લેખ:- શિક્ષિકા તરીકેની મારી સફર
ભાગ:- 2
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
એક શિક્ષક કેવો હોવો જોઈએ અને હું કેવી રીતે અને શા માટે શિક્ષિકા બની એ તો તમે અગાઉનાં ભાગમાં વાંચી જ લીધું છે. હવે જ્યારે મનગમતું કામ કરવા મળે ત્યારે આ લાલચુ માનવમન વધુ અપેક્ષા રાખે છે. એને આ કામમાં કદરની સાથે સાથે સફળતા પણ મળે એવી ઝંખના થવા માંડે છે. મને પણ થઈ. અને યોગાનુયોગ આ તક મળી પણ ગઈ. જોઈએ કેવી રીતે.......
વ્યક્તિએ નાનપણથી જોયેલું સપનું જ્યારે પૂર્ણ થાય અને એમાંય જો એને અણધારી સફળતા મળે તો ચોક્ક્સ જ એ વ્યક્તિની મહેનત અને નિષ્ઠાનું ઉત્તમ ફળ મળ્યું કહેવાય. આ સમયે એની ખુશીનો પાર ન રહે. આવી જ અનુભૂતિ મને 21 સપ્ટેમ્બર 2024નાં રોજ થઈ.
તારીખ 10 ઓગષ્ટ 2024નાં રોજ શ્રી કલ્પેશભાઈ અખાણી સરનો ફોન આવ્યો. એમણે કહ્યું કે, "ઑલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ તરફથી રાજ્યકક્ષાનાં શ્રેષ્ઠ ગણિત શિક્ષકો માટેની સ્પર્ધા રાખવામાં આવી છે. તમે પણ એમાં ભાગ લો." પહેલાં તો મને આ બાબતે વિશ્વાસ જ ન થયો. પછી વધારે માહિતિ ન હોવાથી મેં એમની પાસે બધી વિગતો મંગાવી અને વાંચી. પછી મેં એમને ફોન કરીને જાણ કરી કે હું ભાગ લઈશ અને આ તક આપવા બદલ આભાર વ્યક્ત કર્યો.
આ સ્પર્ધાનું આ 18મું આયોજન હતું. પરંતુ મારા માટે તો આ પ્રથમ અનુભવ હોવાથી અગાઉનાં કાર્યક્રમો માટેની વિગતો અનુસાર પોતાને તૈયાર કરતી ગઈ. અને ખરેખર કલ્પેશ સરની ધીરજ અને મદદની ભાવનાને વખાણતાં એટલું કહી શકું કે મારી પાસે યોગ્ય શબ્દો નથી. જ્યારે પણ જ્યાં પણ સમજ ન પડે સરને સીધો ફોન જ કરતી હતી, અને સ્હેજ પણ અકળાયા વગર સર દરેક વખતે મને યોગ્ય માર્ગદર્શન આપતાં રહ્યાં.
અંતે એમનાં માર્ગદર્શન હેઠળ એમને જરુરી હતી એવી ફાઈલ તૈયાર કરી શ્રી દર્શનભાઈ મહેતા સરને નિયત સમયમર્યાદામાં મોકલી આપી.
અંતે 20 તારીખની આખી રાતની બસની મુસાફરી કરી જૂનાગઢની ગિરનાર પબ્લિક સ્કૂલ ખાતે 21 તારીખની સવારે પહોઁચી ગઈ. સમારોહમાં ભાગ લેનાર તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ગિરનાર પબ્લિક સ્કૂલ તરફથી બસ સ્ટેન્ડ તેમજ રેલવે સ્ટેશનેથી સ્કૂલ સુધી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત સૌને માટે રહેવાની પણ સગવડ કરવામાં આવી હતી.
મારા માટે તદ્દન નવો અનુભવ હોવાથી પહેલાં તો ત્યાં બધું જોયા કર્યું. પછી કાર્યક્રમની શરૂઆત થવા પહેલાં ફરીથી કલ્પેશ સરનો ફોન આવ્યો. એ જાણવા કે હું ક્યાં છું. પછી એમણે કહ્યું કે સ્કૂલનાં મેઈન ગેટ પાસે આવો. આપણાં કાર્યક્રમની પરંપરા પ્રમાણે આપણે દાખલ થવાનું છે. આથી હું ત્યાં ગઈ.
અને પછી જે સ્વાગત સમારોહ થયો!!! અદ્ભૂત! સ્ટુડન્ટ પોલીસ કેડ઼ેટ તરફથી બેન્ડ અને પરેડ સાથે લાલ જાજમ બિછાવી ફૂલોની વર્ષા અને કંકુ તિલક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. સ્કૂલમાં દાખલ થતાં જ અમે ગણિત શિક્ષકો હોવાથી અમારાં માટે સુંદર મજાની ગાણિતિક રંગોળી કરવામાં આવી હતી - ખૂબ જ આકર્ષક અને સુંદર. ગિરનાર પબ્લિક સ્કૂલનાં ગણિત શિક્ષકે આ રંગોળી દોરી હતી અને એ જ શાળાનાં મિત્તલ મેડમ દ્વારા એમાં ખૂબ સુંદર રંગપુરણી કરવામાં આવી હતી. ત્યારબાદ સૌને ગિરનાર પબ્લિક સ્કૂલનાં ઓડિટોરિયમમાં લઈ જવામાં આવ્યાં અને ત્યાં જ ઉદ્ઘાટન સમારોહ તેમજ રાજ્યકક્ષાનાં શ્રેષ્ઠ ગણિત શિક્ષકોનો સન્માન સમારોહ પણ હતો.
પ્રાર્થના, પ્રાસંગિક ઉદબોધન, અને વિવિધ તજજ્ઞો દ્વારા પ્રેરણાત્મક પ્રવચન બાદ પ્રથમ પ્રાથમિક વિભાગનાં સાત અને ત્યારબાદ માધ્યમિક વિભાગનાં ચાર શ્રેષ્ઠ શિક્ષકોનું ટ્રોફી, મેડલ, સર્ટિફિકેટ, પુસ્તક આપી, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. આ ભવ્ય કાર્યક્રમની માત્ર સાક્ષી જ નહીં, પરંતુ આ કાર્યક્રમમાં સન્માન મેળવનાર શ્રેષ્ઠ શિક્ષકોની યાદીમાં માધ્યમિક વિભાગમાં મારું પણ સન્માન થયું એ ગૌરવશાળી ક્ષણ માણવાનો લ્હાવો મળ્યો.
આવો ગર્વ ભરેલો અનુભવ કરાવવા માટે ઑલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબનાં રાષ્ટ્રીય કક્ષાના ચેરમેન શ્રી ડૉ. ચંદ્રમૌલી જોશી સર, રાજ્ય કક્ષાના અધ્યક્ષ શ્રી કલ્પેશ અખાણી સર, શ્રી દર્શન મહેતા સરનો અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર.🙏. સાથે સાથે આ ક્લબનાં એ તમામ સભ્યોનો આભાર કે જેઓએ વિજેતાઓની યાદીમાં મારા નામનો પણ સમાવેશ કર્યો.😊
પ્રથમ ભાગની લિંક નીચે છે:-
https://www.matrubharti.com/book/19964081/my-journey-as-a-teacher
મારી આ સફર આગળ વધારીશ આવતાં અંકમાં...
આભાર
સ્નેહલ જાની.