7.
સ્ત્રી હવે સાધુ તરફ પટ્ટી વીંઝી રહી. આખી પટ્ટી પર કોઈ પ્રકાશ થયો.
પેલા માણસે બે હાથ લાંબા કર્યા અને રસ્તા પર ખેંચાયો.
એણે તુંબડાનું ફાડીયું ગમે તેમ કરી હાથ કરી પછાડ્યું. એમાં રહ્યાસહ્યા પદાર્થમાંથી એકદમ ધુમાડો થયો.
ધુમાડામાંથી કદાચ મોટો કોબ્રા જેવો સાપ નીકળત પણ ત્યાં સ્ત્રીએ એ પટ્ટી એની પર વીંઝી. ત્યાં એક ઝબકારો થઈ રાખ ફેલાઈ ગઈ. પટ્ટી નીચે સૂઈને ઘસતા માણસને વાગી. સ્ત્રીએ ફટાફટ પટ્ટી બે ત્રણ વાર એની ઉપર વીંઝી અને હવે એ માણસ કારમી ચીસ પાડતો ઢળી પડ્યો. એની ચીસના પડઘા શાંત જંગલમાં દૂર સુધી ફેલાઈ રહ્યા.
સાધુએ એનાં અર્ધ વસ્ત્રમાં હાથ નાખતાં કોઈ વસ્તુ ફેંકી પણ આનાયસે દર્શકે પોતાના પગ પરથી ખેંચીને દૂર કરીને ફેંકેલા સાપ પાસે એ વસ્તુ પડી અને રસ્તા પર જ એક મોટો ભડકો થયો. રાખ ઉડી.
“ભાગ. ભગાય એટલી ઝડપે.” કહેતી સ્ત્રી હવે દર્શકનો હાથ ખેંચતી એને લગભગ ઢસડતી ભાગી.
પણ, એ કાર તરફ જવાને બદલે રસ્તો ઉતરી નીચે ખીણ તરફ એને જંગલમાં દોરતી દોડી.
તે દર્શકને ખેંચતી ઢાળ પરથી જંગલમાં એકદમ અંધારા રસ્તે દોડી. કેટલીક ડાળીઓ તેમને વાગતી રહી. દર્શક એક હાથે એ ડાળીઓને ખસેડતો સ્ત્રી સાથે દોડી રહ્યો. તેમના પગ નીચેની જમીન જાણે ખસતી રહી, એમને માટે રસ્તો બનાવતી રહી. આવાં અંધારાંમાં પણ દર્શકને તેઓ એક સાંકડી કેડી પરથી દોડી રહ્યાં હતાં એ ખ્યાલ આવ્યો. જંગલના સૂસવાટાઓ જાણે કે અનેક અજગર તેમની સામે ફૂંફાડા મારતા હોય એમ સંભળાતા રહ્યા. જંગલનાં વૃક્ષો જાણે હાથ પહોળા કરી ખાવા ધાતા રાક્ષસો હોય એવું બિહામણું દ્રશ્ય લાગતું રહ્યું.
પેલા ઓળાઓએ ઝડપ પકડી. જીવ પર આવી આખરી બાજી ખેલતા હોય એમ મંત્રો ઉચ્ચારાતા રહ્યા. પીછો કરતા તેઓ પણ ઢાળ ઉતરતા દોડી રહ્યા. સ્ત્રી દર્શકને ખેંચી ઝડપથી દોડી. હવે એકાએક દર્શકને બાથ ભરી પોતે સૂઈ ગઈ, દર્શકને ઉપર રાખી એકદમ ઝડપથી ગોળગોળ આળોટતી ટેકરી તરફ જતી એ સડક પર જવા લાગી. થોડું અંતર એમ કાપ્યા પછી ફરી ઊભી થઈ, દર્શકનો હાથ ખેંચતી હવે ટેકરીની તળે આવી ગઇ.
ત્યાં દર્શકનો પગ એક ખડકના બહાર નીકળેલા અણીદાર પથ્થર સાથે અથડાયો. એનાથી સ્ત્રીનો હાથ છૂટી ગયો. એ લપસ્યો અને એકદમ નીચે તરફ સરક્યો, આડો પડ્યો. નીચે તરફ ઊંડી ખીણ હતી. એણે એક હાથ નીચે રાખી માંડ પોતાનું સંતુલન જાળવ્યું. એની પાંસળીઓમાં જોરથી દર્દ થયું. સ્ત્રી એની પાછળ જ સરકી. હવે એ પણ હાંફતી હતી.
“જોયો ને આ તલવારનો સપાટો? એ તને જ વારસામાં મળતી હતી, મેં એને ગમે તેમ કરી મેળવી લીધી. મારે તો એનો ઉપયોગ કરી કાયમ માટે મુક્તિ મેળવવી હતી.”
“તું શું કહે છે એ સમજાયું નહીં. મારી જ હતી તો મને આપી દે ને, અત્યારે જ?” દર્શકે કહ્યું. હવે તેનો શ્વાસ હેઠો બેઠો હતો.
“બસ, થોડી જ વાર. હવે ઉતરાણ પછી ટેકરીનું ચડાણ આવે છે. પછી મારે તને જ આપવી પડશે.” કહેતાં સ્ત્રીએ એ તલવાર દર્શકની મુઠ્ઠી ખોલી એના હાથમાં પકડાવી. તલવાર બેહદ ઠંડી હતી જાણે બરફની બની હોય. દર્શકે એને પકડીને સહેજ ઊંચી કરી ત્યાં તે એકદમ ગરમ થઈ ગઈ. એની ધાતુ લાલ રંગે પ્રકાશી રહી. એ સાથે દર્શકોનાં બાવડે વિચિત્ર અક્ષરો ઉપસી આવ્યા જેવો અક્ષર આ તલવાર પર હતો.
તેમણે દોડતાં દોડતાં ટેકરી ચડવી શરૂ કરી ત્યાં ટેકરીની પાછલી તરફથી જંગલમાંથી ધસી આવેલા પેલા ઓળાઓ એમની ચારે તરફથી આવી રહ્યા. હવે ક્યાંકથી બીજા ઓળાઓ પણ ઉમેરાઈને તેમને ઘેરતા લાગ્યા.
દર્શકે પોતાની મુઠ્ઠીમાં તલવાર દબાવતાં સ્ત્રીને કહ્યું “ખૂબ આભાર મને મારી તલવાર આપવા માટે. હવે મારે શું કરવાનું છે એ કહે.”
“લડ. જીવ પર આવીને લડ. નહીંતો તું અહીંનું એક વૃક્ષ કે પથ્થર બની જઈશ.
દર્શક જરા પણ અચકાયા વગર એક યોદ્ધાની પેઠે તેમને ઘેરતા ઓળાઓ તરફ દોડ્યો.
પહેલો ઓળો એની ઉપર કૂદ્યો. એ સાથે જાણે પોતે જન્મજાત યોદ્ધો હોય એમ એણે તેની તરફ તલવાર વીંઝી. તલવારમાં જ કોઈ શક્તિ હતી જેનો એનામાં સંચાર થયેલો.
ક્રમશ: