Shikshika tarikeni maari safar - 3 in Gujarati Motivational Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | શિક્ષિકા તરીકેની મારી સફર - 3

Featured Books
Categories
Share

શિક્ષિકા તરીકેની મારી સફર - 3

ધારાવાહિક:- શિક્ષિકા તરીકેની મારી સફર

ભાગ 3

લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




અગાઉનાં અંકમાં તમે મારા રાજ્ય કક્ષાનાં માધ્યમિક કક્ષાનાં શ્રેષ્ઠ ગણિત શિક્ષિકા તરીકેના એવૉર્ડ વિશે તો જાણ્યું. હવે જાણો એ જ અધિવેશનમાં હજુ શું બાકી હતું જે મને વધારે ગર્વ અનુભવવા તરફ લઈ જવાનું હતું.



સન્માન સમારોહ પૂર્ણ થયાં બાદ વિવિધ ગાણિતિક પ્રવૃત્તિઓ જેવી કે Maths model, Puzzle, Maths Quiz, Mathematician Roleplay, Geometric Rangoli, Teacher's Paper Presentation જેવી વિવિધ સ્પર્ધાઓની શરૂઆત કરવાની હતી. જ્યાં સ્પર્ધાઓ હોય ત્યાં નિર્ણાયકની જરુર તો પડે જ! એક તો આ મારો પ્રથમ સમારોહ હતો, એમાંય રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો, ઉપરથી એમાં અન્ય એક આનંદની ક્ષણ ઉમેરાઈ કે મારે Geometric Rangoli સ્પર્ધા માટે નિર્ણાયક તરીકે કાર્ય કરવાનું હતું એ માટે મારી પસંદગી થઈ. 



દર્શન સર, કલ્પેશ સર અને ચંદ્રમૌલી સરની આભારી રહીશ કે જેમણે મને આ તક આપી. હું પણ પહેલી વખત આ સમારોહમાં અને આ સ્પર્ધા પણ પહેલી જ વખત આ સમારોહમાં ઉમેરાઈ હતી. સ્પર્ધા જે રૂમમાં હતી એ રૂમમાં બાળકોનો ઉત્સાહ અનેરો હતો. એમને ત્રિકોણ, વર્તુળ અને ચોરસ એમ ત્રણ જ આકારો વાપરવાની મર્યાદા આપી હતી. સાથે સાથે માત્ર 90 મિનિટના સમયમાં એટલે કે દોઢ કલાકમાં જ એમણે તેમને આપવામાં આવેલ ડ્રોઈંગ પેપર પર રંગોળી દોરી માત્ર પેન્સિલ કલર જ વાપરી કાર્ય પૂર્ણ કરવાનું હતું. 



ઘણાં બધાં બાળકોએ ખૂબ જ સુંદર કાર્ય કર્યું હતું. બહુ મુશ્કેલીથી પ્રથમ ત્રણ સ્પર્ધકો પસંદ કરાયા કે જેમને વિજેતા જાહેર કરવાનાં હતાં. એક ખૂબ જ સુંદર અને નવો અનુભવ રહ્યો. ત્યારબાદ થોડી જ વારમાં તમામ સ્પર્ધાઓ પૂર્ણ થઈ, જેમાંથી કેટલીક સ્પર્ધાઓનો બીજો રાઉન્ડ બીજા દિવસે એટલે કે 22 સપ્ટેમ્બર 2024નાં રોજ હતો. 



એકાદ કલાકના વિરામ બાદ રાત્રિ ભોજન, અને ત્યારબાદ ગિરનાર પબ્લિક સ્કૂલ દ્વારા બે કલાકનો ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સમારોહ ગણિતનો હતો, પરંતું એને સફળ બનાવવા માટે ગિરનાર પબ્લિક સ્કૂલનાં સમસ્ત પરિવારે અથાક પ્રયત્નો કર્યા. આ પરિવારમાં શાળાનાં વિદ્યાર્થીઓ, પટાવાળા, શિક્ષકો, આચાર્યશ્રી તેમજ સમસ્ત સંચાલકગણ પણ અમારાં કાર્યક્રમને સફળ બનાવવા ઉત્સાહપૂર્વક કામે લાગ્યા હતાં. 



સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રકૃતિનાં સાનિધ્યમાં વસેલું એવું પ્રકૃતિ ધામ, કે જે ગિરનાર પર્વત પાસે આવેલ સુંદર મજાની રહેઠાણની જગ્યા હતી, ત્યાં તમામ મહિલા શિક્ષકો અને વિદ્યાર્થીનીઓ રહી શકે એ માટેની વ્યવસ્થા યજમાન સંસ્થા તરફથી કરવામાં આવી હતી. પુરુષ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટેની અલગ વ્યવસ્થા હતી. 



સરસ મજાની ઉંઘ પૂરી કરીને બીજા દિવસે ફરીથી યજમાન સંસ્થાએ પહોંચ્યા. આ પ્રકૃતિ ધામ સુધી જવાની અને ત્યાંથી પાછા યજમાન સંસ્થામાં આવવાની  વાહનોની વ્યવસ્થા યજમાન સંસ્થાએ જ કરી હતી. 



