Aekant - 23 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 23

Featured Books
Categories
Share

એકાંત - 23

ત્રિપુટી થોડીક જ કલાકોમાં એકબીજાને ખૂબ સારી રીતે ઓળખવા લાગ્યા હતા. રાજ જેને વર્તમાનમાં જે ક્ષણો મળી છે એને દિલ ખોલીને ચિંતામુક્ત માણવી હતી. હાર્દિક જીવનમાં એની સાથે ઘણું બધું બની ગયું પણ એની સકારાત્મક વિચારધારાને હજુય જકડી રાખી હતી. પ્રવિણ પોતાની જન્મભૂમિમાં કર્મભૂમિનો સમાવેશ કરી લીધો. જે પોતાનું હતું નહિ એને પોતાનું માનીને દરેક ખુશીઓની ક્ષણોને હરખથી માણી. જેની જરૂરિયાત હોય એટલી જ વસ્તુઓનો ઉપયોગ કરવો. બિનજરુરી વસ્તુઓ પર પૈસાને પાણીની માફક વહેડાવીને ખોટો દેખાવ ના કરવો. એ જ પ્રવિણનું જીવનસુત્ર હતું.

ત્રિપુટીની કાર વેરાવળના દરિયાકિનારે ઊભી રહી ગઈ. સૌ કારમાંથી નીચે ઊતર્યાં. નીચે ઊતરતાની સાથે હાર્દિકને મોબાઈલની શોપ જોવા મળી. હાર્દિક પ્રવિણ અને રાજને એ મોબાઈલ શોપની દુકાને લઈ ગયો. ત્યાંથી એણે વીસ હજારનો સ્માર્ટ ફોન અને નવું સીમ ખરીદ્યુ.

"આ ફોન તમને કેવો લાગ્યો, પ્રવિણભાઈ?"

પ્રવિણે હાર્દિકના હાથમાંથી ફોન લઈને પોતાના હાથમાં આગળ પાછળ જોવા લાગ્યો. ત્યારબાદ રાજે પ્રવિણના હાથમાંથી ફોન લઈને જોવા લાગ્યો. 

"મને આવા મોબાઈલની ખબર ના પડે. સાચું કહું તો મારા જીવનના એકસઠ વર્ષમાં મેં બટન વાળો સાદા ફોનનો ઉપયોગ કર્યો નથી. હાર્દિક, તારા પાસે તો આવો જ મોબાઈલ છે તો બીજા મોબાઈલનો ખર્ચો કેમ કરે છે?"

"કારણ કે, આ સ્માર્ટ ફોન હું મારા માટે ખરીદતો નથી."

"આર્ય માટે.?" પ્રવિણે તાજૂબ સાથે સવાલ કર્યો.

"હું સ્માર્ટ ફોન તમને ગિફ્ટ કરવા માંગું છું. હવે આજથી આ ફોન તમારે યુઝ કરવાનો છે. તમને પસંદ આવી જાય તો શોપકીપર એની અંદર સિમ નાખીને ફોન ચાલુ કરી આપે."

હાર્દિકે ફોન રાજ પાસે લઈને પ્રવિણની સામે લાંબો કર્યો. જે મોડેલ હાર્દિકે પસંદ કર્યો એવો ફોન રાજને ઇચ્છા હતી પણ એના પપ્પા એને સસ્તા મોડેલનો સ્માર્ટ ફોન ખરીદીને આપ્યો હતો. એ ક્ષણે રાજને પૈસાનું ખરુ મૂલ્ય સમજાયુ. જો એની પાસે આટલા પૈસા હોત તો એ પણ એના પ્રવિણ કાકાને સ્માર્ટ ફોન ખરીદીને આપી શક્યો હોત.

"હાર્દિક, પહેલી વાત એ કે મને આવા ફોનનો કોઈ શોખ નથી. મારે માટે સાદું જીવન એ જ ઊંચ વિચાર છે. સાઈઠ વર્ષમાં મારે આવા ફોનની જરૂર નથી પડી તો હવે શું જરૂર પડવાની છે. બીજી વાત એ કે હું તારી પાસે આટલો મોંઘો ફોન લઈ ના શકું અને જો લઈ પણ લીધો તો મને આવો ફોન ચલાવતા નથી આવડતો." પ્રવિણે દિલગીરી મહેસુસ કરી.

