Talash 3 - 46 in Gujarati Thriller by Bhayani Alkesh books and stories PDF | તલાશ 3 - ભાગ 46

Featured Books
Categories
Share

તલાશ 3 - ભાગ 46

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

શ્રીનાથદ્વારામાં રાજભોગના ભવ્ય દર્શન પૂર્ણ થતાં જ મંદિરના દ્વાર મર્યાદિત સમય માટે બંધ થઈ ગયા, અને બપોરની એક અનોખી શાંતિમાં વાતાવરણ માં પ્રસરવા મંડી. હમણાં સુધી દર્શન કરવા માટે આતુર ભાવિક ભક્તોના કોલાહલથી ધમધમતું મંદિરનું પરિસર જાણે થાકેલા ભક્તોની સાથે સ્પર્ધામાં કરતું હોય, એમ સુસ્તાવા લાગ્યું. ફૂલ ઘર, સામગ્રી ઘર, ગૌશાળામાં પણ શાંતિ છવાઈ ગઈ. રસ્તા કોઈ એદી પથારીમાં આળોટતો હોય એમ તંદ્રામાં સરી પડ્યા. બજારની દુકાનો પણ અડધી શટરો નીચે કરી સુસ્તાઇ રહી હોય એવી પિછવાઈ પેઈન્ટિંગ, ભગવાનના કપડાં અને પ્રસાદ વેચતી દુકાનના માલિક અને એમાં કામ કરનારા નજીકમાં ઘર હોય તો ત્યાં અથવા દુકાનમાં જ માથે નેપકીન કે પંચિયું નાખી આરામ કરવાની કોશિશમાં પડ્યા હતા. અને માંડ એમને જરાક ઝપ વડે કે અચાનક કોઈ કોઈ યાત્રાળુ થાકેલા પગલાં પસાર થાય અને ઘરાક આવ્યાની આશાથી એમની તંદ્રા માં ખલેલ થવા લાગી. કેમ કે રડ્યા ખડ્યા યાત્રાળુ હજી રેસ્ટોરાં, કે લોજમાં થી પોતાની ધર્મશાળામાં પરત ફરી રહ્યા હતા. તો કેટલાક લોકો સગાવ્હાલા કે પાડોશી, મિત્રો ને આપવા મહેંદી કે સાડીની દુકાનમાં ખરીદી કરીને પોત પોતાની ધર્મશાળામાં પહોંચી રહ્યા હતા, કેટલાકને 2-3 કલાકમાં પાછું પોતાના ગામ શહેર ભણી જવાનું હોવાથી ઉત્થાપન ભોગ ના દર્શન ક્યારે ખુલશે? એ દર્શન થશે કે નહિ, ફરી ક્યારે અહીં શ્રી નાથજીના દર્શન કરવા આવી શકીશું, એવા વિચારમાં પડ્યા હતા, અને અહીંના સ્થાનિક લારી, ગલ્લા, દુકાને કે મંદિરના રખેવાળ સાથે વાત કરી રહ્યા હતા. કાળઝાળ મેના તાપમાં આ શાંતિ ભંગ કરતી ખુશખુશાલ વસ્તુ એવી ઠંડાઈની દુકાન.માં કાચના પારદર્શક ગ્લાસમાં સિકંજી, ગુલાબ શરબત, કે બદામ ઠંડાઈ પીતા યાત્રાળુઓ માટે રાહતરૂપ હતી કેટલાક લોકોનો જમાવડો અહીં પણ હતો. એકાદ દુકાન પર “રબડી કુલફી” માટે લાઈનમાં ઊભેલા બાળકો અને તેમની માવતર પણ પોતાની આગળનો ગ્રાહક જાય એની રાહ જોઈને ઉભા હતા. ધર્મશાળામાં અંદરથી હલકી ચહલપહલના અવાજ આવતા હતા, કેટલાક ભક્તો સૂઈ ગયા હોય, કેટલાક ખાટલા બહાર લાવી આરામમાં બેઠા હતા એવે વખતે સોનલ મોહિની અને નાઝ ધર્મશાળાના મુખ્ય દરવાજે પહોંચ્યા. 

"તમે લોકો ફટાફટ મારી રૂમમાં આવો મારો દેર અને વરતો રાબેતા મુજબ અહીં પણ બિઝનેસ ડેવલપ કરવા નીકળી ગયા છે. ખબર નહિ સાંજે આવશે કે પછી કાલે, આપણે શાંતિથી બેઠા બેઠા આ ઠંડાઈ પેક કરાવી છે એની મજા માણતા માણતા વાતોના તડકા મારીશું." નાઝે સહેજ હસીને કહ્યું. 