ત્યાં પહોંચીને સવારનો ચા નાસ્તો કર્યા બાદ ફરીથી જે જે સ્પર્ધાઓનો બીજો રાઉન્ડ બાકી હતો એ તમામ બાળકો, એમનાં  માર્ગદર્શક શિક્ષકો અને નિર્ણાયકો ફરીથી સ્પર્ધા સાથે જોડાઈ ગયા. બાકી રહેલાં તમામ અન્ય મોડેલ તેમજ પ્રદર્શન જોવા નીકળી ગયા. બંને દિવસોએ સવારનો નાસ્તો અને બંને સમયનું ભોજન ખૂબ જ સરસ હતું. આમેય જ્યારે આપણે નવી જગ્યાએ જઈએ છીએ ત્યારે સૌથી વધારે ચિંતા ખાવાનું કેવું હશે એ જાણવાની જ હોય છે. પણ યજમાન સંસ્થાએ એ ચિંતા જ દૂર કરી દીધી. 



અંતે બધી સ્પર્ધાઓ પૂર્ણ થઈ અને ત્યાં હાજર તમામ ફરીથી ઓડિટોરિયમ ખાતે સમારોહના અંતિમ પડાવ માટે પહોંચી ગયા. આ સ્પર્ધાઓ ચાલતી હતી અને પરિણામ સાથે ઓડિટોરિયમમાં પહોંચવાનું હતું એ દરમિયાનમાં મેં વચ્ચે નોંધ્યું કે યજમાન સંસ્થાનો સ્ટાફ તેમજ દર્શન સર અને એમની ટીમ તમામ માટેનાં સર્ટિફિકેટ અને મેડલ તૈયાર કરવાની તજવીજમાં લાગ્યા હતાં, જેનાં માટે બધાં અહીં આવ્યા હતાં. મેં આ તૈયારી જ્યાં થતી હતી ત્યાંથી લગભગ ચારેક આંટા માર્યા. મારી ઈચ્છા હતી કે હું પણ એમને આ કામમાં મદદ કરું. પરંતુ આ સમારોહમાં પ્રથમ વખત આવી હોવાથી કોઈ નિયમો વિશેની વધુ જાણકારી ન હતી, આથી હિંમત કરી ન શકી અને ચૂપચાપ ઓડિટોરિયમમાં જઈને બેસી ગઈ.



જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં એ ઈનામ વિતરણ કાર્યક્રમ શરુ થયો. એક પછી એક તમામ સ્પર્ધાના વિજેતાઓને મંચ પર બોલાવી એ બાળ ગણિતજ્ઞને સુવર્ણપદક અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યાં. એમની સાથે એમનાં માર્ગદર્શક શિક્ષકોને પણ મંચ પર આમંત્રિત કરાયા હતાં.



તમામ વિજેતાઓને ઈનામ અપાઈ ગયા બાદ પણ ઑલ ઈન્ડિયા રામાનુજન ક્લબને શાંતિ ન થઈ હોય એમ, મંચ પરથી દર્શન સર દ્વારા સૂચના આપવામાં આવી કે જે બાળકો વિજેતા નથી બન્યા એમનું પ્રદર્શન પણ શ્રેષ્ઠ જ હતું. આથી ગણિત તરફ એ બાળકોનો ઉત્સાહ જળવાઈ રહે એ માટે ભાગ લેનાર તમામ બાળકો અને સંસ્થાને પણ રજતપદક અને કાંસ્યપદક આપવામાં આવ્યાં. સાથે સાથે ભાગ લેનાર તમામ શાળાઓને ફ્રેમમાં મઢેલ સર્ટિફિકેટ આપવામાં આવ્યાં. સૌ કોઈ એકદમ ખુશ થઈ ગયાં. 



આટલું ઓછું હોય એમ આ બે દિવસનાં સમારોહ સાથે જોડાયેલ તમામને કંઈક ને કંઈક આપવાનું નક્કી જ હતું. બાળકો અને ભાગ લેનાર સંસ્થાઓને સન્માનિત કર્યા બાદ સ્લર્ધાંઓનાં નિર્ણાયકોને સન્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદ યજમાન સંસ્થાનાં આખાય સ્ટાફને આચાર્યશ્રી તેમજ સંચાલકગણ સાથે સન્માનિત કરાયા. પહેલા દિવસની રાત્રિએ અમને મનોરંજન કરાવવા માટે જે બાળકોએ તનતોડ મહેનત કરી હતી એ તમામ બાળકો પણ મેડલ અને સર્ટિફિકેટ લઈને ખુશ થઈ ગયા હતા. અંતે જેમને મોટા ભાગે અવગણવામાં આવે છે, છતાં પણ જેઓ સૌથી વધુ કામ કરે છે એવા યજમાન સંસ્થાનાં સેવકગણને પણ મેડલ પહેરાવી સન્માનિત કરાયા.



ત્યારબાદ બે દિવસનો સમારોહ પૂર્ણ થયો અને બપોરનું જમવાનું લઈ સૌ કોઈ અદ્ભૂત સંસ્મરણો સાથે છૂટાં પડ્યાં.



મારા માટે તો આ સમારોહ પ્રથમ અને જીવનભરની યાદગીરી બની રહેશે.



મારી શિક્ષિકા તરીકેની સફર આમ જ આગળ વધતી રહેશે, મળીએ આવતાં અંકમાં.....


આભાર.


એક ગર્વભેર આગળ વધી રહેલી શિક્ષિકા,


સ્નેહલ જાની