હાર્દિકે પ્રવિણની વાતનું માન રાખીને તેનાં ઘરે મહેમાનગતિ માણી. પ્રવિણને ભક્તોને પ્રસાદ આપવાનું મોડું થતું હોવાથી એ હાર્દિકને દલપતદાદા અને વત્સલ પાસે મૂકીને જતો રહ્યો. વત્સલની મોટી વાતોથી હાર્દિક અને દલપત દાદા બન્ને હસવા લાગ્યાં. નાદાન વત્સલ એ બન્નેને હસતા જોઈ રહ્યો હતો.
"તમે લોકો મારા પર હસો છો કેમ? મે કોઈ જોક્સ માર્યો છે?"
"અરે ના દીકરા, તે કોઈ જોક્સ નથી માર્યો. તારી દરેક વાતો તારા દાદા જેવી છે. મહેમાનોને સાચવવાના વારસાની ફરજ જરૂર તું ખૂબ સરસ રીતે નિભાવીશ. આવ અહી મારી પાસે બેસી જા."
દલપત દાદા વત્સલને પોતાના લોખંડના પલંગ પાસે પોતાની બાજુમાં બેસાડી દીધો. હાર્દિકને વત્સલ જોઈને તેના દીકરાના આર્યનું નાનપણ યાદ કરવા લાગ્યો અને મનમાં વિચારવા લાગ્યો.
"હે ભગવાન, શું આર્ય નાનો હશે તો એ પણ વત્સલ જેવી કાલીઘેલી વાતોમાં મોટી મોટી વાતો કરતો હશે ? એક બાળકનું બાળપણ એના પિતાના બાળપણનો પડછાયો હોય છે. શું આર્યમાં દરેક ગુણ મારા જેવા વિકસેલા હશે ? મને બીજાના જીવનમાં દખલગીરી પસંદ નથી અને જાતમાં ખોવાઈને એક સારો માણસ બનવાની તમન્ના છે. શું આર્યમાં પણ એવા વિચારો હશે ?" હાર્દિક મનમાં વિચારવા લાગ્યો.
"હાર્દિક, તું ક્યાં વિચારોમાં ખોવાયેલો છે ?" હાર્દિકનું ધ્યાન બારી તરફ એકી નજર હોવાથી દલપત દાદાએ સવાલ કર્યો.
"મોટાદાદા, અંકલ તો જમતા જમતા પણ કાંઇક વિચારી રહ્યા હતા. વિચારશીલ પરિવારથી આવતા લાગે છે !"
વત્સલની વાત સાંભળીને દલપત દાદા ફરી હસવા લાગ્યા, પણ હાર્દિક ખરેખર કોઈ ગંભીર વિચારમાં ખોવાયેલો હતો. મોટાદાદા અને વત્સલ શું વાતો કરી રહ્યાં હતાં એ વાતો હાર્દિકના કાન સુધી પહોચી જ ન હતી. વત્સલે ઊભા થઈને ખુરશી પર બેસેલાં ધ્યાનસ્થ હાર્દિકના ઘુટણને હલાવ્યો. વત્સલના સ્પર્શથી હાર્દિક વર્તમાનમાં પાછો આવ્યો.
"તમે મને કાંઈ કહી રહ્યા હતા, દાદા ?"
હાર્દિકે દલપત દાદા સામે જોતા કહ્યું.
"તું કોઈ મોટી ચિંતાઓમાં ફસાયેલો હોય એવું લાગી રહ્યું છે. ધંધા પાણી તો સારા ચાલી રહ્યા છે ?"
વૃધ્ધ વડીલ એક પુરુષને ચિંતામાં જોઈને સીધો અને સરળ સવાલ કરે જે દલપત દાદાએ હાર્દિકને કર્યો હતો. ઘરમાં સ્ત્રીને કાચું અનાજ રાંધીને પરિવારને જમવાડવવાની જવાબદારી હોય છે, જ્યારે એ કાચું અનાજ ઘર સુધી લઈ આવવામાં કરાતી મહેનત એ પુરુષ જ કરે છે.
"હા દાદા, કામ ધંધા ખૂબ જ સરસ ચાલી રહ્યા છે. મારે ખુદનો એક બિઝનેસ છે. મારી નીચે દસ લોકોને કામ સોપીને અહીં ચાર પાંચ દિવસ માટે ફરવા નીકળી પડ્યો છું."
