Aekant - 19 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 19

Featured Books
  • JANVI - राख से उठती लौ - 2

    अनकहे रिश्ते"कभी-कभी जो हमें सहारा लगता है, वही हमारी सबसे ब...

  • वीराना

    वीराना सिर्फ एक हवेली नहीं थी, बल्कि ज़मीन के भीतर दबी यादों...

  • Seen at 2:00 AM - 1

    Part 1 – Insta से DM तकरिया, 20 साल की, एक मिडिल क्लास फैमिल...

  • MUZE जब तू मेरी कहानी बन गई - 17

    Chapter 17: ख़बरों की दुनिया और दिल की लड़ाई   नेटफ्लिक्स की...

  • तेरे बिना

    भाग 1 – पहली मुलाक़ातआयुष और अनामिका की मुलाक़ात कॉलेज के पह...

Categories
Share

એકાંત - 19

જીવનના અમુક રહસ્યો એવા હોય છે કે, આપણે ઈચ્છીએ તો એનો ખુલાસો કોઈ પાસે કરી શકતાં નથી. કહેવાય છે કે દર્દ જેટલું વહેંચી એટલું ઓછું થાય છે અને સુખ જેટલું વહેચીએ એટલું બમણું થાય છે. દલપત દાદા અને પ્રવિણે તેમના અતિતના દર્દને હજું કોઈ સાથે વહેંચવા માટે હિમ્મત દાખવી શકતા ન હતા. 

પ્રવિણના અતિતને ત્યાં જ સ્ટોપ કરીને દલપત દાદા અને હાર્દિક બીજી વાતોએ ચડી ગયા હતા.

ઘાટ પર પ્રવિણના કહેવાથી રાજ જાગીને તેની આસપાસ જોયું તો તેને જાણ થઈ કે એ સોમનાથના ઘાટ પાસે સુતો હતો. પોતના શબ્દોથી ક્ષોભીલો પડેલા રાજે સૌની સામે પોતાની નજર નીચી કરી નાખી. રાજ ભાનમાં આવી ગયા પછી ટોળું ધીરે ધીરે વિખેરવવા લાગ્યું. પ્રવિણ, પારુલ અને રાજ સાથે બીજા બે ચાર લોકો ઊભા હતા.

"આ ભાઈની વાત મને સાચી લાગી રહી છે. તે નક્કી જરૂરતથી વધુ ભાંગ પી લીધી લાગે છે અને અહીં આંખો બંધ કરીને સુઈ ગયો."

"કાકા, મને ભાંગ ભાવતી નથી. મે કોઈ ભાંગ પીધી નથી. સવારે તમારાથી છુટાં પડીને અહીં ઘાટ પાસે સારી હવા આવતી હતી તો આંખો બંધ કરીને આરામ કરવા સુતો ત્યાં મારી આંખ લાગી ગઈ."

"ઓકે ઓકે એમાં ગભરાઈ કેમ ગયો ?"

"આમ અચાનક સામે આવીને કોઈ ઊભુ રહી જાય તો ગભરાય જવાયને."

"ઠીક છે, તું તારા ગેસ્ટ હાઉસમાં જઈને ફ્રેશ થઈ આવ. હું અને મારી પત્ની તારી મંદિરે રાહ જોઈએ છીએ. તું ભુખ્યો હશે તો તને મારા ઘરે જમવા લઈ જશું."

"કેવું ગેસ્ટ હાઉસ અને કેવો રૂમ. મંકોડા જેવડાં મચ્છરને કારણે સવારે ચાર વાગ્યે ચેક આઉટ કરી નાખ્યું. હવે કાકા પાસે શું કહેવું ?" રાજ મનમાં બબડવા લાગ્યો. 

"શું બોલે છે તું ? થોડોક પ્રસાદ બચ્યો છે તો અહીં અમે લોકોને વહેંચી દઈએ. ત્યાં સુધી જલ્દીથી તારો સામાન લઈને નાહીધોઈને આવ."

રાજને ધીમે ધીમે બોલતા જોઈને બીજીવાર પારુલે રાજને તેની સાથે આવવા માટે આમંત્રણ આપ્યું.

"કાકી, એમાં એવું છે કે.." રાજ મનમાં વિચારવા લાગ્યો, "હવે, મારે શું બહાનું કાઢવું."

"શું થયું બેટા. તારી તબિયત તો ઠીક છે?" પારુલને રાજની ચિંતા થવાં લાગી.

"કાકી, એવું જ સમજો કે તબિયત સારી નથી. હું ઘરેથી આવ્યો ત્યારે તબિયતમાં થોડોક સુધારો વર્તાયો હતો. તબિયત વારંવાર બગડી જવાને કારણે ડૉકટરે મને ઠંડા પાણીથી નાહવાની મનાઈ કરી છે. મેં જે ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરાવેલો હતો ત્યાં ગીઝર હતું નહિ. મેં રાત્રે જ ગેસ્ટ હાઉસમાં ગીઝરની ગેરહાજરી જોઈને ચેક આઉટ કરી નાખ્યું. હવે અડધી રાત્રે મને બીજા ગેસ્ટ હાઉસમાં રૂમ ના મળે એટલે અહી આવીને સુઈ ગયો હતો."

રાજ મનમાં આવી એવી કહાની બનાવીને પ્રવિણ અને પારુલને ગેસ્ટ હાઉસ છોડવાનું સાચું કારણ છુપાવ્યું.

"એમ વાત છે તો એક કામ કર તું અહીં જેટલાં દિવસ રોકાવાનો છે એટલા દિવસ અમારી ઘરે જ રહેજે." રાજને પોતાના ઘરે રોકાવાનું કહીને પારુલ પ્રવિણને પૂછવાં લાગી, "રવિના પપ્પા હું સાચું કહ્યું ને?"

"તારી વાત સાચી છે. આ છોકરો આવી અજાણી જગ્યામાં જશે ક્યાં. એક કામ કર હું આટલામાં પ્રસાદ વહેંચીને હમણાં આવું પછી આપણે સાથે ઘરે જશું."

રાજને ભાવતું તું અને વૈદે કહ્યું. ખૂલ્લાં આકાશની છત નીચે કોણ જાણે કેટલાં દિવસો રહેવું પડત. તેની પાસે એટલાં પૈસા બચેલા હતા નહિ કે બીજી કોઈ સારી જગ્યાએ રૂમ બુક કરાવી શકે. રાજે પ્રવિણનાં ઘરે જવાનું મન મનાવી લીધું હતું. થોડીક વારમાં પ્રવિણ બધો પ્રસાદ વહેંચીને રાજ પાસે પાછો આવી ગયો. ત્રણેય એક સાથે એમનાં ઘરે જવાં નીકળી ગયાં. 

પ્રવિણનાં ઘરે પહોચતાં પારુલે રાજને નાહવા માટે ગરમ પાણી કરીને આપી દીધું. રાજને ગરમ પાણીથી નાહવાની આદત ના હોવા છતાં પોતાના બોલેલાં શબ્દોને કારણે તેને ગરમ પાણીથી નાહવું પડ્યું. તેની રહેવાની વ્યસ્થા પ્રવિણે ગેસ્ટ રૂમમાં કરાવી આપી હતી. નાહીધોઈને લીધા પછી રાજને પારુલે ઠંડું પડી ગયેલું જમવાનું ગરમ કરીને આપી દીધું. 

રાજનાં વધુ બોલવાનાં સ્વભાવથી વત્સલને તેની સાથે સમય પસાર કરવાની મજા આવી. પ્રવિણે દલપત દાદા અને હાર્દિકને રાજની ઓળખાણ કરાવી. રાજ નાની ઉંમરમાં ખૂબ જ જ્ઞાની છે એ જરુર કોઈ સંસ્કારી ઘરનો હોવો જોઈએ એવું પ્રવિણે દલપત દાદાને જણાવ્યું. 

"રાજ બેટા, તું આજકાલ શું કરે છે? તું કોઈ નોકરી તો કરતો હશે?"

રાજ જમીને લીવીંગ રૂમમાં દલપત દાદા પાસે આવ્યો એ સાથે દલપત દાદાએ સવાલ કર્યો.

"હવે આ લોકો પાસે મારે સાચું કેમનું કહેવું કે હું માંડ માંડ દસ પાસ થયેલો છું. ઘર જોઈને લાગે છે કે આ લોકો ઘણા શિક્ષિત છે. મારી આબરૂના લીરા ના ઊડી જાય, એના માટે મારે નાછુટકે ખોટું બોલવું જોશે. હે સોમનાથ દાદા, મને આજના દિવસે માફ કરી દેજો અને બચાવી પણ લેજો." દલપતદાદાના પૂછેયેલા સવાલથી રાજ મનમાં વિચારવા લાગ્યો.

"શેનો વિચાર કરે છે, દીકરા?"

"મોટા દાદા આજે આપણી ઘરે જેટલા મહેમાનો આવે છે એ કોઈને કોઈ વિચાર કરે છે." વત્સલ વચ્ચે બોલ્યો. 

