નવેમ્બર, ૨૦૧૦ના રોજ એક ઠંડી રાતે સાઉથ આફ્રિકાના કેપટાઉનના રસ્તાઓ પર એક એવો વળાંક આવ્યો કે જેને એક નવદંપતીનું જીવન બરબાદ કરી નાખ્યું, જે આજે પણ ગુંજતો રહે છે. એની દેવાની અને તેના પતિ શ્રીએન દેવાની તેમના હનીમૂનની ખુશીમાં મસ્તી કરી રહ્યાં હતાં ત્યારે અચાનક ટેક્સીમાં તેમની સફર એક ભયાનક દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગઈ. વાત જાણે એમ હતી કે એની દેવાની અને શ્રીએન દેવાની બંને પતિ-પત્ની મુંબઈના રહેવાસી હતાં અને પોતાનાં લગ્ન બાદ આફ્રિકા હનીમૂન માટે ગયાં હતાં. ત્યાં એક રાત્રે તેઓ ટેક્સીમાં જઈ રહ્યાં હતાં અને અચાનક જ કેટલાક અજાણ્યા શખ્સોએ તેમની ટેક્સી રોકાવીને તેમના પર હુમલો કર્યો. આ હુમલામાં એનીનું મૃત્યુ થયું.
૧૩ માર્ચ, ૧૯૮૨ના રોજ જન્મેલી એની દેવાની, એક ભારતીય મૂળની સ્વીડિશ યુવતી હતી. એની અને તેનો પરિવાર એક સમયે યુગાન્ડામાં સ્થાયી હતો. ત્યારબાદ તેઓએ સ્વીડન સ્થળાંતર કર્યું હતું. લગ્ન બાદ એની પોતાના પતિ શ્રીએન દેવાની સાથે મુંબઈમાં રહેવા લાગી હતી. લગ્ન બાદ તેઓ બંને હનીમૂન માટે સાઉથ આફ્રિકા ગયાં હતાં.
૭ નવેમ્બર, ૨૦૧૦ના રોજ કેપટાઉન એરપોર્ટ પર ઉતરાણ કર્યા પછી, આ દંપતીએ દક્ષિણ આફ્રિકાની સુંદરતાનો આનંદ માણવા માટે સ્થાનિક ફ્લાઈટ લીધી અને ક્રુગર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ચાર રાત વિતાવી.
નવેમ્બરના રોજ તેઓ ફરીથી કેપટાઉન પાછાં ફર્યાં અને તરત જ ભાડે રાખેલા ટેક્સી ડ્રાઇવર, ઝોલા ટોંગો દ્વારા કેપ ગ્રેસ હોટેલ પહોંચ્યાં. ૧૩ નવેમ્બરની સવારે ટેક્સી ડ્રાઈવર ઝોલા ટોંગો તેમને શહેરની ટૂર પર લઈ ગયો. રાત્રે આ નવદંપતીએ સર્ફસાઇડ રેસ્ટોરાંમાં રાત્રિભોજન કર્યું અને પછી ગુગુલેથુ તરફ પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે રસ્તા પર અચાનક જ કેટલાક અજાણ્યા શખ્સોએ તેમની ટેક્સી પર હુમલો કર્યો.
થોડીવારમાં જ ઝોલા ટોંગોને ટેક્સીમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યો અને બાદમાં શ્રીએન દેવાનીને પણ ૨૦ મિનિટના ડ્રાઇવ પછી રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો. તે અંધાધૂંધીમાં એની દેવાની ટેક્સીની પાછળની સીટ પર બેઠેલી જોવા મળી.
૧૪ નવેમ્બરના રોજ સવારે ૭:૫૦ વાગ્યે લિંગેલેથુ વેસ્ટમાં જ્યારે પોલીસે એનીનો મૃતદેહ ટેક્સીમાંથી શોધી કાઢ્યો. આરોપીઓએ એનીને ગળામાં ગોળી મારી હતી, જેના લીધે તેનું મૃત્યુ થયું હતું. આરોપીઓએ ટેક્સીમાંથી મોંઘાં કપડાં, મોંઘી ઘડિયાળો, એક સ્ટાઇલિશ બેગ અને લગભગ ૯૦,૦૦૦ ના મોબાઈલ ફોનની ચોરી કરી હતી.
ઘટના બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટેક્સીની અંદરથી મળેલી ફિંગરપ્રિન્ટે તપાસકર્તાઓનું ધ્યાન ખેંચ્યું, જેના કારણે ૧૬ નવેમ્બર, ૨૦૧૦ના રોજ ઝોલિલ મંગેનીની ધરપકડ કરવામાં આવી. કેપ્ટન જોન્કરની હાજરીમાં મંગેનીએ એક વીડિયો રેકોર્ડેડ નિવેદન આપ્યું અને કહ્યું કે તે હુમલામાં સામેલ સભ્ય હતો. તેણે એમ પણ કહ્યું કે લૂંટ અને અપહરણ દરમિયાન, એનીની બેગ માટે સંઘર્ષ દરમિયાન મઝીવામાડોડા ક્વાબેએ ગોળીબાર કર્યો હતો.
