Aekant - 14 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 14

Featured Books
Categories
Share

એકાંત - 14

પ્રવિણ તથા એના પરિવર પર સોમનાથ દાદાની અસીમ કૃપા વરસેલી હતી. શિવરાત્રીના મહાપર્વની પ્રવિણનાં ઘરમાં ધુમધામથી તૈયારીઓ ચાલું થઈ ગઈ હતી. દર વર્ષની જેમ આ વર્ષે પ્રવિણનાં ઘરે શિવરાત્રિનો મહાપ્રસાદનો ભોગ બનાવવાનો હતો. પ્રવિણ બે કલાકની અંદર મહાશિવરાત્રી માટે જરૂરી સામગ્રી લઈ આવ્યો હતો.

એ સામગ્રીની અંદર વીસ કિલો બટેટા, પંદર કિલો શક્કરીયા, પાંચ કિલો ફરાળ માટેનો મોરૈયો હતો. આ સાથે સોમનાથ દાદાને ચડાવવા માટે ગલગોટા અને ગુલાબનો હાર બનવવા માટે પ્રવિણ છુટા ફૂલો લઈ આવ્યો હતો.

ફરાળ બનાવવાની તૈયારી સવારે વહેલાં ઊઠીને કરવાની હતી. ફૂલનો હાર બનાવવા સિવાય બીજું કોઈ કામ બાકી રહેતું ન હતું. પ્રવિણ મહાશિવરાત્રીના દિવસે નિર્જરા ઊપવાસ કરવાનો હતો. સોમનાથમાં મહાશિવરાત્રીના દિવસે દેશ વિદેશથી લાખો શ્રધ્ધાળુઓ દર્શન કરવા હાજર રહેતા હતા. ફક્ત એ દિવસે સોમનાથ દાદાના મંદિરના દરવાજા સવારે ચાર વાગ્યે ખોલી દેવામા આવતા હતા.

દર વર્ષે મહાશિવરાત્રીએ પહેલા પહોરની આરતીના દર્શન સાથે સાંજે છ વાગ્યા પછી દાદાની ચાર પહોરની આરતી કરવામાં આવતી હતી. રાત્રીના સમયગાળામાં સોમનાથ દાદાની આરતી કરવા માટે સૌ ભક્તજનો શિવજીના ભજન કિર્તનનો કાર્યક્રમોની ગોઠવણી કરતા. પ્રવિણ એ મંડળીમાં સૌથી અગ્રરસ્થાને રહેતો હતો. જોકે પ્રવિણને સોમનાથ દાદાની અનન્ય ભક્તિ કરવાનો મોકો એને વારસામાં મળેલો હતો. દલપત દાદાના પિતા એમની હયાતીના સમયે મહાશિવરાત્રીના દિવસે પૂરો દિવસ નિર્જરા ઊપવાસ કરતા અને ચાર પહોરની આરતીનો લાહવો લેવા માટે એમના ભાઈબંધના ટોળાએ ધૂન કિર્તનની મંડળી બનાવી લીધી હતી. એમણે આ વારસો દલપત દાદાને આપીને સ્વર્ગે સીધાવી ગયા. દલપત દાદાને એમના શરીરે સાથ આપ્યો ત્યાં સુધી તેઓ નિર્જરા ઊપવાસ કરતા રહ્યા. તેમના પછી એમણે આ વારસો પ્રવિણે હરખેથી લઈ લીધો હતો.

પિતાની સંપતિમાં પુત્રનો પૂરો હક હોય છે. એ સાથે પિતાની જવાબદારી, ફરજો અને વર્ષોથી ચાલી આવતી પરંપરાને ટકાવી રાખવાનો હક પણ પુત્રનો હોય છે. પ્રવિણના ઘરમાં પેઢીથી પેઢી આ પરંપરાને નિભાવતી આવતી હતી. પ્રવિણે કદાપિ એની આવનારી પેઢી પર અપેક્ષા રાખી નથી કે આગળ ચાલીને એ આ પરંપરાને જાળવશે.

પ્રવિણ સોમનાથ દાદા માટે ફૂલહાર બનાવીને વહેલો સુઈ ગયો હતો. તેણે પારુલને કહી દીધું હતું કે એ સવારે ત્રણ વાગ્યે જગાડી દે. પ્રવિણ રાતના દસથી સવારે ત્રણ વાગ્યા સુધી પાંચ કલાકની ઊંઘ કરી લીધી. પારુલ પ્રવિણને જગાડીને દિવસના ફરાળની તૈયારી માટે રસોડામાં જતી રહી.

પ્રવિણ નાહીધોઈને ચાર વાગવામાં પંદર મિનિટની વાર હતી, એ જ સમયે સોમનાથ દાદાની આરતીના પહેલા દર્શન કરવા માટે પોતાની પૂજાનો સામાન અને ફૂલનો હાર લઈને મંદિર તરફ જવા નીકળી ગયો.

"હર હર મહાદેવ.. હર હર મહાદેવ.." પ્રવિણ એક જ નામ સાથે એની ધૂનમાં મગ્ન થતો મંદિરના પ્રાંગણે પહોચવાની તૈયારીમાં હતો. અંધારીના સમય પર એ કોઈ જુવાન સાથે અથડાયો. એ સાથે તેના હાથમાં ફૂલનો હાર પડી ગયો.

"અરે જુઓ ભાઈ, આ અંધારામાં તમને દેખાતુ નથી લાગતુ ?"

સવારના ચાર વાગ્યે હજુ સૂરજ દાદા જાગ્યા ન હતા. સ્ટ્રીટ લાઈટનો આછા એવા પ્રકાશમાં પ્રવિણે જોયું તો એક બાવીસ વર્ષનો લાગતો જુવાન ક્રીમ કલરનો કાર્ગો પેન્ટ અને વાઈટ ટીશર્ટ પહેરેલું અને કાનમાં હેડફોન ચડાવીને રાજ ઊભો હતો.

"આ તે શું કરી નાખ્યુ ? મારા હારને તે અશુધ્ધ કરી નાખ્યો."

પ્રવિણે નીચે પડેલા હાર પર ઈશારો કરતા બોલી રહ્યો હતો. રાજે કાનમા ચડાવેલા હેડફોનથી પ્રવિણનો અવાજ સાંભળી રહ્યો ન હતો પણ પ્રવિણના હાથના ઈશારા તરફ તેણે એની આંખોની નજરને હાર સામે કેન્દ્રીત કરી. રાજે કાનમાં રહેલો હેડફોન કાઢ્યો.

"તારો ઉપરનો માળ તો ખાલી નથી ને જુવાન ! આમ ગાંડાની માફક કાનમા મશીન ચડાવીને કોઈપણની સાથે ટકરાઈ ગયો."

"ઓહ્ શીટ...આઈ એમ વેરિ સોરિ, અંકલ. હું હેડફોન લગાવીને મારી ધૂનમાં ચાલી રહ્યો હતો. આ હાર મારાથી પડી ગયો તે બલદ દિલગીર છું."

રાજે અંગ્રેજી ભાષામા પ્રવિણની માફી માંગી અને નીચે પડેલો ફૂલનો હાર ઊપાડીને તેણે પ્રવિણના હાથમા આપવા પોતાનો હાથ લંબાવ્યો. 

"હવે આ હાર તું તારી પાસે રાખ. તારી પત્નીને ખુશ કરવા એને પહેરાવી દેજે. આ હાર હું મારા સોમનાથ દાદાને ચડાવવા માટે કેટલાય પ્રેમથી બનાવ્યો હતો. નીચે પડીને હાર અશુધ્ધ થઈ ગયો છે. હું એ શિવલિંગ પર ના ચડાવી શકુ." પ્રવિણે દુઃખી વદને રાજ સામે બોલ્યો.

"અશુધ્ધ થઈ ગયો હોય તો ઘાટમાં જઈને શુધ્ધ કરી નાખો. લોકોના પૂરા જીવનના પાપ પવિત્ર નદીના પાણીથી શુધ્ધ થઈ શકતા હોય તો આ નિર્જીવ હાર છે. વેઈટ, હું હમણાં પંદર મિનિટમાં આ હાર નદીના પાણીથી શુધ્ધ કરતો આવું છું."

રાજ હાર લઈને ઘાટ તરફ જઈ રહ્યો હતો. પ્રવિણે એને જતા ઊભો રાખ્યો અને બોલ્યો, "ઊભો રે જુવાન, આમ અશુધ્ધ થઈ ગયેલી વસ્તુ ગમે એટલા પાણીથી ધુઓ પણ એ શુધ્ધ ના થાય. એમાંથી બહારી ધૂળ જાય છે. એના ફૂલમાં સ્પર્શેલી અશુધ્ધતા દૂર નહિ થાય."

