Hasya Manjan - 20 in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય મંજન - 20 - ઘાયલની ગત ઘાયલ જાણે

Featured Books
Categories
Share

હાસ્ય મંજન - 20 - ઘાયલની ગત ઘાયલ જાણે

ઘાયલની ગત ઘાયલ જાણે...!

                    

                            

                           જોયું ને, હસાવવા માટે કેવા કેવા વલખા મારવાના..?  અમને પણ આવા જ મસાલા ફાવે, રસોડાવાળા નહિ..! લોકોના ચહેરા  હસતા રહે એ જ અમારી ચાર ધામની યાત્રા ને ગંગાસ્નાનની ડૂબકી..! ભારતનો રૂપિયો જ તળિયે નથી બેઠો, હાસ્યના પણ સુપડા સાફ થતા ચાલ્યા. લોકો હાસ્યની ફીક્ષ ડીપોઝીટ અને ટેન્શનને કરંટ ખાતામાં રાખે. પછી હોઠ ઉપર હાસ્ય ક્યાંથી વસવાટ કરે..? ઘાયલની ગત ઘાયલ જાણે..! સઘળે ખોટાનો જ જમાનો ચાલતો હોય એમ, ખોટે ખોટું હસવાનો ધંધો પણ ધમધોકાર, પણ અંત:કરણથી હસવામાં સાવ  દુકાળ..! ગમે એટલી હાસ્ય-ચાલીસાનું પઠન કરો, બેકાર..! માણસ ‘લાફ્વા’ વગરનો કોરોધાકડ જ રહે. કુંભમેળાવાળા  IIT બાબા જેવું પણ નહિ લાફે..! અમુક તો એવા અડીયલ કે,  ભગવાને ધક્કો મારીને પૃથ્વી ઉપર ફેંક્યા હોય એમ, હોઠ ખેંચવામાં પોતે ખેંચાય જાય. કદાચ એ પણ નહિ જાણતો હોય કે, હસવાની ‘સ્વીચ’ હોઠ ઉપર આવેલી છે..! એને ઘાયલ જ કહેવાય..! આ તો ફેબ્રુઆરી બેઠો એટલે યાદ આવ્યું કે, ફેબ્રુઆરી એટલે. ભરચક love daysનો પ્રેમહિનો..! એમાં ફાવ્યો તે ફાવ્યો, નહિ તો છોલે ભગો દાજી..! ફાવવા કરતાં ઘાયલ વધારે થાય. ઘણા પાસ થશે, તો કેટલાક નાસીપાસ થવાના..! હરિ ઈચ્છા બળવાન છે..! જે નાસીપાસ થઈને ઝાડે લટકી જાય છે, એમને એટલું જ કહેવાનું કે, ગામમાં ખાંભી થવાની નથી, માટે સખણા રહેવું..! કુંભમેળો ચાલુ જ છે. IIT વાળા નહિ તો, મેટ્રિક ફેઈલ બાબા પણ થવાય. તંઈઈઈઈ..?
                     પેટ છૂટી વાત કરું તો,  હાસ્ય લેખકો હોય કે, કલાકારો, હવાડામાં જ હાસ્ય ના હોય તો,  હોઠ ઉપર આવવાનું નથી. હસવાથી જજેલા પડતા હોય એમ જે આભડછેટ જ રાખે, એ પોતાનો તણાવ તો દુર નહિ  કરે, બલકે આપણો તણાવ વધારે..! ભલે ને  એનું નામ હસમુખ-હસુભાઈ-હર્ષિત કે સ્મિતકુમાર હોય, કોઈ ફરક નહિ પડતા..! સમર્થ હાસ્ય લેખકોએ તો (મારા સિવાય) ઊંઘમાં પણ બરાડા પાડવાનું છોડી દીધું કે,  ‘ભાઈ હસને, હસે તેનું ખસતું નથી પણ, ઘર વસશે..!  દરરોજ ૩૦ મિનીટ હસવાથી ૩૦ વર્ષ વધી જશે બૂચા..! પણ દાંત કાઢે તો કાનમાં વીંછુ ભરાય જતો હોય એમ જીવે..! આવા કડવી કારેલાના વેલ જેવા કડવીદાસોને ‘લાફ્વા’ માટે પરસેવો પાડવો પડે દાદૂ..! અમારી પણ મર્યાદા હોય ને બાપૂ..! રેંટીયા સાથે ફોટો પડાવવાથી ગાંધીજી થવાતું નથી, ને ભેંસનું ફેસિયલ કરવાથી ભેંસ Miss India બનવાની નથી, એવું અમારે પણ સ્વીકારી લેવું પડે. એ તો  અમારા ઘાવ અમે દેખાડતા નથી એટલે, બાકી અમે પણ ઘાયલ જ છે..! સંસારી બાવા છે યાર..! અમારી વેદના આગળ તો અર્જુનનો વિષાદ પણ વામણો લાગે..! એના કપાળમાં કાંદા ફોડું, એમાંથી અમારે હાસ્યનો ફૂવ્વારો કાઢવાનો બોલ્લો..! ઘાયલની ગત ઘાયલ જાણે..!

                    અમે ભણતા ત્યારે શિક્ષક કહેતા કે, “લાંબા સાથે ટૂંકો ચાલે તો, મરે નહિ તો માંદો પડે..!” આ કહેવત ત્યારે નહિ સમજાયેલી, પછી સમજાય કે, કેલેન્ડરના દરેક મહિના લાંબા, ને ટૂંકામાં ટૂંકો મહિનો એટલે ફેબ્રુઆરી..! વધી વધીને ચાર વરસે ૨૯ દહાડાનો થાય, ત્યાં સુધી ૨૮ દિવસમાં જ રમતો હોય ..! ભલે અધૂરા માસે અવતરેલા જેવો લાગે, છતાં કોઈ બળાપો નહિ કે ઉકળાટ નહિ..! જિસકા કોઈ નહિ ઉસકા તો ખુદા હૈ યારોની માફક, જોવાની વાત એ છે કે, આખી વસંત ઋતુને ગજવે ભરીને જલસા કરે..! એવો Romanic મહિનો કે, lovely days નાં બધા મેળાઓ, આ મહિનાના  ખોળામાં જ ભરાય. આ મહિનામાં પાગલ કે ઘાયલ થયેલાને બેઠો કરવામાં ભગવાનને પરસેવો વળી જાય..! હું પણ આ જ મહિનામાં ઘાયલ થયેલો. ત્યારથી આજે પણ ઉકરડે બેસીને, મહાન ગાયક મુકેશના દર્દીલા ગીતો લલકારું છું..! કારણ કે, આ મહિનામાં જ હાડકે પીઠી લાગેલી. બાપાએ કહેલું એટલે પરણેલો..! આપણે કંઈ IIT બાબા અભયસિંહ થોડા છે કે, ભણેલા ગણેલા થઈને એટલું નહિ સમજીએ કે, પૃથ્વીને ભરેલી રાખવાની જવાબદારી આપણી છે..!

                                 અજાયબ મહિનો એટલે ફેબ્રુઆરી..! નાનું કુટુંબ સુખી કુટુંબ” જેવો. ભલે બે નંબરનો કહેવાય. પણ કુંભમેળામાં માળા વેચતી મોનાલીસા જેમ, બોલીવુડમાં આવતા ‘કલર’ પકડવા માંડી એમ, ફેબ્રુઆરી મહિનો પણ ધીરે ધીરે કલર પકડવા માંડ્યો. બાકી અમારા જમાનામાં તો સાવ BLACK & WHITE જેવો રહેતો. ફાફડા ભજીયામાં પ્રેમના ખેલ પતી જતા. નહિ રોમેન્ટિક કે નહિ એન્ટીક..! પ્રેમના લફરામાં  અમને  ‘સેપ્ટિક’ થવાનો ડર લાગતો.  LOVE LINE વાળું ફાવતું જ નહિ. છોકરી જોવાની ગમતી ખરી, પણ ખમીશના કોલર ચાવતા ચાવતા જોતા. બાપાનો ધાક જ એટલો કે, ખિસ્સામાં ડર રાખીને જ ફરતા. ગામનો એકેક ‘રતનજી’ પોલીસ પટેલ જેવો લાગતો..! ભૂલમાં પણ આજના જેવું કરવા ગયા તો,  બાપા વોશરૂમ  સુધી પણ જવાની તક નહિ આપતા..! ઓટલા ઉપર જ ભીન્નાઈ જતા..!
                                એના કપાળમાં કાંદા ફોડું, બારમું-તેરમું તો મર્યા પછી એક જ વખત આવે, પણ ફેબ્રુઆરીમાં  પ્રેમના  DAYS એટલાં બધાં આવે કે, મને  સ્વ. સુરેશ દલાલસાહેબની પંક્તિ યાદ આવી જાય કે.....

                      ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું. હવે હાથમાં તું મેંદી મૂકાવ

                       કો’કના લગનમાં જઈએ તો લાગે કે, આપણો પણ કેવો લગાવ

                                મજનુ પણ ફ્જલુ બની જાય એમ,  ફ્રેન્ડશીપ ડે, કોમ્પ્લીમેન્ટ્સ ડે, રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડીબેર ડે, પ્રોમિસ ડે, કિસ ડે, હગ ડે, વેલેન્ટાઈન ડે, સ્લેપ ડે, કિક ડે. પરફ્યુમ ડે, ફલર્ટ ડે, કન્ફેશન ડે, મિસિંગ ડે. વગેરે વગરે..! માત્ર કાનમાંથી મેલ કાઢવાનો  જ DAY નહિ આવે, બોલ્લો..!  એના કપાળમાં કાંદા ફોડું...! 
                               લાસ્ટ બોલ

પપ્પા ગણિતમાં મારા, ૯૦ માર્ક્સ આવ્યા. પેંડા વહેંચો....!

સાચું બોલ નવડાની પાછળ મીંડું ઉમેર્યું છે ને..?

ના પપ્પા..!

સાચું બોલ. હું તને સારી રીતે ઓળખું. કેમ કે તું મારો દીકરો છે..!

એટલે તમે પણ આવું જ કરતાં કે ..?

ચુઉઉઉપ .! તારી મમ્મી સાંભળશે..!  સાચું બોલ...!

 મેં તો મીંડાની આગળ નવડો ઉમેર્યો...!

તારા કપાળમાં કાંદા ફોડું..!  

------------------------------------------------------------------------------------------------------------------------------------------

 

 
 

Reply

Reply all
 or 
Forward