Hasya Manjan - 25 in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય મંજન - 25 - આત્મ સર્જન વિસર્જન કે સમર્પણ

Featured Books
Categories
Share

હાસ્ય મંજન - 25 - આત્મ સર્જન વિસર્જન કે સમર્પણ

આત્મ સર્જન, વિસર્જન કે સમર્પણ..!

                   

                                                   ટાઈટલ વાંચીને માથે ગોવર્ધન પર્વત ઉપાડવાની જરૂર નથી. મગજ ઉપર નાહકનું ભારણ આવશે. મગજનું જોડકું પીઠમાં કે પગની પિંડીમાં આવેલું નથી,  માથાના તાળવાની નીચે જ ડબલ બેડ ઉપર સુતેલું છે. સુતેલા સાપને છંછેડવામાં વેર તો વધે જ સાથે ઝેર પણ વધે..! ૨૦૨૫ ના ઉઘડતા વર્ષની ઉઘડતી સીલ્લ્કમાં, આત્મ સર્જન, સંવર્ધન વિસર્જન ને સમર્પણ જેવો ગહન વિષય છેડીને, મારાથી વીંછીના ડબ્બામાં હાથ નંખાય ગયો, ને મોતના કુવામાં બંને હાથ છોડીને મોટર સાઈકલ ચલાવવા જેવી બાહોશી પણ થઇ ગઈ..!  ફૂલ સાઈઝનો છછુંદર ગળતા સાપ જેવો મૂંઝારો અનુભવું  છું મામૂ..! અબ્બા મેરી ભૂલચૂક બીજું શું..?બાકી  ખાતરી રાખજો કે, મારે કોઈના પણ મગજને છટકાવવું નથી..! મુદ્દાની વાત એ છે કે, સાલ ભલે બદલાય પણ સાથે માણસ બદલાવો જોઈએ. હમણાં જ આપણે ૨૦૨૪ ની સાલને જાજરમાન વિદાય આપી. Thirty First ના નામે ઠેર ઠેર વિદાય  સમારંભ પણ થયો. કોઈએ બાટલી ખોલી તો, કોઈએ બાટલા ચઢાવ્યા. શક્તિ  અને અશક્તિ પ્રમાણે સૌએ પોતપોતાની રીતે ઉજવણી કરી. આને કહેવાય વિસર્જન..! ‘ઉગતાને પૂજવાની’ ટેવ મુજબ જેવી ઈસ્વીશન ૨૦૨૫ બેઠી એટલે  ઘડિયાળના બારને  ટકોરે  ધડામ..ધુમથી હાલરડાં ગવાયા, ને પછી સ્વાગત-ગાણા પણ થયા. એને કહેવાય નવી સાલનું સર્જન ..! કેટલાંક પરમાર્થીઓએ તો નવા વર્ષની શુભકામના એવી પાઠવી કે, “ તમે ગમે એટલી  ઉમરના હોય, આગામી ૨૦૨૫ ની સાલમાં આપ ૨૦-૨૫ ના જ દેખાઓ એવી નવા વર્ષની શુભકામના..!’ ( દાઝેલા ઉપર શું કામ મીઠું ને મરચું ભભરાવતા હશે..?)  એ તો સારું છે કે, લોકોમાં સમજદારીનો આંક મોંઘવારી જેટલો ઉંચો છે. નહિ તો  ઘઈડા નાહકની ભાંગી કઢાવે ..!
                               આત્મ સર્જન, સંવર્ધન. વિસર્જન કે સમર્પણની વાતો કરીને મારે  આસ્થાની  ચેનલ ચલાવવી નથી, મંગલ મસ્તી જ  કરવી છે. ણ આ બધું જ ઈસ્વીશનના ઉદય  અને અસ્ત સાથે સંકળાયેલો ગુઢ અને આધ્યાત્મિક પ્રશ્ન છે. હાસ્ય લેખકના ગજા બહારની વાત છે. આર્ટ્સના વિદ્યાર્થી થઈને મારે કેમેસ્ટ્રીનું પેપર લખવું નથી. પણ જેની પાસે હાસ્યનો ખજાનો છે, એ આત્મ સર્જન. સંવર્ધન. વિસર્જન કે સમર્પણની પરિપાટી પણ સમજી શકે. ફેર એટલો કે, હસાવવું હોય તો ગલીપચી કરીને હસાવાય, પણ સમજાવવું હોય તો વેદ ના શરણે જવું પડે. મગજ એક એવું કુદરતી સર્જન છે કે, એ દેખાય નહિ, પણ ઘણું બધું દેખાડી જાય. જેમ સરકાર-મોંઘવારી ને ભગવાન માત્ર અનુભવાય, પણ સાક્ષાત્કાર થતા નથી, એમ મગજને  જોવા કરતાં અનુભવ્યું વધારે..!  ચમનીયાની ચંચીએ ફરિયાદ કરી કે, મેં જાત જાતના મેડીકલ રીપોર્ટ કરાવ્યા, પણ મારામાં કયો રોગ છે એ જ સમજાતું નથી..! ગમે ત્યારે મારું મગજ છટકી જાય..! ત્યારે ચમનીયાએ સાહસિક બનીને કહ્યું  કે, ‘ એકવાર તું હવે પોસ્ટ મોર્ટમ’ રીપોર્ટ કઢાવી જો. જેથી મગજ છે કે નહિ એ પણ ખબર પડે અને બે માંથી એકાદ મગજ મુકવાનું ભગવાન ભૂલી ગયા તો નથી ને, એની પણ ખાતરી થાય..!  એના કપાળમાં કાંદા ફોડું..! હઇલ્લા...કારખાના કે ભારખાના જેવા દેહમાં મગજની ભારે જમાવટ હોય છે બાપૂ..!  
                                   મુદ્દાની વાત એમ છે કે, સાલ બદલવામાં કોઈની છાલ કાઢવા માટે રાજકારણ આડે આવતું નથી. સંવત બદલાય, સાલ બદલાય કે, યુગ બદલાય હકીકતમાં માણસ બદલાવો જોઈએ. હજી આજે પણ મહોલ્લામાં હાંક પાડો તો, એકાદ મંથરા, એકાદ વિભીષણ, એકાદ કંસ, કે પાંચ-છ ઋષિ ને રાક્ષસ મળે...! ભલે મહોલ્લાનું નામ કર્મભૂમિ હોય..! માણસ અયોધ્યામાં રહે કે, લંકામાં એ મહત્વનું નથી, એની વૃતિ વિભીષણ જેવી છે કે મંથરા જેવી એ મહત્વનું છે. તંઈઈઈઈ..? સાલ બદલાય એટલું મૃત્ય નજીક આવે. પણ માણસ રહ્યો ઉત્સવ પ્રિય, એટલે ધર્મ પ્રમાણે પંચાંગ ભલે અલગ હોય, પણ નવી ઈસ્વીશન એટલે  પોતીકી ‘girl friend’આવી હોય એમ ઉમંગનાં મોજા લહેરાવા માંડે. ઉમંગને ધર્મ-વિધર્મના ટોલ-નાકા આડા આવતા નથી..! સર્જન-વિસર્જન-આત્મ સર્જન કે સમર્પણ એ કુદરતે ગોઠવેલી વ્યવસ્થા છે. 
                                  રેલ્વે કે બસની સમય સારણી બદલાય, ટ્રેન કે બસ  વહેલી-મોડી થાય, પણ પ્રકૃતિના કલેવર વહેલા મોડા થાય, એ કુદરતની સમય સારણી છે. જેમ, રાત-દિવસ, સૂર્યોદય-સુર્યાસ્ત, ઋતુઓ અને ઉમર કાળચક્રની નાગચૂડમાં છે, એમ સંવત અને ઈસ્વીશન પણ કાળચક્રની કમાલ છે. જંગલના રાજા સિંહને ખબર નથી કે, હું જંગલનો રાજા છું, (ખબર હોય તો રાજા જેવો રાજા થઈને ઉઘાડો ફરે..? આ તો એક વાત..!) એમ સાલને પણ ખબર નથી કે, મારું નામ ઇસ્વીશન છે. ઈસ્વીશન મહત્વની નથી, મારી વૃતિ ને પ્રકૃતિ મહત્વની છે. જેવી વૃતિ તેવી આવૃત્તિ..! કેટલાંક ઈસ્વીશન પ્રમાણે જીવે છે, તો કેટલાંક ઈસ્વીશનને યાદગાર બનાવીને જીવી જાય છે...! પણ જેમ એક દિવસ ભાંગે એટલે ઉમરનો પણ એક દિવસ ભાગવાનો ..!
                       ઉમર વીતે ના બોજથી હું ભાન એનું રાખું છું