"ફરવા આવ્યો છે તો તું બિઝનેસમેન નહિ પણ મુસાફીર છો. જે મુકામ સુધી તું આવ્યો છે એની મજા માણને. જીવન છે તો આધિ, વ્યાધિ અને ઉપાધિઓમાં ઘેરાયેલા રહેવાનું છે. કોઈ વ્યક્તિ સંપૂર્ણ છે જ નહિ. દરેકમાં કોઈને કોઈ તકલીફ હોય છે. સાચો નિજાનંદ વ્યક્તિ એ જ કહેવાય કે જેને જેટલું મળ્યું છે એમાં જ ખુશ રહેતા શીખી શકે."
"દાદા, તમે આ વાત જેમ સરળતાથી મને કહી. એ જ વાત મને પ્રવિણભાઈએ કહી હતી. જો સોમનાથ દાદા આપણને બધુ આપી દે તો આપણે એમના અસ્તિત્વને ભુલી જશું."
"કારણ કે, મે અને પ્રવિણે એક જ શાસ્ત્ર ભણેલું છે."
"દાદા, એ પણ તમારી જેમ પૂરું જીવન યજ્ઞ અને પૂજા કરી છે ?"
"તેણે પુરું જીવન આ કામ કરેલું નથી. એ તો છેલ્લા છ મહિનાથી પોતાના સમયનો સાચો ઉપયોગ કરવા માટે ઘાટ જઈને લોકોના પિતૃઓની પૂજા કરે છે."
"એમણે એમના જીવનમાં શુ કર્યુ છે ? મતલબ નોકરી કે બિઝનેસ.."
"એ તાલુકા પંચાયતમાં સરકારી ઓફીસર હતો. આ ઘરની આધુનિક સગવડ એને કારણે જ છે."
દલપતદાદાને હાર્દિક સાથે વાત કરતા પાણીની તરસ લાગી ગઈ. તેમણે વત્સલને કહીને પાણીના બે ગ્લાસ ભરવા મૂકી દીધો.
"સ્ટ્રેન્જ..તો એ કરકસર કરીને જીવન કેમ જીવે છે ? એ સારું બાઈક લઈ શકે અને સારો મોબાઈલ વાપરી શકે છે."
"એ કરકસર કરતો નથી કે કંજુસાઈ કરતો નથી. તેને એની રીતે જીવવા માટે મે આઝાદ કરી દીધો છે. તેને પહેલેથી સાદું જીવન જીવવું પસંદ છે. જ્યાં સુધી જે વસ્તુ વિના ચાલ્યું જતું હોય ત્યાં સુધી એવી કોઈ વસ્તુ ખરીદશે નહિ. ઉલ્ટાનું એમ કહું કે એ કોઈ ભૌતિક વસ્તુનો ગુલામ બનવા માંગતો નથી. જો એક વાર એ વસ્તુ આપણા હાથમાં આવી જાય તો આપણે એ વસ્તુ માટે પરાધીન થઈ જઈએ છીએ. જેમ કે તારા હાથમાં રહેલો મોબાઈલ તે તારા મહત્વના કામ માટે જ લીધો હશે. હવે આજે એ મોબાઈલનો તું એટલો વ્યસની થઈ ગયો હશે કે નવરાશની પળમાં તું એને પાંચ મિનિટ માટે વિરામ નહિ આપી શકતો હોય."
"મે કરેલી જમા પૂંજી એટલી છે કે પ્રવિણને હું એનું મનપસંદ મોટરસાયકલ અપાવી શકું. મોટરસાયકલ આવ્યાં પછી એ જે અહીંથી ચાલીને ઘાટ સુધી જશે એમાં તેને આળસ આવી જશે. મોટરસાયકલને આંગણામાં જોશે તો હાથમાં ચાવી લઈને કીક મારીને ઘાટ જતો રહેશે. પરિણામે, એ સમયનો તો બચાવ કરશે પણ એનું શરીર શ્રમ કર્યા વગરનું જ બગડશે. જે એ સારી રીતે સમજે છે."
વત્સલ પાણીના બે ગ્લાસ ભરીને આવી ગયો. દલપત દાદાએ અને હાર્દિકે વાતોમાં બ્રેક લઈને પાણી પી લીધું. વત્સલને એ લોકોની વાતોથી કંટાળો આવી જતા તેની મમ્મી પાસે જતો રહ્યો. લીવીંગ રૂમની અંદર દલપત દાદા, હાર્દિક અને પંખામાંથી ટીચુક કરતો અવાજ.
