બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩)
પ્રકરણ-૪
“હવે નથી સહન થતું....”
રડતી આંખે કામ્યા બબડી અને હાથમાં પકડેલી એસિડની બોટલનું ઢાંકણું ખોલ્યું. ઢાંકણું ખોલતાં જ એસિડની ગરમ વરાળ અને ગંધ ધીરે-ધીરે રૂમમાં પ્રસરવા લાગી. એક ક્ષણ માટે કામ્યાનું મોઢું બગડી ગયું.
ફરીવાર સામેના મિરરમાં પોતાને જોઈ તેણી એસિડની બોટલ પોતાના મોઢાં નજીક લઇ ગઈ. અનહદ ગંદી વાસને લીધે તેણીએ પોતાના નાકમાં બળતરા અનુભવી. મન મક્કમ કરી તે એસિડની બોટલ મોઢે માંડવા જ જતી હતી ત્યાં જ...
“ઠક..ઠક..ઠક...!”
બારણે ટકોરા પડ્યા.
સહેજ ચોંકીને કામ્યાએ પાછું ફરીને રૂમના બંધ દરવાજા સામે જોયું.
“વિશાલ આયો હશે...!” કામ્યાએ મનમાં વિચાર્યું અને હાથમાં પકડેલી એસિડની બોટલ પાછી ડ્રેસિંગ મિરર આગળ મૂકી.
આંસુઓથી ખરડાયેલું પોતાનું મોઢું લુંછતા લુંછતા તે દરવાજો ખોલવા આવી.
દરવાજો ખોલતાં જ તેણીએ હળવું આશ્ચર્ય અનુભવ્યું. સામે અથર્વ ઉભો હતો.
“વેદિકા..!?” અથર્વે કામ્યાને જોતા જ પૂછ્યું.
ત્યાં જ તેનું મોઢું અંદર રૂમમાંથી આવતી સ્મેલથી બગડી ગયું.
તેણે આશ્ચર્યથી કામ્યા સામે જોઈ અંદર રૂમમાં આમ-તેમ નજર ફેરવી પછી ફરી કામ્યા સામે જોયું.
કામ્યાના કપાળે કંઈક વાગ્યાનો જખમ અને તેણીના ગળે વગેરે જગ્યાએ પણ ઉઝરડાં વગેરે ઉપર તેની નજર પડતાં તેણે કામ્યા સામે પ્રશ્ન ભાવે જોયું. કામ્યાની આંખ ભીની થઇ ગઈ.
“વ..વેદિકા બાજુના રૂમમાં સૂતી છે...!” પોતાનો સ્વર સ્વસ્થ કરવાનો પ્રયત્ન કરતાં કામ્યા માંડ ધ્રુજતા સ્વરમાં બોલી.
કશું બોલ્યાં વગર અથર્વે અંદર રૂમમાં ફરીવાર નજર ફેરવી. ડ્રેસિંગ મિરર તરફ જોતા તેની નજર મિરરની આગળ મૂકેલી એસિડની બોટલ ઉપર પડી. બોટલનું ખુલ્લું ઢાંકણું જોઇને અથર્વએ પાછું કામ્યા સામે જોયું. તેણે કામ્યાએ પહેરેલાં પાનેતર, હાથમાં ચુડાનો સેટ, ઘરેણાં વગેરે તરફ જોયું.
“આવતીકાલે છવ્વ્વીસ જાન્યુઆરીની પરેડ જોવા માટે વેદિકા સાથે તમે આવશો...!?” અથર્વે પૂછ્યું “હું પરેડમાં હોઈશ...એટલે ત્યાં ઓડીયન્સમાં વેદિકાની જોડે બેસવાવાળું કોઈ નહિ હોય...!”
ગળે આવી ગયેલો ડૂમો કામ્યાએ માંડ ગળ્યો અને પરાણે હકારમાં માથું હલાવ્યું.
“પાકું આવશો ને...?” અથર્વે ફરીવાર ભારપૂર્વક પૂછ્યું.
કામ્યા તેનો ઈશારો સમજી ગઈ. અથર્વ જાણી ગયો હતો કે કામ્યા શું કરવા જઈ રહી હતી.
“હા....પાકું...!” કામ્યા પરાણે સ્મિત કરીને બોલી પછી પૂછ્યું “કેવી રહી તમારી જામનગરની ટૂર...!?”
અથર્વની હાજરીથી તેણીને સહેજ હળવાશ ફિલ થઇ.
“સારી...!” અથર્વ સ્મિત કરીને આદત મુજબ ટૂંકમાં બોલ્યો.
“વેદિકા તો સુઈ ગઈ છે...!” કામ્યા બોલી “એની ઊંઘ ના બગાડશો..ઊંઘવા દો...!”
“સારું...પણ એને એકલા સૂવાની આદત નથી...રાતે જાગી જશે...તો એકલાં ડરી જશે...!” અથર્વ સહેજ ચિંતાતુર સ્વરમાં બોલ્યો.