થોડા દિવસમાં ૧૮ નવેમ્બરની સવારે પોલીસને વિશ્વસનીય માહિતી મળી અને તેણે મઝીવામાડોડાક્વાબેની ધરપકડ કરી. શરૂઆતમાં તે પોતાની સંડોવણીનો ઈન્કાર કરી રહ્યો હતો, પરંતુ પછી તેણે સ્વીકાર્યું કે તે પણ લૂંટમાં સામેલ હતો. ટૂંક સમયમાં ક્વાબેએ પોતાનું નિવેદન બદલી નાખ્યું અને આરોપ લગાવ્યો કે આ હુમલો શ્રીએન દેવાની દ્વારા કરવામાં આવેલ પૂર્વયોજિત હત્યા હતી. તે જ દિવસે હોટલ રિસેપ્શનિસ્ટ મોન્ડે મ્બોલોમ્બોની પણ ધરપકડ કરવામાં આવી હતી કે જેણે શરૂઆતમાં પોતાની સંડોવણી સ્વીકારી હતી, પરંતુ બીજા દિવસે પોતાનું નિવેદન બદલી નાખ્યું અને તે જ આરોપો શ્રીએન દેવાની પર લગાવ્યા.
આ સમગ્ર વાર્તામાં બીજું એક મહત્ત્વપૂર્ણ પાત્ર ટેક્સી ડ્રાઈવર ઝોલા ટોંગો હતું. શરૂઆતમાં તેણે પોતાને હુમલાનો ભોગ બનનાર નિર્દોષ ગણાવ્યો હતો, પરંતુ બાદમાં કાનૂની સલાહ લીધા બાદ તેણે પોતાનું નિવેદન બદલવું પડ્યું અને કહ્યું કે હુમલો પણ પૂર્વઆયોજિત હતો અને તેને શ્રીએન દેવાની દ્વારા અંજામ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
સ્થાનિક મીડિયામાં આ ઘટનાના સમાચાર ફેલાતાં જ સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો. આ મામલો કેપટાઉનના રસ્તાઓ પર ચર્ચાનો વિષય બન્યો. ગુનેગારોએ જે રીતે આ યોજનાને અંજામ આપ્યો તે એટલી પૂર્વઆયોજિત ચાલાકી દર્શાવે છે કે તપાસકર્તાઓને કડીઓ એકત્રિત કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ટેક્સીમાં રહેલા દરેક નિશાન, દરેક ફિંગરપ્રિન્ટ અને દરેક ગોળીનાં નિશાન દર્શાવે છે કે આ હુમલો અચાનક નહોતો,પરંતુ પૂર્વયોજિત હતો.
તપાસકર્તાઓએ દરેક સાક્ષીની વિગતવાર પૂછપરછ કરી. શરૂઆતમાં પોતાને નિર્દોષ ગણાવનાર ટેક્સી ડ્રાઈવરે અચાનક પોતાનું નિવેદન બદલી નાખ્યું. તેવી જ રીતે, ક્વાબે અને મ્બોલોમ્બોએ પણ વારંવાર તેમનાં નિવેદનોમાં બદલાવ કર્યો. તેમનાં નિવેદનોમાં એટલા બધા વિરોધાભાસ હતા કે પોલીસે તેમની સત્યતા પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું.
તપાસ દરમિયાન પોલીસને એ પણ જાણવા મળ્યું કે શ્રીએન દેવાનીનું નામ ગુનાના આયોજનમાં વારંવાર આવી રહ્યું હતું. બધા આરોપી સાક્ષીઓ અને ગુનેગારોએ વારાફરતી તેમનાં નિવેદનોમાં શ્રીએનનું નામ ઉંમેર્યું અને કહ્યું કે તે જ હુમલાનો ગુનેગાર હતો, પરંતુ પાછળથી જ્યારે આખી વાર્તા કોર્ટમાં બહાર આવી, ત્યારે સ્પષ્ટ થયું કે શ્રીએન દેવાની પર આરોપ લગાવવા માટે આ સાક્ષીઓનાં નિવેદનોમાં એટલી બધી વિસંગતતાઓ હતી કે તેમને દોષિત ઠેરવવા મુશ્કેલ હતા.
