પતંગ એટલે જીવતરનો સંદેશ
‘ગુલાંટ પતંગનો જન્મસિદ્ધ અધિકાર’ છે..! ખૂબી ત્યાં છે કે, પતંગ કે વાંદર ગુલાંટ મારે તો લીલા, ને આપણે મારીએ તો રામલીલા..! લોકો પીંખી નાંખે કે, આ ઉમરે શું તાક..ધીના ધીન..કરો છો..? કોઈ જ વાહવાહી નહિ કરે ..! એના કપાળમાં કાંદા ફોડું, કાગારોળ કરી મૂકે કે, ઘરડે ઘડપણ શું ગુલાંટ ખાવાની ઉપડી..? ‘પલવડી’ કાનમાં ઘુસી ગઈ હોય એવી હોહાઆઆ થઇ જાય..! જો કે, વાંદરી સામે ગુલાંટ ખાતો વા-નર અને આકાશમાં ગુલાંટ ખાતા પતંગ જેટલો આનંદ, માણસની ગુલાંટમાં આવે તો નહિ, પણ જૈસી જિસકી શૌચ.! વાંદરા પૂર્વજો હોય તો પ્રણામ કરવાના, પણ જેને જે છાજે, તે તેને જ છાજે મામૂ..! એટલે તો વાંદરા માણસ બનવાની TRY કરતાં નથી. (માણસ ભલે વાંદરા થાય..!) ઘર પછીતે ભલે ધંતુરાઓ મબલખ ઉગતા હોય, તેથી કંઈ તેની ચટણી કે શાક બનાવીને નહિ ખવાય..! આ તો એક દાખલો..! બાકી, સીધી સટ્ટ વાત તો એ છે કે, ૮૦ વર્ષનો ઘઈડો પથારીમાં ગોટીમડું ખાય તો છોકરાઓ પણ જોઇને ડરે કે, ‘દાદાને કયો વાયરસ આભડી ગયો..?’ પછી દાદા ચોખવટ કરે એ જુદી વાત છે કે, ‘એ તો દવા હલાવ્યા વગર પીઈ ગયો એટલે ગોટીમડું ખાયને પેટમાં દવા હલાવું છું..! એની જાત ને..?
ગુલાંટ, હવા, ઉધરસ, છીંક, ઓડકાર કે બગાસુ ખાવામાં કોઈ GST લાગતો નથી. ધરાય ત્યાં સુધી ખવાય.એની કોઈ આડ અસર પણ થતી નથી. જાગતા પણ ખવાય ને ઊંઘમાં પણ ખવાય. મીરા કહે એમ, “કોઈ રોકે નહિ, કોઈ ટોકે નહિ, મીરા ગોવિંદ ગોપાલ ગાને લગી..!” દરેકનો એ સ્વાધીન અધિકાર છે. આપણે તો ટાઢક જ લેવાની કે, કંઈ પણ ખાય તો છે ને..? ભૂખે ના રહેવો જોઈએ..! એમની હળી કે છેડછાડી નહિ કરવાની. કસ્સમથી કહું કે, આવી છેડછાડી કે હળી કરવાની મને બિલકુલ ફાવટ નહિ. ગુલાંટની પણ નહિ..! એટલે તો વીજળીના જીવંત પ્લગમાં ક્યારેય મેં આંગળી નાંખી નથી. આ તો પ્રમાણિકતાનુ નાનું એક પ્રમાણ આપ્યું..! આમ પણ, ધર્મગ્રંથો વાંચ્યા વગર કે કોઈપણ કથાકારને સાંભળ્યા વગર, મારું મગજ એટલું ‘રેડીમેઈડ’ કે, જે ખરાબ છે તે ખરાબ છે, પછી એ ઘટના હોય, વ્યક્તિ હોય, પદાર્થ હોય કે વ્યવહાર હોય, એવાની આંટીએ ચઢવાનું ફાવે જ નહિ. કુતરું સીધું જતું હોય તો જવા દેવાનું, ‘હઅઅઅડ’ કહીને છેડતી કરવા ગયા તો, પગની પીંડી ચાખવા દોડે...! (આપણી પીંડી એમના માટે ઘારીની લહેજત જેવી હોય..!) કુતરા વફાદાર હશે, એની ના નથી. પણ ભણેલા નથી એનું પણ ભાન રાખવાનું. પછી ભલે ને આપણા ચરણ-કમળ આગળ ગુલાંટ ખાતા હોય..! એના કપાળમાં કાંદા ફોડું, શેર બજાર તો ઠીક, મંગલ મસ્તી પણ વાંચતા નથી..!