“વાંધો નઈ....હું એની જોડે સૂઈ જાવ છું...!” કામ્યાએ સ્મિત કરીને કહ્યું “પછી સવારે એ ઉઠે એટલે એને લેતાં જજો...!”
“સારું...પણ કાલે સવારે વે’લ્લા નીકળવાનું છે....પરેડ માટે..!”
“વાંધો નઈ...તમે જજો...હું વેદિકાને લઈને આવતી રઈશ...મેં કેન્ટોન્મેન્ટ જોયું જ છે...!” કામ્યા બોલી.
“સારું...!” અથર્વએ સ્મિત કર્યું અને પાછું ફરીને જવા લાગ્યો.
કામ્યા તેણી પીઠ સામે જોઈ રહી. અથર્વએ અજાણતા જ આવી જઈને કામ્યાને અનર્થ કરતાં રોકી લીધી હતી. કે પછી કામ્યા પોતે જ અથર્વને જોતા રોકાઈ ગઈ હતી, એ વાત કામ્યાને ના સમજાઈ. કેટલીક ક્ષણો ત્યાં જ ઉભા રહીને તે વિચારતી રહી. પછી પાનેતર, ઘરેણાં વગેરે બદલી બાજુના રૂમમાં સૂતેલી વેદિકાની જોડે જઈને સૂઈ ગઈ. જતા-જતા તેણીએ એસિડની બોટલનું ઢાંકણું વાખી દઈ બોટલ પાછી સ્ટોરરૂમમાં મૂકી દીધી. વેદિકાની જોડે સૂતાં-સૂતાં તે આખી રાત અથર્વ વિશે વિચારતી રહી. તેની સાથે ઔપચારિકતા પૂરતો બંધાયેલો સબંધ પણ તેણીને રાહત આપતો હોય એવું તેણીને લાગ્યું.
****
વહેલી સવારે ઉઠતાંની સાથે કામ્યા નાહીને ફ્રેશ થઈ ગઈ. વેદિકાને ઉઠાડીને તેણીએ નવડાવી, તૈયાર કરી દીધી તેમજ ડાયનીંગ ટેબલ ઉપર તેણીને નાસ્તો કરવા બેસાડી દીધી. અથર્વ વહેલી સવારે લગભગ પાંચેક વાગ્યે જ જતો રહ્યો હતો.
આર્મી કેન્ટોન્મેન્ટ બહુ દૂર નહોતું. માત્ર પંદર મિનીટના રસ્તે જ હતું, પરંતુ કામ્યાને તૈયાર થવાનું હોઈ તે થોડી વધારે વહેલાં ઉઠી ગઈ હતી.
“શું પહેરું...!? શું ના પહેરું...!?” પોતાનું વોર્ડરોબ ફેંદતા-ફેંદતા નર્વસ થઈ ગયેલી કામ્યા બબડી.
“થોડું ટ્રેડીશનલ લાગે એવું કંઈક પહેરવું પડશે....!” વોર્ડરોબમાં મુકેલી સાડીઓની થપ્પીમાંથી સાડીઓ ઉથલાવતાં-ઉથલાવતાં તે બબડી.
પહેરવા લાયક કોઈ સાડી ન ગમતાં નિરાશ થઈને કામ્યા આમતેમ આંટા મારવાં લાગી.
ત્યાં જ તેણીની નજર બેડરૂમમાં સામેની દીવાલે લાગેલાં પોતાનાં એક ફોટા ઉપર પડી. એ ફોટો લગ્ન બાદ પહેલી દિવાળીનો હતો જ્યારે કામ્યા નવપરણિત હતી અને ખુશ હતી. ફોટામાં તેણીએ સરસ મજાની ગોલ્ડન સાડી અને મોર્ડન લૂકવાળો સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો હતો. ગોલ્ડન સાડી અને વ્હાઈટ બ્લાઉઝમાં કામ્યા એ વખતે એટલી સુંદર લાગતી હતી કે વિશાલ મોહી પડ્યો હતો તેણીને ગીફ્ટમાં સોનાના પાટલા લઈ આપ્યાં હતાં. આખી દિવાળી તે હોંશે-હોંશે કામ્યાને લઈને પોતાનાં મિત્રો અને સગાં-વ્હાલાંઓને ત્યાં ફર્યો હતો. બધાએ કામ્યાની સુંદરતાના ભરપૂર વખાણ કર્યા હતાં.
“મારાં માટેના એ મુગ્ધ ભાવો ક્યાં ગયાં વિશાલ...!” ફોટોમાં પોતાને જોઈ રહી કામ્યા નિરાશ સ્વરમાં બબડી.
ફોટામાં તે અનહદ સુંદર લાગતી હતી. કામ્યાની શારીરિક સુંદરતા હજી પણ જળવાઈ રહી હતી પરંતુ મનથી તે મરી પરવારી હતી.
પોતાની નિરાશા ખંખેરી કામ્યા તૈયાર થવા લાગી. અને વોર્ડરોબમાંથી જુના કપડાંનું ખાનું ખોલીને તેમાંથી તેણીએ એ જ ગોલ્ડન સાદી અને વ્હાઈટ બ્લાઉઝ કાઢી લીધો. ફરીવાર એ જ રીતે તે નખશિખ સુંદર તૈયાર થઈ ગઈ અને વેદિકાને લઈને કેન્ટોન્મેન્ટ જવા લાગી.
