પ્રકરણ 5
"મારા પપ્પાને પણ એમને તો ખુદને નથી ખબર" રુદ્રએ કહ્યું. રુદ્રનો ગુસ્સો હવે આશ્ચર્યમા ફેરવાયો હતો.
"હા મને થોડીવાર પહેલા જ મયંકે વાતવાતમાં કહ્યું હતું,અને મને લાગ્યું કે તારા પપ્પાને જાણવું જરૂરી છે.જો ભાઈ એક વાત કહું મને કોઈ ફરક નથી પડતો કે તું જુગાર રમે કે સટ્ટો,પણ ગૃહપતિ તરીકે મારી ફરજ છે કે તમારા ભવિષ્યને લગતી તમામ વાતો તમારા વાલીને કરું. તારા પપ્પા ખૂબ ગુસ્સામાં છે લે વાત કર"કહી મહેન્દ્રએ ફોન ડાયલ કરી તેને આપ્યો.
"હાલો પપ્પા"રુદ્રએ સહેજ કાપતા અવાજે કહ્યું.તે જાણતો હતો કે તેના પપ્પાને આ વાતની જાણ થવાનો અર્થ શું હતો.
"રુદ્ર,તું આ રવાડે કે'દીનો ચડી ગયો" સામેથી ગુસ્સાપૂર્ણ અવાજ આપ્યો.
"સોરી પપ્પા પણ..." રુદ્ર કઇક કહેવા જતો હતો ત્યાં તેના પપ્પાએ અડધેથી અટકાવતા કહ્યું "તારા સોરીનું હું શું અથાણું કરૂ,આપણી પેઢીમાં લગભગ કોઈએ સોપારીને પણ હાથ નથી લગાવ્યો ને તું સિધો સટ્ટાનું વ્યસન.એ પણ આટલી નાની અને ભણવાની ઉંમરે!" ફરી એ જ ગુસ્સાપૂર્ણ અવાજે કહ્યું.
"અરે પણ પપ્પા મારી વાત તો સાંભળો.હું કોઈ જુગાર નથી રમતો.હું તો બસ સ્ટોકમાર્કેટમાં ટ્રેડિંગ કરું છું.એ પણ પુરેપૂરું રિસ્ક મેનેજમેન્ટ કરી,અને એ પણ મારા બચતના પૈસાથી જ તો એમાં વાંધો શુ છે?" રુદ્રએ કહ્યું.
"હવે રિસ્ક મેનેજમેન્ટને તડકે મુક આમા કઈક લોકો કોરોડોના દેણામા છે. તું એવું કંઈ રમે એ જરાય પસંદ નથી"
"તો પપ્પા તમને જો કોઈ પ્રોબ્લેમ હોય તો એટલીસ્ટ મારી સાથે વાત કરી શક્યા હોત.આ ગૃહપતિએ મને બે તમાચા માર્યા છે એ પણ કારણ વગર" રુદ્રએ સહેજ ઢીલા અવાજે કહ્યું.
"અરે તમાચા ન મારે તો શું તારી આરતી ઉતારે?મેં તારું બેન્ક અકાઉન્ટ ચેક કર્યું ઘણા ગોટાળા છે.મેં જેટલા ટ્રાન્સફર કર્યા છે એ તો એક જ દિવસમાં ઉડી ગયા છે!"
"પણ એટલીસ્ટ પપ્પા હું તમારો દીકરો છું.તમે,આપણે શાંતિથી બેસીને આ વાતનો કોઈ નિર્ણય લઈ લેત.આ વાતમાં થર્ડ પર્સનને સામેલ કરવાની કોઈ જરૂર નહોતી" રુદ્રએ મહેન્દ્ર તરફ નજર કરતા કહ્યું.
"હવે નિર્ણયવાળી,તારો નિર્ણય તો તું ઘરે આવીશ ત્યાંરે કરીશ પણ અત્યારે તો તને તારા સર જ સીધો કરશે ફોન આપ એમને."