એકવાર ચમનીયાની બુદ્ધિ અચાનક ભ્રષ્ટ થયેલી. નવરો બેઠો નખ્ખોદ વાળે એમ, કુતરાની પૂછડીને સીધી કરવાનું ડહાપણ કરવા ગયેલો. એને ખબર જ નહિ કે, નેતાનો જીવ ખુરશીમાં, ને કૂતરાનો જીવ પૂછડીમાં હોય..! પીંડી એવી પકડી લીધી કે, ચમનીયાની જૂની કબજીયાત તો આપોઆપ ત્યાં જ મટી ગઈ, પણ પોતેય સીધો થઇ ગયો ..! પાડ માનો પરમેશ્વરનો કે, કુતરું બોખું નીકળ્યું. કઇડવાને બદલે ‘ગલગલીયા’ કરી ગયું..! યાદ રાખવું કે, કુતરા ક્યારેય સામેવાળા નું ‘status’ સાચવતા નથી..! અંગ્રેજીમાં ભલે એ DOG કહેવાતો હોય, ને DOG ને પલટાવો તો ભલે GOD થતું હોય, તેથી કંઈ કુતરાની પૂજા નહિ કરાય..! શું કહો છો, રતનજી..?
હંઅઅઅ તો આપણે વાત ગુલાંટની કરતાં હતા. જ્યારે જ્યારે ઉતરાયણ આવે ત્યારે, પવન ફૂંકાય કે નહિ ફૂંકાય, પણ ચમનીયાના ભેજામાં ગુલાંટ ફૂંકાવા માંડે. આ ‘ગુલાંટ’ શબ્દ સારા ઘરાનાનો નથી , એની મને ખબર છે. છતાં, લોકભોગ્ય બહુ..! ગાંધીજી કરતાં પણ આજકાલ લોકો ગુલાંટ બાજને વધારે ઓળખે..! જેને ગુલાંટ ખાવામાં જ મેઘધનુષના સાત રંગ દેખાતા હોય એને કોઈ વાદળા આડા આવતા નથી, ગુલાંટ એ પતંગનો જન્મસિદ્ધ અધિકાર છે.! આકાશ જેવા આકાશ સામે પણ પતંગ હવાઈ ભાંગડા કરવામાં શરમ રાખતો નથી. ગુલાંટ એક ફેશન બની ગઈ. અને માણસ જાતે એને વ્યવહારમાં મૂકી દીધી. નીજી સ્વાર્થ માટે જેને રતાંધણું આવ્યું, એમણે ગુલાંટને રાજનીતિમાં JOCKER બનાવી દીધો ‘ગુલાંટ’ બ્રહ્માસ્ત્ર બની ગયું. એમને ક્યાં ખબર છે કે, બચપણમાં ખાધેલી ગુલાંટનું પાકટ ઉમરે પુનરાવર્તન કરવાથી, બાળપણ RETURN થતું નથી. આવા ગુલાટીનો ભરોસો નહિ થાય, આપણી પણ કન્ના (કમર) ભાંગી કઢાવે..! તંઈઈઈઈ..?
આજકાલ ચારેયકોર ગુલાંટની બોલબાલા છે. ગુલાંટની કુળદેવી રાજનીતિ હોય એમ, ‘ગુલાંટ’ રાજનીતિનો ભાગ બની ગઈ. લોકો યોગના પ્રયોગ કરવાને બદલે, ગુલાટ ખાવામાં એટલા નિષ્ણાત બની ગયા કે, તળેટી ત્યાગીને શિખર ઉપર માંડવા બાંધવા માંડ્યા. એ તો ‘ગુલાટી-એવોર્ડ’ આપવાની જોગવાઈ નથી એટલે, બાકી, શોધી શોધીને આવા ગુલાટીને, ઉતરાયણના દિવસે ‘ગુલાટી એવોર્ડ’ થી નવાજવા જોઈએ. દરેક ગામે જેમ સંત હનુમાનજીની દેરી મળી રહે, એમ આવા ગુલાંટબાજ પણ મળી રહે મામૂ..! ગમે એટલી ઈસ્વીશન કાઢી હોય, ગમે એટલા ચોપનીયા ચાવ્યા હોય, કે ડીગ્રીઓના સર્ટીફીકેટ ને મેડલોનો ઘરમાં ભરાવો કર્યો હોય, પણ ગુલાટી આગળ વિદ્વાનનું જ્ઞાન શૂન્ય બની જાય. ગુલાંટ ખાવી, ગુલાંટ મારવી, ગુલાંટ લગાવવી, કે ગુલાંટીયુ ખાવું એ સંકટ સમયની સાંકળ છે..! છતાં કોઈ પણ દેશમાં ‘ગુલાંટ વિદ્યા’ ના ડીપ્લોમાં કોર્ષ ચાલતાં નથી. આંચકો એ વાતે આવે છે કે, ગુલાંટ મારવાની વિદ્યા આ ગુલાંટબાજો લાવે છે ક્યાંથી..?
લાસ્ટ બોલ
પતંગની કન્ના સારી બંધાય તો પતંગ ગુલાંટ મારતો નથી. એમ પતિને કન્યા સારી મળે કે, કન્યાને પતિ સારો મળે તો ઉંચી ઉડાન લેતી વખતે ‘ગુલાંટ’ ખાવાના ખરાબ દિવસો આવતા નથી.
એના કપાળમાં કાંડા ફોડું..!
--------------------------------------------------------------------------------------------------------------------------------