પ્રકરણ:10
વર્તમાન સમય
રુદ્ર બકડા પરથી સફાળો ઉભો થયો.તેના પોતાના મનમાં શુ ભાવ હતા તે પોતે નહોતો સમજી શકતો.તેના માથામાં થતું દર્દ હવે એકદમ શાંત થઈ ગયું હતું.તેનું માથું જે થોડીવાર પહેલા કોઈ ભારે ઘણ જેવું હતું તે હવે હળવું ફૂલ થઈ ગયું હતું.તેને ધીરે ધીરે કળ વળી રહી હતી કે તેની એક ખૂબ મહત્વપૂર્ણ યાદ આજે તેને અચાનક જ યાદ આવી હતી. તેને મહેન્દ્રના મારની માથા પરની ઇજા અને દિયાના વીડીયોના લીધે આજે તેને એક એવો ભૂતકાળ યાદ આવ્યો હતો જે તેની જિંદગી બદલી શકે એમ હતો.તેને બીટકોઇનનો ભાવ ચેક કર્યો તે લગભગ પચાસ હજાર ડોલર એટલે કે 40 લાખ પર ટ્રેડ થઈ રહ્યો હતો.રુદ્રની આંખો થોડીવાર એ જોઈ રહી તેને કેલ્ક્યુલેટર ખોલ્યું અને ચાલીસ લાખ ને 1,62,500 વડે ગુણાકાર કર્યો.પણ એ પ્રયાસ નિરર્થક રહ્યો,કેલ્ક્યુલેટરમાં એરર આવી ગયો.તેને ગણતરી કરી તે 8 બિલિયન એટલે કે ચોસઠ હજાર કરોડ થતો હતો.
તેને હજી આ કોઈ સપનું લાગી રહ્યું હતું.તેને ઘડિયાળમાં જોયું તેની બે વાગ્યાની બસ નીકળી ગઈ હતી,પણ તેને તેની પરવાહ નહોતી તે હવે તેના ગામ પહોંચવા માટે ઊતાવાળો હતો તેને ત્રણ વાગ્યા વાળી ટ્રેન પકડવાનું નક્કી કર્યું.તેને જલ્દીથી લેપટોપ પેક કર્યું અને થેલો લઈ બસસ્ટેન્ડ તરફ નીકળી પડ્યો.
તેને જતા જતા હોસ્ટેલ તરફ જોયું.લગભગ બધી લાઈટો બંધ હતી ફકત એક લાઈટ હજી ચાલુ હતી.તે હતી મયંકના રૂમની.તે જાણતો હતો કે ત્યાં શુ થઈ રહ્યું છે
મયંકની આદત હતી કે રાત્રે મોડે સુધી જાગવું અને સિગરેટઆ અને ક્યારેક દારૂની મહેફિલ જમાવવી.તેનું લગભગ ત્રણ ચાર લોકોનું ગ્રુપ હતું.લગભગ ત્રણેક વાગ્યા સુધી જાગવું સવારે સ્ફુલ ટાઈમ કરતા અડધી કલાક પહેલા ઉઠી જલ્દી જલ્દી તૈયાર થવું અને આખો દિવસ લેક્ચરમાં જોકા ખાવા તે તેમનું રોજનું રૂટિન બની ગયું હતું.રુદ્રને મયંક પર ગુસ્સો આવી રહ્યો હતો કેમ કે તેને એકવાર મયંકને તેના પપ્પાના સ્વભાવ વિશે જણાવ્યું હતું તેમ છતા તેને રેક્ટરને હકીકત જણાવી હતી.તેનું કારણ પણ રુદ્રને ખબર હતી.કલાસમાં થર્ડ પોઝિશન પર રહેનારમાં રુદ્ર અને મયંક વિશે ગજબની કોમ્પીટીશન રહેતી.મયંક સમય વધારે બગાડતો અને લેક્ચરમાં એટલું ધ્યાન આપતો નહીં તેમ છતાં તે એક્ઝામના બે દિવસથી અગાવથી આખી રાત વાંચી લેતો.તેને એક આછું સ્મિત આપી બસસ્ટેન્ડ તરફ ચાલતો થયો.
*************
રુદ્ર બસમાં બેઠો અને તેને ખૂબ ઊંઘ આવી રહી હતી,તેને ટીકીટ લીધી.બસમાં બે લોકો સિવાય કોઈ નોહતું.કંડકટર પણ આગળ જઈને સુઈ ગયો હતો.આથી તેને પણ સીટમાં લંબાવ્યુ.તેની આખું ઘેરાતી હતી.પણ,પોતે અરબોપતિ અરે ખર્વોપતિ બની ગયો છે તે વાત તેને કેમય કરી હજમ થતી નહોતી.તેનું મગજ અત્યારે બ્લૅન્ક હતું.તેને મહામહેનતે આંખ લાગી. તે હજી અર્ધનિદ્રામાં હતો,તેના મગજમાં વિચારોનું ચક્રવાત ઉઠયું
"કોઈ વ્યક્તિ પાસે જ્યારે અચાનક સાત પેઢી ચાલે એટલા રૂપિયા આવી જાય તો તે શું વિચારે? શુ તેની હાલત પણ મારા જેવી જ થાય.હું અત્યારે ખુશ છું કે દુઃખી કે પછી કોઈ નવો જ ભાવ પ્રગટ્યો છે તે પણ નથી જાણતો.શુ હું ફરીથી તે બીમારીમાં ધકેલાઈ રહ્યો છું? ના પણ એવું કેમ બને મને તો પાછલા બધા દિવસ યાદ છે.શુ તે રિકવરી કોડ હજી ત્યાં હશે?મેં ત્રણ બેકપ રાખેલા છે એ મને યાદ છે એક સ્ટોરરૂમમાં એક નીચે પિટારામાં,અને એક ગૂગલડ્રાઇવમાં.આઈ હોપ એટલીસ્ટ એક સેફ હોય પણ જો ગૂગલડ્રાઈવ ચેક કરવી પડશે તો મમ્મી પાસે ઓ.ટી.પી લેવો પડશે.આઈ હોપ એની કોઈ જરૂરત નહિ જણાય.હોસ્ટેલમાંથી હું ભાગ્યો છું એની જાણ થતા વાર લાગશે.જો અવિનાશ સામેથી કહેશે તો ચોવીસ કલાક અને જો ન કહે તો ત્રણ ચાર દિવસ,અરે નહી યાર બપોરે જ પહેલા લેક્ચરમાં નહિ જાવ એટલે ઘરે ફોન જશે.મારે દિયા સાથે વાત કરવી જોઈએ,પણ એકવાર રિકવરી કોડ મળી જાય પછી,શુ મારા નસીબ બહુ સારા છે? શું હું નસીબદાર છું? ના મેં તે સમયે બીટકોઇન વિશે જે સ્ટડી કરી હતી તે કોઈ પણ વ્યક્તિ કરી શકી હોત,મેં ઘણું વિચારીને બીટકોઇન પર લોન્ગ ટર્મ માટે પૈસા રોક્યા હતા.કદાચ જો હું બીમારીનો શિકાર ન હોત તો આ બીટકોઇન ઘણા દિવસ પહેલા વહેંચી નાખ્યા હોત.મને કોઈ ફિકર નથી કે લોકો મને માનસિક બીમાર કહે.પણ મેં તે સમયે તે ઉંમરમાં કરેલી રિસર્ચ આટલી એક્યુરેટ હોઈ શકે તે ખરેખર ગજબ વાત કહેવાય." રુદ્રની આંખ વધારે ઘેરાતી ગઈ.
************
રુદ્રની આંખ ખુલી.તેને આજુબાજુ જોયું.તેના શરીરનો થાક ઓછો થયો હતો,તેનું હિલોળા લેતું મગજ શાંત થયું હતું.તેને બહાર જોયું સવારનું અજવાસ પથરાયું હતું,તેનું ગંતવ્યસ્થાન આવી ગયું હતું.હકીકતમાં તે કંડકટરના અવાજથી ઉઠ્યો હતો.તે નીચે ઉતર્યો,તેનું જૂનું ઘર બસસ્ટોપથી દુર ન હતું.તેને ચાલતા જ ત્યાં જવાનું નક્કી કર્યું.
તે જાણતો હતો કે ઘરની ચાવી પાડોશમાં રહેતા મંજુકાકીને ત્યાં જ પડી છે.રુદ્ર નાનપણથી મંજૂકાકી પાસે રમીને જ મોટો થયો હતો.તેને આશા હતી કે જો તે કાકીને સમજાવશે તો તે કદાચ તેના ઘરે જાણ નહિ કરે, કે તે ભાગીને અહીં આવ્યો છે.મંજુકાકી ઘરે એકલા જ રહેતા હતા.તેમના પતિ હાર્ટઅટેકમાં ગુજરી ગયાને લગભગ રુદ્ર જેટલા વર્ષ થયાં હશે.એક દીકરી હતી તેને પણ સાસરે વળાવી હતી.મંજુકાકી પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક હતા.તે થોડા સમય પહેલા જ રિટાયર્ડ થયા હતા.પાતળો બાંધો,આંખે ચશ્મા,મુખ પર દ્રઢતા,ગળામાં લટકતી એક માળા,વાળ ઓળેલા અને તેમાંથી આવતી કાચા તેલની સુગંધ આજે દસકાઓ પછી પણ એમની એમ જ હતી.
રુદ્રએ દરવાજો ખખડયો,અંદરથી એક મહિલાએ દરવાજો ખોલ્યો.મહિલાને સામે ઉભેલ રુદ્રને જોઈ તરત જ એક ઉદગાર કાઢ્યો "ઓહ રુદ્રા આમ અચાનક આવ આવ અંદર"
"નહી આંટી હું થોડોક થાકેલો છું ચાવી આપી દેજોને મારે થોડીવાર સુઈ જવું છે" રુદ્રએ કહ્યું.
"અરે પણ આમ અચાનક કેમ આવવાનું થયું? મમ્મી પપ્પા ક્યાં?"
"એ લોકો નથી આવ્યા અને હું પણ તેમને કહ્યા વગર આવ્યો છું હોસ્ટેલથી સીધો આઈ મીન ભાગીને" રુદ્રએ કહ્યું
"પણ એવું શું થયું?હોસ્ટેલમાં ફાવતું નથી? કે કોઈ હેરાન કરે છે? તારા મમ્મી પપ્પાને જાણ તો કર એ લોકો ચિંતા કરશે"
"એના પાછળ ઘણા કારણ છે.તમને એ બધું હું પછી જણાવી દઈશ પણ પહેલા તમેં મને પ્રોમિસ કરો કે તમે પપ્પાને કે મમ્મીને નહિ જણાવો કે હું અહીંયા છું"
"ના હું એવું ન કરી શકું એ લોકો એમનેમ પરેશાન થશે"
"જો આંટી તમે એમને જણાવશો તો હું અહીંથી પણ ક્યાંક બીજે ચાલ્યો જઈશ અને કોઈને મળીશ નહિ અને આંટી બસ એક-બે દિવસની વાત છે પ્લીઝ"
મજુંકાકીને થયું કે જો રુદ્ર અહીં છે ત્યાં સુધી તે પોતે તેના ખાવા પીવાનું ધ્યાન રાખી શકશે અને જો બીજે જશે તો શું કરશે? એ સિવાય તે રુદ્રની બીમારી વિશે જાણતા હતા.તેને વધારે મેન્ટલ સ્ટ્રેસ દેવું પણ ખતરનાક હતું.તેમને થોડું વિચારીને કહ્યું "ઠીક છે,પણ મને પ્રોમિસ કર કે તું તારો જે કાંઈ મેટર હોય તે તું જલ્દીથી જલ્દી પતાવી તારા પપ્પાને બધું જણાવી દઈશ"
"પ્રોમિસ,આંટી" રુદ્રએ કહ્યું.
"ઓકે ઘર મેં કાલે જ સાફ કરાવ્યું હતું.એમ તો ઘણા સમયથી નહોતું થયું પણ આ તારા નસીબ.ચાલ હવે તને ભલે આરામ કરવો હોય પણ પહેલા નાસ્તો કરી લે પછી સુઈ જજે"
"ઓકે આંટી"રુદ્રએ કોઈ પણ જાતની આનાકાની સિવાય અંદર પ્રવેશ્યો.મંજુ આંટીએ ચા બનાવ્યો અને તે રુદ્રએ ભાખરી સાથે લીધો અને પછી ચાવી લઈ અંદર ગયો અને ઘર અંદરથી બંધ કર્યું.
તેને ઘરને નીરખીને જોયું.અહીં તેનું શૈશવ વીત્યું હતું.ઘણી યાદો જોડાયેલી હતી.એ મોટું ફળિયું,ત્યાથી થોડી આગળ મોટી પરસાળ આગળ વિશાલ ચાર ઓરડા,બીજા માળે પણ એ જ સરચના અને અગાસી.ફળીયામાં અનેકવાર રમેલા અવનવી રમતો,કોઈ પણ સાધનની અપેક્ષા ન રાખતી રમતો,ઘણીવાર પડીને થયેલી ઇજાઓ,તેના પપ્પા દ્વારા કહેવામાં આવેલી વાર્તા,તે જ ફળીયામાં ખુલ્લા આસમાનમાં સુતા સુતા તારા જોવા,ધ્રુવ તારા પરથી ઉત્તર દિશા નક્કી કરવી,તે ઠંડા પવનને માણવો,ક્યારેક બધા પડોશી ભેગા થઈને ફળીયામાં બેસી જમવું,અગાસી પર ઉજેવેલી ઉત્તરાયણ આ બધું તેની નજર સમક્ષ તરી આવ્યું.તેની આંખો ભીંજાઈ અને થોડીવાર બાદ તે સ્વસ્થ થયો અને પહેલા તેને મહત્વનું કામ કરી લેવાનું વિચાર્યું.તેને સૌથી પહેલા રૂમમાં પડેલ પટારો ચેક કરવાનું વિચાર્યું.તેના પગ ઓરડા તરફ ઉપડ્યા.
****
ક્રમશ:
પ્રતિભાવ 7434039539 પર મોકલો