"અરે ના, નીના ભાભી હું બહુ થાકી ગઈ છું. મારે આરામ કરવો છે." મોહિનીએ કહ્યું. અને નાઝના મોતિયા મરી ગયા. ઠંડાઈની દુકાને પાર્સલ પેક કરવાનું કહીને બાજુની મુખવાસની દુકાન માંથી એણે સોનલ અને મોહિનીને સાથે રાખીને 6-7 જાતના મુખવાસની ડબ્બી ખરીદી હતી, અને મોહિની એ એના રૂપિયા ચૂકવ્યા હતા. તો નાઝે ઠંડાઈની દુકાન માં સરખો 'બરફ' નાખીને પાર્સલ ફરીથી બનાવવા નું કહ્યું અને રૂપિયા ચૂકવ્યા હતા.  

"પણ, મેડમ હમણાં તો તમે .." દુકાનદાર કઈ કહેવા જતો હતો તો નાઝે એને રોકીને સત્તાવાહી અવાજે કહ્યું. "મેં કહ્યું ને તમને અમને ચિલ્ડ સ્પે. ઠંડાઈ જોઈએ છે. આ લો 100 રૂપિયા બીજા પણ મેં કહ્યું એમ પેક કરી આપો." દુકાનદાર 100 રૂપિયા જોઈ અને પીગળ્યો હતો અને ફરીથી સરખો બરફ નાખી અને ઠંડાઈ પેક કરી આપી હતી. હવે મોહિની ફસકી જશે તો પોતાનો પ્લાન ચોપટ થઇ જશે એવું વિચારીને નાઝે કહ્યું. "મોહિની ભાભી તમે આ શોપિંગ બેગ તમારી રૂમમાં મૂકી ને ફ્રેશ થઈને મારી રૂમ પર આવો આપણે સાથે ઠંડાઈની મજા માણીશું, એટલી વાર વાતો કરીશ. પછી આજે સાંજે નિરાંતે અહીં વરંડામાં ઠંડી હવા ખાતા ખાતા બેઠક જમાવશું બસ.પણ જો જો હો સાંજે પાછું ઊંઘનું બહાનું ના કાઢતા આ મારા વાળા બેય બુડથલ તો ક્યારે આવશે કઈ નક્કી નહિ, એટલે મને સથવારો આપજો."

"ઓકે, હું અને મોહિની બંને તમારી રૂમમાં પાંચ મિનિટમાં આવીયે છીએ ખુશ." મોહિનીને બદલે સોનલે કહ્યું.

"મને કંપની આપવા માટે થેન્ક્યુ સોનુ. તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે." કહીને નાઝે પોતાની રૂમ નું લોક ખોલ્યું. અને સોનલ-મોહિની એ બાજુમાં જ રહેલ પોતાની રૂમનો દરવાજો ખખડાવ્યો. જ્યા બાએ ધીરેથી દરવાજો ઉઘાડયો અને કહ્યું."સહેજ શાંતિ રાખજો સુરેન્દ્ર હમણાં જ સૂતો છે."

"ઓકે ફૈબા, હું અને મોહિની સહેજ ફ્રેશ થઈને બાજુ વાળા નિયા ભાભીના રૂમમાં આરામ કરીશું, તો બાપુને ડિસ્ટર્બ નહિ થાય અમે બસ 2 મિનિટમાં ફ્રેશ થઇ નીકળી જાશું."

"તો બેટા ધીરેથી દરવાજો ખેંચીને નીકળી જજો. મને બહુ થાક લાગ્યો છે હું ય એક ઝોલું ખાઈ લઉ છું. કહી જયાબા પોતાની રૂમ માં ઘુસ્યા. સુરેન્દ્રસિંહ હોલમાં સુતા હતા ને 2 રૂમ હોલ વાળો આ ધર્મશાળાનો કમરામાં બન્ને બેડરૂમ અને હોલમાં એસી લાગેલા હતા.  

xxx 

"જા મોહુ, તું બાથરૂમ ફ્રેશ થઈ આવ મારે એક કોલ કરવો છે, હું રીશેપ્શન બહારના સોફા પર બેઠી છું." બાથરૂમની બહાર આવતા સોનલે કહ્યું અને ઉમેર્યું, "જોજે પાછી જીતુડાના સપનામાં ખોવાઈ ન જતી, અને ધીરેથી દરવાજો ખેંચીને ફટાફટ આવજે. આજે આપણે કંઈક એડવેન્ચર કરવું છે."

