ઉમર અટકવાનું નામ લેતી નથી..!
તરસ ક્યાં મટે છે, છેવટના શ્વાસ સુધી
મર્યા પછી પાવુ પડે છે ગંગાજળ અહીં
ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુંબડાની રૂઝ અને ટાઢીયા તાવની ટાઢ અંદરથી આવે, એમ ડીસેમ્બર મહિનો આવે ને મને ધ્રુજારી છૂટવા માંડે કે, એક વર્ષ ઓછું થઇ ગયું. બાકી, પૂરા નવ મહીને પૃથ્વીસ્થ થયેલો હોવા છતાં, કેલેન્ડરના DEAD-END (ડીસેમ્બર મહિનામાં) પ્રગટેલો, એટલી જ મારી ભૂલ..! બાકી, DECEMBER CLOSINGમાં, હું વધ્યા-ઘટ્યા માલની માફક ઠલવાયેલો જીવ નથી. ભલે ચાલતી ગાડીએ ચઢી બેસીને, DECEMBERનો છેલ્લો ડબ્બો પકડનાર પ્રવાસી હોઉં, પણ મોટા-મોટા માણસના QUTA માં આવેલો જીવ છું. યાદ હોય તો, પાકિસ્તાન દેશના સ્થાપક મહમદ અલી ઝીણા, પાકિસ્તાની નવાઝ શરીફ, ભારત રતન અટલ બિહારી બાજપાઈ, અને મહાન ગાયક રફીસાહેબ વગેરે પણ, આ જ મહિનામાં મારી જ તારીખે પૃથ્વી ઉપર ENTRY લીધેલી. થયું એવું કે, મહાત્મા ગાંધીજી ના અવસાન પછી, દેશ સાવ શૂન્ય મનસ્ક થઇ ગયેલો, અને બંદાનો નંબર લાગી ગયો. અત્યાર સુધીમાં ૭૬ તો ખેંચી કાઢ્યા હવે ૨૪ ખૂંટે છે..! ઉમર જો આડી નહિ ફાટે તો, સેન્ચુરી, નહિ તો ક્લીન બોલ્ડ..! ધત્ત્ત તેરીકી...!
ઉમર બહુ નફફટ છે મામૂ..! પૃથ્વી ઉપર પડી રહેવાની ઈચ્છા તો કોને નહિ થાય..? પણ એના કપાળમાં કાંદા ફોડું, ઉમર એવી નીતિ નિયમવાળી કે, સહેજ પણ બાંધછોડ નહી કરે. જાહેર રજાના દીવાસો બાદ આપતી હોય તો પણ થોડીક ઉમર લાંબી થાય..! પણ માપવાની બાબતમાં ઉમરની ફૂટપટ્ટી ક્યારેય થાપ ખાતી નથી. અટકવાનું નામ નહિ લે, એનું નામ જ ઉમર..! વિકાસના શૌર્ય ગીતો તો બહુ સાંભળ્યા, પણ ઉમરને અટકાવે એવો કોઈ વૈજ્ઞાનિક હજી પાક્યો નથી. ઉપરવાળો PLAY નું બટન દબાવે, એટલે જિંદગી શરુ થાય ને, STOP નું બટન દબાવે એટલે વાર્તા પૂરી..! જીવતરની સાથે જ ઉમર પીછો કરતી હોય. પછી માણસ શું ધૂળ જીવે..? માત્ર શ્વાસના પોટલા જ ભરે ને ખાલી કરે..! ક્યારેક તો કુદરતની કરામતને જાણી વિચારોના વંટોળે ચઢી જવાય મામૂ..! વિચાર એ ઉમરનો પોષક અને ભાઈબંધ છે. વિચારો આવ્યા પણ કરે, ને ઉમરની વૃદ્ધિ પ્રમાણે બદલાયા પણ કરે. વિચારો અનિવાર્ય છે. આવવા જ જોઈએ. વિચાર છે, એ જ્ઞાની પણ આવે ને તોફાની પણ આવે..! કેવા આવે એ મહત્વનું નથી, આવે એ અગત્યનું છે. વિચારોનો ‘ટ્રાફિક’ બંધ ના રહેવો જોઈએ..! બાકી, અમુક તો વિચારોમાં પણ ‘માઈનસ બેલેન્સ’ જેવા. બગાસું ખાય લીધા પછી, હોઠના ‘શટર’ બંધ કરવાનું પણ નહિ વિચારે..! ખુલ્લી તલવાર લઈને જંગે ચઢ્યો હોય એમ, મોંઢું ખુલ્લું રાખીને જે ઘૂમરી મારતો હોય..!
ઉમર ઉપર ભગવાન સિવાય ભલા ભૂપનો કાબૂ નથી. EXPAIRY DATE આવે એટલે ચાલતી જ પકડવાની. એમાં કોઈનું નહિ ચાલે. જે લોકો ઉમરને નાકે આવી ગયેલા હોય એમને તો ઘરના બાંધેલા પાડા પણ યમરાજના લાગે..! ગભરાટ થવા માંડે કે, યમરાજ આવી ગયા કે શું? સુરજ ડૂબે એટલે ઉમરનો એક દિવસ અલોપ..! મોંઘવારીના આંકની જેમ ઉમર કુદકે ને ભૂસકે વધવા જ માંડે. અટકવાનું નામ નહિ લે એનું નામ ઉમર ..!
ઉમરનું ENALYSIS કરીએ તો, બચપણથી યુવાની સુધી ઉમર રેશમી અને સુંવાળી લાગે, યુવાની થી વૃદ્ધાવસ્થા સુધી ઢાકાની મલમલ જેવી લાગે, ને જેવી વૃદ્ધાવસ્થા આવે એટલે માંજરપાટ જેવી ખરબચડી લાગવા માંડે. માત્ર બાળપણથી યુવાની સુધી કરેલો ઉમરનો ભોગવટો જ રળિયામણો..! જેવી વૃદ્ધાવસ્થા આવે એટલે. ફર્નીચર વગરના મોઢાથી વટાણા ચૂસતા હોય એમ આકરું લાગવા માંડે..! એને ઉમર નહિ, ઉમ્મારો કહેવાય..! ઉમર ઘડિયાળના ત્રણ કાંટા જેવી છે મામૂ..! બાળપણ સેકંડ કાંટા જેવું, યુવાની મિનીટના કાંટા જેવી અને વૃદ્ધાવસ્થા કલાકના કાંટા જેવી..! એ ધીમી ગતિના સમાચાર આપે, પણ સત્યથી વેગળા નહિ આપે. પણ, પચાસ પછી જો ‘ઊછળકૂદ’ કરવા ગયા તો, ઘૂંટણ છોલાય જાય, ને આજુબાજુ યમરાજના પાડા પણ ચરતા થઇ જાય..! બાકી મઝા તો બાળપણની ઉમરમાં..! જગજીતસિંહજીએ એટલે તો ગાયું છે કે....
યે દૌલત ભી લે લો યે શૌહર્ત ભી લે લો
ભલે છીન લો મુઝસે મેરી જવાની
મગર મુઝકો લૌટાડો બચપનકા સાવન
યે કાગઝકી કસ્તી યે બારીશકા પાની....
‘આપણે તો લીલાલહેર’ જેવી કાઢેલી ઉમર ઓસરી જાય, ને ઘાટ-ઘાટના ચઢાણ ચઢવાના આવે ત્યારે ઉમર ઘરડી થવા માંડે. એમાં યુવાની કાળમાં હૃદયની બખોલમાં એકાદ ‘ચમની’ જો ફસાયેલી હોય તો, ‘હાર્ટ સર્જરી’ કરાવતા પણ ધ્રુજારી છૂટે..! ‘બાયપાસ’ જ કરવી પડે..! ઉમર અને ભગવાન દેખાતા નથી, પણ ઘણું બધું દેખાડી જાય દાદૂ ..! હાથમાંથી રેતી સરી પડે એમ, ઉમર સરી જાય, છતાં ખબર નહિ પડે એનું નામ જિંદગી. જિંદગી એટલે કેવી જિંદગી..?
એક મોટા સમુદ્રમાં એક નાનકડી માછલીએ મોટી માછલીને પૂછ્યું કે, “મારે સમુદ્ર જોવો છે.”ત્યારે પીઢ માછલીએ કહ્યું કે, 'બેટા, આપણે જેમાં અત્યારે તરીએ છીએ, એ જ સમુદ્ર છે બેટા..! આ સાંભળી નાની માછલી મૂંઝાઈ ગઈ. ને ભોળપણથી કહે 'ના, આ ક્યાં સમુદ્ર છે? આ તો પાણી છે!' ઉમરનું પણ એવું જ છે, એ દેખાતી નથી, પણ જેનો ભોગવટો કરીએ એ જ ઉમર છે..!
લાસ્ટ બોલ
ચમનીયાને યુવાનીની ઉમરના દિવસ જતા હતા ત્યારની વાત છે. એકાદ ચમનીએ,ચમનીયાને HANDSOME લખવાને બદલે, CUTE લખેલું. ચમનીયાનું અંગ્રેજી એટલું કાચું કે, અંગ્રેજીની પરીક્ષા ૧૮ વખત આપેલી છતાં નાપાસ થયેલો. CUTE ને એણે ‘કુત્તે’ વાંચ્યું. જેને કારણે બગડેલી બાજી હજી સુધરી નથી.
-------------------------------------------------------------------------------------------------------------------------------