3.
દસ પંદર મિનિટ સુધી દર્શકે એમ જ ડ્રાઇવ કર્યા કર્યું. ઘોર અંધારું ચીરતા એની કારની લાઈટના શેરડા સિવાય ચારે તરફ એવું શૂન્યાવકાશ હતું જાણે બ્લેકહોલમાંથી પસાર થતો હોય. ઠંડીમાં તમરાંના અવાજો પણ થંભી ગયા હતા. હજી પહાડી ખડકો વચ્ચે થઈને જતો વળાંકદાર રસ્તો હતો. હવે તીવ્ર ઉતરાણ આવી રહ્યું હતું. દર્શકે હળવેથી બ્રેક મારી કાર ધીમી કરી અને રિયર વ્યુ મીરરમાંથી પાછળ જોયું. પેલી રૂપરૂપના અંબાર જેવી સ્ત્રી પાછળ એમ જ બેહોશ પડી હતી. તેના શ્વાસ એકધારી ગતિએ ઝડપથી ચાલી રહ્યા હતા.
એણે અજાણી બેહોશ પડેલી સ્ત્રીને ઉઠાવી કોઈ દુષ્ટ લોકોથી બચાવેલી? એમ કરતાં એને પોતાને કોઈ મુશ્કેલી તો નહીં થાય ને? એના કરતાં કોઈ વસ્તી દેખાય તો મદદ માટે કહું એમ વિચારી એણે ઢાળ ઉતરતી કારના કાચમાંથી દૂર જોયે રાખ્યું.
અને.. દૂર દેખાતી કોઈ ઢાબા જેવી જગ્યાની લાઈટો જોઈ તે મદદ માટે બૂમ પાડવા વિચારે ત્યાં પાછળની સીટ પર કશોક સંચાર થયો. દર્શકે પાછળ જોયું તો એ સ્ત્રી સળવળી. એણે આંખો ખોલી. અને હવે એને જોઈ દર્શકના શ્વાસ થંભી ગયા.
એની આંખો નીલી હતી. આમ તો સહુને ગમી જાય એવી પણ એ ચમકતી હતી. કારમાં બહારથી આવતા અત્યંત ઝાંખા પ્રકાશમાં પણ એ આછી આછી ચમકતી હતી. એવી કે જાણે એ આંખોની અંદરથી કોઈ બરફનો ટુકડો પ્રકાશ ફેંકતો હોય. એ કોઈ અપાર્થિવ રીતે પ્રકાશિત આંખો હતી.
દર્શક ફરીથી રિયર વ્યુ મીરરમાં જુએ ત્યાં તે સીટનો ટેકો લેતી તેની લાંબી, સુરાહી જેવી ડોક આગળ લાવી. તેણે પોતાનો ચહેરો દર્શકના કાન પાસે ધર્યો. દર્શકને તેનો હુંફાળો ઉચ્છવાસ ગાલ પર અનુભવાયો.
“મને બેહોશીની હાલતમાં ઉઠાવી તમારી કારમાં લઈ લેવા બદલ ખૂબ ખૂબ આભાર.” તેણે ગુસપુસ અવાજે કહ્યું. “તમે મારે માટે ખૂબ મુશ્કેલી ઉઠાવી.
હું એમ કહેતી હતી..”
કારને કોઈ બમ્પ આવ્યો અને સહેજ ઊછળી એ સાથે એનાં નાક, હોઠ અનાયસે દર્શકના ગાલ પર અડ્યાં. દર્શકને એક હળવી ગુદગુદી થઈ ગઈ. ત્યાં એને એ સ્ત્રીની દૃષ્ટિ યાદ આવી અને એના શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું.
ત્યાં એ હવે થોડે મોટેથી બોલી. એનો કે કોઈ આવી મખમલી સ્ત્રીનો રૂપાની ઘંટડી જેવો અવાજ કલ્પીએ એવો નહીં, ધીમો, કોઈ પડઘા પડતા હોય એવો, કોઈ પ્રાચીન વ્યક્તિનો હોય એવો, ઊંડેથી આવતો હોય એવો અવાજ એના કંઠમાંથી આવ્યો. એ ફરીથી બોલી “મને કારમાં લઈ લઈને અહીં સુધી લાવવા બદલ આભાર.”
“આભાર શેનો? એવા લોકો તમારી આજુબાજુ હતા.. મારે તમને ત્યાંથી લઈ લેવાં જ પડ્યાં.” દર્શકે કહ્યું. એને ફરીથી મનમાં ગલીપચી થવા લાગી.
“પણ.. હું કહેતી હતી કે - એ લોકો મારો પીછો નહોતા કરતા, તેઓ તો તમારું રક્ષણ કરતા હતા.”
દર્શકને પોતાની નાડીના ધબકારા છેક કાનમાં સંભળાયા. આ શું? પોતે જે સ્ત્રીને બચાવવા એને છુપાવી કાંટાઓની પીડા સહી એની ઉપર પડી રહ્યો હતો એ કોણ હતી? અને એ લોકોને પોતે આ સ્ત્રીનો પીછો કરતા નરાધમો ધારી બેઠેલો એ તેનું પોતાનું રક્ષણ કરવા આવતા હતા? કોનાથી?
“તમારું રક્ષણ કરતા હતા..” એ વાક્ય દર્શકના કાનમાં, બહાર ચાલતા ભારે પવનના સૂસવાટાઓ કરતાં પણ મોટેથી જાણે પડઘાઈ રહ્યું. એણે ફરીથી મીરર માંથી પાછળ જોયું. સ્ત્રી હવે કોઈ ભેદી સ્મિત આપતી એની નજીક ડોક લંબાવી બેઠી હતી. એણે આરામથી દર્શકની સીટ પાછળ બે હાથ એક બીજા પર રાખ્યા અને ડોક તેના પર રાખી બેસી ગઈ. અપરિચિત હોવા છતાં તે આટલી નજીક કેમ આવી કે એના ઉચ્છ્વાસ પણ અનુભવાય?
“તો એ લોકો તો તારું રક્ષણ કરતા હતા. હું કહું છું..” ફરી એ ઊંડેથી આવતો અવાજ.
દર્શકથી જોરથી બ્રેક મરાઈ ગઈ. નીચે ઉતરતા વળાંકોને એક છેડે એની કાર એક આંચકા સાથે થોભી ગઈ. કારનાં પૈડાં રોડ સાથે ઘસાવાથી એક કર્કશ અવાજ આવ્યો. દર્શકના હાથ સ્ટીયરીંગ પર ધ્રુજી રહ્યા. આગળ પાછળ દૂર સુધી રસ્તો ખાલી અને સૂમસામ હતો.
એમની પાછળ ઝાડીમાં કશો સંચાર થયો. હજી કોઈ એમનો પીછો કરી રહ્યું હતું. કોઈ ટૂંકા રસ્તે એમની નજીક આવી રહ્યું હતું.
ક્રમશ: