Aekant - 17 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 17

Featured Books
Categories
Share

એકાંત - 17

મહાશિવરાત્રીના પાવન અવસર પર પ્રવિણની રાજ સાથેની મુલાકાત થયા પછી તેની બીજી મુલાકાત હાર્દિક સાથે થઈ. હાર્દિક દેખાવે પૈસાદાર વ્યક્તિ લાગતો હતો. કહેવાય છે કે, ભગવાનને યાદ કરવા માટે સોમનાથ દાદા કોઈના જીવનમાં કંઈક ખામી રાખે છે. હાર્દિકના જીવનમાં એવું જ કાંઈક ચાલી રહ્યું હતું. સંપૂર્ણ ભૌતિક સગવડ સાથે જીવતા હાર્દિકને તેનો દીકરો સાથે ના હોવાનો વસવસો તેને એકાંતમાં લઈ ગયો.

હાર્દિકની વાસ્તવિકતાથી અજાણ પ્રવિણને માલુમ થઈ કે એ તેની લાઈફમાં ફેમિલી વગર એકલો જીવી રહ્યો હતો. એ સાથે પ્રવિણને દુઃખ પહોચ્યું. 

"હાર્દિકભાઈ, કદાચ આને જ સંસાર કહેવાય. દરેકના લાઈફમાં સોમનાથ દાદા કોઈ તો અધુરાશ રાખી દે છે. જો વ્યક્તિ ઈચ્છે એવી રીતે તેનું જીવન ચાલતું રહેશે તો સોમનાથ દાદાની અહી કોઈને જરૂર જ રહેવાની નથી. સંસારનો નિયમ છે. જે હોય એનાથી ખુશ રહેવુ અને જે નથી એનો અફસોસ કરવો નહિ."

"હમ્મ..તમે પ્રવિણભાઈ સાચા છો પણ આ હૃદયને કેમ મનાવવુ ?દર વર્ષે આર્યનો જન્મદિવસ આવે છે અને મન વિચલિત થઈ જાય છે. એ મારું લોહી છે. મારો પૂરો હક છે કે તેના દરેક જનમદિવસ પર હું તેની સાથે રહું. દરેક પિતા તેના દીકરાનો જન્મદિવસ એક તહેવારની જેમ ઊજવે છે. મારી પણ ઈચ્છા છે કે, હું પણ એ જ રીતે એનો જન્મદિવસ ઊજવુ. એ મારાથી વિખુટો થયો એ પછી હાલ હું જ્યાં ઊભો છું, એ મારી મહેનતથી ઊભો છું. આજે દરેક વસ્તુ ખરીદી શકુ એટલી મારી ઔકાત છે પણ લાગણીઓમાં હું સાવ શૂન્ય પર આવી જાઉં છું. અમુક ક્ષણોને તો કિંમત ચુકવીને ખરીદી શકાતી નથી. આ ભૌતિક સગવડો પરિવાર વગરની સાવ નકામી છે."

"જુઓ હાર્દિકભાઈ, તમે એ જગ્યા પર ઊભા છો, જ્યાં સોમનાથ દાદા કોઈને નિરાશ કરીને મુકતા નથી. મનમાં ઈચ્છાશક્તિ પ્રબળ હોય તો આપણે બધુ મેળવી શકીએ છીએ. બધું મારા સોમનાથ દાદાને આધિન થાય છે. એ એક હાથથી છીનવી લે છે તો બીજા હાથે બમણું કરીને એ જ ખુશીઓ વાપસ આપે છે. તમે આજ જે મુકામ પર છો. એ તમારી સકારાત્મક વિચારને કારણે છો. કુદરતે તમારી પાસેથી બધુ છીનવી લીધુ છે તે છતા તમે હિમ્મત હારી નથી. તમને કુદરતના નિયમો પર હજુ વિશ્વાસ છે. એ ઉપર વાળો બધા માટે કંઈકને કંઈક વિચારીને બેઠો છે, તો એ તમારી સાથે અન્યાય નહિ થવા દે."

"આઈ હોપ શો. ઓકે પ્રવિણભાઈ, હવે હું જાઉં છું."

"અરે તમે ક્યા જશો ?"

"ગેસ્ટ હાઉસ તરફ જ્યાં મે રૂમ બુક કરેલો છે."

"આજ પૂરો દિવસ તમારે ક્યાંય જવાનું નથી. આજ મહાશિવરાત્રીના દિવસે અમારા ઘરે કોઈ પણ યજમાન ફરાળ કર્યા વગર જતો નથી."

