Aekant - 13 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 13

Featured Books
Categories
Share

એકાંત - 13

યોગીએ કરેલ સ્યુસાઈડનો ડર દલપત દાદાના મનમાં ઘર કરી ગયો. આ સાથે પ્રવિણ અને પારુલને પણ એક ડર સતાવવા લાગ્યો. જો હેતલને ઘરથી અલગ કરવામાં નહિ આવે તો હેતલ પણ કોઈ એવું ખરાબ કદમ ભરી લેશે તો ! એવું ના થાય એનાં માટે પ્રવિણ સાંજે રવિને અલગ થવાની મંજુરી આપી દેશે એવાં નિર્ધાર સાથે નિયત સમયે ઘરે આવી ગયો. ઘરે પહોચતા પ્રવિણે જોયું કે રવિના ચહેર પર એક અલગ પ્રકારની ખુશી હતી. જેનો અંદાજો એ મેળવી ના શક્યો.

અચાનક રવિના બદલાવથી તેણે પારુલ અને હેતલને તેમની સાથે જમવાં માટે વાત જણાવી. પારુલ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પુરુષ પછી સ્ત્રીઓને જમવાનું હોવાથી તેણે સાથે જમવાની મનાઈ કરી દીધી.

"મમ્મી, હવે મોર્ડન જમાનો આવી ગયો છે. આ જમાનામાં પણ તમે પરંપરાના આદરની વાત કરો છો. પ્લીઝ મમ્મી, અમે પૂરો દિવસ કામ કરીને થાકી જઈએ છીએ. અમને ભૂખ લાગતી હોય તો તમને પણ ભૂખ લાગતી હોય. મારું કામ એવું છે કે ક્યારેક હું બહાર નાસ્તો કરી લઉં અને રાતના બાર વાગ્યે ઘરે આવું. ત્યાં સુધી તમારે મારાં માટે થઈને ભૂખ્યું રહેવાનું ! મમ્મી પરિસ્થિતિ પ્રમાણે બદલાવ લાવો જોઈએ."

"રવિની માં, રવિ સાચું કહે છે. પરિસ્થિતિ પ્રમાણે આપણે બદલવું જોઈએ. બપોરે જ આપણી વાત થઈ હતી. કશુ સ્થાયી નથી. તમે લોકો પણ અમારી સાથે જમવાં બેસી જાવ."

પ્રવિણ પાસેથી મળેલી આજ્ઞાથી પહેલી વાર પ્રવિણનાં ઘરની સ્ત્રીઓએ પરંપરા તોડી અને પુરુષો સાથે જમવાં બેસી ગઈ. એ પછી ઘણું બધું બદલવાનું હતું. જે ફક્ત આવનારી પેઢીને ખુશ રાખવાના કારણે જ.

"રવિ બેટા, આજનો દિવસ કેવો રહ્યો ?"રોજની જેમ પ્રવિણે રવિના બિઝનેસની પૂછતાજ કરી.

"ઠીક જ રહ્યો પપ્પા. સવારે જે કાંઇ બન્યુ એ પછી હું પૂરો દિવસ એ જ વિચારમા દિવસ પસાર કરી નાખ્યો. અંતે મે એક ફેસલો લીધો છે. એ ફેસલો લીધા પછી મારા હૃદયને પણ ખૂબ ખુશી મળી. પપ્પા મારે તમારાં દરેકને એક વાત કરવી છે."

જમતા જમતા રવિએ જે ફેસલો લીધો, એ ફેસલો બધાની સામે કહેવા માંગતો હતો.

"રવિ, મારે અને તારી માંને પણ તને એક વાત કરવી છે."

"પહેલા તમે મારી વાત સાંભળો પછી તમે પણ તમારી વાત ભૂલી જશો."રવિ ઉત્સાહી થઈ ગયો.

"હા તો પહેલા તું કહે."

"પપ્પા, મે ફેસલો લીધો છે કે હુ આપણા આ માળાને છોડીને ક્યાંય જવા માંગતો નથી. હું અને હેતલ આજીવન તમારી સાથે રહેશું."

"તું સવારે હેતલને કારણે અલગ થવાની વાત કરતો હતો ?"

પારુલ વચ્ચે બોલી. રવિની વાત સાંભળીને પ્રવિણ અને પારુલને થોડીક વાર માટે હાશકારો થયો પણ અચાનક રવિને એનો ફેસલો બદલાનું કારણ શું હોય શકે ? રવિની જે ઈચ્છા છે એ શું હેતલની પણ ઈચ્છા હશે? 

"મમ્મી, આ બધું હું વસુ માટે કહી રહ્યો છું. મારે અલગ થવું હતું. રોજની કચકચને કારણે જ. વસુએ સવારે મને અનુભવ કરાવ્યો કે જો આજે હું તમારાં લોકોથી અલગ થઈ જઈશ તો ભવિષ્યમાં વસુ મારી સાથે એવું જ કરશે ! પપ્પાની જગ્યાએ મે મારી જાતને ઊભી રાખી જોઈ અને મારી જગ્યાએ વસુને ઊભો રાખ્યો. વસુ મારાથી અલગ થશે તો એ સમયે મારી વેદના શું હોય શકે ! પપ્પાની જગ્યાએ મે વિચારીને જોયું તો ખરેખર ખૂબ જ દુઃખદાયી છે."

"દીકરી તો સમાજનાં રિવાજ મુજબ બીજાનું ઘર સજાવવા પિતાનું ઘર છોડીને જાય છે પણ આપણાં શાસ્ત્રોમાં ક્યાંય એવુ નથી લખેલું કે એક દીકરો પોતાનું ઘર સજાવવા માટે પિતાથી અલગ થઈ જાય. દીકરો કમાતો ના હોય ત્યાં સુધી એ એની પિતાની અસ્કામત હોય છે અને જયારે એ દીકરો કમાતો થઈ જાય છે ત્યારે એ પિતા માટે જરુરિયાત બની જાય છે. હું હવે તમારા લોકોની જરૂરિયાત છું. અત્યારે તમને મારી જરૂર છે તો હું મારી ફરજને ભૂલીને અલગ ના થઈ શકું."

એક સ્ત્રીમાં પરિવાર સાચવાની સમજણ ત્યારે આવે છે જ્યારે એનાં પર પૂરાં ઘરની જવાબદારી સોંપવામાં આવે અને એક પુરુષને પરિવાર સાચવાની જવાબદારી ત્યારે સમજાય છે જ્યારે એ એક સંતાનનો પિતા બની જાય છે. રવિ પરથી એવું લાગી આવ્યું હતું કે એ પરિવારને સાચવવા માટે પરિપક્વ બની ગયો હતો પણ, એક ડર હજું મનમાં પ્રજવલિત જ હતો કે હેતલ આ ઘરમાં રહેવાથી ખુશ થશે? 

"રવિ, તું જે બોલ્યો એ બધા તારા પપ્પાએ તને આપેલા સંસ્કાર છે. મને આજે સાચે જ તારા પર ગર્વ થઈ રહ્યો છે કે મે તને જન્મ આપ્યો અને હુ તારી માં છું પણ હેતલ..."

પારુલે વાક્ય અધુરું મુક્યું અને હેતલ સામે જોવાં લાગી. રવિ જાણતો હતો કે એનાં ફેસલાથી હેતલ ખુશ નહિ હોય. સૌ હેતલની સામે જોઈને એનાં ફેસલાની રાહ જોવાં લાગ્યાં.

રવિએ અલગ ના થવાનું આટલું મોટું ભાષણ આપ્યું. એ પરથી હેતલને વિશ્વાસ આવી ગયો કે રવિ એની સાથે આ ઘરમાંથી હવે કોઈ દિવસ અલગ નહિ જ થાય. એ જો સાથે રહેવાની ના પાડશે તો એ બધાં સામે ખરાબ સાબિત થશે આથી એણે કૃત્રિમ સ્માઈલ આપીને જણાવી દીધું કે એ રવિનાં ફેસલાથી ખુશ છે. પરિવારનાં દરેક સભ્યોને જાણે કોઈ મોટી આફત આવીને જતી રહી હોય એવો અહેસાસ થવાં લાગ્યો.

બધાએ હળીમળીને પેટ ભરીને જમ્યાં. વત્સલ તો એટલો ખુશ હતો કે એ એનાં મોટા દદાને જગાડીને એમનાથી અલગ થવાનો નથી એ વાત જણાવવાની જીદ્દ કરવા લાગ્યો. વધારે પડતી હસી મજાકથી દલપત દાદાની ઊંઘ ઊડી ગઈ. એ લીવીંગ રૂમમાં બહારે આવીને ખુશીનાં સમાચાર વત્સલ પાસેથી સાંભળ્યાં તો એમનો હરખનો કોઈ પાર ના રહ્યો. મોડે સુધી બધાં સભ્યો એક સાથે બેસીને ભુતકાળની વાતો કરી. પ્રવિણના અમુક રમુજી કિસ્સાઓથી વાતાવરણને ખુશનુમા થઈ ગયું.

બે દિવસ પછી પ્રવિણે ઘરને રિનોવેટ કરાવી દીધું હતું. આંગણામાં નવી ટાઈલ્સ લગાવાઈ ગઈ હતી. ખંડેર જેવું ઘર મહેલ લાગી રહ્યું હતું. સૌ એમની મસ્તીમાં જીવી રહ્યાં હતાં. પરિવારનાં સભ્યોમાં જો કોઈ નારાજ હતું તો એ હેતલ હતી. હજું હેતલ એ ઘરમાં રહેવાં માંગતી ન હતી. રવિ તેની સાઈડમાં હતો નહિ તો એ બીજું કાંઈ કરી શકે એમ ના હતી. તેણે મનમાં ગાંઠ બાંધી લીધી હતી કે એક દિવસ એ ઘરથી અલગ થઈને રાહતનો શ્વાસ લેશે.

મહાશિવરાત્રીના આગલે દિવસે વર્તમાનમાં પ્રવિણ એનાં પૌત્ર વત્સલ સાથે આંગણામાં એ જ નવી ટાઈલ્સમાં પગલા ભરતો અંદર ગયો.

પારુલ દલપત દાદાને જમાડીને ઘરનાં બાકીનાં સભ્યો માટે જમવાની થાળી તૈયાર કરવાં લાગી. એ રાત પછી રવિ બપોરના જમવા માટે સમય કાઢીને દરેક સભ્યો સાથે ઘરે જમવા આવી જતો. પારુલ અને હેતલ પણ એ રાત પછી બપોરે અને રાત્રે પુરુષો સાથે જમવાં બેસી જતાં હતાં. પ્રવિણ માટે એ રાતની ક્ષણ સૌથી નસીબદાર સાબિત થઈ હતી. આથી તેણે જ સ્ત્રીઓને પોતાની સાથે જમવાની પરવાનગી આપી દીધી હતી.

બપોરે જમીને રવિ કંપનીએ જતો રહ્યો હતો. પ્રવિણ વત્સલ સાથે તેના રૂમમાં થોડીક વાર આરામ કરવા જતો રહ્યો. પારુલ અને હેતલ વધારાનાં કામો પૂરાં કરવાં લાગી. પારુલ એનાં કામમાં ફ્રી થઈ ગઈ ત્યાં પ્રવિણ ઊંઘની એક ઝબકી લઈ લીધી હતી.

મહાશિવરાત્રીના તહેવાર માટે પારુલે વસ્તુ લેવાનું અગાઉથી લિસ્ટ બનાવી રાખેલું હતું. પ્રવિણ મોઢું ધોઈ લીધા પછી એ લિસ્ટ લઈને બજારમાં સામાનની ખરીદી કરવા નીકળી ગયો.

થોડીક ખાટી અને થોડીક મીઠી પીપરમિંટની જેમ ચગવાની ઈચ્છા થાય એવી જીંદગી પ્રવિણ મન મૂકીને જીવી રહ્યો હતો. આવાં પુરુષો મહાશિવરાત્રીના દિવસે પ્રવિણને મળવાના હતા. એ લોકોથી સોમનાથ દાદાએ પ્રવિણને બેખબર રાખ્યો હતો.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"