Asmani Rangni Chhatri re.. - 13 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | આસમાની રંગની છત્રી રે.. - 13

Featured Books
Categories
Share

આસમાની રંગની છત્રી રે.. - 13

13.

પણ બિંદિયાને ભોલારામ પર અનુકંપા ઉપજી હતી. એ એના પોતાના પાપે સાવ બેકાર બન્યો હતો. એનાં દુઃખ માટે એ પોતે જ જવાબદાર હતો. છતાં બિંદિયાને લાગતું કે થોડે અંશે પોતાની છત્રી અને એ રીતે પોતે ભોલારામની દુર્દશા માટે જવાબદાર છે.

ભોલારામે તો છત્રી  પરનો મોહ છોડી દેવા મન મનાવવા  પ્રયત્ન કરેલો પણ એ મોહ છૂટતો  ન હતો. એણે હવે છત્રી મેળવવાની આશા જ છોડી દીધેલી. એને પસ્તાવો પણ થતો કે પોતે એક ખોટું પગલું ભરી બેઠો ને એની આબરૂ તો ધૂળમાં મળી ગઈ, ધંધો પણ બેસી ગયો. આવું ન કર્યું હોત તો?

બિંદિયા હવે ભોલારામની  દુકાન પાસેથી પસાર થાય એટલે છત્રી બંધ કરીને બગલમાં સંતાડી દેતી અને પોતે દુકાનમાંથી દેખાતી બંધ થાય ત્યારે જ છત્રી ખોલતી. છતાં એનો જીવ ભોલારામને જોઈ કચવાતો.

એક દિવસ સ્કૂલેથી પાછી ફરતાં એ પોતાને વાપરવા મળેલ દસ રૂપિયાનો સિક્કો લઈ ભોલારામની  દુકાને ગઈ. એણે છત્રી બાજુમાં મૂકી અને સિક્કો કાઉન્ટર પર મૂકી ચોકલેટનું પેકેટ માંગ્યું. 

પહેલાં તો ભોલારામ એની સામે શંકાથી જોઈ રહ્યો. આજે, બલ્કે આખા  અઠવાડિયાં પછી એ પહેલી ઘરાક આવેલી! એ એની મઝાક કરવા કે ટોન્ટ  મારવા નથી આવી ને? એણે બિંદિયા સામે ધારીને જોયું. એ જ માસૂમ ચહેરો, આછું સ્મિત.

એણે સિક્કો ઉઠાવી આમતેમ ફેરવી જોયો. ક્યાંક ખોટો સિક્કો તો પધરાવી દેતી નથીને? એવું કશું ન લાગ્યું એટલે એણે બરણીમાંથી  કાઢી ચોકલેટનું પેકેટ બિંદિયાને આપ્યું અને “આવતી રહેજે”  કહ્યું.

બિંદિયા પગથિયાં ઉતરી એની મસ્ત ચાલે ફુદકતી  ચાલતી ગઈ. ભોલારામે દુકાનના ખૂણે અમસ્તો જ નજર નાખી. ત્યાં એનું ધ્યાન પડ્યું- દુકાનના ખૂણે એ ભૂરી છત્રી પડેલી!!

આ તો “ન માગે દોડતું આવે”!  એણે  એ ખૂણે જઈ ધ્રુજતા હાથે છત્રી ઉપાડી, એની ઉપર હાથ ફેરવ્યા કર્યો. આમતેમ ફેરવી, ખોલી.

અને.. એણે બૂમ પાડી “અરે ઓ બિંદિયા, તારી છત્રી તું અહીં ભૂલી ગઈ છો.”

બિંદિયા તો ઘણે આગળ જતી રહેલી. ભોલારામે  બિંદિયાની સ્કૂલની કોઈ છોકરી પાછળ આવતી હતી એને બોલાવી ને કહ્યું કે એ બિંદિયાને બોલાવી આવે.

બિંદિયા આવી. ભોલારામે એને છત્રી આપતાં  કહ્યું કે એ  પોતાની છત્રી  અહીં ભૂલી ગઈ હતી.

બિંદિયાએ કહ્યું “ ભોલાકાકા, મેં જ તમને આપી છે. હવે તમે રાખો.”

ભોલારામ  માની શક્યો નહીં કે આ સપનું છે કે સાચું. એણે પોતાને  ચીંટીઓ ભર્યો.

બિંદિયાની સામે જ એણે  છત્રી ખોલી, બંધ કરી, ફરી ખોલી ગોળગોળ ફેરવી, ક્યાંય સુધી એનાં સુંવાળાં સિલ્કના  કાપડ પર હાથ ફેરવ્યા કર્યો અને એક ખૂણે મૂકી. એની આંખમાં આંસુ આવી ગયાં.

બિંદિયા ગઈ. ભોલારામ  છત્રી ખોલીને દુકાનના એક અંધારા ખૂણે  ઊભો રહ્યો. ઉપરથી આવતું પ્રકાશનું ચાંદરણું એની છત્રીએ ઝીલ્યું.

“હું ક્યાં બહાર જાઉં છું કે મારે  આ છત્રીની જરૂર પડે? આમેય રાખી રાખીને તો દુકાનમાં જ ને? હવે કોણ દુકાને આવે છે કે જોવાનું?” કહેતાં એણે એ અંધારા ખૂણે છત્રી એમ જ બંધ કરીને મૂકી.

હવે ભોલારામ  એની પ્રબળ ઇચ્છા હતી તે ભૂરી છત્રીનો સામેથી ભેટ મેળવી માલિક બની ગયો હતો.  જ્યારે આ રીતે કશું ખૂબ તીવ્રતાથી વાંછેલું મળી જાય ત્યારે એનો આનંદ મનમાં છલકાય છે અને ચહેરા પર, શરીરનાં રોમરોમમાંથી ડોકાય છે.  ભોલારમ એ રીતે સંતુષ્ટ લાગતો હતો.

છત્રી આવી એટલે લોકોને બતાવવી તો ખરી ને? એ માટે એ રોજ છત્રી ખોલીને બહાર નીકળતો. એની તાકાત નહોતી કે ગામને પાદરની ટેકરી ઉતરી, વાહન કે ખચ્ચર  પર તે તાલુકાના શહેર જઈ ખરીદીઓ કરે. પણ ગામમાં પણ ખાસ તો વહેલી સવારે છત્રી ખોલી એક મોટો આંટો મારતો. એમાં એની તબિયત પણ સુધરવા લાગેલી. ખાસ ફિટ તો નહીં પણ બેઠાડુ હોઈ અદોદરો  લાગતો એ  હવે થોડો વ્યવસ્થિત લાગતો.

ક્રમશ: