કુપ્પી ભાગ ૬
કુપ્પી ને મમ્મી પપ્પા સાથે પપ્પાની બીમારી અને ડોક્ટરની અપોઈન્ટમેન્ટ વિશે વાત કરવી હતી . એ એમને પોતાની સાથે કેનેડા લઈ જવા માંગતો હતો . આ બધી ચર્ચા કરવી હતી પણ વિનાયક કુપ્પી ને સાથે લઈ ગયો . " જઈ આવ બેટા મળી આવ બધાને . આપણે રાત્રે જમતી વખતે બધી વાતો કરશું " નીલાબેને કુપ્પી ને જવાની પરવાનગી આપી .
દિલીપ , ભૂરો , જીગલો નીચૅ જ ઉભા હતા . બધા કુપ્પી સાથે વિનાયક ના ઘરે પહોંચ્યા . કુપ્પી ને જોઈ રેવતી ની આંખો ખુશીથી ભીની થઈ ગઈ અને એ કુપ્પી ને ભેટી પડી . " કેમ છો કુપ્પી ભાઈ તમે તો અમને બધાને ભૂલી ગયા " રેવતી કુપ્પી ને પગે લાગતા બોલી .
કુપ્પી એ એને રોકી ઉભી કરી " વિનાયક આ કોણ છે રેવતી ક્યાં ગઈ ? "
" આજ રેવતી છે ! " વિનાયક એ જવાબ આપ્યો .
" ના હોય એ તો સાવ દુબળી પાતળી હતી . અને એને તો ગુજરાતી નથી આવડતું. આ તો કેટલું સરસ ગુજરાતી બોલે છે અને શરીર પણ તંદુરસ્ત છે ભાઈ તે રેવતી સાથે શું કર્યું ? " કુપ્પી એ રેવતી તરફ આશ્ચર્ય સાથે જોતા પૂછ્યું .
" કુપ્પી ઈડલી ઢોસા ખાવાવાળા થેપલા ને ફાફડા ખાય પછી આવા થાય " જીગલા એ મસ્તી કરતા જવાબ આપ્યો .બધા હસી પડ્યા .
" પણ સાચું કુપ્પી ભાઈ તમે ક્યાં ગાયબ થઈ ગયા હતા ? ન કોઈ ફોન નંબર ના , કોઈ મેસેજ . ફેસબુક ઉપર કેટલાક ગોત્યા તમને ! પણ ક્યાંય તમારો પત્તો ન હતો . તમે ગયા ત્યારે હું પ્રેગનેન્ટ હતી મીન્ટું ના જન્મ ની ખબર તમને કરવી હતી પણ તમારો કોઈ જ સંપર્ક ન થયો . ક્યારેક નીલા માસીને પૂછતી તો કહેતા કે મજામાં છે . અમારાથી એવી શું ભૂલ થઈ હતી કે તમે એમને તમારો નંબર આપવાની પણ ના પાડી હતી " રેવતી નારાજગી સાથે બોલી .
" રેવતી મેં કસમ ખાધી હતી કે અહીંયા પાછો ક્યારેય નહીં આવું . અને જો તમારામાંથી કોઈનો પણ અવાજ સાંભળત તો મારાથી ના રેહવાત . મેં આ છ વર્ષ કેવી રીતે મન મારીને કાઢ્યા છે એ મને જ ખબર છે . એક દિવસ એવો ગયો નથી જ્યારે મેં તમને બધાને યાદ ન કર્યા હોય . તમે લોકો મારું જીવન હતા. મારો શ્વાસ હતા શ્વાસ વગર છ વર્ષ કેવી રીતે કાઢ્યા હું જાણું છું . તમારી નારાજગી સમજુ છું પણ હું કમજોર હતો એટલે બધાથી દૂર રહ્યો .મને માફ કરી દે " કુપ્પી ની વાતથી બધાના મનમાં રહેલા આ પ્રશ્નનો જવાબ મળી ગયો .
" તમારે માફી માંગવાની જરૂર નથી . તમે ઘર જુઓ ને બાળકોને મળો એટલામાં હું તમારા માટે કોફી બનાવીને લઈ આવુ " રેવતીના હાથની ફિલ્ટર કોફી બધાને જ ખૂબ ભાવતી .
કુપ્પી બાળકોને મળ્યો છ વર્ષ નો મિન્ટું અને ચાર વર્ષની રેવા . ત્રણ બેડરૂમનું આલીશાન ઘર હતુ . વિનાયક ના મમ્મી પપ્પા હવે વધારે પડતું ગામમાં જ રહેતા . વિનાયક પણ પહેલા ચાલીમાં જ રહેતો હતો . વિનાયક ની કરિયાણાની દુકાન જ્યાં હતી ત્યાં એક બિલ્ડરે નવું બિલ્ડીંગ ઊભું કર્યું હતું . અને એમાં વિનાયક ને નવી દુકાન અને ઘર મળ્યું હતું . એ લોકો હમણાં છ મહિના પહેલા જ અહીંયા રહેવા આવ્યા હતા . વિનાયક અને મિત્રોએ આ બધી વાત કુપ્પી ને વિસ્તારથી કરી . પછી બધા સાથે કોફી પીવા મોટા સોફા પર બેઠા . વિનાયક ના લગ્ન માં કેવી ધમાલ થઈ હતી એ બધી વાતો યાદ કરી બધાએ આનંદ કર્યો .
" વિનાયક તો ખરેખર નસીબ લઈને જન્મ્યો છે . જો એની એક દુકાન સામે એને નવી દુકાન અને ઘર બંને મળી ગયા . એ પણ માત્ર ત્રણ વર્ષમાં ! અને એક આપણે છીએ ખબર નહીં શું થશે જબરા અટવાયા છીએ . ભગવાન જાણે શું થશે ? " વાત વાતમાં ભૂરાથી ન બોલવાનું બોલાઈ ગયું .
" અટવાઈ ગયા છો ? શું થયું છે ? " કુપ્પી પૂરી વાત જાણવા માંગતો હતો .
" અરે તું આની વાત ક્યાં સાંભળે છે !આ તો છે જ નેગેટિવ માણસ . આ તો શું છે વિનાયક ની દુકાન તો એકલી હતી એટલે બિલ્ડર મળી ગયો આપણી ચાલીમાં તો કેટલા બધા રૂમ છે એટલે કોઈ બિલ્ડર આવતો નથી એ જ ! બીજી કોઈ વાત નથી " દિલીપે વાત બદલી નાખી . એ લોકોને ખબર હતી કે ચાલીમાં જે પણ કાંઈ ચાલી રહ્યું છે એની વાત કુપ્પી ને કરવાની નથી .
" એ આ બધી વાત જવા દે પાર્ટી ક્યારે કરવાની છે એ બોલ . ફોરેન થી ડોલરમાં કમાવીને આવ્યો છે . સસ્તામાં નથી છોડવાના તને " જીગલા એ પણ ટોપિક બદલવામાં મદદ કરી .
" કુપ્પી ભાઈ હું હવે કિચનમાં જાઉં છું . તમારે જે વાત કરવી હોય એ કરો . પણ એક વાત યાદ રાખજો એક દિવસ તમારે મારા ઘરે જમવું પડશે " પાર્ટીની વાત કરવામાં મિત્રોને સંકોચ ન થાય એટલે રેવતી કોફીના કપ લઈ કિચનમાં જતી રહી .
" એ પણ કાંઈ કહેવાની વાત છે ! તમે જ્યાં બોલો ત્યાં પાર્ટી આપીશ . પણ જરા પપ્પા નું થોડું ક્લિયર થાય પછી . હું હમણાં અહીંયા જ છું . પહેલાની જેમ રાતો રાત ચાલીમાંથી ગાયબ નહીં થઈ જાઊ " કુપ્પી ને એક તરફ પાછા આવવાની ખુશી હતી તો બીજી તરફ પપ્પાની બીમારીનુ દુઃખ પણ હતું .
બધા આ વાત સમજતા હતા . થોડા ગપ્પા મારી બધા મિત્રો ચાલીએ પાછા જવા નીકળ્યા .
રેવતી અને બાળકોને આવજો કહી બધા બહાર નીકળ્યા " કુપ્પી ભાઈ એકવાર રીટા ને મળી લેજો એ ચાલીમાં પાછી આવી ગઈ છે " રેવતી ના મોઢે આ શબ્દો સાંભળી કુપ્પી ને આંચકો લાગ્યો .
રીટા એટલે કુપ્પી નો પહેલો અને અધુરો પ્રેમ .
વધુ આગળના ભાગમાં
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .