પુસ્તક સમીક્ષા
પુસ્તકનું નામ : એક હતી કાનન
લેખક: રાહુલ વોરા
પ્રકાશન વર્ષ: 2024
પ્રકાશક : નેક્ષસ સ્ટોરીસ પબ્લિકેશન સુરત ગુજરાત.
માત્રભારતી મોબાઈલ એપ માં ઇબુક સ્વરૂપે વાંચી શકો છો.
પ્રકાર: સામાજિક-માનસિક સંવેદનશીલ નવલકથા
લેખક કહે છેકે "એક હતી કાનન..." નવલકથા વિશે એક જ વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે "મોતને હસતે મોઢે લલકારતી એક નારીની સંઘર્ષ કથા"
“એક હતી કાનન” એ તેમના સર્જનાત્મક કાર્યમાં એક ઊંડું અને ઊર્જાસભર નવલકથાસ્વરૂપ પુસ્તક છે. સંવાદો હૃદયસ્પર્શી છે અને વાચકને પાત્રોની લાગણીઓ સાથે જોડે છે. લેખકની વર્ણનશૈલી જીવંત છે અને કથાવસ્તુમાં રસ જાળવી રાખે છે. સામાન્ય દ્રષ્ટિએ જોઈએ તો રાહુલભાઈની નીવડેલી કલમ વાંચતાં એમ ન કહી શકાય કે આ એમની પ્રથમ નવલકથા છે! તેમની લેખનીશૈલી સરળ પણ ભાવસભર છે. તેમણે જીવનના સંઘર્ષ, સ્ત્રી વિષયક સંવેદનાઓ, અને મનોબળના ઉતાર-ચઢાવોને ખૂબ સુંદર રીતે રજૂ કર્યા છે.
પુસ્તકનું મુખપૃષ્ઠ ખૂબ જ સુંદર છે. તેમાં દરિયાકિનારે ઊભેલી એક યુવતી દેખાય છે. જેની પીઠ અને હવામાં લહેરતા કેશ આપણને દેખાય છે.જે દર્શાવે છે કે આખી વાર્તામાં કેન્દ્ર દરિયો હોવો જોઈએ. આમ તો પાછળના ભાગે પણ દરિયો છે એ સાથે લેખકનો ફોટો અને પુસ્તકનાં ધ્રુવવાક્યો કહી શકાય એવા વાક્યો જેમકે...ન ટોળું,ન ભીડ, ન કોલાહલ સૂત્રોનો, જઈ રહી છે ડાઘુઓના સહારા વિના,અરે,અહી તો શબ પણ છે નિ:શબ. આ છે મારી સ્મશાનયાત્રા. માત્ર મારી સ્મશાનયાત્રા. આ પૃષ્ઠ એ પ્રતિબિંબિત કરે છે કે જાણે લેખક અને આ પુસ્તકની નાયિકા બંને દરિયા પ્રેમી છે. અને આમ પણ વાર્તા દરમ્યાન પણ લેખકનો દરિયા પ્રત્યેનો પ્રેમ એમની કલમથી છાનો ક્યાં રહી શક્યો !!
“એક હતી કાનન” પુસ્તકના કેન્દ્રમાં આવેલા પાત્ર “કાનન”ના જીવન પર આધારિત છે. “હતી” શબ્દ સંકેત આપે છે કે– એ પોતે જીવનમાં કંઈક ગુમાવનાર કે ગુમાવાયેલ વ્યક્તિત્વ વિશે વાત હોવી જોઈએ॰ કથા અનેક વિષયો પર પ્રકાશ પાડે છે: સ્ત્રીના અસ્તિત્વની શોધ, સમાજના નિમિત્તોને કારણે સ્વપ્નોની તોડફોડ, સંબંધોની ઊંડાણ અને કુટુંબના સંબંધમાં અનુભવાતી પ્રેમની ઉણપ કે ખોટ, જીવનમાં જરૂરી એવા પ્રેમ માટેની તરસ, આધુનિકતા અને સંસ્કૃતિ વચ્ચે સંઘર્ષ...ને બીજું ઘણું બધુ.. દરેક પ્રકરણે કઈક નવું જોવા મળે છે જે વાર્તાની સતત રસિક્તા અને ઉત્કંઠા જાળવી રાખવા પૂરતું છે.