"અરે શેતાન તારા દિમાગ માં શું ચાલી રહ્યું છે. મને કંઈક તો કહે,"

"ધીરે બોલ, બાપુ માંડ ઊંઘ્યા છે, છેલ્લા 3-4 દિવસમાં જે બની રહ્યું છે, એનાથી ડિસ્ટર્બ છે રાત્રે પણ મેં 2-3 વાર હોલ આવીને જોયું તો જાગતા પડ્યા હતા, અને તું તો ભેંસ ની જેમ મોજમાં સૂતી સૂતી જીતુડાના સપના જોતી હતી, હવે ફટાફટ ફ્રેશ થઈને બહાર આવ." કહી ને સોનલે હોલનું બારણું હળવેકથી ઉઘાડ્યું અને બહાર નીકળી ગઈ.

xxx 

"શાહિદ, તું ક્યાં પહોંચ્યો છે?" ગભરાયેલ અવાજે નાઝ પૂછી રહી હતી, 

"રાજસ્થાનનો નજારો જોતા જોતા આરામથી પડ્યો જાવ છું. બોલ શું હતું." મસ્તીમાં શાહિદે જવાબ આપ્યો. 

"તું નાથદ્વારામાં કેટલા વખતમાં પહોંચી શકીશ?" નાઝે જે રીતે પૂછ્યું એનાથી શાહિદ ચોંક્યો હતો. એણે કાર સાઈડમાં લીધી અને ચિંતિત સ્વરે પૂછ્યું. "શું થયું નાઝ? કઈ પ્રોબ્લેમ છે? હું અર્ધો કલાકમાં જોધપુર પહોંચીશ, આમ તો વહેલા પહોંચત પણ હું અબ્બુને મળવા રોકાઈ ગયો હતો."

"કાશ, અઝહર પણ એના અબ્બુને મળવા રોકાયો હોય તો સારું, તું એને પૂછ, અને બને એટલો જલ્દી મને રાજસમન્દથી જોધપુર ના રસ્તે 4 કિલોમીટર પછી પેટ્રોલ પંપ પર મળ." 

"શું થયું છે એ તો કહે?" 

"કઈ ખાસ નહિ મારો કાકો અહીં આવ્યો છે."

"કોણ? ઈરાની અંકલ, કેમ એમાં શું છે."

"અરે ડફર, ગુલાબચંદ ગુપ્તા, ઓલા જેસલમેર વાળા મિશનમાં હું જેની ભત્રીજી બની હતી એ."

"તું પાગલ ઔરત, મેં તને કહ્યું હતું કે 12-15 લાખના વીંટી અને ઘરેણાં, ઓલી મુંબઈની છોકરીના લુટવાનું ચક્કર છોડ, અને મારી સાથે ચાલ બિકાનેરથી પાકિસ્તાન આપણે 5-6 કલાકમાં પહોંચી જાત, અને મારે કોઈ મિશન હોત તોય તું એકલી જઈ શકત, પણ તમને બૈરાઓને, xxx"

"બસ હવે મારો શોહર હોય એમ રાડો પાડવાનું બંધ કર. મને ખબર છે કે તારે મને તારી સાથે શું કામ રાખવી હતી, સાલા હવસખોર, હવે મને કહે કે રાજસમંદના પેટ્રોલ પમ્પ પર ક્યારે મળીશ?” 

"નાઝ ડાર્લિંગ તારી ચિંતા થાય છે એટલે કહ્યું, અને તારા બીજા શોહરને ય મારા પર શક આવશે, મને લગભગ 3 થી 4 કલાક ત્યાં પહોંચતા થશે. શું ઓલા કાકાએ તને જોઈ છે?

"ના એને ખબર નથી, હું ઓલી 2 છોકરીની રાહ જોતી હતી બારણું ખુલ્લું રાખીને, અચાનક બાજુનું બારણું ઉઘાડ્યું અને તેમાંથી મારો કાકો બહાર આવ્યો એટલે મેં ફટાકથી બારણું બંધ કરી દીધું. હવે એ બેય અલેલટપ્પુ, મંદબુદ્ધિ આપણી રૂમમાં ગમે એ મિનિટ આવશે, બસ પછી માત્ર 10 મિનિટમાં મારુ કામ પૂરું થઈ જશે અને હું અહીંથી નીકળી જઈશ.” 