"પણ પપ્પા તમને મારા પર ભરોસો નથી ₹? તમને જો નહીં પસંદ હોય તો હું નહિ કરું" રુદ્રએ આજીજીના સ્વરમાં કહ્યું. હકીકતમાં રુદ્રને મહેન્દ્રના મારનો ડર હતો,તેને ઘણા વ્યક્તિને મહેન્દ્રનો માર ખાતા જોયા છે. મહેન્દ્ર કોઈ જાનવરની જેમ લોકોને ટ્રીટ કરે છે.
"હવે ફોન લાવ આ બાજુ....જી તમે કહો" મહેન્દ્રએ ફોન જુટવતા કહ્યું.હકીકતમાં મહેન્દ્ર એવું કેમ કરી રહ્યો હતો તે રુદ્ર સમજતો હતો.તે કોઈ દિવસ કામ વગર મહેન્દ્રને ન બોલાવતો અને બોલાવતો ત્યારે પણ કોઈ માનવાચક શબ્દ તેમાં નહોતા આવતા.તે મહેન્દ્રનું કોઈ કામ કરતો નહીં.તે એવું વિચારતો કે પોતે આખો દિવસ નવરો હોય તો તેને જ કામ કરવા જોઈએ.મહેન્દ્ર પણ ઘણા દિવસથી રુદ્ર કોઈ વાંકમાં આવે એની જ રાહ જોતો હતો.મયંક જેવા લોકો મહેન્દ્રની પૂંછડી થઈને ફરતા તે જે કાંઈ કહે તે કરતા.હકીકતમાં મયંકનો મહિનાનો ખર્ચ રુદ્ર કરતા વધી જ જતો.તે મુખ્યત્વે રાત્રે રૂમ પર પાર્ટી,રોજે મહેન્દ્ર માટે સિગાર અને સ્કૂલમાં ઇશીતા નામની એક છોકરી સાથે રવિવારે ક્યાંય બહાર જવું,એ ઓછું હોય તેમ તેને પોતાને સિગારેટનું વ્યસન હતું.તે રુદ્ર પણ જાણતો હતો,પણ તે કોઈની લાઈફમાં દખલ આપવામાં માનતો નહિ.
"જુઓ સર,આ રુદ્ર વાતથી સમજે એમ નથી.એને તમેં ઘરે ન આવે ત્યાં સુધી કોઈ પણ રીતે આ ધંધાઓથી દુર રાખો.હું તમને બધી છૂટ આપું છું.ઘરે આવે એટલે તો હું તેને સીધો કરી દઈશ"રુદ્ર તેના પપ્પાની વાત સાંભળી રહ્યો.તેના પપ્પા તેની સાથે આટલી કટ્ટરતાથી વર્તી શકે તેનો રુદ્રને કોઈ અંદાજો ન હતો.તે રુદ્રની કોઈ વાત કે આજીજી સાંભળવા તૈયાર જ નહોતા.
"તમે તમ-તતારે શાંતિથી સુઈ જાવ અને એની ચિંતા મારા પર છોડી દો" કહી મહેન્દ્રએ ફોન કાપ્યો અને ખૂણામાં પડેલી એક નેતરની સોટી હાથમાં લીધી.રુદ્ર કઇક કહેવા જતો હતો ત્યાં મહેન્દ્ર તેને કઈક વિચાર્યા વગર આડેધડ મારવા લાગ્યો.રુદ્રએ આટલો માર જીવનમાં કોઈ દિવસ ખાધો નહોતો.તે તેને સહન કરવાની શક્તિ તેનામાં ન હતી.