કાયદાકીય પ્રક્રિયા મુજબ આ પુરાવાઓને ધ્યાનમાં લેતા પોલીસે સૌપ્રથમ ટેક્સી ડ્રાઈવર ઝોલા ટોંગોને કોર્ટમાં રજૂ કર્યો. ડિસેમ્બર, ૨૦૧૦માં ટોંગોને કોર્ટે દોષી ઠેરવ્યો અને તેને ૧૮ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. એ જ રીતે ઓગસ્ટ, ૨૦૧૨માં કોર્ટે ક્વાબેને દોષી ઠેરવ્યો અને તેને ૨૫ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી, જ્યારે નવેમ્બર, ૨૦૧૨માં ઝોલિલ મંગેનીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. કોર્ટે કહ્યું કે એની પર ગોળીબાર માટે ઝોલિલ જ જવાબદાર છે. હોટલ રિસેપ્શનિસ્ટ મોન્ડે મ્બોલોમ્બો કે જેણે પોતાની સંડોવણી સ્વીકારી હતી, પરંતુ પાછળથી પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું. તેને સંપૂર્ણ કાનૂની જવાબદારીમાંથી મુક્તિ આપવામાં આવી હતી, જેથી તે અન્ય ગુનેગારો સામે સત્ય કહી શકે.
શંકાની એક સોય એનીના પતિ શ્રી દેવાની તરફ પણ જઈ રહી હતી. શ્રીએન દેવાની ખૂબ જ શ્રીમંત પરિવારમાંથી આવતો હતો, જ્યારે એનીની આર્થિક સ્થિતિ મધ્યમવર્ગીય હતી. આ ઉપરાંત એની અને શ્રીએન બંને એકબીજાને લંડનમાં મળ્યાં હતાં. ત્રણ-ચાર વખત મળ્યાં બાદ તરત જ બંનેએ લગ્ન કરી લીધાં હતાં. આ વાત કોઈક રીતે શંકાસ્પદ હતી. આ ઉપરાંત શ્રીએન દેવાની પર ગે હોવાનો આરોપ પણ હતો. શ્રીએનના પરિવારના ઘણા સભ્યો એ વાત માનતા હતા કે શ્રીએન ગે છે. ત્યારે પોતે ગે હોવા છતાંય શ્રીએને સહાય માટે એની સાથે લગ્ન કર્યાં એ પણ એક પ્રશ્ન હતો. જોકે, શ્રીએન ગે છે કે નહીં તેનો ક્યારેય કોઈ ખુલાસો થયો નહોતો.
આ સમગ્ર કેસમાં વધુ એક વળાંક ત્યારે આવ્યો કે જયારે દક્ષિણ આફ્રિકાના સરકારી વકીલોએ પાછળથી શ્રીએન દેવાની વિરુદ્ધ આરોપો લગાવ્યા. આથી શ્રીએન દેવાણીને ૭ એપ્રિલ ૨૦૧૪ના રોજ યુનાઇટેડ કિંગ્ડમથી દક્ષિણ આફ્રિકા પ્રત્યાર્પણ કરવામાં આવ્યો. દક્ષિણ આફ્રિકા પહોંચ્યા પછી તેની ધરપકડ કરવામાં આવી અને શ્રીએન દેવાની પર રીતસરનો આરોપ મૂકવામાં આવ્યો અને તેમની પત્નીની હત્યાનું આયોજન કરવાના આરોપસર ટ્રાયલ ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો. શ્રીએન દેવાની પર પાંચ ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો : અપહરણનું કાવતરું, વિકટ સંજોગોમાં લૂંટ, હત્યા, અપહરણ અને ન્યાયમાં અવરોધ ઊભો કરવો. આ પાંચેય આરોપોમાં પોતે દોષી નથી તેવું શ્રીએન દેવાનીએ રટણ ચાલુ રાખ્યું.
જ્યારે કેસ કોર્ટમાં આવ્યો, ત્યારે ઊલટતપાસ દરમિયાન મુખ્ય સાક્ષીઓનાં નિવેદનોમાં એટલા બધા વિરોધાભાસ જોવા મળ્યા કે ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું કે તેમનાં નિવેદનોમાં એટલી બધી ભૂલો હતી કે તેમના પરથી કોઈ નિષ્કર્ષ કાઢવો અશક્ય હતો. આખરે ૮ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ વેસ્ટ કેપ હાઈકોર્ટે શ્રીએન દેવાનીને તમામ આરોપોમાંથી મુક્ત કર્યો.
આખરે આ સંપૂર્ણ કેસ ફક્ત લૂંટ અને લૂંટ બાદ હત્યાનો બની ગયો. ફોરેન્સિક તપાસ અને અન્ય પુરાવાઓના આધારે ટેક્સી ડ્રાઈવર અને અન્ય બે આરોપીઓને સજા ફટકારવામાં આવી, જ્યારે શ્રીએન દેવાની વિરુદ્ધ આરોપીઓનાં નિવેદનો હોવા છતાંય શ્રીએન દેવાની જ આ હત્યાના કાવતરાનો મુખ્ય આરોપી છે એ બાબત સાબિત થઈ શકી નહીં.
Written by : Mr. A.J. AGHERA
Edited by : Mr. RAKHOLIYA