દિલ ખાલી તો જીવન ખાલી ભાગ - 7
વિરાટના મામા વિરાટને ચાર પાંચ દિવસમાં અમદાવાદ આવવાનું કહીને નીકળી ગયા છે.
હવે એક તો મમ્મીની અતિ ગંભીર બીમારી અને સામે મામા એ નોકરી ધંધા માટે અમદાવાદ આવવા જણાવેલ વાત.
આ બે વાતોની વચ્ચે વિરાટ અત્યારે અંદરથી અતિશય વ્યથિત થઈ ગયો છે,
આમાં હવે કરવું તો કરવું શું ?
અંતે બીજો કોઈ રસ્તો નહિં સૂઝતા
વિરાટ સંજયભાઈને મળીને કોઈ સલાહ લેવાનું નક્કી કરે છે.
આમ તો વિરાટ એની મમ્મીની બીમારી વિશે કોઈને પણ જાણ કરવા માંગતો ન હતો, પરંતુ
મામાની અમદાવાદ આવવાની વાત વચ્ચે આવી જતાં,
એ મોટી ઉલઝનમાં આવી ગયો હતો, એટલે છેલ્લે એ એના મોટાભાઈ સમાન કહો,
મિત્ર કહો
સંકટ સમયની સાંકળ કહો કે પછી
ગુરુ જે કહો એ,
વિરાટ માટે સંજયભાઈ જ બધું હતા.
એટલે વિરાટ એની મમ્મીને હું સંજય ને મળીને આવું છું, આટલું કહી વિરાટ સંજયભાઈ ના ઘરે જવા નીકળે છે.
સંજયભાઈ વિશે થોડું
સંજયભાઈ વિરાટનાં ફળિયામાં ભાડે રહેતા, અને એ નાની મોટી ઘર વપરાશની વસ્તુઓ વેચવાનો ધંધો કરતા હતા.
એમની પાસે એક જૂની ગાડી હતી, અને એમાં જ એમણે ગાડીને દુકાન બનાવી હતી.
સંજયભાઈ એ ગાડીમાં આસપાસના પાંચ સાત ગામમાં ફેરિયા તરીકે ઘર વપરાશ ની વસ્તુઓ વેચવા જતા, અને એમાં એટલું વધારે તો નહીં કે તેઓ બચત કરી શકે, પરંતુ
એ પોતાનું જીવન નિર્વાહ કરી શકે, એટલું તો કમાઈ લેતા.
અને આવા સ્વભાવના સંજયભાઈ સાથે વિરાટ ને ખૂબ સારી દોસ્તી થઈ ગઈ હતી.
વિરાટ સંજયભાઈ ના ઘરે પહોંચે છે.
પરંતુ સંજયભાઈ એક સાચા મિત્ર હોવાથી ઘડીના છઠ્ઠા ભાગમાં તેઓ સમજી જાય છે કે વિરાટ કોઈ મુંઝવણમાં હોય એવું લાગે છે.
એટલે સંજયભાઈ એને એક બે વાર તો ઘરનું કામ કરતા કરતા પૂછે છે કે,
સંજયભાઈ :- બોલ વિરાટ
કોઈ તકલીફ છે ?
બે ત્રણ વાર પૂછવા છતાં જવાબ નહીં મળતાં,
સંજયભાઈ ખાટલામાં બેસેલા વિરાટ તરફ નજર કરે છે,
ને સંજયભાઈ ચોંકી ઉઠે છે, કેમકે
આજ પહેલાં ક્યારેય સંજયભાઈ એ વિરાટ ને આટલો ચિંતાતુર જોયો ન હતો.
કોલેજમાં મેઘા સાથે પ્રેમ શરૂ થયો હતો, ત્યારે પણ નહીં.
વિરાટની હાલની સ્થિતિ જોતાં સંજયભાઈ પોતાનું કામ પડતું મુકી વિરાટ પાસે આવે છે.
ખાટલામાં બેઠેલ વિરાટની બાજુમાં બેસી વિરાટ ના ખભે હાથ મૂકી,
ધીરે રહીને વિરાટ ને પૂછે છે કે,
સંજયભાઈ :- મેઘા સાથે કંઈ થયું ?
કે પછી આજથી કૉલેજ પુરી થઈ ગઈ એટલે મેઘા ને રોજ મળવા નહીં મળે એની ચિંતા છે ?
વિરાટ નીચી નજરે ડોક હલાવીને ના પાડે છે.
એટલે સંજયભાઈ :- તો શું માસી બીમાર પડી ગયા, એની ચિંતામાં છે ?
સંજયભાઈ એ આટલું બોલતા જ વિરાટ સંજયભાઈ ના ખભે માથું રાખીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે.
સંજયભાઈ એને શાંત પાડી, પાણી પીવડાવી હળવેકથી પૂછે છે કે,
સંજયભાઈ :- શું થયું વિરાટ
માસી ના રિપોર્ટમાં કંઈ એવું આવ્યું છે ?
વિરાટ થોડો શાંત થઈ, થોડી હિંમત એકઠી કરી ને ડૉક્ટરે વિરાટ ને જણાવેલ એની મમ્મીની બીમારી વિશેની ગંભીરતા, અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવી પડશે, અને એ પણ છ કે આઠ મહિનાની અંદર, એ વાત, અને આ વાત એણે કોઈને નથી કરી એ વાત પણ સંજયભાઈ ને વિગતવાર જણાવે છે.
અને સાથે સંજયભાઈ પાસેથી વિરાટ એ પ્રોમિસ પણ લે છે કે, સંજયભાઈ પણ આ વાત કોઈને નહીં જણાવે...
મેઘા ને પણ નહીં.
સંજયભાઈ પ્રોમિસ કરે છે ને હિંમત પણ આપે છે કે,
સંજયભાઈ :- સારું હવે, કાઠો થા વિરાટ
તું છે ને, એટલી બધી ચિંતા ન કરીશ,
આમે તારી કોલેજ પુરી થઈ ગઈ છે, તો હવે તારી પાસે એવો સમય પણ છે કે, આપણે બંને માસી માટે બને એટલું ઝડપી કંઈ કરી લઈશું.
હિંમત રાખ.
વિરાટ :- સંજયભાઈ હું પણ એજ વિચારી રહ્યો હતો, પરંતુ વાત એમ છે કે,
હમણાં મમ્મીની ખબર કાઢવા મામા આવ્યા હતા, અને મારો અભ્યાસ પૂરો થઈ ગયો છે, એ વાત જાણીને એમણે મને ચાર પાંચ દિવસમાં અમદાવાદ આવવાનું કહીને ગયા છે.
એતો આજે ને આજે જ
એમની સાથે મને લઈ જવા માંગતા હતા, પરંતુ જેમ તેમ કરીને મેં એમને ચાર પાંચ દિવસ પછી આવીશ અમદાવાદ એવું સમજાવ્યા.
એ મને શહેરમાં કોઈ નોકરી ધંધામાં સેટ કરવા માંગે છે.
હવે હું ત્યાં અમદાવાદ જતો રહું,
તો પછી.....
મમ્મીની બીમારી માટે હું કોઈ રસ્તો કેવી રીતે કરી શકીશ ?
વધારે ભાગ આઠમાં