"જોજે પછી ધર્મશાળા નું ભાડું દેવા ન ઉભી રહેતી, અને 10 મિનિટમાં તું કેવી રીતે.."

"અહીં ગરમી બહુ છે, એટલે અમે ત્રણે ઠંડાઈ પીવાના છીએ, અને આપણે ક્યાં દિવસે હોટેલ કે ધર્મશાળાનું ભાડું આપ્યું છે કે આજે આપું? આપણા મિશનમાં મુખ્ય કમાણી તો એ જ હોય છે." સહેજ હસીને નાઝે કહ્યું અને ઉમેર્યું, "અઝહરને ખબર કર અને બંને મને 6 વાગ્યે મેં કહ્યું ત્યાં મળો, મારો આ ખેલ પતાવીને હું, ચીફ સાથે વાત કરી લઈશ એ તમે બન્ને મારી સાથે છો. જીવનમાં આટલી ગભરામણ ક્યારેય નથી થઈ,"

"ઓકે ટેઈક કેર, હું અઝહરનો કોન્ટેક્ટ કરું છું, મોબાઈલ નહિ લાગે તો ખાનગી ચેનલમાં મેસેજ મૂકી દઈશ, ફક્ત એક દુવા કરજે કે એણે ઉદયપુરથી દિલ્હીની ફ્લાઇટ ન પકડી હોય અને રોડ પરથી જ ગયો હોય." કહીને શાહિદે ફોન ડિસકનેક્ટ કર્યો.

xxx  

 "તમે પ્લીઝ, થોડી ઝડપથી કાર ચલાવશો? મારે ચાર વાગ્યે કોઈક ને કુંભનગઢ માં મળવાનું છે? " બિકાનેર ક્રોસ કર્યા પછી શ્રી નાથદ્વારા ના રસ્તે એક સ્વચ્છ ધાબા પર રાજસ્થાની ભોજન જમતા જમતા વિક્રમ, એની સાથેના આઈબી, ઓફિસરને કહી રહ્યો હતો.

"સર, તમારી સુરક્ષાની જવાબદારી અમારા પર છે, રસ્તામાં કઈ અકસ્માત થયો તો અમારી બધાની નોકરી જશે,"

"તમારી આખી જિંદગી તમે જીવો ત્યાં સુધી હું તમને મળે છે તેનાથી ડબ્બલ રકમ દર મહિને આપતો રહીશ, મેં તમને ત્યારે જ કહ્યું કે એક ચાર્ટર ફ્લાઇટ બુક કરી લો આપણે અત્યારે શ્રી નાથદ્વારા માં હોત," સહેજ ધૂંધવાતા વિક્રમે કહ્યું. 

"ભલે હું કોશિશ કરીશ કે તમને ચાર વાગ્યા સુધીમાં કુંભનગઢ પહોંચાડી દઉં, આમેય ત્યાં નવી ટીમ તમને શ્રી નાથદ્વારા પહોંચાડવા માટે તૈયાર હશે," કહી ને આઈબી ઓફિસ હાથ ધોવા ગયો, એના સાથીઓ (ઓલી લેડી ડ્રાઈવર પણ)  રિલેક્સ થતા ધાબાની બહાર ઉભા હતા, જમવાના ટેબલ પર શેરા, વિક્રમ, સુમતિ બહેન અને પૂજા એમ ચાર જ હતા.  

"અરે વિક્રમ તારે હવે કોને મળવું છે, મને તો એમ કે તું એવું વિચારે છે કે ઉત્થાપન દર્શનનો સમય 4 વાગ્યાનો છે એટલે તું કહે છે." સુમતિ બહેને વિક્રમને પૂછ્યું.

"છે એક માણસ, એણે મારા પર ઘણા અહેસાન કર્યા છે, મેં એને ખુબ તકલીફ આપી તો પણ. માં, મળવું બહુજ જરૂરી છે."

"પણ, દીકરા એક વાર શ્રી નાથદ્વારામાં દર્શન કરીને પછી જા તો ન ચાલે?"