"પ્રવિણભાઈ, જરૂરિયાત હોય તો જ આપણે વસ્તુઓ ખરીદવી જોઈએ. એવુ કોઈપણ બુકમાં લખેલું નથી. સમયની સાથે જીવનમાં પરિવર્તન લાવવું એટલું જરૂરી છે. લોકો તમને જોઈને પ્રેરણા નથી લેતા કે પ્રવિણથી શીખો જો એ એમના પૈસાની બચત કેવી સરસ રીતે કરે છે. એની ઓપોઝીટ તમારા પીઠ પાછળ લોકો એવી વાતો કરે છે કે પ્રવિણ જેવો મૂર્ખ વ્યક્તિ કોઈ નહિ હોય. જે ભૌતિક સગવડો સરળતાથી ખરીદી શકે છે પણ એના જીવન મંત્રને પકડી રાખીને સમયની સાથે ચાલવુ નથી."

"પ્રવિણભાઈ, આ હું પ્રેમથી તમને ભેટ કરું છું. છેલ્લા ચોવીસ કલાકમાં તમે મને જે લાગણીઓ વરસાવી છે. એ આ ફોનની કિંમત પાસે કશુ નથી. તમને આ ફોન યુઝ કરતા ના આવડતો હોય તો રાજને તમે કહેજો એ તમને બે કલાકમાં ફોન શીખવી દેશે." હાર્દિકે પ્રવિણને સમજાવ્યો.

"પ્રવિણ કાકા, હાર્દિક કાકા સાચું કહે છે. તમારે આ ફોન લઈ લેવો જોઈએ. તમને આ ફોનની જરૂર નથી એવી તમારી માન્યતા છે. હકીકતમાં આ ફોન તમે એકવાર વાપરશો તો તમે પૂરી દૂનિયાને તમારી હથેળીમાં જોઈ શકશો. બ્રેકીંગ ન્યુઝ માટે તમારે ટીવી ઓન કરવાની જરૂર નહિ પડે. બીજું એ કે તમારા વર્ષો જુના દોસ્તોનો તમારાથી સંપર્ક છુટી ગયો છે એ તમને ઇન્ટરનેટના માધ્યમથી સરળતાથી મળી જશે. કાકા, ભેટની કિંમત નહિ પણ ભેટ આપનારની લાગણી જોવી જોઈએ."

"પ્રવિણભાઈ, અમે તમારાથી છુટા પડી જશું તો અમને તમારો ચહેરો જોવાની ઈચ્છા થશે તો અમે બન્ને તમને વિડિયો કોલ કરીને જોઈ લેશું અને અઢળક વાતો કરી લેશું. હવે તમે ના પાડતા નહી."

હાર્દિક અને રાજે પ્રવીણને સ્માર્ટફોન લઈ લેવા માટે ખૂબ સમજાવ્યો. પ્રવિણે ફોન જોઈને ખૂબ વિચાર કર્યો. એના મગજમાં તે બન્નેની વાતો અસર કરી ગઈ. એણે શોપકીપર સામે જોયું.

"એ દુકાનદાર, મારા નવા ફોનમાં સિમકાર્ડ નાખી આપ. એના નંબર મારા આ નાલાયક દોસ્તોનો આપી દેજે. પછી, હું જોઉં છું કે એ બન્ને મારી સાથે વાત કેમ નથી કરતા?"

પ્રવિણે આખરે ફોનનો સ્વીકાર કરી લીધો. એની હાર્દિકને ખુશી થઈ. આ સાથે રાજ પણ ખુશ દેખાતો હતો. શોપકીપરે ફોન ચાલુ કરી દીધો અને સિમકાર્ડના નંબર હાર્દિક તેમ જ રાજને આપી દીધા. દરિયાકિનારે ફરવા જાવાનું મોડું થઈ રહ્યું હતું.

ત્રિપુટી શોપના પગથિયા ઊતરીને દરિયા તરફ પ્રયાણ કર્યુ. ત્રણેય લોકોએ દરિયાને પાણીની ખૂબ મજા માણી. પ્રવિણના નવા ફોનમાં સૌથી પહેલી સેલ્ફી ત્રિપુટીની ક્લિક કરી લીધી.

ત્રિપુટી સેલ્ફી ક્લિક કરતા હતા ત્યાં એમની પાછળ પાંત્રીસ વર્ષનો યુવાન દરિયાના મોજા તરફ હાલ્યો જતો હતો. રાજે ફોનની સ્ક્રીન પર એ વ્યક્તિને દરિયા તરફ જતા જોઈ રહ્યો હતો. એણે પાછળ વળીને જોયું તો સાંજ નમી જતા લાઈટના આછા અજવાળામાં એ વ્યક્તિનો ચહેરો એને દેખાઈ રહ્યો ન હતો.