પ્રવિણની વાત સાંભળીને રાજ ત્યાં જ સ્થિર થઈ ગયો. પ્રવિણની વાત પર ખૂબ જ વિચાર કર્યો. થોડીક વાર રહીને તેઓ એક સવાલ કર્યો. જે મોટા જ્ઞાની વ્યક્તિને પણ વિચાર કરવામાં વિમર્શ કરી મૂકે એવો હતો.

"કાકા, આ હારને હું જળથી શુધ્ધ કરીશ તો એની બાહરી અશુધ્ધતા સાફ થશે એવુ તમે કઈ રીતે કહી શકો ? ત્રિવેણી નદીનો ખૂબ જ મહિમા છે. અહીં બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુ પિતૃશ્રાદ્ધ કરવા માટે આવે છે. ઘણા ખરા લોકો એમના પિતૃઓની અસ્થિર વિસર્જન માટે હજારોના કિલો મીટર કાપીને અહી સુધી આવે છે. આપણે જીવનભર પાપ કર્મો કરીને આપણી આત્માને અશુધ્ધ કરીએ છીએ. અહી આવીને ડુબકી લગાવીએ છીએ તો આપણુ તન અને મન બન્ને શુધ્ધ થઈ જાય છે. આ તો સામાન્ય હાર છે." રાજે પોતાનો હાથ ઊંચો કરીને હાર સામે જોવા લાગ્યો.

"જો જુવાન, એ આપણો મનનો વહેમ છે. જો પવિત્ર નદીથી નાહવાથી આપણુ આંતરિક મન સાફ થઈ જતુ હોય તો લોકોને પાપ કરવાનો ડર રહેતો નથી. એ તો ખુલેઆમ પાપ કરતો રહેશે અને ગંગામાં ડુબકી લગાવતો રહેશે. શાસ્ત્રોમાં લખેલુ છે કે દરેક મનુષ્ય એના કર્મોના આધારિત ફળની પ્રાપ્તિ કરે છે. સારા કર્મો કરવાથી મોક્ષ મળે છે અને ફરી તેને આ પૃથ્વી લોકમાં અવતાર ધારણ કરવો પડતો નથી. ખરાબ કર્મો કરનાર એ પાછો મનુષ્ય અવતાર ધારણ કરે છે અને એના ગયા જન્મનાં પાપોની સજા ભોગવવા લાગે છે."

"તમે કહો છો કે આ બધો મનનો વહેમ છે તો એ વાત હું તમને કહેવા માંગું છું. આ હાર એની રીતે જાણી જોઈને તમારા હાથમાંથી પડી ગયો નથી. હું તમારાથી તકરાયો અને એ પડી ગયો. અજાણતા આ હારને અશુધધ કરવાનું પાપ મને લાગ્યું છે. હકીકત તો એ જ છે કે આ હાર અશુધ્ધ થયો નથી. અશુધ્ધતા તો આપણા મનની અંદર જે ચાલે છે એ વિચાર અશુધ્ધ છે. તમે સોમનાથ દાદાનું નામ લઈને આ હાર એમની શિવલિંગ પર ચડાવવા લઈ જાવ. જો મનમાં શુધ્ધતા અને આપણી સાચી ભક્તિ હશે તો સોમનાથ દાદા હારનો સ્વીકાર જરૂર કરશે."

પ્રવિણ રાજની વાતો સાંભળવામાં મગ્ન થઈ ગયો હતો. તેને ખુદને ભાન રહ્યુ નહિ કે એ બાવીસ વર્ષના યુવાનની આટલી ધાર્મિક વાતો શા કારણે સાંભળી રહ્યો છે ! એ વિચારોમાં ખોવાઈ ગયો. ત્યાં જ મંદિરનો શંખ ફુંકવાનો અવાજ આવ્યો અને મોટા અવાજથી ઘંટનો સૂર કાને પડ્યો.

"કાકા, વિચારોમાંથી બહાર આવો. જુઓ, આરતી ચાલુ થઈ ગઈ છે. આરતી પૂરી થઈ જશે તે છતાં તમે હાજર નહિ રહો તો બધો આરોપ મારા પર નાખશો."

રાજના બોલવાની સાથે પ્રવિણ વિચારોમાંથી બહાર આવ્યો. તેણે રાજ સામે જોયુ. કશુંક કહેવા માટે હોઠ ખોલ્યા.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"