                       માપી માપીને શ્વાસ લઇ શાન એની રાખું છું

                        જીવો ને જીવવા દો એક જ ધ્યેય રસમંજન

                        હૃદયના એક ખૂણે પોતાનું સ્મશાન રાખું છું

                                  ‘લાખ છુપાઓ છુપ ના શકેગા’ ની માફક, ઉમરના લેખા-જોખા તો ડોકા કાઢે જ.  પુરુષો સ્ત્રીઓની માફક ઉમર છુપાવી શકતા નથી. પુરુષની મનોવૃત્તિમાં આ સુવિધા નથી.  એ એ નાની ઉમરે ઘરડો પણ દેખાય, અને ઘરડો થયા પછી બાળક પણ બની જાય. પણ  ઉમરના ડોકા પુરુષમાં તો દેખાવા માંડે જ..! NA વગરના ખુલ્લા પ્લોટની જેમ માથે ટાલ પડે તો ભલે પડે, એ ટાલમાં પણ બે-તાલ બનતો નથી. કેટલાંકને માથે કપાસનું Fully ,વાવેતર કર્યું હોય એમ, ભલે ધોળી ધજાઓ ફરકતી હોય. પણ એમાં ય, ટાલનું  ફેશિયલ કરાવ્યું હોય એવો આનંદ લુંટે..! અમુક તો પોતાના દેહના બાહ્ય દેખાવની ડીઝાઈન પોતે જ ઘડતા હોય એમ, બરાબ્બર શરીર મધ્યે જ BUMP મુકાવ્યો હોય એમ, ફાંદ કાઢીને ઉત્તર-દેહ ને દક્ષીણ-દેહનું વિભાજન કરે. પેટવાળો ‘મધ્ય પ્રદેશ’ ઝોલા ખાતો હોય એવું લાગે..! એના કપાળમાં કાંદા ફોડું,  ‘લાખ છુપાઓ છુપ ના શકેગા’ ની માફક ફાંદ ચાડી જ ખાતી હોય કે, ધંતુરા તું હવે આટલી ઉમરનો થયો..!  

                                      

                                    ઈસ્વીશન ભલે બદલાય માણસની વૃતિ-પ્રકૃતિ ને આકૃતિ બદલાવી જોઈએ. જો એમા જ કોઈ બદલાવ નહિ આવે તો ભલે સાલ બદલાય બાકી, જનમ જનમના ફેરામાં કોઈ કાંદો કાઢી ના શકો..! ભીંતે ટાંગેલા ડટ્ટાવાળા કેલેન્ડરના પાનાં ફાટતા જાય, એમ ઉમરમાં દહાડા પણ  ઘટતા જાય..! શું કિયો છો રતનજી..?

                                            લાસ્ટ બોલ

                            ક્યારેક તો એવી શંકા જાય કે, આ કુતરાઓ પણ ભણી-ગણીને જ જનમતા હશે કે શું..? તરત સમજી જાય કે, આ ધંતુરો હવે શું કરવાનો છે..?  

                      થયું એવું કે, એક ભાઈ ભાષણ કરતાં હતા કે, “ જીવનમાં એટલું યાદ રાખજો કે,  લોઢું જ લોઢાને કાપે છે, ને લાકડું જ લાકડાને કાપે છે.! “

                       હજી આટલું જ બોલ્યા એટલામાં તો, એક કુતરું સ્ટેજ ઉપર આવીને, ભાષણ કરનારની પગની પીંડીએ કઇડીને ચાલતું થઇ ગયું..! અમને હજી સમજ પડી નથી કે, કુતરું શું સમઝીને કઇડી ગયું હશે..??

એના કપાળમાં કાંદા ફોડું..!