કેલેન્ડરનો ઇતિહાસ
ગ્રેગોરિયન કેલેન્ડર એ વિશ્વના મોટાભાગના ભાગોમાં વપરાતું કેલેન્ડર છે. પોપ ગ્રેગરી XIII દ્વારા જારી કરાયેલ પોપલ બુલ ઇન્ટર ગ્રેવિસિમાસ પછી તે ઓક્ટોબર 1582 માં અમલમાં આવ્યું, જેણે તેને જુલિયન કેલેન્ડરમાં ફેરફાર અને રિપ્લેસમેન્ટ તરીકે રજૂ કર્યું.
એક માન્યતા છે કે કેલેન્ડરની શોધ સૌથી પહેલાં પ્રાચીન બેબીલોનના લોકોએ કરી હતી. તે ચંદ્ર કેલેન્ડર કહેવાતું હતું. કેલેન્ડરનો વિકાસ સમય માપવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું હતું. દર્જલા ઘાટીના ખગોળવિજ્ઞાની ખૂબ જ બુદ્ધિમાન હતા. તેમણે આકાશની વૃત્તકાર વિશાળ પટ્ટીને બાર સમાન ભાગમાં વિભાજિત કરી હતી જેને આજે રાશિચક્ર કહે છે. રાશિચક્રના બાર ભાગોમાંથી પસાર થઈને પોતાનું એક ચક્કર પૂરું કરવામાં સૂર્યને એક વર્ષનો સમય લાગે છે. તેથી સૌરવર્ષને બાર ભાગમાં વહેંચવામાં આવ્યું છે અને દરેક ભાગને એક મહિનો કહે છે.રાશિચક્રને બે તારામંડળોની મધ્યનું અંતર પાર કરવામાં સૂર્યને જેટલો સમય લાગે છે, તેટલા સમયમાં ચંદ્ર પોતાની લગભગ બધી કલાઓ પૂરી કરી લેતો હતો. સમયની આ જ અવધિને માસ કે મહિનાનું નામ આપવામાં આવ્યું. સૂર્ય અને ચંદ્રના સમયને બાર સમાન ભાગોમાં વહેંચીને બાર મહિનાના 360 દિવસ નક્કી થાય અને આ રીતે એક મહિનો ત્રીસ દિવસનો બન્યો.
થોડા જ સમયમાં ખગોળશાસ્ત્રીઓને ખબર પડી કે કંઈક ભૂલ થાય છે. 360 દિવસનું વર્ષ થોડું નાનું રહી ગયું છે કારણ કે સૂર્યનું ચક્કર 360 દિવસમાં પૂરું નહોતું થઈ રહ્યું. દર વર્ષે પાંચ દિવસનું અંતર રહી જતું હતું અને આ અંતર છ વર્ષમાં આખા એક મહિના બરાબર થઈ જતું હતું. આ અંતરને પૂરું કરવા માટે દર છ વર્ષે એક મહિનો વધારાનો ઉમેરી દેવામાં આવ્યો. આ રીતે દર પાંચ વર્ષ પછી છઠ્ઠા વર્ષે તેર મહિનાનું વર્ષ થતું.વર્ષો પછી તેમણે અમુક મહિનામાં 31 દિવસ અને અમુક મહિનામાં 30 દિવસ રાખીને જે પાંચ દિવસ બાકી રહેતા હતા તેનો મેળ બેસાડી દીધો અને આ રીતે એક વર્ષ 365 દિવસનું બની ગયું,
પરંતુ ખગોળશાસ્ત્રીઓએ સંશોધન ચાલુ જ રાખ્યાં અને અનેક વર્ષોના અભ્યાસ પછી જાણવા મળ્યું કે પૃથ્વીને સૂર્યની પરિક્રમા પૂરી કરવામાં 365 1/4 દિવસ લાગે છે. આ રીતે હજુ પણ ચાર વર્ષમાં એક દિવસનું અંતર આવી જાય છે. આ અંતરને દૂર કરવા માટે દર ચોથા વર્ષમાં આ એક દિવસને સૌથી ઓછા દિવસોવાળા મહિના ફેબ્રુઆરીમાં જોડી દેવામાં આવ્યો. આ રીતે દર ચોથા વર્ષે ફેબ્રુઆરી મહિનો 28ને બદલે 29 દિવસનો થવા લાગ્યો. આને `લીપ વર્ષ' તરીકે ઓળખીએ છીએ.
હવે વિવિધ કેલેન્ડર વિષે થોડું જાણીએ:
જૂલિયન કેલેન્ડર: આ કેલેન્ડરનો વિકાસ રોમના જૂલિયસ સીઝરના નામ પર ઈ.પૂર્વે 46માં શરૂ થયો હતો. તેમણે આ કાર્ય માટે યૂનાનના સોસીઝન ખગોળશાસ્ત્રીની મદદ લીધી હતી. આ કેલેન્ડરમાં સાત મહિના 31 અને ચાર મહિના 30 દિવસના રાખવામાં આવ્યા હતા. 31 દિવસના મહિનામાં જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર તથા ડિસેમ્બરનો સમાવેશ થતો જ્યારે 30 દિવસના મહિનામાં એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર હતા. ફેબ્રુઆરીના 28 દિવસ રાખવામાં આવ્યા હતા અને તેમાં લીપ વર્ષમાં એક દિવસ ઉમેરવાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. સીઝરે આપણા કેલેન્ડરને ખૂબ જ સુધારાવાળું રૂપ આપ્યું હતું, પરંતુ છતાંય કંઈક ખામી બાકી હતી, કેમ કે સૌર વર્ષની બરાબર ગણતરી કરવામાં આવી તો તે 365 દિવસ 5 કલાક 48 મિનિટ અને 46 સેકન્ડનું થયું. જૂલિયન કેલેન્ડર વાસ્તવિક સૌરવર્ષથી 11 મિનિટ 14 સેકન્ડ લાંબું હતું. તેને કારણે દર 128 વર્ષમાં એક દિવસ વધી જતો હતો.
ક્રિશ્ચિયન કેલેન્ડર :આ કેલેન્ડરનો આધાર રોમન કેલેન્ડર જ હતો. તેનો પ્રાદુર્ભાવ લગભગ ઈ.પૂર્વે 800 માનવામાં આવે છે. તેનો પાયો રોમુલસે નાખ્યો હતો. શરૂઆતમાં રોમન કેલેન્ડરમાં 304 દિવસ તથા દસ મહિના હતા. આ મહિનાનાં નામ માર્ટિયસ, એપ્રિલિસ, માઈઅસ, યૂનિઅસ, ક્વિંટલિસ, સેક્સટલિસ, સેપ્ટેમ્બર, આક્ટોબર, નવમ્બર તથા ડેસેમ્બર હતાં. માર્ટિયસ એટલે માર્ચ મહિનાથી આ કેલેન્ડરની શરૂઆત થતી હતી. આ મહિનાઓમાં પાંચ મહિના 31 દિવસના તથા ચાર મહિના 30 દિવસના અને એક મહિનો 29 દિવસનો હતો.
લગભગ ઈ.પૂર્વે 700માં આ કેલેન્ડરમાં બીજા બે મહિના જોડી દેવામાં આવ્યા. આ રીતે આખું વર્ષ બાર મહિનાનું થઈ ગયું અને તેમાં 365 દિવસ થઈ ગયા. ઈ.પૂર્વે 44માં જૂલિયન સીઝરના નામે સાતમા મહિનાનું નામ જૂલિયસ રાખવામાં આવ્યું જે પાછળથી જુલાઈ તરીકે ઓળખાયો. આ રીતે સમ્રાટ ઓગસ્ટસે આઠમા મહિનાને 31 દિવસનો બનાવીને પોતાનું નામ આપ્યું જે પાછળથી ઓગસ્ટ તરીકે ઓળખાયો.
ઈસવીસનની ગણતરી ઈસુના જન્મનાં ત્રીસ વર્ષ પછી કરવામાં આવે છે. છઠ્ઠી શતાબ્દીમાં ડાયાનિસિયસે તેમાં થોડા સુધારા કર્યા, પરંતુ છતાં દર વર્ષે સમયમાં થોડો ફરક આવતો હતો. સન 1580 સુધી જુલિયન કેલેન્ડર વર્ષમાં 10 દિવસ આગળ હતું. પોપ ગ્રેગરીએ ઓક્ટેબર સન 1582માં આ કેલેન્ડરમાંથી 10 દિવસ ઓછા કરી દીધા અને લીપ વર્ષમાં ફેબ્રુઆરી 29 દિવસનો માન્યો. આ રીતે ગ્રેગરીએ ઘણાં વર્ષે પડનારા અંતરાલને ઘણો ઓછો કરી દીધો. હવે એક વર્ષમાં માત્ર 263 સેકન્ડની વૃદ્ધિ થતી હતી. આજે લોકો તેને ગ્રેગરી કેલેન્ડરના નામે ઓળખે છે અને આપણા સહિત વિશ્વભરના લોકો આ કેલેન્ડરનો ઉપયોગ કરે છે.