"એવું કાંઈ નથી, દાદા. હું કાંઇ વિચાર કરતો નથી. મારું ધ્યાન આ તમારું ડેકોરેટ કરેલ ઘર પર હતું. વેલ દાદા, હું સરકારી નોકરી માટે અપ્લાય કરું છુ. બી.એડ કરી લીધું છે. સરકારી નોકરી જે બહાર પડતી હોય એની એક્ઝામ આપતો રહું છું."


"આ તો સારી વાત કહેવાય. તારે કોઈપણ લાગવડની જરૂર હોય તો આ પ્રવિણને કહેજે. એ પણ તાલુકા પંચાયતમાં નિવૃત સરકારી ઓફીસર હતો."

"દાદા, હું મારી મહેનતે આગળ આવવાની ઈચ્છા ધરાવું છું. જો કોઈ કામ પડશે તો હું જરુર એમને કહીશ."

દલપત દાદાને જવાબ આપીને રાજ ફરી મનમાં બબડવા લાગ્યો, "કંજુસ સરકારી ઓફીસર છે તો પણ એક સારો સ્માર્ટફોન રાખતો નથી. મારે તમારા દીકરાની હેલ્પ લેવી હોય તો કોન્ટેક્ટ કોને કરવા જાવ. મારી પાસે નોકરી ના હોવા છતાં મારી એન્ટ્રી એવી પડે કે કોઈને ખબર શું પડે કે હું દસ માંડ પાસ છું."

"રાજ, તે કહ્યું નહિ કે તું ક્યાં રહે છે અને તારા ઘરમાં કોણ કોણ રહે છે?" પ્રવિણે પૂછ્યું.

"તમે કાકા, પૂછ્યું જ નથી તો હુ ક્યાંથી કહી શકુ?"

"હવે તો એમણે પૂછ્યું તો આપી દે એમના સવાલનો જવાબ."

હાર્દિકે રાજને કહીને મનમાં વિચાર કરવા લાગ્યો, "આ રાજની બોલવાની આદતને લીધે એવું લાગી રહ્યું છે કે એ કાંઈક તો ખોટું બોલે છે. બિચારા પ્રવિણભાઈ અને દલપત દાદા એ કાંઈ પણ બોલે એની વાતને સાચું માની બેસે છે. મારે એની પાસેથી સાચી વિગત જાણવી જોશે."

"હું કચ્છ ભુજ જીલ્લાના માધાપરમાં રહું છું. ઘરમાં હું, મમ્મી અને પપ્પા રહીએ છીએ. અમારાં નાના પરિવારમાં અમે ખૂબ ખુશ છીએ."

"માધાપર એ જ ગામ છે. જ્યાં ભારતદેશના સૌથી વધુ રૂપિયા સંગ્રહિત કરનાર બેન્ક આવેલી છે?" હાર્દિકે વાત આગળ વધારી.

"હા કાકા, એ જ માધાપર. મોટા ભાગની બેન્ક્સ માધાપરમાં આવેલી છે. મને ગર્વ છે કે મારો જન્મ માધાપરમાં થયો છે."

"તું પૈસાદાર ગામમાં જન્મ્યો છે તો તું હાથની લકીરોમાં રૂપિયા લઈને આવ્યો હશે?" પ્રવિણે ટિખળ કરી.

"એ તો તમે જ્યોતિષ છો. તમે મારો હાથ જોઈને કહી દો કે હું ક્યારે કરોડપતિ બનવાનો છું?" રાજે એનો હાથ પ્રવિણ સામે લાંબો કર્યો.

"અરે જેન્ટલમેન, હું કે મારા પિતાજી આવા જ્યોતિષમાં માનતા નથી. અમે ગોર બ્રાહ્મણ છીએ એ સાચી વાત છે પણ અમે કોઈની કુંડલી હજુ બનાવી નથી અને કોઈનો હાથ પણ જોયો નથી. અમે અમારી મહેનતથી સપના પુરાં કરવામાં માનીએ છીએ."

"રાજ, તારા પેરેન્ટ્સ તારી સાથે આવ્યા નથી ? તું એકલો જ આવ્યો છે ?"

હાર્દિકે રાજના મનમાંથી વાત બહાર કાઢવા સવાલ કરવાના ચાલુ રાખ્યાં. રાજ હાર્દિકના સવાલનો જવાબ આપે એ પહેલા એના મોબાઈલમાં ફોનની રીંગ વાગી. રાજે કોલ કટ નાખ્યો. ફરી પાછી બીજી વાર ફોનની રીંગ વાગવા લાગી. 

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"