કાગવાસ એવી સુવાસ..!
એમ તો નહિ કહેવાય કે શ્રાધ્ધના સરસ મઝાના દિવસો ચાલી રહ્યા છે. કારણ કે, એમાં ઉકલી ગયેલા પિતૃઓની સંવેદના ભરેલી છે. કાગ સાક્ષીએ પરિવારોએ ધાબે ધાબે મેળાવડો રાખ્યો હોય, એવો માહોલ છે. ધાબે ધાબે કાગડાઓનો મેળો ઝામ્યો હોય એમ, ધાબાઓ ધમધમે..! લોકો ભલે છાશવારે અબીધાબુ જતા હોય, પણ ઘરના ધાબાની કદર મકર સક્રાંતિ આવે ત્યારે ને શ્રાદ્ધના દિવસોમાં જ કરે. એટલા માટે કે, ધાબુ એ ઉકળી ગયેલા પિતૃઓનું Destination છે. શ્રાદ્ધના મહિનામાં ખોટું શું કામ બોલવું? વડવાઓ કહેતા કે, ‘સમય આવે ત્યારે ધાબુ નહિ, ચપટી ધૂળની પણ જરૂર પડે.!.’ જુઓ ને, શ્રાદ્ધના મહિનામાં કાગડાઓને કેવા સ્વજનની જેમ સાચવવા પડે છે..? ગરજ પડે ત્યારે કાગડો કાળો પણ નહિ લાગે, ને લુચ્ચો પણ નહિ..! કારણ કે સ્વજન બનીને આવતો હોય ને...? જો પીતૃવાસ નહિ લેવાની હઠે ચઢ્યો તો, વાસ નાન્ખ્વારે કાલાવાલા કરવા પડે, કે “હે આપ્તજન તું અમારા ટોડલે પધાર, અને આ થાળ ઝાપટીને અમારા પિતૃઓને તૃપ્ત કર..! જીવતા જીવત ભલે પાડોશી સાથે માયા બાંધી હોય, પણ મર્યા પછી એના ધાબાનો પીછો છોડ..! જે હોય તે,જેમ કાગડા સાથે સંબંધ નહિ બગાડાય એમ, વાઈફ સાથે પણ સંબંધ નહિ બગાડાય. સમયે એમના સાથની જ જરૂર પડે. પ્રભુનો પાડ માનો યાર..? વાઈફ મળવાને કારણે તો આપણા હાડકે પીઠી લાગેલી..! નહિ તો વરરાજાને બદલે બાવા બનીને જીવતા હોત..! તારણ એવું છે કે, ભારતમાં નવ રાજ્યો માં ૧૦૦૦ છોકરાની સંખ્યા સામે ૯૦૦ થી પણ ઓછી છોકરીઓ છે. એટલે અમુક તો પૈણવા માટે હજી ‘આગવાસ’ કાઢે છે ‘લક્ઝરી’ પકડવાની હોંશમાં ઉમર વેડફી નાંખી, ને હવે ‘છકડો’ પણ હાથમાં આવતો નથી. બાણાવળી અર્જુનને તો માછલીની આંખ વીંધીને પણ દ્રૌપદીજી મળેલા. હવે તો ઉડતી સમડીની આંખ વીંધો તો પણ ‘વાઈફ’ નહિ મળે. છોકરીનો સ્ટોક જ ઘટી ગયો..!
આડા દિવસે ભલે કાગડા ગમે ત્યાં ભટકાતા હોય, પણ શ્રાદ્ધના દિવસોમાં કાગડા પણ આડા ફાટે..! ‘કાઆઆઆકાઆ’ કરીને ગળું ફાડી નાંખો તો પણ, કાગડા આપણને જોઇને ફંટાઈ જાય. પાડોશી સાથે સંબંધ એટલા પણ ઘટ્ટ નહિ રાખવાના કે, કાગડો, આપણો મોભ છોડીને બાજુવાળીના ટોડલે જ સાધના કરવા બેસી જાય..! આ તો એક હસવાની વાત..!આજકાલ માણસ સ્વાર્થ પાછળ ગળાડૂબ છે મામૂ..! યુનિવર્સલ નબળાય એ છે કે, ચૂંટણી આવે ત્યારે જ મતદાર યાદ આવે એમ, શ્રાદ્ધના દિવસો આવે ત્યારે જ પિતૃ અને કાગડા પણ યાદ આવે.! મારી સાળાવેલી-સડોત્રી (આ સંબંધને સમજવો હોય તો, ઓછામાં ઓછું એકવાર પૈણવું પડે..!) નો ફોન આવ્યો કે, ખીર-પૂરી ને ભજીયા બનાવ્યા છે તો ખાવા આવી જાઓ ને..?’ ‘બાપુજીનું શ્રાદ્ધ છે, ને કાગડાને બોલાવી બોલાવીને થાક્યા છતાં, કાગડા ક્યાંય દેખાતા નથી. ત્યારે સમજાયું કે, જમાઈ જમરાજ તો કહેવાતો જ હતો, હવે એવો પાયરી ઉતાર થઇ ગયો કે, કાગડામાં પણ ખપાવવા લાગ્યો..? સાલું, હજી સમજાતું નથી કે, મોર આટલો રૂપાળો ને કળા કરતો હોવા છતાં, શ્રાદ્ધના મામલે મોરને બદલે કાગડો જ કેમ પસંદ કરવામાં આવ્યો હશે..? પણ એવી માન્યતા છે કે, શ્રાદ્ધ પક્ષમાં જો, વ્યક્તિ દ્વારા અપાયેલું ભોજન કાગડો ગ્રહણ કરે તો, તે પિતૃઓ દ્વારા ગ્રહણ કરવામાં આવ્યું, અને પિતૃઓને તૃપ્તિની પ્રાપ્તિ થઈ એવું કહેવાય. મોરને તો મોતી ચરવામાં રસ, શ્રાદ્ધ થોડું ચણે..? કાગડાને અતૃપ્તાતાનું પ્રતિક માનવામાં આવે છે. અતૃપ્તને તૃપ્ત કરવાથી પિતૃઓને તૃપ્તિની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા છે. અને પિતૃઓ ને ભોજન પહોંચાડવાની ‘ટીફીન સેવા’ નું ‘લાયસન્સ’ કાગડાઓને મળી ગયુ..! તેથી, કોઇ પણ કાગડાને ક્યારેય લુચ્ચો કે કાળીયો કહેવો નહિ..! સંભવ છે કે, એમાંનો એકાદ કાગડો આપણો સ્વજનપણ હોય..! શાસ્ત્રોએ કાગડા ને પિતૃઓનો પ્રતિનિધિ કહ્યો છે. જીવતા જીવત પિતૃઓ સાથે સંબંધ વણસેલા હોય તો, તેવા જાલીમે, શ્રાદ્ધ-પક્ષમાં માથે હેલ્મેટ પહેરીને જ બહાર નીકળવું. કારણ કે, કાગડાઓની ચાંચ ચકલી જેવી મુલાયમ હોતી નથી. ને કાગડાઓ કયારેય ચહેરો ભૂલતા નથી. કાગડો બુધ્ધિશાળી પક્ષી છે. તેની યાદ શક્તિ બહુ Sharp છે. હજી સારું છે કે, કાગડાઓ મુશળધાર વરસાદ જોઇને રેઈનકોટ કે છત્રી માંગવાની જીદ કરતા નથી. બાકી, આપણને વેદનાતો થાય કે, બાપા પલળે એ તો નહિ જ ચાલે. એવા લાગણીવેડામાં રેઈનકોટ પણ આપવો પડે ને બામના બાટલાનો પણ ‘કાગવાસ’ કરવો પડે..! જીવતાં જીવત બાપા માટે ભલે પલળ્યા નહિ હોય, પણ વરસાદમાં બાપા પલળે, તો હૃદય ચીરાઈ જાય..! બાપાને સંતૃપ્ત કરવાનો ઈલાજ એક માત્ર કાગડા પાસે જ હોવાથી, જે માંગે તે આપવું પડે.!
ભાદરવો એટલે કાગડા-દર્શનનો માસ..! ધૂળધોયાઓ સોનું શોધે એમ, આપણે પણ કાગડા જોઇને નક્કી કરવાનું કે, કયો કાગડો કોના પૂર્વજોની ‘ડીઝાઈન’ વાળો છે..! એના કપાળમાં કાંદા ફોડું, શ્રીશ્રી ભગાના એક પૂર્વજ તો એવાં ‘એન્ટીક’ કે, જ્યાં સુધી સાયગલસાહેબના ગીત નહિ સંભળાવો ત્યાં સુધી, કાગડો કાગવાસ નહિ ઉપાડે..! લેએએએએ...! કાગડો પોપટની માફક બીજાની ભાષા બોલતો નહિ હોવાથી પાંજરે પુરાતો નથી. એટલે તો શ્રાદ્ધના દિવસો સિવાય કોઈ એને પંપાળતું નથી..! યાદ રાખવું કે, ભગવાન શ્રીરામના એવા અકળ વરદાન કાગડાને મળેલા છે કે, પિતૃઓ સાથે એમની સાંઠગાંઠ બહુ મજબુત હોય. એટલે તો પ્રત્યેક કાગડો પૂર્વજોના જાસુસ જેવો લાગે..! માટે કાગડા સાથે સંબંધો સલૂણા રાખવા. હું એમ નથી કહેતો કે, કાગડાઓને ખોળે બેસાડીને બચીઓ કરવાની, પણ આદર કરવાનો..! નહિ તો એવી ચોંચ મારે કે, ઉકલી ગયેલા વડવાઓ યાદ કરાવી દે..! માણસ તો લાગ જોઇને લાકડાં ભાંગે, પણ કાગડાઓ ચોંચ મારવા માંડે ત્યારે ચોઘડિયાં જોતાં નથી.
લાસ્ટ બોલ
માણસે કાગડાના અવાજની મિમિક્રી કરી હશે, બાકી કોઈપણ કાગડાએ માણસના અવાજની ‘મિમિક્રી’ કરી નથી. એ ભલો ને એની કાગડાઈ ભલી..!
એના કપાળમાં કાંડા ફોડું..!
------------------------------------------------------------------------------------------------------------------------------------------