વિરાટને અમદાવાદ આવ્યે લગભગ એકાદ અઠવાડિયા જેવો સમય થઈ ગયો છે. આ એક અઠવાડિયામાં વિરાટે મેઘાને એકપણ ફોન તો નથી કર્યો, અને ઉપરથી મેઘાએ વિરાટને કરેલ એક પણ ફોન રીસીવ પણ નથી કર્યો, કે નથી મેઘાએ કરેલ મેસેજનો કોઈ જવાબ આપ્યો.
એક તો વિરાટ મેઘાને જાણ કર્યા વગર અમદાવાદ આવી ગયો, એ વાત પણ હજી સુધી મેઘાની સમજ બહાર છે,
ને ઉપરથી જ્યારે ફોન, કે મેસેજનો જવાબ આપવાનું પણ વિરાટે બંધ કર્યું,
એટલે ખરેખર આ બધું મેઘાની ચિંતા વધારે એવું હતું.
અને મેઘાની ચિંતામાં વધારો કેમ ન થાય ?
મેઘા તો વિરાટની જીંદગી બની ગઈ હતી, આજ સુધી મેઘા ને મળ્યા વગર વિરાટ નો એકપણ દિવસ ખાલી નથી ગયો, ભલે પછી કૉલેજ ચાલુ હોય, કે પછી કોલેજમાં રજા હોય, ક્યાંય ને ક્યાંય, કોઈપણ રીતે ભલે થોડો સમય પણ વિરાટ ગમે તેમ કરીને મેઘાને મળી જ લેતો.
એટલે આજે તો મેઘાએ નક્કી કરી જ લીધું છે કે,
ભલે વિરાટ મારા ફોન કે મેસેજનો જવાબ નથી આપતો, પરંતુ આજે તો હું ગમે તેમ કરીને વિરાટનું મારી સાથે વાત નહીં કરવાનું કારણ શોધીને જ રહીશ.
એટલે મેઘા સીધી જ નિકળે છે, વિરાટના વડીલ, મિત્ર કે પછી ગુરૂ જે કહો તે, એવા સંજયભાઈ ના ઘરે જવા.
આ બાજુ સંજયભાઈ મેઘાને આમ અચાનક પોતાના ઘર તરફ આવતી જોઈ એ પણ બરાબરના મુંઝવણમાં આવી જાય છે, અને સંજયભાઈ મુંઝવણમાં કેમ ન આવે ?
કેમકે.....
એક બાજુ વિરાટ દ્વારા આપવામાં આવેલું વચન હતું,
કે વિરાટ હાલ જે મુશ્કેલી ભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યો છે, એનું સાચું કારણ સંજયભાઈ કોઈને નહીં જણાવે, મેઘાને પણ નહીં.
એટલે સંજયભાઈ એકબાજુથી તો વિરાટને આપેલ વચનથી બંધાયેલા હતા,
જ્યારે બીજી બાજુ સંજયભાઈ સારામાં સારી રીતે એ વાત પણ જાણતા હતા કે,
મેઘા કેટલી જિદ્દી સ્વભાવની છે.
અને ઉપરથી આજની મેઘાની જીદ તો વિરાટને લઈને હતી, એમાં તો પછી કહેવું જ શું ?
તેમજ મેઘાને કોઈ આડુઅવળું બહાનું બતાવીને
કે પછી, કંઈ ખોટું બોલીને સમજાવી દેવાની વાત તો બિલકુલ અસંભવ હતી, કેમકે
મેઘા એટલી ચબરાક છોકરી છે કે, એ માણસના હાવભાવ પરથી પણ જાણી લે એવી છે કે,
સામેનો વ્યક્તિ જે વાત કહી રહ્યો છે, એ વાત સાચી છે કે ખોટી ?
છતાં મેઘાને જોઈ સંજયભાઈ
સંજયભાઈ :- આવ મેઘા કેમ અચાનક આજે આ બાજું ? આજે તું રસ્તો તો નથી ભૂલી ગઈને ?
સંજયભાઈની વાત પૂરી થતાં જ,
મેઘા તો એના ઓરિજિનલ સ્વભાવ પ્રમાણે સીધી જ મુદ્દા પર આવતા, સંજયભાઈ ને કહે છે કે,
મેઘા :- સંજયભાઈ હું તમને વિરાટ વિશે કંઈ પૂછવા માટે આવી છું,
માટે આજે મહેરબાની કરીને હું તમને વિરાટ વિશે જે પણ કંઈ જે પુછું, એનો સીધે સીધો અને સાચો જવાબ આપજો.
સંજયભાઈ તો સમજી જ ગયા છે કે,
આજે આ મેઘા નામનું ધર્મ સંકટ આવ્યું છે, એનો સામનો કરવો મુશ્કેલ છે, એટલે ભલે મારે વિરાટની માફી માંગવી પડે, પરંતુ આજે મારે મેઘા ને એની વાતનો સાચો ઉત્તર તો આપવો જ પડશે.
છતાં સંજયભાઈ મનમાં ને મનમાં નક્કી કરી લે છે કે,
તેઓ ભલે મેઘાના પ્રશ્નોનો જવાબ સાચો આપે, પરંતુ શક્ય હોય ત્યાં સુધી તેઓ વિરાટની મમ્મીની બીમારી વાળી વાત મેઘાને નહીં જણાવે.
સંજયભાઈ :- હા બોલ મેઘા,
તારે વિરાટ વિશે શું જાણવું છે ?
મેઘા :- સંજયભાઈ
તમે જાણો છો કે, વિરાટ મને છેલ્લા એક અઠવાડિયાથી મળ્યો નથી, કે નથી મારો ફોન ઉપાડ્યો, અરે એ બધું જવા દો, કમસેકમ એણે
મારા મેસેજનો જવાબ પણ નથી આપ્યો.
તો મારે ફક્ત એટલું જાણવું છે કે,
વિરાટ મારી સાથે આવું કેમ કરે છે ?
અત્યારે વિરાટ ક્યાં છે ?
વિરાટ ના આવું કરવાની પાછળ,
ક્યાંય હું તો જવાબદાર નથી ને ?
મારાથી કોઈ એવી કોઈ ભૂલ તો નથી થઈ ગઈને,
કે જેનાં કારણે વિરાટ મારી સાથે વાત ના કરવા માંગતો હોય ?
અને એ બધું જે હોય એ.....
સૌથી પહેલાં તો તમે મને એ જણાવો કે,
વિરાટ અત્યારે છે ક્યાં ?
અત્યારે મેઘાનો એક એક સવાલ સંજયભાઈ ને બંદૂકની ગોળી જેવો લાગી રહ્યો છે, ને વધારેમાં
સંજયભાઈ તો અત્યારે એવી ચિંતામાં આવી ગયા છે કે, મેઘા બોલી રહે પછી તેઓ જવાબની શરૂઆત ક્યાંથી કરશે, અને શું બોલશે ?
કેમકે એ જાણે છે કે,
મેઘાના સ્વભાવ પ્રમાણે,
મુદ્દા સિવાયની વાત તો દૂર, મેઘા સામે વધારાનો એક શબ્દ પણ બોલાય એવો નથી.
છતાં સંજયભાઈ મેઘાના પ્રશ્નોનો જવાબ આપતાં કહે છે કે....
વધુ ભાગ 10 માં