કુપ્પી ભાગ ૮
રાતના 12:00 વાગ્યા . છેલ્લી ટ્રેન જતી રહી પણ કુપ્પી ના આવ્યો .
છેલ્લા ચાર કલાકમાં રીટા એ લગભગ 100 ફોન કર્યા . કુપ્પી નો ફોન લાગતો ન હતો અને એના મિત્રો ફોન ઉપાડતા ના હતા .
પપ્પાએ નક્કી કરેલા છોકરા જોડે આવતીકાલે રીટા ના લગ્ન હતા . રીટા ઘરેથી બહાનું કરીને નીકળી કે મારે આજે નોકરીએ જવું જ પડશે . છોકરાઓના પેપર તપાસાઈ ગયા છે મારે સબમીટ કરવાના છે .સબમીટ કરી પછી હું બ્યુટી પાર્લર વાળીને મળીને મોડેથી ઘરે પાછી આવી જઈશ . રીટા ના પપ્પા બિલકુલ નહોતો ઇચ્છતા કે રીટા બહાર જાય . પણ સ્કૂલની નોકરીની જવાબદારી હતી એટલે એમને પરવાનગી આપી . રીટા નોકરીએથી છૂટીને લગભગ સાત વાગે V T સ્ટેશન પહોંચી ગઈ હતી . ઘરમાં કોઈને શંકા ન થાય એટલે એણે કોઈપણ કપડા કે બેગ લીધી નહોતી .
સાંજે 7:00 વાગે જ્યારે રીટા ઘરે ન આવી ત્યારે એના પપ્પાને ચિંતા થવા લાગી કે આ છોકરી ક્યાંય ભાગી ના જાય . એમણે સાત વાગે રીટાને ફોન કર્યો રીટા એ ફોન ઉપાડ્યો અને કહ્યું કે બ્યુટી પાર્લર વાળી સાથે મેકઅપ નુ ફાઈનલ કરીને હું 9:00 વાગ્યા સુધી ઘરે આવી જઈશ . આ વાત પર રીટાના પપ્પાને વિશ્વાસ ન હતો બેઠો . પણ એ જ સમયે સાત વાગ્યે એમણે કુપ્પી ને એના મિત્રો સાથે નીચે વાતો કરતા જોયો એટલે એમને સંતોષ થયો કે એ બંને સાથે નથી અને એ શાંત થયા .
રીટા અને કુપ્પી એ નક્કી કર્યું હતું કે બંને એકસાથે ચાલી માંથી નહીં નીકળે . રીટા નોકરી થી સીધી V T સ્ટેશન પહોંચશે અને કુપ્પી થોડો મોડો આવશે . કુપ્પી ને પૈસાનો બંદોબસ્ત કરવાનો હતો . પોતાની પાસે તો કોઈ મોટી બચત હતી નહીં . અને મિત્રો પાસે પણ કોઈ ખાસ પૈસા મળે એમ ન હતા . પપ્પા પાસેથી એ માંગી શકતો નહોતો . એટલે એને એની મોટી બેન પાસે મદદ માગી . કુપ્પી ની મોટીબેને અમેરિકાથી પૈસા ટ્રાન્સફર કર્યા . એ પૈસા બેંકમાંથી કુપ્પી લઈ આવ્યો . જ્યાં સુધી પોતાનો કોઈ રહેવા નો અને નોકરીનો બંદોબસ્ત ન થાય ત્યાં સુધી આ પૈસાથી લગ્ન બાદ ગુજરાન ચલાવવાનું વિચાર્યું હતું . એ બધું કામ પતાવી લગભગ સાત વાગે ચાલીમાં પાછો આવ્યો .
કુપ્પી ને ઉતાવળ હતી એને પેકિંગ કરીને 9:00 વાગ્યા પહેલા વીટી સ્ટેશન પહોંચવાનું હતું . એ સ્ટેશન જ્વા બેગ લઈ નીચે ઉતર્યો ત્યારે એના મિત્રો મળ્યા જે ખૂબ ચિંતામાં હતા .
કુપ્પી ને ખબર પડી કે સ્ટેશન પર એક વડાપાવ વાળાની લારી પર જીગલાની નાની બેનની છેડતી થઇ હતી . જીગલો એકલો એમને મારવા પહોંચ્યો હતો અને એ લોકો જીગલાને પકડીને એમના અડ્ડા પર લઈ ગયા હતા અને એનો જીવ જોખમ મા હતો .
કુપ્પી એ બેગ મુકી દીધી ને એક પણ ક્ષણ વિચાર કર્યા વગર કિકેટ બેટ હાથ મા ઉપાડ્યું . તરત જ બધા બાઈક લઈ એને બચાવવા પહોંચી ગયા . અડ્ડા પર પહોંચ્યા ત્યારે જોયું તો જીગલાને ખુરશીથી બાંધી રાખ્યો છે અને ખૂબ માર માર્યો છે . કુપ્પી ના ગુસ્સા નો પાર ન રહ્યો અને એ બેટ લઈ તુટી પડ્યો .જે છોકરાએ છેડતી કરી હતી એ નગર સેવકનો ભાઈ હતો . કુપ્પી અને એના મિત્રો બધા ગુંડાઓ સાથે લડાઈમાં ઉતર્યા . આ લડાઈમાં કુપ્પી નો મોબાઇલ તૂટીને ખરાબ થઈ ગયો . થોડીવાર મા પોલીસ આવી પહોંચી બધાને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ . બધા મિત્રોના ફોન જપ્ત કરી લીધા અને બધાને જેલમાં બંધ કરી નાખ્યા .
જ્યારે બાર વાગ્યાની છેલ્લી ટ્રેન જતી રહી અને ફુપ્પી ના આવ્યો ત્યારે રીટા ની આંખો આંસુઓથી ભરાઈ ગઈ . એને એના પપ્પાની કહેલી વાતો યાદ આવવા લાગી "બેટા એ છોકરો બરાબર નથી , તે કોઈ પણ જવાબદારી લેવાને લાયક નથી , તું એની સાથે લગ્ન કરીશ તો ફક્ત દુઃખી થઈશ , એના માટે એના મિત્રો જ બધું છે , એની સાથે લગ્ન કરીશ તો આખું જીવન રડવાનો વારો આવશે અને આ ઘરના દરવાજા તારા માટે હંમેશા માટે બંધ થઈ જશે "
નવ વાગ્યા પછી રીટાના પપ્પાના પણ ઘણા ફોન આવ્યા પણ એણે ઉપાડ્યા નહીં . એણે ફોન ચાલુ રાખ્યો કે હમણાં કુપ્પી નો ફોન આવશે .
જ્યારે ચાલીમાં કુપ્પી અને એના મિત્રો ન દેખાયા અને રીટા આવી નહીં એટલે રીટા ના પપ્પાને ખાતરી થઈ ગઈ કે આ લોકોએ મળીને મારી દીકરીને ભગાડી છે . એ ઝઘડો કરવા કુપ્પી ના ઘરે પહોંચ્યા .
કુપ્પી ના ઘરમાં મોટો ઝઘડો ચાલી રહ્યો હતો . કોઈને પણ ખ્યાલ ન હતો કે શું થયું છે . આખી ચાલી ભેગી થઈ ગઈ હતી . બધા પોતાની રીતે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ ઝઘડો વધી રહ્યો હતો . પોલીસ બોલાવવાની વાત ચાલતી હતી .
એક જણે આવીને ખબર આપી કે રીટા ઘરે આવી ગઈ છે .
વધુ આગળના ભાગમાં
ધન્યવાદ
પંકજ પરત ભટ્ટ .