Hasya Manjan - 23 in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય મંજન - 23 - પાપ તારું પરકાશ જાડેજા...!

Featured Books
Categories
Share

હાસ્ય મંજન - 23 - પાપ તારું પરકાશ જાડેજા...!

Fri, 17 Jan at 2:36 pm
 
 


પાપ તારું પરકાશ જાડેજા...!

                                

                               પ્રયાગરાજમાં જ્યારથી મહાકુંભ મંડાયો છે ત્યારથી, મારી ભાર્યામાં સંસ્કારલક્ષી પવનનો વંટોળ  ફૂંકાવા માંડ્યો છે બોસ..!  (આ ઉમરે જાનૂ-સ્વીટી-ડાર્લિંગ-હની-બેબી- પ્રાણેશ્વરી -હૃદયેશ્વરી-અર્ધાંગના-જાયા-પ્રિયા કે ગૃહલક્ષ્મી જેવા રેશમી શબ્દોના સંબોધન સારા નહિ લાગે. ચાહમાં પિત્ઝા બોળીને ખાતા  હોય એવું લાગે..! એટલે, ‘ભાર્યા’ શબ્દનો પ્રયોગ કર્યો છે, ફાવશે ને..? (જો કે, વાઈફ મારી સંબોધન મારું તમને શું વાંધો હોવાનો..?) પણ...ભાર્યા એટલે  ભરેલા રીંગણા જેવી. એની જાતને સવારે એટલા સુંવાળા શબ્દોથી   ઉઠાડે કે, ‘હે આર્યવ્રત..! સુરજના કુમળા કિરણો ખિડકી વાટે ગૃહ પ્રવેશ કરી રહ્યા છે. આપણી સુજની ટાઈઢ સાથે Link  કરેલી નથી, માટે સુજની ત્યાગ કરીને હવે શૈયા-ત્યાગ કરી ઉભા થઈ જાવ  નાથ..! ગઈકાલે અસ્વચ્છ થયેલા પાત્રોને અજવાળીને અભરાઈ  ઉપર ગોઠવવાનો આજે તમારો વારો છે. ત્યારબાદ અસ્વચ્છ વસ્ત્રોની સાબુથી મલિનતા કાઢી, સ્વચ્છ બનાવી તડકે વિટામીન ડી આપી દો. પછી હળવેકથી ડીજીટલ ગરમ શેક આપી વસ્ત્રોને અલમારીનો પ્રવેશ કરાવો..!’ એના કપાળમાં કાંદા ફોડું, સીધેસીધું કહેતી નથી કે, “કાલના ખાધેલા વાસણો ઉટકી, અજવાળી નાંખો, ને મેલા કપડા ધોઈને તડકે નાંખી સુકાય એટલે ઈસ્ત્રી કરીને કબાટમાં ગોઠવી દો..!”  તમે જ કહો મારા જેવા બાઘાને નાગા બાવા બનવાનું મન થાય કે નહિ..?
                                આ તો ઠીક, મગજમાં સતી તોરલનો એવો ભારે  વહેમ ભરાય ગયો કે, આખો દિવસ ‘પાપ તારું પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે’ ગાઈને મગજમાં હથોડા મારે છે બોલ્લો..!  જેસલ જાડેજા કરતાં પણ હું ખૂંખાર પાપી હોઉં, એમ મને સંભળાવે..! એક તો કંતાનના બારદાન જેવો  અવાજ, એમાં આપણા મગજમાં ઘૂમરી ખાતી કંઈ કેટલી ઐશ્વર્યા રાય, મગજ ખાલી કરીને હાંસિયામાં ધકેલાય જાય..! આજની પેઢીને કદાચ આ ભજન યાદ  હોય, પણ જેસલ જાડેજાની જીવન-ગ્રાફી યાદ ના હોય તો યાદ અપાવું. ..! જેસલ જાડેજો એટલે, કચ્છજી ધરતી જો કાળો નાગ..! જેનું નામ પડતાની સાથે જ વગર ટાઢે ટાઢિયો તાવ આવી જાય. ચમરબંધીના પણ ગળા સુકાવા માંડે એવો જોરાવર..! ૧૪ મી સદીની આસપાસ જેસલનો જનમ, કચ્છના દેદા વંશના રાજપૂત રાવજી જાડેજાના પુત્ર ચાંદોજી જાડેજાને ત્યાં થયેલો. લુંટફાટ અને કાળા કરમથી જેસલે એ પરગણામાં ધાક બેસાડી દીધેલી. પણ કહેવાય છે કે, કુંડળી ભલે ખરાબ હોય, પણ માનવીની મંડળી સારી હોવી જોઈએ. તો ચોકડી પણ સ્વસ્તિક બની જાય. સતી તોરલે એને પલમાં પીર બનાવી દીધો. તોરલ જેવી સતી આજે હોય તો, પોલીસો ને ખૂંખાર માનવીના વરઘોડા કાઢવાની નોબત ના આવે.!  જેસલ જાડેજાના જમાનામાં કુંભ, અર્ધકુંભ, પૂર્ણકુંભ કે મહાકુંભના શાહી સ્નાન થતા કે નહિ, એ તો જાણે મારો ભગો દાજી..! પણ ઈતિહાસ વિદોનું કહેવું છે કે, સતી તોરલ જેવી દૈવી શક્તિના કહેવાથી જેસલે જ્યારે મન મુકીને પાપ પ્રકાશ્યું, ને જગનો ચોરટો લુંટફાટ છોડી આદ્યાત્મના રવાડે ચઢી ગયેલો. હવે તમને થશે જ કે, આજે જેસલ-તોરલની ગાથા ગાવાની મને કેમ ઉપડી છે..?  સાચું કહું તો આ પણ પ્રયાગરાજના કુભમેળાનો પ્રતાપ છે. ભલભલાની કુમતિ સુમતિમાં પરિવર્તન પામી, એમ મારી પણ  મતિ ગતિ કરી ગઈ. એટલે કે, ફેરવાઈ ગઈ..! જેના કારણે  લેખના શીર્ષકમાં મેં ‘પ્રકાશ’ ને બદલે ‘પરકાશ’ લખીને શબ્દદોષ વહોર્યો છે. મને પણ ખબર છે કે, પરકાશ નહિ, ‘પ્રકાશ’ શબ્દ જ આવે. પણ લોક્બોલીને જીવંત રાખવાની મારી આ ઉઘાડી ચેષ્ટા છે. લાડબોલી બોલીએ તો, સામજિક પ્રાણી તો ઠીક જંગલી પ્રાણી પણ પોતીકા બની જાય, એવી મારી શ્રધ્ધા છે. જેમ શાહી સ્નાનનો મહિમા છે એમ, શાહી વાણી વર્તન વિચાર અને લોકબોલીનો પણ મહિમા મોટો છે. મારા મિત્ર ચમનને ‘ચમનીયો’ કહું તો જ મારા હૈયામાં હેતનો ઉભરો આવે. એમ ‘પ્રકાશ’ ને બદલે ‘પરકાશ’ બોલું કે ગાઉં તો જ ગળાને રેશમી ચાદર વીંટાળી હોય, એવી ટાઢક વળે..! જેથી Dowan થઇ રહેલું શેર બજાર પચાવી જાણો છે એમ, જાણીબુઝીને કરેલો મારો આ  ‘શબ્દદોષ’ પણ વેઠી લેજો ભૈસા’બ ..!

                             ૧૪૪ વર્ષ બાદ પ્રયાગરાજમાં મળી રહેલા મહાકુંભ મેળાનો શંખનાદ થઇ રહ્યો છે. જ્યાં ‘મારી માટી મારો દેશ’ ની વિભાવના હોય ત્યારે કયા હિન્દુને એના આનંદની હેડકી નહિ આવે..?  અઘોરીઓ, નાગાબાવાઓના દર્શન કરીને ધન્ય થવાનો અવસર એટલે પ્રયાગરાજનો કુંભમેળો..! આપણે તો એટલી જ કાળજી રાખવાની કે, આવા કુંભમેળા થાય ત્યારે પરણેલાઓને બહુ છંછેડવા નહિ, જો કુંભમેળામાં ભરતી થઇ ગયા તો બાવાના બેઉ બગડે..! ભીખમંગુ બાવા બની જાય તો પણ પેઢીની પથારી ફેરવી નાંખે..! આમ જુઓ તો પરણેલાઓ માટે તો સાસરું પણ કુંભમેળાથી ઓછું નહિ. શાહી સ્નાન તો ત્યાં પણ મળી રહે..! જેનાં હાડકે પીઠી લાગી નથી એના માટે પ્રશ્ન ખરો..! પણ ‘દીવ-દમણ અને આબુ અને ચોથું ઘરનું ધાબુ, એ જ એમના મેળા હોય, એ ક્યાં  નથી અમે જાણતા?  કદાચ પાપ ધોવાવાને બદલે નવા ભરાય, પણ બંદા રંગાખુશ તો છે ને..? ચમનીયાની વાત કરું તો એ એવો પાક્કો ગુજરાતી કે,  કુંભમેળામાં જઈને, ગંગા નદીના તટ ઉપર પિછોડી પાથરીને અલખ નિરંજન બોલી બેસી ગયો. મને કહે, “રમેશિયા કરોડો ટોળામાથી કોઈ એક-એક રૂપિયો પીછોડીમાં નાંખશે તો પણ આપણે કરોડપતિ થઇ જવાના.! કેવો ભેજાબાજ..? એના કપાળમાં કાંદા ફોડું..! આવા ને મોંઘવારી નડે..?   

 

                                      લાસ્ટ બોલ

                          નહાવા માટેના બે જ સ્થાળ વિખ્યાત, એક કુંભમેળો, બીજું શેર બજાર..! કુંભમેળામાં ડૂબકી લગાવો તો પાપ અને કુકર્મોની સાફ સફાઈ થાય. અને શેરબજારમાં ડૂબકી લગાઓ એટલે તિજોરી અને બેંક એકાઉન્ટની સાફ સફાઈ થાય..!.

એના કપાળમાં કાંડા ફોડું..!

-----------------------------------------------------------------------------------------------------------------------------