"ના માં, મારુ એને મળવું બહુજ જ જરુરી છે, મારે એને મેં દુઃખ કર્યો એની માફી માંગવાની છે. એણે મારા પર કરેલ અહેસાનની ચુકવણી કરવી છે. અને અત્યારે ય એ મારા માટે, આપણા બધા માટે, પોતાનો જીવ દાવ પર લગાવી દુશમનનો મુકાબલો કરવા ઉભો છે, હું અગર એને મળવા નહિ જાઉં, તો કાયર ગણાઇશ માં, તને કાયર છોકરાની માં કહેવાવું ગમશે? પૂજા તારો સપનાનો માણીગર મુસીબતના સમયે ભાગી નીકળે એ સારું લાગશે? માં, મારા માટે, કે કોઈ પણ અજાણ્યા માટે, કે દેશ માટે પોતાનો જીવ આપી દેવા તત્પર એવા માણસને હું મળી લઉં. હું એના ખભા સાથે ખભો મિલાવીને દુશમન ને હંફાવી લઉ પછી જ હું શ્રી નાથજીના દર્શન કરીશ,  

"પણ બીજી ટીમ, એનું શું કરીશ." પૂજા એ ચિંતિત સ્વરે પૂછ્યું. 

"મોમ બીમાર તો છે જ, કુંભનગઢ આવતા પહેલા એમને સારવારની જરૂર પડશે, કોઈ હોસ્પિટલ, બન્ને ટીમ મળે એ પહેલા હું અને શેરા નીકળી જાશું, પૂજા, મારી મોમને સાચવજે." 

xxx 

મનમાં જ ધુંધવાઇ ને જીતુભા સાવ બેમનથી કાર ચલાવી રહ્યો હતો. આટલી સાવચેતી છતાં, માંગીરામ ભાટી મેનેજર અને સિક્યુરિટી વાળા ના હાથમાંથી છટકી ગયો હતો, એણે મેનેજર અને અન્ય 2 કર્મચારીને ઘાયલ કર્યા હતા, અને એક સિક્યુરિટી મૂંઢ માર માર્યો હતો એના પાતળા શરીર માં રહેલી રાક્ષસી તાકાત ને માપવામાં એ સિક્યુરિટી ગાર્ડનું ગણિત ખોટું પડ્યું હતું, તો છેલ્લે ભાગતા ભાગતા એણે તમંચામાંથી ફાયર કરેલ એક ગોળી બીજા સિક્યુરિટી ગાર્ડની કમરમાં ઘૂસી હતી એને તાત્કાલિક દાખલ કરવો પડ્યો હતો.15 મિનિટ માટે અનોપચંદ સાથે અને પૃથ્વી સાથે વાત કરવા અને સિગારેટ પીવા ભાર નીકળેલ જીતુભા એ આવીને પરિસ્થિતિ થાળે પડી હતી, પછી એ વિક્રમ ને મળવા કુંભનગઢ જવા નીકળ્યો હતો રસ્તામાં એને સોનલનો ફોન આવ્યો હતો અને ગિરધારી વિશે પૂછ્યું હતું, જીતુભા સાથે વાત કર્યા પછી સોનલને ગિરધારીની વાત સમજાઈ હતી, એ જ વખતે પૃથ્વી પાલી પછી એક રેસ્ટોરાંમાં ભોજન કરી રહ્યો હતો, તો જીતુભા સાથે વાત થયા પછી અનોપચંદે ફરીથી વડાપ્રધાનના ચીફ સેક્રેટરી સાથે વાત કરી હતી. નાઝની બાજુ ની રૂમમાં રહેલા ગુલાબચંદ ગુપ્તા અને એમના પત્નીએ થોડે દૂર રહેલી બીજી ધર્મશાળામાં ભીમસિંહ અને ચતુરનો ઉતારો કરાવ્યો હતો અને સાંજે મળવાનું કહીને એ લોકો પોતાની રૂમમાં આરામ કરવા ગયા હતા, એમનાં રૂમનો દરવાજો બંધ થવાનો અવાજ સાંભળીને નાઝે પોતાના રૂમનું બારણું ખોલ્યું. બહાર ડોકિયું કર્યું, એણે જોયું તો સોનલ કોઈ સાથે ફોનમાં વાત કરી રહી હતી, અને એજ વખતે બાજુના રૂમનો દરવાજો ખોલીને મોહિની બહાર આવીને હળવેથી પોતાનો દરવાજો બંધ કર્યો એ જ વખતે સોનલે ફોન કટ કર્યો અને નાઝ ની રૂમ પાસે પહોંચી. નાઝે મનમાં મલકાતા બન્નેને પોતાના રૂમ આવકારી અને દરવાજો બંધ કરી દીધો.

ક્રમશઃ:

 આ વાર્તા તમને કેવી લાગી એ ના પ્રતિભાવની પ્રતીક્ષા છે. તો વોટ્સએપ નંબર 9619992572 પર તમારા પ્રતિભાવ - સૂચનો અવશ્ય મોકલજો.