કુપ્પી ભાગ ૯
એક જણે આવીને ખબર આપી કે રીટા ઘરે આવી ગઈ છે .
આ વાત સાંભળતા જ રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ . રીટાના પપ્પાએ પાછું પૂછ્યું " શું કહ્યું તે ? "
" રીટા ઘરે આવી ગઈ છે " પાટીલ ભાઈ એ જવાબ આપ્યો .
આ વાત સાંભળતા જ રીટાના પપ્પા , મમ્મી અને લગ્ન માટે આવેલા મહેમાનો ઘર તરફ દોડ્યા .
કુપ્પી ના પપ્પા ગુસ્સામાં ત્યાં જ ઉભા રહ્યા . રીટા ના પપ્પા એ ગુસ્સામાં એમને એટલું બધું સંભાળવાયું હતુ કે એમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો . રીટાના પપ્પાએ એમના સંસ્કારો પર પ્રશ્નો કર્યા હતા . જેથી તેમને ખૂબ ગુસ્સો આવ્યો અને આ ગુસ્સો કુપ્પી પ્રત્યે વધારે હતો . જો કુપ્પી હમણાં સામે હોત તો એમણે એને તમાચો જ મારી દીધો હોત . કુપ્પી ની મમ્મી અને ચાલી ના બીજા લોકોએ એમને શાંત કરવાનો નિરર્થક પ્રયત્ન કર્યો . " તમે બધા જઈ શકો છો . કુપ્પી માટે આ ઘરના દરવાજા હવે હંમેશા માટે બંધ થઈ ગયા છે " કૂપ્પી ના પપ્પાએ હાથ જોડી બધાને રવાના કર્યા .
રીટા ના પપ્પા એ ઘરે જઈને ઘરનો દરવાજો બંધ કરી દીધો . ગુસ્સાવાળી લાલ ચોળ આંખોથી રીટા તરફ જોયું તે કાંઈ બોલે એ પહેલા રિટા બોલી " પપ્પા મને મારી ભૂલ સમજાઈ ગઈ છે . હવે તમે જેમ કહેશો એમ જ થશે . હું કાલે સવારે લગ્ન માટે તૈયાર થઇ જઈશ . બસ આનાથી વધારે હું તમારા કોઈપણ પ્રશ્નનો જવાબ આપી શકું એમ નથી . મારી પહેલી ભૂલ સમજી મને માફ કરજો " રીટા આટલું બોલી રડતા રડતા બાથરૂમમાં ગઈ અને દરવાજો બંધ કરી દીધો અને રડતી રહી . રીટા ના મોઢે આ શબ્દો સાંભળી રિટા ના પપ્પા અને મમ્મી બંનેના મન ને શાંતી થઈ .
કુપ્પી સાથે એના મિત્રો પણ ગાયબ હતા . એટલે આખી ચાલી વાળા હવે એમની શોધખોળમાં લાગ્યા .
કુપ્પી એના મિત્રો , કોર્પોરેટર નો ભાઈ અને ગુંડાઓ બધાને પોલીસે અલગ અલગ લોકઅપમાં બંધ કર્યા હતા . કુપ્પી નું મન શાંત થયુ ત્યારે એને ધ્યાન આવ્યું કે રીટા એની રાહ જોતી હશે . એણે પોલીસ સ્ટેશન માથી ફોન કરવાની પરમિશન માંગવા માટે ઘણી મહેનત કરી પણ પોલીસે એ લોકોની એક પણ વાત સાંભળી નહીં .
બીજી બાજુ પોલીસ ને ખબર પડતા કે આ કોર્પોરેટર નો ભાઈ છે એને પરમિશન મળી ગઈ . અને એને ફોન કરીને પોતાના ભાઈને બોલાવ્યો .
કોર્પોરેટર વિક્રાંત ગોખલે પોલીસ સ્ટેશનમાં આવ્યો . " ઇન્સ્પેક્ટર આ બધાને છોડી દો . આ અમારા એરિયા ની મેટર છે અમે સોલ્વ કરશુ અને કોઈના ઉપર પણ કોઈ F I R કરવાની જરૂર નથી "
" સાહેબ બાકી બધા તો ઠીક છે પણ આ કુપ્પી ભયાનક માણસ છે . એને કાબુ કરતા અમારા નાકે દમ આવ્યો હતો . એકવાર વિચારી લો આ લોકોને છોડવા કે નહીં " ઇન્સ્પેક્ટર એ વિક્રાંત ગોખલેને સમજાવવાનો પ્રયત્ન કર્યો .
" ઇન્સ્પેક્ટર સાહેબ આ બધા મારા એરિયા ના છોકરાઓ છે . આ લોકોના વોટથી જ હું જીતુ છું . હું જાણું છું આ લોકો વચ્ચે કોઈ ગેરસમજ થઈ છે . હું આ બધાને મારા ફાર્મ હાઉસ પર લઈ જઈશ બધાની ઘેર સમજ દૂર થશે એટલે બધું શાંત થઈ જશે . તમારે ચિંતા કરવાની જરૂર નથી લોકઅપ ખોલો " વિક્રાંત ગોખલે એ હુકમ આપ્યો .
પોલીસ સ્ટેશનમાંથી બધા છૂટ્યા અને બહાર એક મીની બસમાં બેઠા . એમાં પહેલાથી જ થોડા ગુંડાઓ બેઠા હતા . કુપ્પી એ જીગલા પાસે ફોન માંગ્યો પણ એ જેવો લેવા ગયો કે ગુંડાઓ એ બધાના ફોન છીનવી લીધા અને બધાના હાથ પગ બસની ખુરશી સાથે બાંધી દીધા . કુપ્પી વિરોધ કરવા માંગતો હતો પણ એમના હાથમાં મોટા છરા હતા . કોઈ મિત્ર ને નુકસાન ન થાય એટલા માટે એ શાંતિથી બેઠો અને બસ વસઈમાં આવેલા વિક્રાંત ગોખલેના ફાર્મ હાઉસ તરફ રવાના થઇ .
વધુ આગલા ભાગમાં
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