"દાદા, પ્રવિણભાઈ તેમના ચહેરાને ગમછાથી કેમ બાંધેલો રાખેલો છે? અતિતના એવાં ક્યાં ઘાવને એ છુપાવી રહ્યાં છે ?"
હાર્દિકના પૂછયેલા સવાલથી દલપત દાદાએ એક નિસાસો નાખ્યો. તેઓ થોડીક વાર માટે ચૂપ થઈ ગયાં. સવાલ કરનાર વ્યક્તિની ઓળખાણ ત્રણ કલાક પહેલાં થઈ હતી. આ સવાલ કરીને એ પ્રવિણ સાથે વધુ નિકટતા કેળવવા માંગતો હતો. ત્રણ કલાકની ઓળખાણ સામે અતિતના પન્ના ખુલ્લાં કરવામાં ડર તો નહિ પણ એની જીજ્ઞાસાવૃતિને કારણે પૂછાયેલાં સવાલથી દલપત દાદા પ્રવિણના એ ભુતકાળના અંધકારમાં પાછા જવા માંગતા ન હતા, જ્યાં પ્રવિણ એ અંધકારમાંથી મહાપરાણે બહાર નીકળી શક્યો હતો.
"ઇટ'સ ઓકે દાદા, તમે કહેવા માંગતા ના હોય તો મારા સવાલને તમે અહી જ ભૂલી જાવ."
દલપતદાદાને વિચારમાં જોઈને હાર્દિક સમજી ગયો કે નક્કી એના ખરાબ ભુતકાળની જેમ પ્રવિણ કોઈ નાઈચ્છેલી ઘટનાનો સામનો કરી ચુક્યો હતો.
ઘાટ પર રાજની આસપાસ માણસોનું ટોળું એકત્ર થઈ ચુક્યું હતું. પ્રવિણ અને પારુલ સૌ કોઈને પ્રસાદ આપતાં ટોળું વળેલી જગ્યા પર જોવાં લાગ્યાં.
"પારુલ, સામે આટલાં માણસો કેમ ભેગાં થયાં હશે ? હે સોમનાથ દાદા, સૌ હેમખેમ હોય." પ્રવિણ પારુલ સાથે એકાંતમાં હોય ત્યારે પારુલને એનાં નામથી બોલાવતો હતો.
પ્રવિણ આટલું બોલીને પારુલ સાથે ટોળાં પાસે પહોચી ગયો. ટોળામાં માણસોની વચ્ચેથી એ લોકો રાજ સુતો હતો ત્યાં ઊભા રહી ગયા.
"અરે, આ તો એ જ છોકરો છે જે મને સવારે મળ્યો હતો. હા યાદ આવ્યું આનું નામ તો રાજ છે. શું થયું છે, આ વ્યક્તિને?"
પ્રવિણે ત્યાં ઉપસ્થિત વ્યક્તિમાંથી એક ભાઈને પૂછા કરી.
"સાહેબ, અમે અમારા પરિવાર સાથે કલાકથી અહીં છીએ. સૂરજ માથે ચડી ગયો છે. હજું આ માણસ ઊઠ્યો નથી. લાગે છે કે, ભાંગની અસર થવાથી બેભાન થઈ ગયો છે."
પ્રવિણ એ ભાઈની વાત સાંભળીને રાજની નજીક ગયો, એ સાથે રાજ આળસ મરડીને આંખો ખોલી. પ્રવિણએ સૌથી નજીક જોતા ડરના માર્યા રાજનાં મોઢામાંથી એક જોરદાર ચિસ નીકળી ગઈ.
"મમ્મી" ગભરાયેલ રાજે પ્રવિણને નીરખીને જોયો, "અંકલ ! તમે મારા રૂમમાં શું કરો છો ?"
રાજને તો એમ જ લાગતું હતું કે એ તેના રૂમમાં સુતો છે અને પ્રવિણ એના રૂમની અંદર આવી ગયો છે.
"ઓહ્ છોકરા, હું તારા રૂમમાં આવ્યો નથી પણ તું મારા ગામમાં તારા રૂમમાંથી અહીં પહોંચી ગયો છે. પહેલા તારી આંખોને ચારો તરફ ફેરવ અને જો કે તું ક્યાં સુતો છે ?"
પ્રવિણનાં કહેવાથી રાજે ચારેતરફ નજર ફેરવી તો તેને ખ્યાલ આવ્યો કે એ ઘરેથી કોઈને કહ્યાં વગર સોમનાથ આવેલો છે.
(ક્રમશ...)
✍️મયુરી દાદલ "મીરા"