Asmani Rangni Chhatri re.. - 12 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | આસમાની રંગની છત્રી રે.. - 12

Featured Books
Categories
Share

આસમાની રંગની છત્રી રે.. - 12

12.

રાજારામ ઊંચો હતો પણ બિજ્જુ ઘણો ખડતલ હતો. એણે એક છલાંગ લગાવી ભાગતા રાજારામને પગેથી પકડી ખેંચ્યો અને પાણીમાં બેય વચ્ચે કોઈ ફિલ્મ જેવી મારામારી થઈ.

રાજારામ ઊભો થઈ બિજ્જુએ  પકડેલા પગે પાછળ લાત  મારતો ભાગ્યો પણ  પગ છોડાવવામાં સફળ થયો નહીં.

સમતુલન ગુમાવી એક છબાકા સાથે એ  પાણીમાં પડ્યો અને છત્રી છૂટી ગઈ. બિજ્જુએ  એ ઝડપથી વહેતાં  વહેણ સાથે વહેતી છત્રી પકડી પાછળ આવતી બિંદિયા તરફ ઘા કર્યો. બિંદિયાએ  વહેતાં વહેણમાં થોડા હાથપગ મારી તણાતી છત્રી પકડી લીધી.

કાદવમાં ખરડાયેલા “બેય બળિયા  બાથે વળિયા” . પાંચેક મિનિટ તેઓ એક બીજા પર ગોળ ગોળ સવાર થતા, આળોટતા લડી રહ્યા. આખરે રાજારામ થાક્યો. કહે “મને જવા દે. આ ફાટલી નક્કામી છત્રીનું મારે કોઈ કામ  નથી.”

બિજ્જુએ  હજી એની બોચી પકડી એની બાજુમાં બેસી  પૂછ્યું “તો તું શું કામ આ છત્રી લઈ ભાગતો હતો, એ પણ આવું જોખમ લઈને?”

“સાલો નાલાયક ભોલો. એણે મને કહ્યું કે જો હું આ છત્રી નહીં લાવી શકું તો એ મને નોકરીમાંથી કાઢી મૂકશે.”

**

વખત વીતતો ગયો. ઓક્ટોબર મહિનો 

આવી પહોંચ્યો. પહાડ પર વહેલી સવારે ધુમ્મસ અને બપોરે સૂર્ય તાકાતથી પ્રકાશતો હોય.  આસપાસનો પહાડી પ્રદેશ લીલો છમ બની ગયો હતો. પાઈનની સુગંધથી વાતાવરણ ભરાઈ જતું હતું. શિયાળો બેસવાને હજી વાર હતી. લોકો હવે પોતાની પ્રવૃત્તિઓમાં પરોવાઈ પહાડથી શહેરમાં આવતાં જતાં હતાં.

બિંદિયાની વ્હાલી ભૂરી છત્રી હવે રંગ ઊડી જઈ અઘોટી એટલે કે સાવ ઝાંખા રંગની બની ગઈ હતી. તેનો ભૂરો રંગ ઉડીને દૂધીયો આસમાની બની ગયેલો. એક રીતે એ હવે સાવ નવા રંગની લાગતી હતી પણ હવે ચાર પાંચ જગ્યાએ બિંદિયાની મા એ હાથેથી ટાંકા લીધા છે એ દેખાઈ આવતું. છતાં હજી એ ગામલોકો માટે ઈર્ષ્યાનું કારણ હતી. બિંદિયા પણ કંઈક અંશે છત્રીથી ધરાઈ ગઈ હતી. છતાં છત્રી લઈ એ  ખોલીને જ નીકળતી ને લોકોની આંખો ચાર થઈ જતી.

ભોલારામની માઠી બેઠી હતી. એની દુકાને હવે બહુ પાંખી ઘરાકી રહેતી હતી. લોકો થોડું ચાલીને કે મળે તે વાહનમાં સહેજ દૂરનાં તાલુકા મથકે જઈ ખરીદી કરતાં હતાં. 

મૂળ કારણ એ કે  બિંદિયાની છત્રી ચોરાવી લેવાના તેના પ્રયાસની વાત બહાર પડી ગઈ હતી એટલે લોકોનો એના ઉપરથી વિશ્વાસ ઊઠી ગયેલો. આમ પણ એની ટેવો કે સસ્તું પડાવી લઈ બીજે મોંઘું વેંચવું, ઉધાર આપી અનેક ગણું માગવું ને એવું લોકોને ખટકતું તો હતું જ.

એક વાર બિજ્જુના  હાથમાંથી છૂટ્યા પછી રાજારામે ભોલારામની નોકરી મૂકી દીધી હતી. બીજી વાર એને ફસાવું ન હતું. નહીંતર પણ એ છત્રી ઉઠાવી લેવામાં નિષ્ફળ ગયો એટલે ભોલારામ એને કાઢી જ મૂકવાનો હતો. એ પછી હવે તો ભોલારામની દુકાન ચાલતી જ ન હતી એટલે એને નોકરીમાં રાખી શકાય એમ હતું જ નહીં.

સ્કૂલનાં છોકરાંઓમાં તો ભોલારામ  મઝાકનું પાત્ર બની ગયેલો. દુકાનની દીવાલ પર કોઈ બાળકે ‘ભોલારામ’  માં ભોલા પર ચોકડી મારી લુચ્ચારામ  લખેલું. ખાનગીમાં  બાળકો ભોલો છત્રીચોર અને એવું  બોલતાં હતાં.

ભોલાને તો પેટ ભરવા પૂરતું કમાવાના પણ સાંસા પડવા લાગ્યા હતા. એ દુઃખી ને દુઃખી ચહેરો કરી  થડે બેઠો રહેતો.

બિજ્જુ  આમ પણ મસ્તીમાં સીટી વગાડતો  ચાલતો એમાં ભોલાની  દુકાન આવે એટલે ખાસ મોટેથી સીટી વગાડતો દુકાન તરફ જોતો જતો હતો.  કોઈ કારણ ન હોય તો સમજતો હોવા છતાં ભોલારામ શું કરી શકે?એક વાર બિંદિયાને ઘેર સહુમાં વાત નીકળી કે ભોલારામ આજકાલ એકદમ ગમગીન બની મોં પહોળું કરી બેઠો હોય છે. બિજ્જુ  કહે "એક માઈલ લાંબુ મોં કરીને બેઠો હોય છે સા.. ઘુવડ."

ઘરના સહુ આ વાત પર હસી પડ્યાં.

ક્રમશ: