શિક્ષિત વર્ગ ધરાવતા વડોદરા શહેરમાં નિસર્ગનો પરિવાર વસવાટ કરે છે. નિસર્ગ દેખાવે સંસ્કારી અને અપ્પર મિડલ ક્લાસમાંથી આવતો હતો. પ્રવિણના આગળ પૂછવાથી નિર્સગ એક મોટી કંપનીમાં એન્જીનિયરની જોબ કરતો હતો. એના કામને સરાહનીય તરીકે એના બોસ એને આવતા મહિને મેનેજર બનાવવાની જાહેરાત કરી દીધી હતી. પરિવાર સુખી અને સંપન્ન હોવા છતા નિસર્ગને સ્યુસાઈડ કરવાનો વિચાર કેમ આવ્યો! એ કોયડો ત્રિપૂટી સામે અકબંધ હતો.
"નિસર્ગ, અમારી સામે જો. અમારા ત્રણમાંથી કોઈ પરફેક્ટ નથી. દરેકને એમની કોઈને કોઈ તકલીફ તો હોય જ છે. સકારાત્મક વ્યક્તિ એને કહેવાય કે જે મુશ્કેલ પરિસ્થિતિમાંથી રસ્તો શોધી શકે. આ રાજ યુવાનીમાં હજુ એની કૂંપળ ફુટી ત્યાં એને એની જવાબદારીમાંથી છુટકારો મેળવીને બધા મોજશોખ પૂરાં કરવા છે. આ હાર્દિક પરિવાર છે તે છતાં એકલું જીવન જીવે છે. મારા માથાના સફેદ વાળ મારા ભૂતકાળમાં બનેલા કડવા અને મીઠા અનુભવોના ગવાહ છે."
પ્રવિણે નિસર્ગના જીવનમાં એવી કઈ મુશીબત આવી પડી; જેને કારણે એને આટલો મોટો નિર્ણય લેવો પડ્યો. એ જાણવા માટે ત્રિપૂટીની ઉપર છલ્લી તકલીફ કહી દીધી. નિસર્ગ મનથી હારી ચુક્યો હતો. એને શું કરવું અને શું ના કરવું એ સુઝી રહ્યું ન હતું. એણે એની તકલીફ બતાવવાની શરુઆત કરી.
"આટલું મોટું પાપ કરવા માટે મજબુર કરનાર મારા પપ્પા છે. હવે વનની હરોળ પૂરી કરી લીધા પછી મારી માંને છુટાછેડા આપીને બીજા લગ્ન કરવા માંગે છે. મારા મમ્મી સત્યાવીસ વર્ષ સુધી એમના આવવાની રાહ જોઈ રહ્યાં છે. છેલ્લે એમની રાહ જોવાના પરિણામે એ વૃધ્ધે મારા મમ્મીને ભેટ સ્વરૂપે છુટાછેડાના કાગળ્યા મોકલાવ્યા."
નિસર્ગના એક - એક શબ્દે એના પિતા માટે ધૃણા ઊપસી આવી હતી. નિસર્ગની ગુસ્સાભરી આંખોમાં હાર્દિકને એના દીકરા આર્યનો ભવિષ્યનો ચહેરો દેખાય રહ્યો હતો. નિસર્ગ આઠ વર્ષનો હતો અને ત્યારથી એ એની મમ્મી સાથે એકલો રહી રહ્યો હતો. એના જીવનની કહાની કાંઇક આવી હતી.
નિસર્ગની મમ્મી રેખાબેનને નિસર્ગના જન્મ પછી માનસિક બિમારી થઈ ગઈ હતી. તેમનું મગજ અકારણે કોઈને કોઈ વિચારોમાં ગરકાવ રહેતું. નિસર્ગની પરવરિશની જવાબદારી નિસર્ગના પપ્પા સંજયભાઈ પર આવી ગઈ હતી.
સમય જેમ પસાર થતો ગયો તેમ રેખાબેનનો સ્વભાવ ચિડીયાપણું અને શંકાશીલ બનવા લાગ્યો હતો. નિસર્ગ બે વર્ષનો હતો ત્યારે તેમણે ખોટી જીદ્દ પકડી અને ગુસ્સામાં આવીને નિસર્ગનું માથુ દિવાલ પર પછાડ્યું. નાનો નિસર્ગ એ જ ક્ષણે બેભાન થઈ ગયો હતો. એ ક્ષણે, સંજયભાઈ ઘરે આવવું અને નિસર્ગની સારવાર તાત્કાલિક થવાથી એનો જીવ બચી ગયો.
નિસર્ગની દેખભાળ અને બહારના કામને કારણે સંજયભાઈનો મગજ ગરમ રહેવા લાગ્યો. નિસર્ગને ભગવાને એ દિવસે નવું જીવનદાન જ બક્ષ્યું હતું. સંજયભાઈએ એ દિવસે રેખાબેન પર રોષે ભરાયેલા હતા અને એના પર હાથ ઊઠાવી લીધો હતો.
ઘરમાં એ ત્રણ સિવાય બીજું કોઈ વડીલ હતું નહિ કે નિસર્ગના પેરેન્ટ્સનો ઝઘડો શાંત કરી શકે. સંજયભાઈ રેખાબેનની માનસિક બિમારીને કારણે વધુ ને વધુ બહાર રહેવા લાગ્યા. સંજયભાઈને ઘરની બહાર કોઈ સાથે અફેર ચાલી રહ્યું છે; એવી ખોટી ધારણા રેખાબેને મગજમાં ભરી લીધી હતી.
નિસર્ગ આઠ વર્ષનો થઈ ગયો હતો. એક વાર સંજયભાઈ રાત્રે બાર વાગ્યે ઘરે આવ્યા. રેખાબેને સમયનું કોઈ ભાન રાખ્યું નહિ અને એમના મગજમાં જે વિચારો આવતા હતા, એ સંજયભાઈને કહેવાં લાગ્યાં.
"તમારે બે હાથમાં લાડવા છે. ઘરવાળી અને બહારવાળી બન્ને સાથે તમારે મજા જ છે. મન પડે ત્યારે ઘરની બહાર નીકળી જવું અને એનાથી મન ભરાય જાય એટલે કાંઈ સમય જોયા વિના ઘરે આવવું. એવી જ તમને એ વહાલી લાગતી હોય તો તમે એને તમારી રખેલ કેમ બનાવી રાખી છે! એને તમારી ઘરવાળી બનાવી દો. હું તો મારા દીકરાને લઈને આ ઘરેથી જતી રહીશ."
રેખાબેનનો આરોપ સંજયભાઈથી સહન ના થયો. તેમણે અડધી રાત્રે રેખાબેનને શાંત કરવાની જગ્યાએ એના પર જોરથી તાડુકવા લાગ્યા, "તને કોઈ ભાન છે કે તું શું બોલી રહી છે? તારા પતિ પર તું શંકા કરી રહી છે! આવી વાતો ગાંડા હોય એ જ કરે. તારે આ ઘર છોડીને જવું હોય તો જા. આમ પણ ગાંડાઓની જગ્યા ઘરમાં નહી પણ પાગલખાનામાં જ હોય છે."
"તમારા પાપ છુપાવવા માટે મને ગાંડી કહો છો! જુઓ, આ ગાંડી શુ કરે છે?"
જોરજોરથી અવાજ આવતા નિસર્ગ ભર ઊંઘમાંથી ઊઠી ગયો હતો. એના પેરેન્ટ્સની રોજને ઝઘડાની આદત પડી ગઈ હતી પણ એ વખતે એમનો ઝઘડો નિસર્ગના જીવનમાં નવું તોફાન લઈને આવ્યું હતું.
કહેવાય છે કે રોજનો કજિયારાનો કંકાસ એક દિવસ કોઈ અશુભ ઘટના લઈને આવે છે. નિસર્ગના જીવનમાં કંઈક એવું જ બન્યું હતું.
નિસર્ગ રેખાબેન અને સંજયભાઈનો ઝઘડો થઈ રહ્યો હતો ત્યાં પહોચી ગયો. એણે ત્યાં જઈને જોયું તો રેખબેને એક ફલાવર વાઝનો સંજયભાઈના કપાળ પર ઘા કર્યૉ. સંજયભાઈનું કપાળ ફુટવાથી એમાંથી લોહી નીકળવા લાગ્યા.
સંજયભાઈએ સહનશક્તિની બધી હદ પાર થઈ ગઈ હતી. એમણે રેખાબેનને પહેરે કપડે ઘક્કા મારીને ઘરની બહાર કાઢી મુક્યા. નિસર્ગને સંજયભાઈ પોતાની પાસે રાખવાના હતા પણ નિસર્ગ તેની મમ્મીને એવી હાલતમાં એકલી મુકવાં તૈયાર હતો નહિ. એણે એની મમ્મી સાથે જવાનું મન મનાવી લીધું. સંજયભાઈને મા અને દીકરાની જવાબદારીથી મોકળાશ મળવાને કારણે એમણે નિસર્ગને પોતાની પાસે રાખવાનો વધુ આગ્રહ ના કર્યો.
નિસર્ગના નાના અને નાની શહેરની બહાર રહેતા હતા. એમની પાસે જવા જેટલા રૂપિયા રેખાબેન પાસે હતા નહિ. અડધી રાત્રે નિસર્ગ રેખાબેનનો હાથ પકડીને એને બંધ દુકાન પાસે સુરક્ષિત જગ્યાએ લઈ આવ્યો. સંજયભાઈના આક્રોશ ભરેલા શબ્દો રેખાબેનના મગજમાં ઘર કરી ગયા.
"હું ગાંડી છું! મારા જેવા ગાંડા પાગલખાને સારા. તું પણ તારા બાપની ઔલાદ છે. એક દિવસ તું પણ એ કહેવાનો છે; જે તારા બાપે કહ્યું. જા, જતો રહે અહીયાથી. મારે તારું મોઢું પણ જોઉં નથી. "એકની એક પીન રેખાબેનના મગજમાં ફીટ થઈ ગઈ.
સાત વર્ષના માસુમ નિસર્ગની ઉંમર ભણવા અને રમવાની હતી. એ એના ભવિષ્યના વિચાર કરતા પહેલા એની મમ્મીની ચિંતા એને વધુ કોરી ખાય રહી હતી. રડતા - રડતા નિસર્ગે એની મમ્મીને શાંત કરીને એક બાકડા પર સુવડાવી દીધી.
એ રાત્રે નિસર્ગે એના બાપના ઘરનો ઉંબરો ઓળંગ્યો પછી કોઈ દિવસે ઘર સામે જોવાની તસક્કી લીધી નહિ. નિસર્ગને એ ક્ષણે એના પિતા માટે દરિયાના પાણી જેટલી નફરત ભરાઈ ગઈ હતી. દરિયાનું પાણી ખત્મ થાય તો નિસર્ગની તેના પિતા માટેની નફરત ઓગળે.
ઘરથી બેઘર થઈને પહેરવા માટે કપડાં અને ખાવા માટે અન્ન એમને મળવું મુશ્કેલ હતું. બાપ હોવા છતાં નિસર્ગે ભીખ માંગીને એનું અને એની માનું પેટ ભરવા લાગ્યો. ક્યારેક ખાવા મળતું તો ક્યારેક ભુખ્યા પેટે પાણી પીને રસ્તા પર સુવાનો વારો આવી ગયો હતો. નિસર્ગ રસ્તામાં ચાલતા માણસો પાસેથી એના નાના અને નાનીને એમના સમાચાર મોકલાવ્યા પણ રેખાબેનનો ગુસ્સાવાળા સ્વભાવને કારણે કોઈને કોઈ બહાનું કાઢીને એના નાના એમની પાસે આવીને પોતાના ઘરે લઇ જવા તૈયાર હતા નહિ.
મહિનાઓ સુધી રેખાબેન અને નિસર્ગ નાહ્યા ધોયા વિના સાવ ગરીબ જેવા લાગી રહ્યાં હતાં. રેખાબેનનો મગજ ક્યારેક શાંત રહેતો તો નિસર્ગ પર વહાલ વરસાવતા રહેતા અને જ્યારે એમને જમવા મળતું નહિ તો રેખાબેન નિસર્ગ પર પથ્થરના ઘા કરવા લાગતા હતા.
વધુ સમય સુધી નાહવા ના મળતા રેખાબેનના શરીરમાં ચામડી રોગ થઈ ગયો હતો. તેમના પૂરાં શરીરમાં ના સહી શકાય એવી ખંજવાળ ઊપડવા લાગી હતી. એક રાહદારીની સલાહ લઈને નિસર્ગે રેખાબેનની ચામડીની સારવાર સિવિલમાં કરવા લઈ ગયો. સિવિલમાં રેખાબેનને એડમિટ કરવામાં આવ્યાં. સેવાભાવી સંસ્થાના લોકો સિવિલમાં આવીને પેશન્ટ અને એમના પરિવારજનોને જમવાનું પુરું પાડી જતાં. પહેરવા કપડાં ના હોય તો એમને કપડાનું દાન કરવામાં આવતું હતું.
રેખાબેનની ચામડીની સારવાર સાથે સિવિલમાં એમનાં મગજની સારવાર ચાલું કરી દીધી હતી. છ મહિના નિસર્ગ એની મમ્મી સાથે સિવિલમાં રોકાયો હતો. સિવિલ તેમના માટે એક નવું ઘર બની ગયું હતું. રોજ નાહવા ધોવાથી અને પેટ ભરીને જમવાનું મળવાથી બન્ને મા અને દીકરા પહેલા જેવા સ્વચ્છ અને સુંદર લાગી રહ્યાં હતાં. રેખાબેનની મગજની સારવાર થતાં તેમની માનસિક બિમારીમાં ઘણો બધો સુધાર દેખાવા લાગ્યો હતો.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ 'મીરા'