Kantali Tekri thi Saad - 5 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | કાંટાળી ટેકરીથી સાદ - 5

Featured Books
Categories
Share

કાંટાળી ટેકરીથી સાદ - 5

5.

વૃક્ષોની હાર પાછળથી મોટી ઘંટડી વગાડવાના અવાજો, થાળી જેવામાં દીવો હાથમાં લઈ ઉઘાડા ડીલે  કોઈ પુરુષ મંત્રો જપતો આવી રહ્યો હતો અને એની પાછળ બે ચાર ઓળા લાંબા ઝબ્બા જેવાં વસ્ત્રો પહેરી આવી રહ્યા હતા. બધા સામાન્ય માનવીઓ કરતાં ઘણા ઊંચા હતા. તેમનાં પગલાંનો જરાય અવાજ આવતો ન હતો પણ તેઓ બિલ્લીપગે  હરગિજ ચાલતા ન હતા.

દર્શકે એક છલાંગ લગાવી કારનો દરવાજો ખોલ્યો અને સ્ત્રીને કહ્યું “એક વાર જલ્દીથી કારમાં બેસી જા. જલ્દી.”

“એ લોકોને હું હોઉં કે ન હોઉં, કોઈ ફેર પડતો નથી. એ બધા તારી પાછળ છે.” સ્ત્રી બોલી.

“પણ કેમ? મેં એમનું શું બગાડ્યું છે?” દર્શક બોલ્યો. એના પગ થથરવા લાગેલા. એ ગમે તેમ કરી કારમાં બેઠો, હાથ ખેંચી એ સ્ત્રીને પણ બેસાડી દીધી અને દરવાજો બંધ કરી દીધો. કાર સ્ટાર્ટ કરવા ગયો, ન થઈ.

તેણીએ હળવેથી સુરાહી જેવી ડોક દર્શક તરફ ફેરવી દર્શકની આંખોમાં જોયું. એની આંખોના ભાવોમાં દુઃખ ડોકાતું હતું. એ સાથે જાણે કોઈ ખૂબ દૂર જોતી હોય એવી એની દૃષ્ટિ હતી. ફરીથી લાગ્યું કે એ પારલૌકિક છે.

“મિ.દર્શક, એ લોકો ક્યારના તારી રાહ જોઈ રહ્યા હતા. તું એક ચોક્કસ પૂનમે જન્મ્યો હતો, કોઈ કાંટાળી જગ્યાએ જ. એટલે તારું આ કાંટાળી જગ્યામાં  કોઈ પણ શક્તિથી આપોઆપ રક્ષણ નિર્ધારિત જ હતું. પણ જેવો તું એ જગ્યા છોડી ઝરણું ઓળંગી આગળ કાંકરા પથરા વાળી જગ્યાએ ગયો, સમજ કે તેં એક લક્ષ્મણરેખા ઓળંગી. તારા રક્ષણનું વચન ભંગ થયું.“ સ્ત્રીએ કહ્યું.

દર્શકે ફરીથી ચાવી ઘુમાવી કાર સ્ટાર્ટ કરવા પ્રયત્ન કર્યો. ન થઈ. થોડે જ દૂર એ માણસો આવતા દેખાયા. એમની આગળનો માણસ મોટેથી, સ્પષ્ટ ઉચ્ચારોમાં કોઈ મંત્ર ભણી એક ટોકરી વગાડતો આવતો હતો. એમાંના સહુથી ઊંચા માણસે હાથ ઊંચો કર્યો અને એ સાથે મંત્રોચ્ચાર, ઘંટડીનો અવાજ થંભી ગયા.

દર્શક એકદમ ઝૂકી ગયો. એનું હૃદય જોરથી ધબકી રહ્યું. 

“આ બધું શું થઈ રહ્યું છે? એ લોકોને મારી પાસેથી આખરે શું જોઈએ છીએ? અને તું એક બાજુ પડી કણસતી કેમ હતી?” તેણે સહેજ ધ્રૂજતા અવાજે પૂછ્યું.

સ્ત્રીએ કારનો દરવાજો ખોલ્યો. એ રસ્તાની ધાર તરફ બેઠેલી, દર્શક ડ્રાઈવર સીટ પર હોઈ ધારથી બીજી બાજુ બેઠેલો. સ્ત્રી એકાએક  કારમાંથી ઉતરી અને પેલા આવી રહેલા લોકો અને દર્શકની વચ્ચે ઊભી રહી ગઈ.

“સાંભળ, એ લોકોને કોઈ વચન મુજબ પહેલાં  હું, હવે તું જોઈએ છીએ.  હજી તારી પાસે એક રસ્તો છે.” સ્ત્રીએ કહ્યું.

“તો એ લોકો તો મારું રક્ષણ કરવાના હતા. હવે આપણી પાછળ પડ્યા છે, એમ? તો એ રસ્તો શું છે?” દર્શકે પૂછ્યું.

એકદમ  એ લોકો જાણે હવામાં ચાલતા હોય એમ ચાલતા ઘણા નજીક આવી ગયા. ફરીથી ઘોર અવાજે મંત્રોચ્ચાર અને ટોકરી શરૂ થયાં. હવે સ્ત્રીએ દર્શકને ઝડપથી સીટ પર સુવરાવી પોતાનું વસ્ત્ર એની ઉપર ઢાંકી દીધું.

.

સહુથી આગળ, ટોકરી અને કોઈ સળગતી વસ્તુ સાથે આવતા સાધુ જેવા માણસે પોતાનાં લાંબાં વસ્ત્રમાં હાથ નાખ્યો. એમાંથી એક પ્રકાશિત ભૂરી જ્યોત દેખાઈ. જાણે કોઈ નાની માનવ કૃતિની જ્યોત. કોઈ આત્માને પ્રગટ કર્યો હોય એવું. સ્ત્રીએ તરત જ પોતાની પાછળ હાથ લઈ જઈ એક છરી જેવી ચમકતી ધાતુની વસ્તુ કાઢી. એની ઉપર કોઈ વિચિત્ર અક્ષર કે મુદ્રા અંકિત હતી.

“જલ્દી કર. જો તું થોડું પણ રોકાયો અને એમના હાથે પકડાયો તો કાયમ માટે તું આ જંગલનો એક ભાગ બની જઈશ. કંટક માનવ. કે કોઈ પાષાણ શીલા. પેલી ટેકરી પર પહોંચી જા તો તારો ઉદ્ધાર થઈ શકે. પણ એ તો બહુ દૂર છે.” સ્ત્રીએ કહ્યું.

“અને હું  હિંમતથી આ લોકોનો સામનો કરું તો?” એક વાર ભય ખંખેરી ટટ્ટાર થતો દર્શક બોલ્યો.

“ક્યાં સુધી? એ  લોકો તારા આખરી શ્વાસ સુધી તારી પાછળ પડી તને પકડી પાડશે “ સ્ત્રીએ ચેતવણી આપતાં કહ્યું.

ક્રમશ: