ચાંદની ઓઢું ઓઢું ને ઉડી જાય...!
 
                                 કવિ થવું હોય ને તો, માત્ર ફળદ્રુપ ભેજું નહિ ચાલે..! શબ્દોનું ખાતર-પાણી પણ જોઈએ. ચાંદ-ચાંદરણું- નદી-તળાવ-સરોવર-શબનમ-સ્મશાન-આંસુ- દરિયા-ફૂલ-સિતારા જેવી શબ્દોની મૂડી ને શરદ પૂર્ણિમાની રાત અને, ચાંદની ઓઢું-ઓઢું થતી હોય એવો માહોલ પણ જોઈએ. તો જ અંદરથી કવિતાનો ખિલવાડ આવે બોસ..! Fatherની property હોય એમ પ્રકૃતિના પ્રસાધનો ઉપર તૂટી પડીએ તો જ, પડે કવિતાનો પ્રસવ થાય.! કવિતાઓ ચંદી પડવાની ઘારી જેવી  Tasty બને..! દરેક પૂનમમાં આ શરદ પૂર્ણીમાની રાત જ એવી કે, આળસુ કવિને પણ કવનની કુંપણ ફૂટે. મગજમાં શબ્દોના આટાપાટા રમાતા શરુ થઇ જાય. જ્યારે સુસુપ્ત ઇન્દ્રિય ફાટવાની થાય ત્યારે જ કવિતા પ્રગટ થાય. કંઈ નહિ તો છેલ્લે નવરાત્રીના નશામાં એવું પણ ચીતરાય કે, “ચાંદની ઓઢું ઓઢું ને ઉડી જાય..!”  એ વખતે કવિને એવું નહિ કહેવાય કે, ‘ઉડે તો ચુંદડી ઉડે જાલિમ..! ચાંદની તે વળી ઉડતી હશે..? પણ ચમનીયાનું કહેવું છે કે, ઉડે...!  જેની પાસે ઉપર આભ ને નીચે ધરતીનું  ઢાંકણ છે, એને જ આવા ચાંદરણાની પ્રાપ્તિ થાય..! આ માટે ફાટ ફાટ થતી ગરીબીની મિલકત જોઈએ..! ફાટેલી ગોદડીના ઓઢણ હોય, એને જ ખબર પડે કે, ફાટેલી ગોદડીમાંથી દેખાતો શરદ પૂર્ણિમાનો ચાંદ કેવો આહલાદક હોય. પેલી સ્વાદિષ્ટ ઘારી કરતાં પણ રૂપાળો લાગે. ફાટેલી ગોદડીની ફાટ માંથી આવતું ચાંદરણું પણ માહ્યલો હરખાવી જાય. જાણે ઓઢે ઓઢે ને  આઘુપાછું થઇ જાય..! ચાંદરણાં સાથે સંતાકુકડી રમતા હોય એવું લાગે..! અલબત..! ચાંદરણું પામવું હોય તો, ટીવીની ચેનલની જેમ ગોદડીને ‘સેટ’ કરવી પડે.!  કારણ કે શ્રીમંતોની રેશમી રજાઈમાં આ સુવિધા નથી. આવા સુખની પ્રાપ્તિ માટે, ધાબે સુવું પડે ને, ગોદડી ફાડવી પડે..! તંઈઈઈઈ..?
                          એના કપાળમાં કાંદા ફોડું, આ વરસે તો અંબાલાલે આકાશને ભાડા પટે લઇ લીધું હોય એમ, આકાશ તો દેખાય જ નહિ, વાદળા જ વધારે દેખાય. ભરી નવરાત્રીમાં પણ વરસાદ અને વાદળાઓ, અંબાલાલનાં આદેશ પ્રમાણે ઝીંગાલાલા કરતાં આપણે જોયા છે.  એની જાતને,ચાંદ શરદનો હોય કે સાદો હોય, એકવાર વાદળાઓની લપેટમાં આવી ગયો એટલે ખલ્લાસ..! ‘ચાંદની ઓઢું ઓઢુંને ઉડી જાય..! ચાંદો દૂરબીનથી પણ શોધેલો નહિ જડે, ને ચાંદની ને પણ જાણે કોઈ  Kidnap કરી જવાનું હોય એમ, ડરતા ડરતા બહાર નીકળે. ચંદી પડવાની ઘારી ઝાપટવાનો ચાનક જ મારી નાંખે. શરદ પૂર્ણિમા એટલે ઊંચું જોવાનો દિવસ. ફાટેલી  ગોદડી માંથી જેટલું આકાશ દેખાયું એટલું જ આપણું..! જેટલો ચાંદો દેખાયો, એટલો જ આપણો. એમાં જ જલસા કરી લેવાના..! એક વાત છે, અમાસ છે તો પૂનમની કીમત છે બોસ..! ને પૂનમ છે તો અમાસની અસર છે. બિલકુલ સંસાર જેવું જ..! સંસારમાં એવા ઘણા જોડાઓ હશે કે, જેમાં એક અમાસ જેવું હોય, ને બીજું પૂનમ જેવું..! ઐય્યર અને બાબીતા એનો પુરાવો છે. જિંદગી પત્તાના ખેલ જેવી છે મામૂ..! બાજી જેવી પણ નીકળે તેવી, રમી નાંખવાની..! છણકા કરવા ગયા તો છમ્મ્મ્મ થઇ જવાય. શરદ પૂર્ણિમાને પણ ગ્રહણ લાધે, ને વઘારેલી ઘારી ખાતા હોય એવું લાગે. આવું જોડું હોય ત્યારે કાળજી એટલી જ રાખવાની કે, કોઈ જેઠાલાલ આપણા સંસારની અડફટે આવવો જોઈએ નહિ..! પાત્ર ભલે અમાસ જેવું  હોય, પણ બુદ્ધિમાં ઝગારા મારતું હોય તો ચલાવી લેવાનું, ને પૂનમ જેવું હોય તો ઘારી ઝાપટી લેવાની. એટલા માટે કે, આજકાલ લગન કરતાં છૂટાછેડાનો ખર્ચ બહુ આવે છે..! ચેતેલો નર સદા સુખી...!
                                            ચંદી પડવો એ શરદ પૂર્ણિમાનો આંગળીયાત તહેવાર છે. જેને ઘારીનો પ્રાગટ્ય દિવસ પણ કહી શકાય ..! શરદ પૂનમની રાતે વાઈફ કરતાં પણ ઘારી વધારે વ્હાલી લાગે. વાઈફને ધારી ધારીને નહિ જુએ, પણ ‘ઘારી’ ને ધારી-ધારીને જુએ..! કારણ કે ઘારીની અનેક ફ્લેવર હોય..! લગન વખતે વાઈફને પસંદ કરવામાં કાળજા ભલે આળસાઈ કરી ગયા હોય, પણ ઘારીનો રસિયો ઘારીની પસંદગી કરવામાં થાપ ખાતો નથી. ઘારી એ તો રસિક જનોની સાળી જેવી છે. ચંદી પડવો આવે એટલે, સુરતીઓ ઘારી પાછળ ઓળઘોળ થઇ જાય. વાઈફની જન્મ તારીખ કદાચ ભૂલી જાય, પણ ચંદી પડવાની તારીખ નહિ ભૂલે. સુરતીઓનો સ્વાદિષ્ટ તહેવાર એટલે જ ચંદી પડવો..! એટલે તો એક જ દિવસમાં સુરતીઓ બસો ટનથી ઉપરની ઘારી ઉલાળી જાય એનું નામ સુરતી..! અમુક તો ઘારીના એવા શોખીન કે, જીવતરની Expiry Date આવી હોય તો પણ, ચંદી પડવા સુધી શ્વાસને રોકી રાખે, છૂટવા નહિ દે..! કહેવાય છે કે, સુરતના દેવશંકરભાઇએ ઇ.સ. 1838મા લાલગેટ ખાતે સૌ પ્રથમ ઘારી અને ફરસાણની દુકાન શરુ કરેલી..! પણ લગન થયા પછી કેટલા લોકો કંકોત્રી સાચવે, એમ ઈતિહાસ વિસરાય ગયો ને ઘારી જીભના તાળવે ચોંટી ગઈ.  લોકો ધાબે કે દરિયા કિનારે બેસીને, ચાંદરણું ઓઢી ઓઢીને કરોડોની ઘારીનો કચ્ચરઘાણ કાઢી નાંખે, એનું નામ ચંદી પડવો..! મૌજ-મઝા અને મસ્તી એટલે જાણે સુરતીની પોતાની જાગીરી. ભગવાને સુરતીઓનો કોઠો જ એવો બનાવેલો કે, ખાણી-પીણીમાં હજી આજે પણ સુરતીનો નંબર અવ્વલ છે..! સુરતીલાલા એટલે ઉત્સવ પુત્રો..! કહેવાય છે કે,
                     મારો સુરતી સહેલાણી મન મૌજ મનાવી જાણે છે.
                     રંગીલો છે સુરતી મારો જેને દુનિયા આખી જાણે છે.
                     ફાફડા જલેબી લોચો ખાયને ભુસાનો ફાંકો રાખે છે
                     ઊંચા ભાવની ઘારી ખાય ને ફાંદ વધારી જાણે છે.
 
                             લાસ્ટ બોલ
                      
જલેબી જલ્લાદ અને અદેખી પણ ખરી દાદૂ..!
કેમ ?
જલેબીએ ‘ઘારી’ ને ક્યારેય ફાફડા સાથે ગોઠવાવા દીધી નથી. ફાંચરૂ જ માર્યું હશે..! નહિ તો ફાફડા જલેબીને બદલે ‘ઘારી-ફાફડા’ ની જોડી ઝામેલી  હોત..! માણસ જેવા સીધા ફાફડાને ‘ઘારી’  જેવી સીધી ને બદલે, જલેબી જેવી ગૂંચવાડાવાળી જોડી મળે એ ભાગ્યની જ બલિહારી કહેવાય ને..?
એના કપાળમાં કાંદા ફોડું..!
---------------------------------------------------------------------------------------------------------------------