મહેન્દ્ર તેને કોઈ ઢોરની જેમ મારી રહ્યો હતો.રુદ્ર તેને બંધ થવા આજીજી કરી રહ્યો હતો,પણ તેની મહેન્દ્ર પર કોઈ અસર થતી નહોતી.રુદ્રનું દર્દ ચરમસીમા પર પહોંચ્યું હતું.તેને થયું કે જો આ થોડો સમય વધારે ચાલ્યું તો તેનો પગ અથવા હાથ તૂટી જશે.મહેન્દ્ર માર ક્યાં વાગી રહ્યો છે તે પણ નહોતો જોઈ રહ્યો.બે સોટી રુદ્રના માથા પર વાગી હતી.રુદ્રની તે સાથે જ ચીસ નીકળી હતી.રુદ્રના મગજમાં કોઈએ સોટ આપ્યો હોય તેમ ઝણકારા દેખાઈ રહ્યા હતા.તેના અવચેતન મનમાં એક દ્રશ્ય સર્જાય છે,કોઈ નાનું બાળક સિમેન્ટ લઈને કઈક કરી રહ્યું હતું.તે કઈક વિચારે એ પહેલાં સોટી તૂટવાનો અવાજ આવ્યો અને મહેન્દ્ર અટક્યો સાથે રુદ્રના મગજમાં ઉઠતી એક ખોવાયેલી યાદ પણ અટકી.રુદ્રને થોડો સમય મળ્યો તેનો તેને ફાયદો ઉઠાવ્યો અને બોલ્યો "સર,બસ કરો હું બધું છોડવા તૈયાર છું" રુદ્ર હવે રડમસ અવાજે બોલ્યો.તેને ખરેખર આખા શરીરમાં પીડા થઈ રહી.
"ઠીક છે આ વખતે જવા દવ છું પણ બીજી વખત ખબર પડી તો ચામડી ઉતારી લઈશ.કાઢ તારો મોબાઈલ અને મારી સામે બધું કાઢ" મહેન્દ્ર બરાડ્યો.
"ઠીક છે" કહી રુદ્રએ બધી એપ્લિકેશન ડીલીટ કરી.એટલે મહેન્દ્રએ ફોન તેની પાસેથી લઈ લીધો અને પછી કહ્યું "તારો ફોન દિવાળી વેકેશન સુધી અહીં જ રહેશે તારો લોક તું લગાવી શકે છે અને જ્યારે ઘરે વાત કરવી હોય ત્યારે મારા ફોનથી કરી લેજે અને હા તારું લેપટોપ હું જપ્ત નથી કરતો એનો ફાયદો તું નહિ ઉઠાવે" મહેન્દ્રએ કહ્યું અને કેબીનની બહાર નિકળ્યો,ત્યાં ઉભેલા સ્ટુડન્ટ્સે તેને રસ્તો આપ્યો.હકીકતમાં રુદ્રએ ફક્ત એપ્લિકેશન ડીલીટ કરી હતી.તેમાં તેના જુના પડેલા શેર તો હતા જ તે તેને સેલ કર્યા નહોતા. મહેન્દ્ર એ નહોતો જાણતો કે તેનો મોબાઈલ લેવાથી કશું વળવાનું નહોતું કેમ કે તે તેના આઈ ડી અને પાસવર્ડ નાખી તેનું એકાઉન્ટ લોગીન કરી શકે છે,રહી વાત ઓ.ટી.પીની તો તે સીમકાર્ડ હજી રુદ્ર પાસે જ હતું.મહેન્દ્રએ જે જપ્ત કર્યું તે રુદ્ર માટે એમ પણ કોઈ કામનું નહોતું,પણ રુદ્રએ આ મામલો શાંત ન થાય ત્યાં સુધી સ્ટોકમાર્કેટથી દૂર રહેવામાં ભલાઈ છે એવું લાગતું હતું.
રુદ્રએ એક નજર તેમની સામે કરી,બધા તેને જ જોઈ રહ્યા હતા.મયંક તેને જોઈ મૂછમાં હસી રહ્યો હતો.તેને તેના પર ગુસ્સો આવી રહ્યો હતો પણ તે અત્યારે કઈ જ કરી શકે તેમ ન હતો,એટલે સહેજ નિશાશો નાખી તે બહાર નિકળ્યો.તે મયંક પર એટલે ગુસ્સે ન હતો કે તેને તેની ફરિયાદ કરી,પણ તેને કોઈ પોતાની અંગત જીવનમાં દખલ કરે એ પણ કોઈ કારણ વગર તે જરા પણ પસંદ નહોતું.
"કોઈક મને એવું કહી રહ્યું હતું કે તેને સ્ટોકમાર્કેટમાં આઠ હજાર કારોડ બનાવવા છે " મયંકે કટાક્ષ કરતા કહ્યું.સાથે લગભગ બધા તેની વાત પર હસ્યાં.
રુદ્ર તેની વાત પર કોઈ પણ રીએક્શન આપ્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો.તેને મહેન્દ્રના માર કરતા તેના પપ્પાના વર્તાવથી વધારે આઘાત લાગ્યો હતો.તેના પપ્પાએ તેના પર આજે પહેલી વાર અવિશ્વાસ કર્યો હતો.તે રૂમમાં જઈ આડો પડ્યો,અવિનાશ હજી કેબીન
પાસે જ હતો.
"રુદ્ર તું ઠીક છો ને" રવિએ રૂમમા આવતા કહ્યું.
"અરે રવિ,તું? તું ન આવ્યો તમાશો જોવા" રુદ્રએ ફિક્કું હસતા હસતા કહ્યું.
"હું એ બાજુથી આવતો મોટો અવાજ સાંભળી તે તરફ આવ્યો હતો પણ તને મારતા જોઈ,ઈનફેક્ટ હું કોઈને આમ માર ખાતા ન જોઈ શકું.સો પાછો ઉપર આવીને તારી રાહ જોવા લાગ્યો."રવિએ કહ્યું.
"હા યાર કઈક વધારે જ ધુલાઈ કરી.મારો મોબાઈલ પણ લઈ લીધો કહે છે વાત કરવી હોય તો મારી પાસે આવી જજે" રુદ્રએ તેના પગની પાછળ સહેજ સિસકારા સાથે દબાવતા કહ્યું.
"અરે એના મોઢે લાગવાની જરૂર નથી તું મારા મોબાઈલમાંથી કોલ કરી લેજો" રવિએ કહ્યું.
"થેન્ક્સ રવિ" રુદ્રએ કહ્યું.
"ઠીક છે રુદ્ર હું નીકળું જરૂર હોય તો કહેજે" રવિએ કહ્યું.
"એક મિનિટ રવિ મારે અત્યારે જ એક કોલ કરવો છે શું કરી શકું"રુદ્રએ કહ્યું.
"હા હા કેમ નહી" રવિએ મોબાઈલ આપતા કહ્યું.
રુદ્રએ મોબાઈલ લઈ દિયાને કોલ કર્યો
"હાલો કોણ" દિયાએ કહ્યું.
"રુદ્ર બોલુ છું શુ તું મને ગાર્ડનમાં મળી શકે"રુદ્રએ કહ્યું
"અત્યારે,શુ થયું એવું? ગેટ પણ બંધ થઈ ગયો છે."
"વાત ખૂબ સિરિયસ છે મેં કઈક નિર્ણય લીધો છે અને અત્યારે નહિ પણ એક વાગ્યા આસપાસ મને મળી શકે.ગેટ સિવાય ક્યાંથી આવવું એ તું જાણે છે."
"એટલું લેટ...બહુ સિરિયસ વાત લાગે છે,તું ચિંતા ન કર હું કોઈ પણ કિંમતે આવી જઈશ" દિયાએ કહ્યું,દિયાને રુદ્રના અવાજમાં કઈક બદલાવ અને દર્દનો અહેસાસ થતો હતો.
"રવિ,હું ઈચ્છું છું કે તું આ વાત કોઈને નહીં કહે,આટલો ઉપકાર મારા પર કરી દે."રુદ્રએ કહ્યું.
"અરે,રુદ્ર એમા ઉપકારની શી વાત છે,પ્રોમિસ હું કોઈને નહીં કહું" રવિએ કહ્યું.
"દોસ્ત ,મારા માટે એ પણ ઉપકાર જ છે. રુદ્ર કોઈનો ઉપકાર રાખતો નથી.ભવિષ્યમા તેની કિંમત હું ચૂકવી દઈશ" રુદ્રએ કહ્યું અને બેડ પર કોઈ અતિથાકેલ નૃત્યાંગનાની જેમ આડો પડ્યો અને રવિ એક સ્મિત સાથે બહાર નીકળ્યો.
ક્રમશ:...