ધારાવાહિક:- શિક્ષિકા તરીકેની મારી સફર
ભાગ:- 4
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
ચાલો, આપ સૌ સમક્ષ મારી આ અદ્ભૂત સફર આગળ વધારું. મારી ગણિત શિક્ષિકા બનવાનાં સપનાંથી લઈને રાજ્ય કક્ષાનાં શ્રેષ્ઠ ગણિત શિક્ષિકા બનવા સુધીની સફર તમે માણી. હવે તમને મારી આ સફરમાં એક અલગ અનુભવ કરાવું.
એ વાત તો એટલી જ સાચી છે કે "જે સતત શીખતો રહે એ શિક્ષક", અને એ વાત પણ એટલી જ સાચી કે "દરેકને પોતાનાં વિષયનું શક્ય એટલું વધારે જ્ઞાન હોવું જોઈએ, સાથે સાથે અન્ય વિષયોનું પણ થોડું થોડું જ્ઞાન હોવું જોઈએ." આ બંને વાતોને સંપૂર્ણ ન્યાય આપીને હું આગળ વધી રહી છું. ધોરણ 10ની ગણિત શિક્ષિકા હોવાને લીધે સતત એ પ્રયત્નોમાં રહું છું કે મારા બાળકોને ગણિત વિષય સ્હેજે મુશ્કેલ ન લાગે.
આ માટે દાખલાઓ સરળ બનાવવાની પદ્ધતિઓ વાપરું છું. ગણતરી સરળ બને એ માટે વૈદિક ગણિતની કેટલીક યુક્તિઓ એમને આપું છું. મુશ્કેલ દાખલાઓ જીવંત ઉદાહરણ કે રમત દ્વારા સમજાવું છું. શાળા સમય બાદ એમને વધારાનાં વર્ગોમાં બેસાડી એમનાં પ્રશ્નો સંતોષપૂર્વક ઉકેલી આપું છું. એમને માટે વધારાનાં અભ્યાસ તરીકે વિવિધ પુસ્તકોનાં દાખલાઓ મોબાઈલ દ્વારા મોકલી દઉં છું.
પણ અહીંયા મારી શિક્ષિકા તરીકેની જિજ્ઞાસા સંતોષાતી નથી. બાળપણથી જ મને આદત પડી છે પુસ્તકાલયમાં જવાની. હજુ પણ આ આદત છૂટી નથી. જેનાં ભાગરૂપે ગણિતની સાથે સાહિત્યમાં પણ એટલો જ રસ ધરાવું છું. વિવિધ લેખન પ્રકારનાં પુસ્તકો વાંચીને ઘણું બધું જાણવા મળ્યું. લગ્ન પછી પણ ઘરની નજીક આવેલ એક પુસ્તકાલયની સભ્ય બની ગઈ, અને ત્યાં પણ સક્રિય સભ્ય તરીકે છું. નિયમિત રીતે પુસ્તકો વાંચું છું. દિવસ ગમે એટલો વ્યસ્ત હોય, આખા દિવસમાં ગમે તે રીતે કોઈ પણ પુસ્તકનું ઓછામાં ઓછું એક પાનું તો વાંચી જ લઉં છું.
હવે આવામાં વચ્ચે કોરોના આવ્યો ને મારી પુસ્તકાલયની મુલાકાત બંધ થઈ ગઈ. કરવું તો કરવું શું? ઘરમાં રહેલાં બધાં પુસ્તકો વાંચી લીધાં. હવે? પછી ઓનલાઈન ક્લાસ ચાલતાં હોવાથી મોબાઈલ સતત સાથે રહેવા લાગ્યો. નવરાશનાં સમયમાં ઓનલાઈન જ વાંચવાનું શરુ કર્યું. ધીમે ધીમે આ રીતે વાંચવાની મજા આવવા માંડી. ઓનલાઈન વાંચનનો સૌથી મોટો ફાયદો એ હતો કે વાંચ્યા બાદ જો કોઈ ટિપ્પણી કરવી હોય કે પછી મારો પોતાનો કોઈ વિચાર એ જ મુદ્દાને અનુરૂપ હોય એને જણાવવો હોય તો મને સરળ પડતું હતું.
આમ ને આમ બીજાનાં લેખન પર મારા વિચારો રજુ કરતાં કરતાં હું પોતે પણ લખતી થઈ ગઈ. હવે મારી જે વાતો હું સમાજ સુધી પહોંચાડવા માંગતી હતી એ સરળતાથી પહોંચાડી શકું છું. સાથે સાથે એ વાતની ખુશી છે કે વાંચનારને એ વાતો ગમે પણ છે. એટલે કે એક શિક્ષિકા તરીકે સમાજને સાચી ખોટી બાબતો તેમજ કેટલીક પ્રેરણાત્મક બાબતો જણાવવાનું સૌભાગ્ય પણ મળે છે.
ત્યારબાદ મારા પુસ્તકાલય થકી મને સંસ્કૃત ભારતી, અમદાવાદ તરફથી લેવાતી સંસ્કૃત ગૌરવ પરીક્ષા વિશે જાણકારી મળી. આ તો આપણી દેવભાષા! બધી તપાસ કરી તો ખબર પડી કે આ પરીક્ષા આપવા માટે ઉંમરનો કોઈ બાધ નથી. પાંચમા ધોરણનાં વિદ્યાર્થીથી લઈને કોઈ પણ ઉંમરની વ્યક્તિ આ પરીક્ષા આપી શકે છે. મેં પણ નામ નોંધાવ્યું. આ પરીક્ષાનાં ચાર તબક્કાઓ હોય છે - પ્રવેશિકા, પ્રવાહીકા, પ્રમોદિકા અને પ્રદીપિકા. મેં આ ચારેય પરીક્ષાઓ પ્રથમ વર્ગ સાથે પૂર્ણ કરી છે.
હવે તો મારા અનુભવોને ધ્યાનમાં લઈને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ મને એમને ત્યાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં નિર્ણાયક તરીકે પણ બોલાવી રહ્યાં છે. આવા સૌભાગ્ય બદલ પ્રભુનો પાડ માની આમંત્રણને માન આપી મારી સેવા પુરી પાડું છું.
હજુ શિક્ષક તરીકેનાં પંદર વર્ષ બાકી છે. એટલે જેમ જેમ અનુભવો થતાં રહેશે એમ એમ આપ સૌ સાથે મારી આ સફરનાં અનુભવો વહેંચતી રહીશ.
મળીશું ફરી ક્યારેક મારા વધુ અનુભવો સાથે. ત્યાં સુધી આ સફરને થોડો વિરામ આપું છું.
આભાર.
સ્નેહલ જાની.