Hasya Manjan - 39 in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય મંજન - 39 - ફાઈલો ઘરવાળીની નાની બહેન જવી છે...!

Featured Books
Categories
Share

હાસ્ય મંજન - 39 - ફાઈલો ઘરવાળીની નાની બહેન જવી છે...!

ફાઈલો ઘરવાળીની નાની બેન જેવી છે..!

                    સત્ય-અહિંસા-સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે-કાગડા  કુતરાના મોતે મરીશ, પણ આઝાદી લઈને જ જંપીશ, જેવા આઝાદીની લડતના સુત્રો હજી કાનમાં ગુનગુન થાય છે. આવા તો ઢગલાબંધ સુત્રો હશે. દશેરાએ શસ્ત્ર પૂજન થાય એમ સમયે જ બહાર નીકળે. ચમેલી એટલે ચમનીયાની એકને એક વાઈફને એવી લાલસા જાગી કે, સુત્રોના ઘડવૈયા તરીકે, મારે પણ વિખ્યાત થવું છે. રાષ્ટ્ર પ્રેમીઓને લાગે કે, ચમેલીનું પણ યોગદાન છે.  મારો ઝામો પણ પડવો જોઈએ. સરકારી કે મલ્ટી નેશનલ કંપનીમાં જે રીતે ફાઈલોને રમાડી કામને ટોલ્લે ચઢાવવાની ચેષ્ટા કરે છે, તે જોઇને ચમેલીએ ‘લેટેસ્ટ’ સૂત્ર કાઢ્યું. “ ફાઈલો ઘરવાળીની નાની બહેન જેવી છે.  એટલું જ નહિ,  આ સુત્રને inter national દરજ્જો મળે એ માટે એનું અંગ્રેજીકરણ પણ કર્યું કે,  file is thesmall sister of own wife..!’ એમાં ખીખીખીખી શું કરો?  ચમેલી એટલે અંગ્રેજના વધેલા મટેરિયલમાંથી બનાવી હોય એવી. દેખાય અંગ્રેજ જેવી, પણ અંગ્રેજી એવું બોલે કે, સાંભળનારને ધનુર ઉપડે..! અંગ્રેજીની પરીક્ષા ૧૮ વખત આપેલી તો યે નાપાસ થયેલી. પછી બોર્ડવાળાએ ના પાડેલી કે, હવે અટકી જજો બેન, તમારા પેપર તપાસવાનાં પૈસા બગડે છે..! તમારું અન્ગેજીનું પેપર તપાસવામાં તો, બે જણાના મગજ હોલવાય ગયા..! લાંબા સંશોધન પછી સમજાયું કે, આ બધું  કુવામાંથી જ હવાડામાં આવેલું..! ચમનીયાની સાસુ ઉર્ફે આયાતી માતામહને પણ અંગ્રેજી બોલવાનો વળગાડ..! ફાંકો લઈને ફરે કે, મારું અંગ્રેજી એટલે મારું અંગ્રેજી, મારા જેટલું અંગ્રેજી તો રાજા રાવણને પણ નહિ આવડતું..! એના કપાળમાં કાંદા ફોડું, ક્યાં રાવણ અને ક્યાં અંગ્રેજી..? મને હજી યાદ છે કે, ચમેલીનો હાથ ચમનીયાનાં હાથમાં મુકતા, આયાતી માતામહ ઉર્ફે ચમનીયાની સાસુએ કહેલું કે, ‘ ચાલો welding પતી ગયું. કન્યા વિદાય કરતી વખતે ચમનીયાને કહે,  ‘કુમાર..! અમારી ચમેલીને અંગ્રેજી જ ફાવે છે હંઅઅઅકે..? એને હાલા કરાવવા ઘોડિયામાં નાંખતી તો પણ એ અંગ્રેજીમાં રડતી..! (ફાફડા જેવા સીધા ચમનીયાને પાછળથી બત્તી થયેલી કે, એની સાસુ અંગ્રેજી ભાષાની વાત કરતી હતી..!) ઘરે લાવ્યા પછી ખબર પડી કે, રડવાની વાત તો દૂરની, ઊંઘમાં નસકોરા પણ અંગ્રેજીમાં  કાઢે..! એક એક નસકોરું એટલું લાંબુ કાઢે કે, એમાં આખી ABCD બોલાય જાય. બુલેટની માફક ત્રણ ત્રણ ગિયરમાં નસકોરા છોડે..! પહેલું નસકોરું ધીમી ગતિના સમાચાર જેવું હોય, બીજું સુપર ફાસ્ટ જેવું, પછી તો એવી ધબધબાટી બોલાવે કે, નાકમાંથી પાંચ-છ બુલેટ દોડધામ કરતા હોય એવું લાગે..! મચ્છરોની તાકાત નહિ કે, આસપાસ ફરકવાની હિમત કરે..! ઝઘડવામાં પણ એવી પાવરધી કે, અંગ્રેજીમાં જ ઝાટકે..! જેની સાથે ઝઘડે, એનો ૭૨ પેઢીનો ચોપડો ખોલી નાંખે. તે પણ અંગ્રેજીમાં..! ‘I HATE YOU’ એનો  તકિયા કલામ. ચણા-મમરાની જેમ વાપરે..! હરામ્મ બરાબર જો લગનની એકપણ સપ્તપદીનો નિયમ સાચવતી હોય તો..! હું પ શીઈઈટ..હું પણ ક્યાં બાથરૂમના કપડા ડ્રોઈંગ રૂમમાં ધોવા બેઠો..?

