાંચીને કોલેજે જવા માટે નીકળી જાય છે.
આ બાજુ, નીતાને દુકાન પાસે દિનેશ મળી જાય છે. નીતા દિનેશને કહે છે, "હું અત્યારે તારી સાથે વાત કરવા નવરી નથી. પછી ક્યારેક. મને મોડું થાય છે."
દિનેશ કહે છે, "એમાં શું? ચાલ, હું તને મૂકી જાઉં."
નીતા ખીજાઈને કહે છે, "દિનેશ, તને સમજાતું નથી કે હું તારી સાથે વાત કરવા નથી માગતી? મને જવા દે."
નીતાનો અવાજ સાંભળીને પ્રમીલાબહેન દુકાનની બહાર નજર કરે છે. તો દિનેશ અને નીતા વાત કરતા હોય છે. પ્રમીલાબહેન કંઈ બોલતા નથી, પણ છાનામાના સાંભળે છે.
દિનેશ કહે છે, "નીતા, તું મારી સાથે આમ કેમ વાત કરે છે? આપણે બંને તો પાક્કા ફ્રેન્ડ છીએ અને કાલે હું તને પબમાં પણ લઈ ગયો હતો. આજે તને શું થયું?"
નીતા ખીજાઈને કહે છે, "તારી સાથે પબમાં આવી અને થોડીઘણી વાતો કરી લીધી એનો મતલબ એ નથી કે હું તારા માટે અવેલેબલ છું. તું મને જવા દે, મને મોડું થાય છે. આજ પછી મારો રસ્તો રોકવાની હિંમત કરતો નહીં."
દિનેશ કંઈ બોલતો નથી અને તે નીતાને જતાં જુએ છે અને ચૂપચાપ ઊભો રહે છે. આ બધું પ્રમીલાબહેન દુકાનમાંથી ઊભા ઊભા જોતાં હોય છે. તેમને દિનેશ ઉપર દયા આવે છે, પણ તે કંઈ બોલતા નથી.
આકાશ ગલીના ખૂણે નીતાની રાહ જોતો હોય છે. તે નીતાને દૂરથી આવતાં જોઈ ગાડીની બહાર નીકળીને પૂછે છે, "નીતા, તું ક્યાં હતી? કેટલી વાર લગાડી તે?"
નીતા કહે છે, "સોરી, આકાશ."
પણ આકાશ કહે છે, "કાંઈ વાંધો નહીં. ચાલ, જલ્દી ગાડીમાં બેસ. આપણે પાર્ટી માટે મોડું થાય છે."
નીતા ગાડીમાં બેસે છે એટલે આકાશ પાછળની સીટમાંથી ચોકલેટ અને ફૂલનો ગુલદસ્તો નીતાને આપે છે. નીતા ચોકલેટ અને ફૂલ જોઈને ખુશ થઈ જાય છે.
આ બાજુ, રમોલાને ખબર પડે છે કે તે ગર્ભવતી છે અને તે માનવના બાળકની મા બનવાની છે. રમોલા માનવને ફોન કરે છે. માનવ ફોન ઉપાડતો નથી. રમોલાને સમજાતું નથી કે શું કરવું. તે બેઠી બેઠી રડે છે. તે માનવને પ્રેમ કરતી હતી પણ માનવ તેને પ્રેમ નથી કરતો.
આ બાજુ, વિજયાબહેનને ઓફિસમાં થોડી ગડબડ લાગે છે. વિજયાબહેન ધનરાજને પૂછે છે, "તમે હમણાં બેંકમાંથી આટલા બધા રૂપિયા કઢાવીને ક્યાં રોક્યા છે?"
ધનરાજને ખબર પડે છે કે વિજયાને ખબર પડી ગઈ કે મેં અચાનક આટલા બધા રૂપિયા ઉપાડી લીધા છે એટલે તે ગુસ્સે થઈને બોલે છે, "શું મારે જરૂર હોય તો હું રૂપિયા ઉપાડી ન શકું? મેં પણ આ કંપનીમાં વીસ વરસ આપ્યા છે."
એમ કહીને ધનરાજ ઘરની બહાર નીકળી જાય છે. વિજયાને કંઈ સમજાતું નથી કે ધનરાજ શું કરી રહ્યા છે. ધનરાજ ઘરની બહાર નીકળીને ગાડી વસ્તી તરફ લે છે. વસ્તી પાસે એક ઘર હોય છે ત્યાં જઈને દરવાજો ખખડાવે છે. ત્યાં તેની સેક્રેટરી બારણું ખોલે છે. ધનરાજ અંદર જાય છે તો એક નાનકડી છોકરી 'પપ્પા' કહીને ધનરાજને વળગી પડે છે. ધનરાજ તે છોકરીને તેડીને કહે છે, "મારી દીકરી, મારી વહાલી દીકરી."
આ બાજુ, મીરા ઘર જોવા જાય છે પણ તેને એક પણ ગમતા નથી. મીરા તે ભાઈને કહે છે, "ઘરનું ભાડું ઓછું છે, પણ ઘર રહેવા લાયક તો હોવું જોઈએ ને." મીરા તે ભાઈને કહે છે, "હું કહું તે રીતનું ઘર હોય તો જ મને ફોન કરજો." એટલું કહી મીરા ઘરે પાછી ફરે છે.
આ બાજુ, માનવ પણ ઘરે પાછો જાય છે. સાંજ પડી ગઈ હતી. બંને ઘરની બહાર મળે છે. મીરા માનવને જોઈને કહે છે, "હું મમ્મીને મળવા આવી છું."
માનવ કહે છે, "કે હું બહાર જાઉં છું."
મીરા કહે છે, "મને જોઈને તમે તમારા ઘરથી કેમ ભાગો છો? થોડા દિવસની વાત છે પછી હું અહીંથી મારો સામાન લઈને જતી રહીશ."
માનવ કંઈ બોલતો નથી, તે પાછો ફરીને જતો હોય છે. મીરા ફરીથી માનવને રોકે છે અને કહે છે, "મારે તમારી સાથે મયુરી માટે એક અગત્યની વાત કરવી છે."
માનવ કહે છે, "મીરા, તું આ બધું શું કામ કરે છે?"
મીરા કહે છે, "મને ખબર છે કે તમને મારા ઉપર ભરોસો નથી, પણ આપણે બંને ભેગા મળીને મયુરીની સંભાળ રાખી શકીએ એમ છીએ."
માનવ કહે છે, "તારા ખિસ્સામાં લંડનની ટિકિટ છે કે નહીં? તું લંડન જવાની હતી ને?"
મીરા કહે છે, "લંડન જવાની હતી, તમને કેમ ખબર પડી?"
માનવ કહે છે, "તો તું લંડન કેમ નથી જતી?"
મીરા કહે છે, "તમારે મને છૂટાછેડા આપવાનું આ કારણ તો નહોતું ને કે હું લંડન જવાની હતી?"
મીરા માનવની સામે જોઈ રહે છે. માનવ કંઈ બોલતો નથી, તે જતો રહે છે.
મીરા ઘરમાં જઈને ઉપર પોતાના રૂમની બારી ખોલીને ઊભી રહે છે. તેને ફરીથી શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. સામેના ઘરમાંથી રમોલા મીરાને જોઈને બારીનો પડદો બંધ કરીને સોફા પર બેસી જાય છે. રમોલાના હાથમાં ગર્ભવતી હોવાનો રિપોર્ટ હોય છે.
આ બાજુ, મીરાને બાળ સંભાળ કેન્દ્રમાંથી ફોન આવે છે. "મયુરી તોફાન કરે છે, એ કોઈનું માનતી નથી અને રૂમ બંધ કરીને બેઠી છે. મહેરબાની કરીને તમે અહીં આવી જાવ."
મીરા તરત જ મયુરીને મળવા જાય છે. મયુરી મીરાને જોઈને રૂમનો દરવાજો ખોલે છે. તે મીરાનો હાથ પકડીને કહે છે, "તમે મને અહીંથી બહાર લઈ જાવ."
મીરા કહે છે, "હું તને જરૂર લઈ જઈશ."
પછી મીરા મયુરીને પોતાના હાથે જમાડે છે. એક કેરટેકર આવીને કહે છે, "મયુરીની દવા અને ઈન્જેક્શનનો સમય થઈ ગયો છે, મહેરબાની કરીને તમે થોડી વાર માટે બહાર જાવ."
મીરા બહાર જઈને સીડી પાસે બેસી જાય છે. આ બાજુ, માનવ પણ ત્યાં પહોંચી જાય છે. તે મીરાને જુએ છે. માનવ પૂછે છે, "મયુરીને કેમ છે? શું હું તેની પાસે જાઉં?"
પણ મીરા માનવને રોકે છે. તે કહે છે, "માનવ, તમે મને મયુરીને દત્તક લેવા દો. કોર્ટ તમને મયુરીને દત્તક લેવા માટે પરવાનગી આપશે નહીં."
માનવ કહે છે, "શું કામ? તે મારી દીકરી છે. તું તો જતી રહેવાની છો પછી આ બધું કરવાની જરૂર શું છે?"
મીરાને માનવ પર ગુસ્સો આવે છે. તે માનવની નજીક આવીને તેનો કોલર પકડીને ગુસ્સામાં બોલે છે, "જ્યારે જુઓ ત્યારે એક જ વાત, 'જતી રહેવાની છે'. પચાસ વાર તમે મને કહ્યું 'જતી રહે'. તમારે છૂટાછેડા જોઈએ છે ને? ઠીક છે, હું તમને આપીશ અને હું જતી રહીશ."
માનવ મીરાની આંખોમાં આંસુ જોઈને કંઈ પણ બોલતો નથી, ચૂપચાપ ઊભો રહે છે.
આ બાજુ, મયુરી માનવનો અવાજ સાંભળીને બારીમાંથી જુએ છે.
આગળ શું થશે?