પ્રવિણે હાર્દિકને કહીને આસપાસ નજર કરવા લાગ્યો.

"હું આજ મહાશિવરાત્રી રહ્યો નથી તો તમારા ઘરે આવવુ વ્યર્થ છે." હાર્દિક બોલતો હતો પણ પ્રવિણની નજર કોઈને શોધી રહી હતી. એ ફરી બોલ્યો, "તમે કોઈને શોધો છો ?"

"હું પહેલા છોકરાને શોધું છું. એ સવારે મને મળ્યો હતો. તેને પણ મારી સાથે લઈ જાવાનો છે. કદાચ, એ દર્શન કરીને સોમનાથથી નીકળી ગયો હશે."

"તમે તો મારી સાથે આવી શકો છો. તમે મહાશિવરાત્રી રહ્યા ના હોય તો પણ તમને ભુખ્યા નહિ જવા દઉ. ચાલો, મારી સાથે મારા ઘરે. હજું મારે પ્રસાદ લઈને અહીયા યાત્રાળુઓને આપવા આવવું જોશે."

હાર્દિક બીજીવાર પ્રવિણને ના કરી શક્યો નહિ. પ્રવિણના કહેવાથી એ એના ઘરે ફરાળ કરવા સાથે ગયો. રસ્તામાં પ્રવિણે એના પરિવારના સભ્યોની ઓળખાણ કરાવી. તેના પપ્પા દલપતદાદા પછી તેણે ગોરપદુ સાચવ્યું. એ વાત જણાવી એ સાથે તેના દીકરા રવિને સારો બિઝનેસ ચાલી રહ્યો છે. પ્રવિણે પોતાના જીવનના અમુક રમુજી ક્ષણો કહીને હાર્દિકને હસાવી હસાવીને હળવોફુલ કરી દીધો.

પારુલ દલપતદાદાને ફરાળની થાળી તૈયાર કરીને આપી દીધી હતી. પ્રવિણની સાથે રવિ પણ એ સમયે ઘરે પહોચી ગયો. પ્રવિણે રવિ અને વત્સલ સાથે હાર્દિકને જમવા બેસાડી દીધો. કોઈ અજાણ્યાં ઘરે જમતા હાર્દિકને સંકોચ થતો હતો પણ રસ્તામાં પ્રવિણે હાર્દિક સાથે અહીતહીની વાતો કરીને એનો ખાસ મિત્ર બની ગયો હતો.

હાર્દિક જમવાની સાથે પ્રવિણના જુના ઘરમાં થયેલ નવા રિનોવેશનને જોવા લાગ્યો. ઘરની અંદર જીવન જરૂરિયાતની બધી ફેસિલીટ હતી. રવિ પાસે એનુ પર્સનલ નવું છોડાવેલું હોય એવુ બાઈક હતું. ઘરની સગવડો લકઝરી સ્ટાઈલમાં હતી.

"આ પ્રવિણભાઈ પાસે મારી જેમ અપર મિડલ ક્લાસ લાગી રહ્યા છે. ઘરની અંદર આટલી સગવડ છે તો પણ એ તેમના માટે એક બાઈક રાખી શકતા નથી. રવિનો બિઝનેસ સારો ચાલે તો એમને આ ગોરપદુ કરવાની જરૂર નથી." હાર્દિક જમતા જમતા વિચારવા લાગ્યો. 

"હાર્દિકભાઈ, તમે જમતા જમતા શુ વિચારી રહ્યા છો ? શાંતિથી પહેલા જમી લો."

"અરે પ્રવિણભાઈ, તમારે જમવું નથી ?"

"મારે આજ નિર્જરા છે. આવતીકાલે સવારે પહેલા પહોરની સોમનાથ દાદાની પહેલી આરતી લઈને જ પાણી પી શકીશ."

"તમને ભાંગ ભાવે હાર્દિકભાઈ ?" રવિએ હાર્દિક સાથે વાત કરીને નિકટતા કેળવવાનો પ્રયાસ કર્યો.

"પ્રસાદ તરીકે હોય તો જ ભાંગ પીવું છું. બાકી વધુ ભાંગ પીવાથી નશો ચડી જાવાનો ડર હોય છે." હાર્દિકની વાતથી સૌ હસવા લાગ્યા.