                                    થયું એવું કે, બે-ફામ અંગ્રેજીની બોલકી હોવાથી, રાજકારણમાં ફાવી ગઈ. વઢકણી વહુંને દીકરો આવ્યો હોય એમ, રાજકારણની દીક્ષા મળી ગઈ. આવી ખૂબીવાળાને રાજકારણમાં પ્રવેશ પણ મળી જાય, ને ફાવી પણ જાય..! અંગ્રેજીનો વળગાડ હોવાથી એવી ઝામી ગઈ કે, કાલ સુધી ચમનીયાની અર્ધાંગની કહેવાતી હતી. હવે ચમનીયો, ચમેલીથી ઓળખાય છે બોલ્લો..! વિચાર કરો કે, બકરી જંગલની રાણી બની જાય, બને સિંહ જેવાએ  મુખ્ય મહેમાન તરીકે જવાનું થાય તો, સિંહની કેવી વલે થતી હશે..? એક કાર્યક્રમમાં એવું જ થયું. ચમેલી પ્રમુખ સ્થાને અને ચમનીયો મુખ્ય મહેમાન તરીકે ગયેલો. બંદીએ પ્રમુખ સ્થાનેથી ‘brothers & sisters’ થી એવા જોશ અને હોશ સાથે ઉદબોધન કર્યું કે, સભામાં સોપો પડી ગયો. પણ અંગ્રેજી આટલું જ આવડે..! જેને સમજ પડી એ લોકો મોમાં આંગળા નાખતા થઇ ગયા, નહિ સમઝ પડી એ લોકોએ તાળીઓનાં વરસાદથી સભાને નવડાવી કાઢી. ‘પોલીટીક્સ’ શબ્દની જગ્યાએ ‘પોલ-ટ્રીક્સ’ શબ્દ બોલી, ત્યારે તો પક્ષના વડાએ પણ વાહવાહી કરી, કે શું અંગ્રેજીનું નોલેજ છે? સાચો શબ્દ ‘પોલીટીક્સ’ ને બદલે ‘પોલટ્રીક્સ’ જ હોવો જોઈએ. ત્યાં સુધી કહ્યું કે,  ભવિષ્યમાં વિદેશના મંત્રી તરીકે, ચમેલી ડંકો વગાડશે. જેની પાસે ‘ટ્રીક્સ’ છે એ જ ‘પોલીટીક્સ’ માં સારું કાંઠું કાઢી શકે. શું એમનું અંગ્રેજી ઉપર પ્રભુત્વ છે..? પછી તો, કોઈપણ ભાષામાં સવાલ પૂછો, જવાબ ભેળપુરી જેવા અંગ્રેજીમાં જ આપે..! એ ઘડીએ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલા ચમનીયો પરસેવે રેબઝેબ થઇ ગયો.  દીપડો પકડવા માટે પાંજરામાં મુકેલા મારણ જેવી હાલત થઈ ગઈ. એવી sweat ફોઈ જેવી ચમેલી કે, અંગ્રેજી ફાડે ત્યારે સાંભળનાર ગોટે ચઢી જાય કે, સાચું અંગ્રેજી આ જ હશે..? જનરલ ડાયરને પણ એ જનરલ ફાયર કહે..! શીખંડની કોઠીમાં મહિનાઓ સુધી આંથી રાખો તો પણ કોઈને  ‘I love you’ નહિ કહે.  (ચમનીયાને  માંડ માંડ કહે, તો બીજાની તો વાત જ ક્યાં..?)  પણ જેમ નેતા શબ્દને ઝડપથી બોલીએ તો તાનેતા..તાનેતા..તાનેતા...સંભળાય, એમ ચમેલી આજે પણ રાજકારણમાં તાનેતા-તાનેતા છે..!  

                                જે લોકો રાજકારણને વગોવે છે, એમની પાસે ચમેલી જેટલું જ્ઞાન નથી. રાજકારણ સહેજ પણ ખરાબ નથી. એવો કયો દેશ છે કે, જ્યાં રાજકારણ વગર લોકશાહી જલસા કરતી હોય..! કારણ વગર જે રાજકારણને બદનામ કરે એમને ખબર નથી કે, રાજકારણ સાથે પ્રેમલગ્ન કર્યા પછી સત્તા-સંપતિ-સમર્પણ અને શક્તિ માટે  ખુરશીના ચાર પાયા સાથે ગડમથલ કરવાની આવે. સભા નેતાનો ખોરાક છે. હડતાળ તેનું ઝેર છે. રાજકારણમાં પ્રવેશ પામતી વખતે, ચમેલી એ ખુરશીને પૂછેલું, ‘WHO ARE YOU..? ખુરશી કહે, હું દાસી છું રાણી છું, સમજો તો શાણી છું, નહિ તો કાળી નાગણ છું. પછી માઈકને પૂછેલું કે, ’ WHO ARE YOU..? તો કહે કે, ‘હું આત્માના અવાજ સિવાય બધું જ છું.’ ભાષણને પૂછ્યું, ‘WHO ARE YOU..? તો કહે, હું લોકો ઉપર ભૂરકી નાંખવાનું કામ કરું છું. ફાઈલ સામેથી બોલી કે, મને તો પૂછતા જ નહિ કે, ’WHO ARE YOU..? હું તો ઘરવાળીની નાની બેન જેવી છું. ત્યાં ફાટેલા તૂટેલામેલા કપડામાં  અને શરીરે કરચલીવાળી ઘરડી જનતા આવી પહોંચી,  એણે કહ્યું, ‘તું મને તો પૂછ ‘WHO ARE YOU..? ત્યારે માઈક-સભા- ખુરશી અને ફાઈલે મોંઢા મચકોડીને  કહ્યું કે, જેના માટે તમારું સર્જન થયું છે, એ આ જનતા છે, જે વર્ષો પહેલા એક જનેતા હતી. પણ લોકશાહીને પકડવામાં એવી હાંફી ગઈ કે, યુવાન વયે  ઘરડી થઇ ગઈ..! એને અંગ્રેજી આવડતું નથી, છતાં સાંભળે છે. વચનના આધારે જીવે છે, અને મોંઘવારી ખાય છે..! ને જ્યારે તરસ લાગે ત્યારે આંસુડા પીએ છે..!

                                         લાસ્ટ બોલ

      જો ધક્કેસે ચલતી હૈ, ઉસે હમ કાર કહેતે હૈ

      જો ધક્કેસે ભી નહિ ચલતી ઉસે સરકાર કહેતે હૈ