‘अहमदाबाद से आने वाली गुजरात मेल प्लेटफार्म नंबर 6 पर आ गई है’
અરે.. અરે.. આ તો ટ્રેનનો સફર પૂરો થયો છે. ટ્રેનની મુસાફરી પછી તો અહીં મારો સફર શરૂ થાય છે. સામાન્ય રીતે શુભ કાર્ય શંખનાદથી થાય છે, પણ મારા આ નવા સફરનો શંખનાદ અમદાવાદથી શરૂ થતી ગુજરાત મેઈલ દ્વારા કરવામાં આવ્યો હતો.
સવારના 6 વાગ્યા આજુબાજુનો સમય હતો. આંખ ખુલતાની સાથે લોકલ ટ્રેનના અવાજથી ધમધતું સ્ટેશન દેખાયું. જે શહેરની રોનક લોકલ ટ્રેનના અવાજથી વધતી હોય એ શહેરનો પરિચય આપવાની જરૂર લાગતી નથી. કેમ કે, આ તો, ભારતની ઓળખાણ છે, જ્યાં લોકોના સપનાની સવાર થાય છે, જ્યાં કંઈક કરી બતાવાની આગ છે અને હા દરિયો તો અહીંનુ નજરાણું છે. જી હા, આ છે મુંબઈ મારી જાન! ઉપલેટા જેવા નાના ગામથી શરૂ કરેલો સફર એક મુંબઈ આવી ઉભો રહેશે કોને ખબર હતી. સપનામાં પણ મેં વિચાર્યું ન હતું કે, હું પણ મુંબઈ જેવા શહેરનો ભાગ બનીશ. મુંબઈ આવતાની સાથે મારા કાનમાં ઘૂંઘવાતા દરિયાનો અવાજ આવવા લાગ્યો હતો.
આવા જ કંઈક વિચારમાંને વિચારમાં દાદર સ્ટેશન પર ટ્રેન આવી ઊભી રહી ગઈ. નવી જગ્યા નવી સવારે મારા ઉત્સાહને બમણો કર્યો હતો. દાદર પહોંચતાની સાથે જ ક્યાં, કેમ, કેવી રીતે, શુ થશેના ડર સાથે મારા મુંબઈ પ્રવાસના પ્રથમ દિવસની શરૂઆત થઈ. મારા બે થેલાને બે હાથમા મુંબઈના પ્લેટફોર્મ પર સંભાળતા સંભાળતા હું આગળ વધવા લાગ્યો સ્ટેશન બહાર નીકળવાનો રસ્તો શોધવા લાગ્યો. મારા મનમાં પહેલો વિચાર આવ્યો કે હું કઈ બાજુંથી સ્ટેશનની બહાર નીકળું. ઈસ્ટ કે વેસ્ટ? થોડી વાર હાથને આરામ આપવા થેલા એક સાઈડ કરી બંને બાજું મે નીરખી જોયું કે કઈ બાજું વધું લોકો જઈ રહ્યા છે. એ બાજું જવાનું મે નક્કી કર્યું. અંતે મે થેલા કાંખમાં નાખ્યાને ચાલ્યો આગળ...
માયાનગરીની માયા લાગશે કે નહીં એ તો મને ખબર ન હતી. પરંતુ દાદરની શાકમાર્કેટ અને વખણાતા મુંબઈના વરસાદે મારું એવું સ્વાગત કર્યું કે જે હું જીવનમાં ક્યારેય ભૂલી શકીશ નહીં. આમ તો હું મુંબઈ મારી નવી નોકરી માટે આવ્યો હતો. મુંબઈની વાતો સાંભળી હતી, પણ મુંબઈ પહેલી વાર જોયું હતું. મને અમદાવાદની કોઈપણ ગલીમાં આંખે પાટો બાંધી મુકી દો, તો થોડી વારમાં હું રસ્તો શોધી ફરી ઘરે પહોંચી જાવ પણ આ તો શહેર નવું હતું, લોક પણ નવા હતા, આટલું જ નહીં લોકોની ભાષા પણ નવી હતી. જીવનમાં નવી વસ્તુનો અનેરો ઉત્સાહ હોય, પણ વધુ પડતું નવું નવું અપડેટ થાય તો મગજ હોય કે મોબાઈલ, બંને હેંગ થઈ જાય. મુંબઈ પહોંચતાની સાથે પહેલી પડકાર એ હતી મારે મારા ગેસ્ટ હાઉસ સુધી પહોંચવાનું હતું જે ક્યાં આવ્યું હતું એ મને ખબર જ ન હતી.
લોકો અજાણ્યા, શહેર અજાણ્યું, નવી જગ્યાના ઉત્સાહ સાથે નવી જગ્યાના પડકાર આવવાના શરૂ થઈ ચૂક્યા હતા. મારી પાસે કમાણી કરવા માટે જોબ તો હતી, પણ રહેવા માટે જગ્યા ન હોતી. જોબ શરૂ થવાને બે દિવસ બાકી હતા. મને કંપનીએ થોડા દિવસો રહેવા માટે ગેસ્ટ હાઉસ આપ્યું હતું. જેથી હું સારા મકાનની શોધ કરી શકું. મારા જીવનની સૌથી મોટી મુશ્કેલીઓમાંની એક એટલે મારે રહેવા માટે એક સારું ઘર શોધવાનું હતું. મુંબઈ માટે એક કહેવત જાણીતી થઈ છે ‘મુંબઈમાં રોટલો મળવો સહેલો છે, પણ ઓટલો મળવો મુશ્કેલ છે’. પહેલા દિવસની શરૂઆતમાં જ નાની એવી ભૂલને કારણે મારા માટે ગેસ્ટ હાઉસ બુક થયું ન હતું. પરિણામે મુંબઈની સફરના પહેલા જ દિવસે હું છત વગરનો હતો...
મુંબઇની સફર હજુ બાકી છે...ગેસ્ટ હાઉસનો એડ્રેસ વિના હું શું કરીશ? જાણવા માટે જોડાયેલા રહો!