કાનન એક સામાન્ય કિસ્સામાં અસાધારણ જીવન જીવે છે. બાળપણથી એ પ્રેમ શોધે છે – માતા પિતા વચ્ચેના સંબંધોની ઉણપથી શરૂ થયેલી ભાવનાત્મક ખોટથી એ સ્વયં એક સંપૂર્ણ જીવનશૈલી ઘડીને પ્રયાસ કરે છે.છતાં અલ્લડ,નટખટ જીવતી, સદા હસતી રહેતી નાયિકના જીવનમાં કેટલાય વળાંકો આવે છે: કુટુંબમાં તાણાવાણા, અપ્રાપ્ય પ્રેમ, વ્યક્તિગત સ્વપ્નો અને આધુનિક સમાજની અસમજૂતી, આત્મ-શોધ અને અંતે તદ્દન ભિન્ન દિશામાં જતો અંત વાચકોને છેલે સુધી જકડી રાખે છે.આ નવલકથા માત્ર કાનનની કથા નથી, પણ એ દરેક સ્ત્રીની વાર્તા છે કે જેને હમેશ લાગણીઓની તરસ છે.
ખાસ બાબત મને જે લાગી એ એ છે કે, નાયિકાની દ્રષ્ટિએ કથા રજૂ થાય છે, જે લેખનને વધુ નિકટતા આપે છે, સામાજિક સંદેશ અને આધુનિક સ્ત્રીના આત્મસન્માનને ઉત્તમ રીતે રજૂ કરે છે. પ્રેમ અને આત્મસન્માન વચ્ચેનો તણાવ છતાં સ્વપ્નોથી ભરેલું જીવન અને તેને સાકાર કરવાના પ્રયત્નો લગાતાર કરતી રહેતી કાનન ન માત્ર સ્ત્રીજાતિ સમાટે પણ સમગ્ર સમાજ માટે નમૂનારૂપ અને પ્રેરણાદાયી છે. લેખકની વર્ણનશૈલી જીવંત છે.
પુસ્તક એક મોટો પ્રશ્ન ઊભો કરે છે: "શું સ્ત્રીને પોતાના સ્વપ્નો અને લાગણીઓ માટે આજના સમાજમાં પૂરતી જગ્યા છે? આ એક આત્મશોધ યાત્રા છે – જયાં પ્રેમ, સંબંધો, ખોટ અને વિશ્વાસના સ્તરો ખૂલે છે. લેખકે કાનનના અંતિમ નિર્ણય સાથે વાચકને વિચાર કરાવવા મજબૂર કરી દીધા છે.આત્મહત્યા નહિ પણ ઇચ્છામૃત્યુ જેવી વાત અહી સંકળાય છે એવું કહી શકાય.
"એક હતી કાનન" એ એવા વાચકો માટે છે, જેમને લાગણીઓની ઊંડી મજબૂતી અને જીવનના સત્યનો સાક્ષાત્કાર કરવો હોય. અહી માત્ર પાનાંમાંથી પસાર થતી વાર્તા નથી, એ વાચકના અંતરમાં મૌન સઘન અવાજ સર્જે છે.
આ પુસ્તકનો હિન્દી અનુવાદ ટૂંક સમયમાં રજૂ થવાનો છે એનો રાજીપો અને અનેક ભાષાઓમાં પણ થાય અને રાહુલભાઈની કલમયાત્રાની કલામ વણથંભી ચાલુ રહે તેવી શુભેચ્છા સાથે જય વાંચન, જય પુસ્તક, જય કચ્છ,જય ગુજરાત, જય ભારત.