મુસ્લિમ કેલેન્ડર:મુસ્લિમ કેલેન્ડરનો જન્મ કુરાનની આયતો પરથી થયો છે. તેનો આધાર ચંદ્રની ગતિ હતી. આમાં સૂર્ય પર ધ્યાન આપવામાં ન આવ્યું. તેને કારણે તેના દિવસોમાં દિવસ અને ઋતુઓ સરકતાં રહે છે એટલે કે જે તહેવાર શિયાળામાં આવતા હોય તે કેટલાંક વર્ષો પછી ઉનાળામાં આવે છે.
હિબ્રૂ કેલેન્ડર:અમેરિકામાં પણ એક ધાર્મિક કેલેન્ડર પ્રચલિત છે, જેને હિબ્રૂ કેલેન્ડર કહે છે. જેની શરૂઆત ઈ.પૂર્વે 3760ના ત્રણ મહિના પહેલાં થાય છે. આમ, હિબ્રૂ કેલેન્ડરનું વર્ષ પ્રચલિત વર્ષમાં 3760 વર્ષ ઉમેરવાથી મળે છે.
ચીની કેલેન્ડર:ચીનમાં પણ બે પ્રકારનાં કેલેન્ડરનો ઉપયોગ થાય છે. એક ચીની કેલેન્ડર જે ઈ.પૂર્વે 2397માં શરૂ થયું હતું અને બીજું છે ગ્રેગરી કેલેન્ડર.
ભારતીય કેલેન્ડર:ભારતમાં લગભગ ત્રીસ પ્રકારનાં કેલેન્ડર સમયાંતરે પ્રચલિત રહ્યાં છે જે ચંદ્ર, સૂર્ય અને તારાઓ તથા ધાર્મિક સિદ્ધાંતો પર આધારિત રહ્યાં છે. ભારતમાં ઘણાં હિન્દુ સંવત પ્રચલિત છે જેમ કે, સતયુગમાં બ્રહ્મ સંવત, ત્રેતાયુગમાં વામન સંવત, રામ સંવત અને પરશુરામ સંવત, દ્વાપર યુગમાં યુધિષ્ઠિર સંવત અને કળિયુગમાં વિક્રમ સંવત.
આ સંવતોના પ્રાદુર્ભાવનો સંબંધ ખાસ કરીને કોઈ મહાપુરુષના મૃત્યુ અથવા તો કોઈ ઐતિહાસિક ઘટના સાથે જોડાયેલો છે. ભારતમાં આજકાલ ત્રણ કેલેન્ડર પ્રચલિત છે- ગ્રેગરી, શક સંવત અને વિક્રમ સંવત. `કાલકકાર્યકાણ્ઠક' નામના જૈન ગ્રંથમાં ઉલ્લેખ છે કે જ્યારે વિક્રમે શકો પર વિજય પ્રાપ્ત કર્યો તો તેની ખુશીમાં જ વિક્રમ સંવત (ઈ.પૂર્વે 58)ની શરૂઆત થઈ. ઉત્તર ભારતમાં ચૈત્ર માસથી તેની શરૂઆત થાય છે. દક્ષિણ ભારત અને ગુજરાતનાં કેટલાંક ક્ષેત્રમાં તે કારતકથી તો કેટલીક જગ્યાએ અષાઢથી તેની શરૂઆત થાય છે.
વિક્રમ સંવતમાં 58 વર્ષ ઘટાડવાથી ઈસવીસન મળે છે. આ જ રીતે ઈસવીસનમાં 78 વર્ષ ઓછાં કરવાથી શક (શાલિવાહન) સંવત મળે છે. ઇન્ડોનેશિયા અને ઇન્ડોચીનમાં મળેલા સંસ્કૃત અભિલેખોમાં પણ શક સંવતનો ઉલ્લેખ છે. શક સંવત વસંત ઋતુના આગલા દિવસથી સામાન્ય વર્ષમાં 22 માર્ચથી અને લીપ વર્ષમાં 21 માર્ચથી શરૂ થાય છે. તેમાં આસો, કારતક, માગશર, પોષ, મહા અને ફાગણ મહિના 30 દિવસના તથા વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો 31 દિવસનો હોય છે. પહેલો મહિનો ચૈત્ર સામાન્ય વર્ષોમાં 30 દિવસનો અને લીપ વર્ષમાં 31 દિવસનો હોય છે