ઘરને તાળું મારી તેઓ નિકળી જ રહ્યાં હતાં ત્યાં જ તેના મોબાઈલમાં મેસેજ ટોન વાગી.
“બીપ...બીપ...!”
પોતાનાં હાથમાં પકડેલાં મોબાઈલમાં તેણીએ મેસેજ જોયો.
“વિશાલનો મેસેજ...!?”
કામ્યા આશ્ચર્યથી બબડી અને મેસેજ ઓપન કરી વાંચવા લાગી. ગઈકાલે મારઝૂડ કરી ચાલ્યો ગયેલો વિશાલ હજી સુધી ઘરે પાછો નહોતો આવ્યો. આવું તે અગાઉ પણ ઘણીવાર કરી ચુક્યો હતો.
“હું આબૂ જાઉં છું...!” વિશાલે કરેલો મેસેજ કામ્યા મનમાં વાંચવા લાગી “પરમ દિવસે આઈશ...અને સામેવાળો રમાકાંત આજે રાતે આવશે....એની જોડે કોઈ માથાકૂટ ના કરતી...થોડું ઉધાર ચૂકવી દેજે...!”
કામ્યા આઘાત પામી ગઈ. વેદિકાનો હાથ પકડીને ચાલતાં-ચાલતાં તે અટકી ગઈ. દિગ્મૂઢ ચેહરે તે શૂન્યમનસ્ક તાકી રહી. વિશાલે શરમની તમામ હદો પાર કરી દીધી હતી. કામ્યાની આંખ ભીની થઇ ગઈ. થોડીવાર સુધી તે વિશાલ વિશે વિચારતી રહી. પોતે વિશાલને ઓળખવામાં ક્યાંક તો થાપ ખાઈ ગઈ હતી. ભલે તેમના લગ્ન અરેન્જ મેરેજ હતાં, છતાંય વિશાલ ઉપર ક્યાંક ને ક્યાંક તેણીને ભરોસો હતો. એ ભરોસાને આધારે જ ક્યારેક તો વિશાલ સુધરી જશે એવી આશા તેણીને હતી. પણ આજે એ બધી જ આશાઓ મરી પરવારી.
“આંટી મોડું થાય છે ચાલોને...!” ત્યાંજ વેદિકાએ કામ્યાનો હાથ ખેંચતા કામ્યા વિચારોમાંથી બહાર આવી.
તે ડગલું માંડી ચાલવા જ જતી હતી ત્યાં જ સામેના ઘરે લુચ્ચું સ્મિત કરી લાળ ટપકાવી તેણીની તરફ જોઈ રહેલાં આઘેડ રમાકાન્ત ત્રિવેદીને જોયો. કામ્યાના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઇ ગયું.
“એની જોડે કોઈ માથાકૂટ ના કરતી...થોડું ઉધાર ચૂકવી દેજે...!”
“થોડું ઉધાર ચૂકવી દેજે...!”
વિશાલના મેસેજના શબ્દો જાણે વિશાલ બોલ્યો હોય એમ તેના સ્વરમાં કામ્યાના કાનમાં પડઘાઈ રહ્યાં. તે રમાકાન્ત તરફ શૂન્યમનસ્ક નજરે તાકી રહી.
“આંટી ચાલોને...!” વેદિકાએ ફરીવાર હાથ ખેંચતા કામ્યા નજર ફેરવી ચાલવા લાગી.
વેદિકાને લઈ સોસાયટીની બહાર આવીને તેણીએ આર્મી કેન્ટોન્મેન્ટ જવા ઓટો પકડી. આખા રસ્તે તે વિશાલના મેસેજ અને ડોસા રમાકાન્ત વિશે વિચારતી રહેવાની હતી. તેના ખૂબસૂરત દેહને રમાકાન્ત જેવો ડોસો ચૂંથસે એ વિચાર માત્રથી જ તેણીને સૂગ ચઢી. પોતે મૃતપ્રાય થઈને પડી રહી હોય અને કાળોતરા નાગની જેમ પોતાનાં શરીર ઉપર રમાકાન્ત ફરી વળ્યો હોય એવા કાલ્પનિક દ્રશ્યો તેણીની નજર સામે તરવરી ઉઠ્યાં. તેણીને પોતાનું સુંદર શરીર જ પોતાનું દુશ્મન લાગવા લાગ્યું અને પોતાનાં શરીરને જાણે રમાકાન્તે અભડાવી માર્યું હોય એમ તેણીને પોતાના એ દેહ પ્રત્યે જ ઘૃણા ઉપજી. મનમાં જ તે પોતાને સ્ત્રી હોવાને એમાંય એક સુંદર સ્ત્રી હોવાને લઇ વગોવતી રહી. આજે રાત્રે શું થશે એ કલ્પના તેણીને ધ્રુજાવી રહી.
****
સિદ્ધાર્થ
instagram@siddharth_01082014