"આ લ્યો હાર્દિકભાઈ, પૂરો ગ્લાસ પી જાવ. એ તો ફિલ્મોમા બતાવે છે તો ભાંગ પીવાથી નશો ચડે છે. આ ભાંગ હવે પહેલા જેવી હોતી નથી. હા થોડીક તીખી લાગશે પણ એક શ્વાસે પી જાશો તો ખબર પણ નહિ પડે." રવિએ ભાંગનો ગ્લાસ ભરીને હાર્દિકને આપ્યો.

હાર્દિકે ગાલાસમાંથી એક ઘુટડો પીધો. તીખી ભાંગ હોવાને કારણે ઉધરસ ચઢી આવી. રવિના કહેવાથી શ્વાસ લીધા વગર હાર્દિક ભાંગનો પૂરો ગ્લાસ પી ગયો.

"હાર્દિકભાઈ, કાંઈ ખબર પડી ?"

"ના એકવાર તીખી લાગી પણ પછી તમારા કહેવાથી એક શ્વાસે પી ગયો તો જાણે શોફ્ટ ડ્રિન્ક પીધુ હોય એવું લાગ્યું."

"હજુ પીવી હોય તો આપુ. આ લ્યો મોજ કરો."

"હવે નહિ હો. ફરાળ કરીને પેટ ભરાય ગયું છે. એમાં ભાંગ ભરેલો ગ્લાસ પી ગયો."

"હાર્દિકભાઈ, હું અને મારી ગોરાણી ઘાટ પર યાત્રાળુઓને પ્રસાદ આપવા જઈએ છીએ. તમે પિતાજીના રૂમમાં જઈને આરામ કરો. બહાર બહુ તડકો છે. જમ્યા પછી તડકામાં બહાર ના નીકળાય."

"પ્રવિણભાઈ, હું પણ તમારી સાથે આવું છું."

હાર્દિકે તેની સાથે જવાનો આગ્રહ કર્યો પણ પ્રવિણે સાથે ના લઈ જવાની ચોખ્ખી ના પાડી દીધી. હાર્દિકને વધુ જમવાને કારણે આળસ આવતી હોવાથી એ પ્રવિણના ઘરે રહેવા માટે વિચારી લીધુ. રવિ જમીને તેની કંપનીમાં જતો રહ્યો. હેતલ તેનાં રૂમમાં વધારાનું કામ કરવાં જતી રહી.


"દાદા, સૌ એમનાં કામમાં વ્યસ્ત થઈ ગયાં છે. હું અહી એકલો કંટાળી જઈશ. એક કામ કરો હું પણ તમારી સાથે આવુ."

"વત્સલ, બહાર સૂરજદાદા માથા પર આવી ગયા છે. અમને ત્યાંથી આવતાં વાર લાગશે. તું નવાં અંકલ સાથે વાતો કરજે. એમને એકલુ ના લાગે."

પારુલનાં સમજાવાથી વત્સલ સમજી ગયો. એ પણ લીવીંગ રૂમમાં દલપત દાદા અને હાર્દિક વાતો કરતા હતા ત્યાં જતો રહ્યો.

"હાર્દિક અંકલ, દાદીમાં મને કહીને ગયાં છે. તમે કંટાળી ના જાવ એટલે હું તમારી સાથે રહીશ. દાદા ના આવે ત્યાં સુધી તમારું ધ્યાન રાખવાની જવાબદારી મારી છે."

વત્સલની વાતો સાંભળીને દલપત દાદા અને હાર્દિક બન્ને જોરથી હસવા લાગ્યા.

"હાર્દિક, આ અમારા ઘરનો સૌથી નાનો ફટાકડો છે પણ એ ફુટે ત્યારે બધાની શાન ઠેકાણે આવી જાય છે. સાચું કહું તો આ ઘરની રોનક વસુને કારણે છે. એ સ્કુલે ગયો હોય તો પાંચ કલાક મારી આ ઘરમાં કાઢવી મુશ્કેલ છે."

"દાદા, એ તો છે. બાળક વિનાનું ઘર એકલા વ્યક્તિને ખાવા દોડતું હોય છે. તમે નસીબદાર છો કે તમે તમારા વ્યાજના વ્યાજ સાથે જીવનની છેલ્લી પળો માણો છો. હંમેશા વ્યક્તિને તેની મૂળી કરતા વ્યાજ વ્હાલું હોય છે અને તમે તો વ્યાજના વ્યાજનું મોઢું જોઈ શક્યા છો."

હાર્દિકને વત્સલને જોઈને તેના દીકરાના આર્યનું નાનપણ યાદ કરવા લાગ્યો અને મનમાં વિચારવા લાગ્યો.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"