"કાકા, આમ દરિયા તરફ જુઓ. કોઈ વ્યક્તિ સીધો દરિયાના મોજા તરફ જઈ રહ્યો છે. આપણે એને બચાવો જોઈએ."

રાજે પ્રવિણને કહ્યુ તો પ્રવિણ અને હાર્દિકની નજર એ વ્યક્તિ તરફ જતી રહી. એ વ્યક્તિ ત્રિપૂટીથી દસ ફુટના અંતરે હતો. એને પાછો વાળવા માટે બુમો પાડવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો.

"એ હેલો, એ સાંભળો, અમારો અવાજ તમને સંભળાય છે? દરિયાનું પાણી સ્થિર ના હોય. અચાનક, જોરથી પાણીનું મોજું આવશે તો તમે તણાઈ જશો. પાછા વળો, તમને કહીએ છીએ અમે."

ત્રિપુટીએ એક સાથે જોરથી બોલવાનું ચાલું કર્યું પણ એ વ્યક્તિએ એમનો અવાજ સાંભળ્યો જ ના હોય એમ એ દરિયા તરફ પોતાના પગલા ભરી રહ્યો હતો.

"કાકા, આ માણસ બેરો લાગી રહ્યો છે. આપણે જ કાંઈક કરવું જોશે; નહિતર એનો જીવ જોખમમાં મુકાય જશે."

રાજની વાત સાચી લાગી રહી હતી. ત્રિપૂટીએ સાથે મળીને એ વ્યક્તિ તરફ જવા માટે ઝડપી પગલા ભરવા લાગ્યા. એ વ્યક્તિને બચાવવા માટે તેઓ કામિયાબ થઈ ગયા. પ્રવિણે ત્યાં પહોચીને એ વ્યક્તિને આગળ જતા રોકી લીધો.

વ્હાઈટ કલરના શર્ટને બ્લેક પેન્ટ સાથે ઈન શર્ટ કરેલું હતું. ઊંચાઈ એની છ ફુટ હતી. ચહેરાને જાણે છોડની જેમ પાણી આપ્યું ના હોય એમ મૂરઝાઈ ગયો હતો. એના ગાલની ચામડી સુકાઈ ગયેલી હતી.

પ્રવિણને એ વ્યક્તિને જોતા ગુસ્સો આવી ગયો હતો. જાણે! એ જાણીજોઈને પોતાના મોતને વહાલું કરવા નીકળી ગયો હોય; એવું એ વ્યક્તિનું વર્તન હતું.

"તારુ દિમાગ છટકી ગયુ છે કે શું? ક્યારના અમે બૂમો પાડી રહ્યા હતા. તું સાંભળી કેમ રહ્યો ન હતો. દેખાવમાં, તું સારા ઘરનો લાગી રહ્યો છે તો ભગવાને આપેલી જીંદગીને પાણીમા આહૂતિ દેવા કેમ નીકળી પડ્યો છે?"

પ્રવિણે એ વ્યક્તિ પર સવાલોના તીર છોડવા લાગ્યો હતો. એ વ્યક્તિ ત્રિપૂટીને જોઈને હેબતાઈ ગયો. એણે એનું રડવાનું ચાલું કરી દીધું.

ત્રિપુટી એને પકડીને દરિયાના પાણીની બહાર લઈ આવ્યો. રાજ એક દુકાનેથી પાણીની બોટલ લઈ આવ્યો અને એને પીવડાવ્યું. થોડીક વાર શાંત થઈને એણે એનો પરિચય આપવાનુ ચાલુ કર્યુ. 

પાંત્રીસ વર્ષના એ યુવાનનું નામ નિસર્ગ હતુ. એ વડોદરાથી સોમનાથ મહાશિવરાત્રીમાં આવ્યો હતો. પરિવારમાં એક પત્ની, એક દીકરો અને એક મા હતી. ઘરેથી કહીને નીકળ્યો હતો કે એ મહાશિવરાત્રીના દર્શન કરીને રિટર્ન આવી જશે પણ એનું મન ઘરે જવા તૈયાર થઈ રહ્યું ન હતું.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ 'મીરા'